યુકેમાં ‘સદીવીર’ની સંખ્યા વધી રહી છે!

Tuesday 19th September 2023 12:30 EDT
 
 

નવા સેન્સસ અનુસાર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં હજારો ‘સદીવીર’ સારું આરોગ્યમય જીવન વીતાવી રહ્યા છે. 2021ના સેન્સસ મુજબ 13,924 લોકો (11,288 સ્ત્રી અને 2,636પુરુષ) 100 અથવા તેથી વધુ વર્ષની વય ધરાવે છે અને તેમાંથી લગભગ25 ટકાએ મની તંદુરસ્તી સારી હોવાનું જણાવ્યું હતું. જોકે, સ્ત્રીઓની સરખામણીએ શતક પાર કરનારા પુરુષોની સંખ્યા ઓછી છે પરંતુ, જેમણે આ માઈલસ્ટોન પાર કર્યો છે તેઓ સ્ત્રીઓની સરખામણીએ કોઈ ડિસેબિલિટી ધરાવતા નથી. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના જણાવ્યા અનુસાર ગત સદી દરમિયાન શતકવીરોની સંખ્યામાં અભૂતપૂર્વ 127 ગણો ઉછાળો આવ્યો છે. 100થી વધુ વર્ષ પાર કરનારા વયોવૃદ્ધોની સંખ્યા વધી રહી છે ત્યારે સરકારે તેમના માટે વધુ સારી સ્ટ્રેટેજી ઘડવી જોઈએ તેવી માગણી અને લાગણી પણ વધી છે.

સ્ત્રી સદીવીરની સંખ્યા વધુ હોવાનું કારણ એ છે કે તેમનાં અપેક્ષિત આયુષ્યમાં વધારો થયો છે અને સરેરાશ પુરુષો તેમનાથી નાની વયની સ્ત્રીઓ સાથે લગ્ન કરતા હોય છે. નોંધપાત્ર બાબત એ છે કે પાંચમાંથી બે (40 ટકા) શતકવીર એકલા રહેતા હોય છે, આટલી જ સંખ્યા (40 ટકા) કેર હોમ્સમાં અને બાકીના એક (20 ટકા) ખાનગી પરિવારમાં અન્ય લોકો સાથે રહે છે. શતકવીરોની સામાન્ય વય 100થી 110 વર્ષની વચ્ચે હોય છે જ્યારે 90 ટકાથી વધુ સદીવીરની વય 100થી 103 વર્ષની હોવાનું સેન્સસમાં જણાયું હતું. ઈંગ્લેન્ડના દક્ષિણતટે પ્રતિ 100,000 લોકોએ સદીવીરની સૌથી વધુ સંખ્યા છે જેમાં, ઈસ્ટ ડેવોન (64 પ્રતિ 100,000 ), વેસ્ટ સસેક્સના અરુન (59 પ્રતિ 100,000) અને ન્યુ ફોરેસ્ટ (57 પ્રતિ 100,000)નો સમાવેશ થાય છે.

બોલો.... ડાયનોસોરનું અસ્થિપિંજર ખરીદવું છે?

જુરાસિક પાર્ક અને તેની સિક્વલ ફિલ્મોએ ભારે ધૂમ મચાવી હતી અને નામઃશેષ થઈ ગયેલા આશરે 20 બિલિયન વર્ષ અગાઉ અતિ પુરાતનકાળના પ્રાણીઓ વિશે લોકોને જાણકારી પણ આપી હતી. જુરાસિક કાલખંડના 7 ફૂટની ઊંચાઈ અને 16 ફૂટ લંબાઈના ડાયનોસોર કેમ્પ્ટોસૌરસ (Camptosaurus)નું લગભગ આખું કહેવાય તેવું અસ્થિપિંજર ઓક્ટોબર મહિનાની મધ્યમાં પેરિસ ખાતે હરાજીમાં મૂકાઈ રહ્યું છે જેની એક મિલિયન પાઉન્ડની કિંમત ઉપજે તેવી સંભાવના છે.આપણી પૃથ્વી પર આશરે 150 મિલિયન વર્ષ પહેલા થઈ ગયેલાં કેમ્પ્ટોસૌરસનું અસ્થિપિંજર યુએસના વ્યોમિંગ રાજ્યમાં 1990ના દાયકામાં પેલિઓન્ટોલોજિસ્ટ (જીવાશ્મવિજ્ઞાની) બેરી જેમ્સ સહિતના વિજ્ઞાનીઓએ શોધ્યું હતું અને તેને બેરીનું નામ અપાયું હતું. તાજેતરના વર્ષોમાં સરેરાશ વાર્ષિક બે ડાયનોસોર અસ્થિપિંજરના હિસાબે હરાજીમાં વેચાયા હતા. સ્ટાન નામના ડાયનોસોર ટાયરેનોસૌરસ રેક્સ (Tyrannosaurus rex) ના અસ્થિપિંજરની 2020માં ન્યૂ યોર્ક ખાતે ક્રિસ્ટી દ્વારા હરાજી કરાઈ હતી જેની વિક્રમી કિંમત 31.8 મિલિયન ડોલર ઉપજી હતી. આ વર્ષે એપ્રિલમાં ટી.રેક્સ 293 ટ્રિનિટીનું વેચાણ ઝ્યુરિચ ખાતે 6.2 મિલિયન ડોલરમાં થયું હતું.

• હાલરડાંથી નવજાત શિશુની પીડા ઘટે

મોઝાર્ટના સંગીત અને ગીતોની ચમત્કારી અસરો વિશે દાયકાઓથી સંશોધનો થતાં રહ્યા છે જેમાં સંગીતથી ગાયને વધુ દૂધ આપવામાં મદદ મળે છે તેનો પણ સમાવેશ થાય છે. આપણે ત્યાં નાનું બાળક રોતું હોય તો તેને શાંત રાખવા અને સુવાડી દેવા હાલરડાં ગાવામાં આવે છે. તેની માફક જ હવે સંશોધકોએ વારંવાર રોયા કરતાં બાળકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને છેલ્લાં તારણો અનુસાર મોઝાર્ટના હાલરડાંથી નવજાત બાળકોને બ્લડ ટેસ્ટની સોયની પીડાને ઓછી કરવામાં મદદ મળે છે. ‘પીડીઆટ્રિક રિસર્ચ’માં પ્રકાશિત અભ્યાસ મુજબ સંશોધકોએ ન્યૂ યોર્કના લિંકન મેડિકલ એન્ડ મેન્ટલ હેલ્થ સેન્ટરમાં એપ્રિલ 2019થી ફેબ્રુઆરી 2020 સુધીના ગાળામાં ઘોંઘાટને નાબૂદ કરતા હેડફોન્સ પહેરી કમળો-જોન્ડિસ એને ફેનિલકેટોનુરિયા (phenylketonuria) જેવી કંડિશન્સમાં રોજિંદી તપાસના ભાગરૂપે બે દિવસના બાળકને લોહીની તપાસ માટે સોય ઘોંચવામાં આવે તે પહેલા, દરમિયાન અને પછી 100 બાળકોમાં પીડાના સ્તરનું મૂલ્યાંકન કર્યું હતું. બાળકોના ચહેરાના હાવભાવ, રોવાના પ્રમાણ, શ્વાસોચ્છવાસની પેટર્ન્સ, અંગોના હલનચલન અને જાગ્રતતાના સ્તર અનુસાર પેઈન લેવલ્સ માપવામાં આવ્યા હતા. 54 નવજાત શિશુએ લોહીની તપાસની કામગીરીમાં 20 મિનિટ સુધી મોઝાર્ટના હાલરડાં સાંભળ્યા હતાં જ્યારે બાકીનાને આ હાલરડાં સંભળાવાયાં ન હતાં. હાલરડાં સાંભળનાર નવજાત શિશુઓનો પેઈન સ્કોર ઘણો નીચો રહ્યો હતો.

• સફળતાનો વધુપડતો આશાવાદ નાદારી પણ નોંતરી શકે

આપણામાં કહેવત છે કે ‘સફળતા તેને જઈ વરે જે પરસેવે નહાય’ પરંતુ, આજકાલ તો આપણે બ્રહ્માંડમાંથી સફળતાને આકર્ષિત કરી શકીએ છીએ છીએ તેવા લોકપ્રિય આઈડિયાનો વાવર ફેલાયો છે. જોકે, સફળતા આવી રીતે આકર્ષાતી નથી. સફળતા માટે પરિશ્રમ કરવો પડે છે. જેઓ આવા આઈડિયામાં રચ્યાપચ્યા રહેવામાં માનતા હોય તેમને નાદારી નોંધાવી પડે તેવું જોખમ વધુ હોવાનું એક અભ્યાસમાં સ્પષ્ટ થયું છે. યુનિવર્સિટી ઓફ ક્વીન્સલેન્ડના લુકાસ ડિક્શન કહે છે કે ઘણા લોકો સ્વપ્ન સાકાર થઈ ગયું હોય તેવા પોઝિટિવ વિચાર કરે છે તે તો પાતાની જાતને જ ચેક લખવાનું અને યુનિવર્સ તેને સાકાર કરવા તમારી વહારે આવી જશે માનવા જેવું છે. પોઝિટિવ વિચાર સારી બાબત છે પરંતુ, પોતે સફળ થશે જ તેવો વધુપડતો આશાવાદ ઘણી વખત નાદારીના જોખમ તરફ લઈ જાય છે. આને તમે શેખચલ્લીના સ્વપ્ના પણ કહી શકો છો. સંશોધકોએ 375 લોકોને સ્વપ્નની સફળતાની ધારણાને પોઝિટિવિટીનો રંગ આપવામાં માનનારાઓની નાણાકીય સ્થિતિનું માપ કાઢ્યું હતું. જે લોકોની માન્યતા ઊંચી હતી તેમાંથી 40 ટકા નાદારી અનુભવે તેવી અને આશરે 30 ટકા શેર્સમાં નહિ પરંતુ, ક્રિપ્ટોકરન્સીમાં ઈન્વેસ્ટમેન્ટ કરે તેવી શક્યતા વધુ જણાઈ હતી.

• ઈંગ્લેન્ડના પૂર્વ રગ્બી કોચ એડી જોન્સને ખણખોદની ટેવ?

ડેની સિપ્રિઆનીના દાવા અનુસાર ઈંગ્લેન્ડનો પૂર્વ રગ્બી કોચ એડી જોન્સને અંગત દખલગીરી કરે તેવા પ્રશ્નો પૂછી ખણખોદ કરવાની ખરાબ આદત છે. ઈંગ્લેન્ડની છાવણીના ડિનરમાં એડી જોન્સ અને ડેની સાથે બેઠા હતા ત્યારે જોન્સે કામોત્તેજિત ટીનેજરની માફક ડેનીની પૂર્વ ગર્લફ્રેન્ડ તેમજ બ્રોડકાસ્ટર અને મોડેલ કિર્સ્ટી ગાલાચેર વિશે અશિષ્ટ અને સેક્સ્યુઅલ પ્રશ્નો કરી ડેનીને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધો હોવાનું કહેવાય છે. ઈંગ્લેન્ડ માટે 16 વખત ફૂટબોલ રમી ચુકેલા ડેની સિપ્રિઆનીનું તેની આત્મકથા ‘વ્હુ એમ આઈ?’માં કહેવું છે કે એડી જોન્સ 2015માં ઈંગ્લેન્ડનો રગ્બી કોચ નિયુક્ત કરાયો ત્યારે તેને ભારે આશા હતી. જોકે, જોન્સ સાથે પ્રથમ મુલાકાત અને તે પછી 2016માં જોન્સની પ્રથમ સિક્સ નેશન્સ સ્ક્વોડમાંથી તેને બાકાત રખાયા પછી ડેની તેનો ટીકાકાર બની ગયો હતો. ગયા વર્ષ સુધી ઈંગ્લેન્ડનું કોચિંગ કરનારા જોન્સ હવે ઓસ્ટ્રેલિયાની ટીમની દેખરેખ રાખે છે.

• શુદ્ધ નાઈટ્રોજનથી ‘શાંતિપૂર્ણ’ મૃત્યુદંડ અપાશે

બળાત્કાર અને હત્યા જેવા અત્યંત ઘૃણાસ્પદ અપરાધો માટે ગુનેગારને મૃત્યુદંડની સજા ફરમાવાય છે પરંતુ, અપરાધી માટે મૃત્યુ વધુ કષ્ટદાયી ન બની રહે તેવો પણ વિચાર કરાતો રહે છે. આમ તો, ઈલેક્ટ્રિક ચેર, વિષાક્ત ઈન્જેક્શન અને ફાંસીના ગાળિયા સહિત અનેક રીતે મૃત્યુદંડ અપાય છે ત્યારે યુએસના અલબામા રાજ્યમાં અપરાધીને શુદ્ધ નાઈટ્રોજન વાયુના ઉપયોગથી મોત અપાય તેવી ગંભીર વિચારણા ચાલી રહી છે. હવાઈ ઉડ્ડયનમાં અતિશય ઊંચાઈએ ગયેલા પાઈલોટ્સને ઓક્સિજનના અભાવે બેભાન થઈ જવાની ઘટનાઓના વર્ણનથી પ્રેરાઈને શુદ્ધ નાઈટ્રોજન વાયુના ઉપયોગની અત્યાર સુધી પરીક્ષણ નહિ કરાયેલી પદ્ધતિનો સૌપ્રથમ અમલ 58 વર્ષીય હત્યારા કેનેથ યુજિન સ્મિથ પર કરવામાં આવે તેવી શક્યતા છે. ‘નાઈટ્રોજન હાયપોક્સિઆ’ ના કારણે અપરાધીને ઓક્સિજન મળતો બંધ થઈ જાય અને તેનું શાંતિપૂર્ણ મોત થાય તેવા દાવાને ઘણા નિષ્ણાતોએ વાહિયાત કે તથ્યહીન ગણાવ્યો છે. કાયદાના પ્રોફેસર માઈકલ કોપલેન્ડ દ્વારા લીથલ ઈન્જેક્શનના વિકલ્પે શુદ્ધ નાઈટ્રોજનના ઉપયોગની સૌપ્રથમ સૂચવાયેલી પદ્ધતિને અલબામા, મિસિસિપી અને ઓક્લોહામા રાજ્યોમાં સત્તાવાર અનુમોદન અપાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter