કચરાનિકાલના વહીવટમાં તો ડિમેન્શિયા પણ દૂર થઈ જાય!

Tuesday 28th November 2023 04:14 EST
 
 

શહેરની શેરીઓ ગંદી દેખાતી હોય અને કચરાને અલગ પાડવાનું ત્રાસજનક હોવાં છતાં, બ્રિસ્ટોલ એક માત્ર શહેર છે જ્યાંનો 46 ટકા રીસાઈકલિંગ દર સરેરાશથી પણ વધુ છે. બ્રિસ્ટોલના ક્લીફ્ટન વિસ્તારમાં દર ગુરુવારે મકાનોની બહાર અસંખ્ય બિન્સ, બેગ્સ અને બોક્સીસની લાંબી લાઈનો જોવા મળે છે. આ વિસ્તારના રહેવાસીઓ તેમના ઘરમાંથી કચરાનું વર્ગીકરણ કરી સામાન્ય, પ્લાસ્ટિક અને મેટલ, કાર્ડબોર્ડ, પેપર અને ગ્લાસ, ખાદ્ય અને બગીચાના કચરા ઉપરાંત, કપડાં, બેટરી, પગરખાં, સહિત કુલ 13 પ્રકારે અલગ કરીને બહાર ગોઠવે છે. દેશની અન્ય કોઈ કાઉન્સિલની સરખામણીએ બ્રિસ્ટોલમાં કચરાનો સફાઈદાર નિકાલ એવી રીતે કરાય છે કે કદાચ લોકોનો માનસિક તણાવ વધી જાય અથવા તો ડિમેન્શિયા પણ દૂર થઈ જાય! લોકોએ આ બધુ ફરજિયાત યાદ રાખવું પડે છે. જો ભૂલથી પણ કચરાની એકબીજામાં ભેળસેળ થઈ ગઈ હોય તો સફાઈ કામદાર કચરાને લઈ જતા નથી અને વધુ એક સપ્તાહ સુધી કચરાની દુર્ગંધ સહન કરવી પડે છે. વિશ્વમાં કચરાના રીસાઈકલિંગનો દર જર્મનીમાં સૌથી વધુ 69 ટકા છે જ્યારે યુકેમાં આ દર 44.1 ટકાનો છે. યુકેના કાઉન્સિલો આ કચરામાંથી કમાણી પણ કરે છે.

બિઝનેસમાં તો વાગ્યું તો તીર, નહિ તો તુક્કો!

લોસ એન્જલસની નાઈટ ક્લબમાં નસીબ ભાખવાનું પાર્ટટાઈમ કામ કરનારાએ યુકેના ઈસ્ટ લંડનમાં ઉછરેલી એન્ના રિચેને ભવિષ્યવાણી કરતા કહ્યું કે, ‘જા બચ્ચી, તેરા બિઝનેસ શુરુ હો જાયેગા’ ત્યારે એન્ના માની શકી નહિ કારણકે તેણે કદી બિઝનેસ કરવાનો વિચાર સુદ્ધાં કર્યો ન હતો. જોકે, ભવિષ્યવેત્તાની વાણી ખોટી પડી નથી. આજે 44 વર્ષીય એન્ના 2007થી તેની બિઝનેસ પાર્ટનર એલ્લા ઓવારોવા સાથે ઈંડાની સફેદીનું ધમધોકાર વેચાણ કરતી ‘Two Chicks-ટુ ચિક્સ’ કંપની ચલાવે છે. જોકે, તેમણે મહેનત પણ ઓછી કરી નથી. ગયા વર્ષે તેની પ્રોડક્ટ્સનું વેચાણ 3.5 મિલિયન પાઉન્ડનું હતું. યુએસમાં તો ઓછી ચરબી અને ઓછાં કોલેસ્ટરોલ સાથે ઈંડાની સફેદી લોકપ્રિય આઈટમ છે પરંતુ, યુકેમાં આવું કોઈ ઉત્પાદન નથી. ‘ટુ ચિક્સ’ના ઉત્પાદનોથી એસ્ડા, ટેસ્કો અને સેઈન્સબરીઝ સહિતના સુપરમાર્કેટ્સની અભરાઈઓ ભરેલી રહે છે. તાજેતરમાં એન્ના અને ઓવારોલાએ નેટવર્કિંગ ગ્રૂપ ‘ફ્યુચર ફીમેલ એન્ટ્રેપ્રીન્યોર’ શરૂ કરી ટુ ચિક્સના મુખ્ય નિકાસ બજાર દુબઈ અને લંડનમાં ઈવેન્ટ્સ પણ યોજ્યાં છે.

બ્રિટિશ મહિલાઓને વધુ બાળકો જોઈએ છે

બાળકો કોને પ્યારા ન હોય, તે તો પ્રભુના પયગમ્બર જ કહેવાય છે.બ્ર્ટિશ મહિલાઓને તેમના હાજર બાળકોમાં એકની ખોટ હંમેશા સાલે છે એટલે કે તેમને ઓછામાં ઓછું એક બાળક વધારે હોવું જોઈએ તેમ લાગે છે. કન્ઝર્વેટિવ સાંસદ મિરિયમ કેટ્સ દ્વારા ન્યૂ સોશિયલ કોવનન્ટ યુનિટ (NSCU) થિન્ક ટેન્ક માટે 18-35 વયજૂથની 1,502 મહિલાના કરાવાયેલા સર્વેના તારણ કહે છે કે સરેરાશ સ્ત્રીઓને 2.35 બાળક હોય તેવી ઈચ્છા હતી. જોકે, આ બાબત ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા ઈંગ્લેન્ડ અને વેલ્સ માટે 2021માં રિપોર્ટ કરાયેલા ફર્ટિલિટી દરથી અલગ છે જે તમામ વયજૂથો માટે 1.55 બાળકનો હતો. સર્વે હેઠળની બહુમતી મહિલાઓને હાલ કોઈ બાળક ન હતું. 18થી 24 વયજૂથની 88 ટકા અને 25થી 35 વયજૂથની 49 ટકા સ્ત્રીઓ સંતાનવિહોણી હોવાં છતાં આ વયજૂથોમાં અનુક્રમે 13 ટકા અને 12 ટકા મહિલાએ કહ્યું હતું કે તેમને બાળકની કોઈ ઈચ્છા નથી. 18થી 24 વયજૂથ વર્ગની સરેરાશ મહિલાએ 2.25 બાળકની અને 25થી 35 વયજૂથની સરેરાશ મહિલાએ 2.41 બાળક હોવાની ઈચ્છા પ્રદર્શિત કરી હતી. સર્વેમાં એમ પણ જણાયું હતું કે મહિલાઓ માટે મુખ્ય ચિંતા એ હતી કે પરિવાર બનાવતી વખતે કે તેને વધારવાનું વિચારતાં પહેલા બાળસંભાળ અને હાઉસિંગના ખર્ચા તેમજ આર્થિક મુશ્કેલીઓનું નિરાકરણ લાવી શકાય તેની હોય છે. આનાથી વિપરિત, ઘણી ઓછી મહિલાએ બાળકોનાં કારણે કારકિર્દીને નુકસાન થવા વિશે ભય દર્શાવ્યો હતો.

ટાવર બ્રિજ પરના ડોલ્ફિન શિલ્પમાં નગ્ન યુવતી કોણ?

દર રોજ 40,000 લોકો લંડનના ટાવર બ્રિજ પરથી પસાર થાય છે ત્યારે ઘણા ઓછાંની નજર થોડે જ દૂર આવેલા ડોલ્ફિન અને નગ્ન યુવતીના શિલ્પ પર જાય છે અને નજર હોય તો પણ તે યુવતી એક સમયની યુએસ અને ઓસ્ટ્રેલિયન ઓપન્સની પ્રખ્યાત ટેનિસ ખેલાડી અને વિમ્બલ્ડન વિજેતા બ્રિટિશર વર્જિનિયા વેડ હોવાનું ભાગ્યે જ ઓળખી શકે છે. થેમ્સ નદીના કિનારે ટાવર બ્રિજ પાસે 17 ફૂટ ઊંચાઈના ફાઉન્ટેઈન ગર્લ વિથ ડોલ્ફિન શિલ્પ 1973માં ખુલ્લું મૂકાયું ત્યારે આ શિલ્પની મોડેલની ઓળખ ગુપ્ત રખાઈ હતી. તેની તખ્તીમાં પણ બ્રોન્ઝ શિલ્પનું નિર્માણ બ્રિટિશ શિલ્પકાર ડેવિડ વીન્ને દ્વારા કરાયું હોવાનો જ ઉલ્લેખ છે. ડેવિડ વીન્નેને મૌલિકતાની સાથોસાથ ડોલ્ફિન્સ અને ટેનિસ રમવાનો ભારે પ્રેમ હતો. તેણે એનાબેલ ક્રોફ્ટ અને વર્જિનિયા વેડ સાથે ટેનિસની રમત રમી હતી. આ સમયે તેણે વર્જિનિયાને ડોલ્ફિન સાથેના શિલ્પમાં રસ હોવા વિશે પૂછ્યું હતું. ટેનિસ ખેલાડીની ઓળખ છતી ના થાય તે માટે તેના ચહેરાને સ્પષ્ટ દર્શાવાયો ન હતો. આટલા વર્ષોની ગુપ્તતા પછી હવે 78 વર્ષની વર્જિનિયાએ ઘટસ્ફોટ કર્યો છે કે ડોલ્ફિન સાથેની નગ્ન યુવતી તે ખુદ છે. વર્જિનિયા કહે છે કે તે જ્યારે પણ આ શિલ્પ પાસેથી પસાર થાય છે ત્યારે તેના ચહેરા પર સ્મિત છવાઈ જાય છે. થેમ્સ નદી પર ચેલ્સી નજીક ‘બોય વિથ ડોલ્ફિન’ શિલ્પમાં બાળકના મોડેલ તરીકે તેના પુત્ર રોલીનો ઉપયોગ કરાયો હતો. શિલ્પકાર વીન્નેનું 88 વર્ષની વયે 2014માં અવસાન થયું હતું.

કોળાંના મસાલેદાર પીણાએ સ્ટારબક્સને નફો કરાવ્યો

પમ્પકિન એટલે કે કોળું નોર્થ અમેરિકાની વૈશ્વિક સ્ટારબક્સ કોફીહાઉસ ચેઈન માટે સોનાની ખાણ પુરવાર થયું છે. કોળાંના મસાલેદાર પીણાં અને આવા જ અન્ય પીણાંનું વેચાણ એટલું જોરદાર વધ્યું છે કે વાર્ષિક નફો અનેકગણો વધવાની આગાહી પણ કરી દેવાઈ છે. સ્ટારબક્સ ચેઈને કોળાની મલાઈ અને મસાલેદાર ચા સહિત નવી વાનગીઓ તેના મેનુંમાં ઉમેરી છે જેના પરિણામે કંપનીના નાણાવર્ષના ઓક્ટોબર સુધીના પ્રથમ ક્વાર્ટરમાં સ્ટોર સેલ્સમાં 8 ટકાનો વધારો જોવા મળ્યો હતો. કોળાંના મસાલેદાર પીણાં લોન્ચ કરાયા તે દિવસે જ સ્ટોર્સના મુલાકાતીઓ 20 ટકાનો વધારો નોંધાયો હતો. યુએસ રેસ્ટોરાં ઈન્ડસ્ટ્રી સમગ્રતયા મંદીનો સામનો કરી રહી છે ત્યારે સવારની કોફીને વધુ મહત્ત્વ આપતા યુવાન અને વધુ પૈસાપાત્ર ગ્રાહકવર્ગથી કોફી ચેઈનને વધુ લાભ થયો છે.

ખજાનાની શોધમાં છો.... તો ઈસ્ટ એંગ્લીઆ પહોંચી જાઓ!

જો કેન્ટને ઈંગ્લેન્ડનો બગીચો કહેવાતો હોય તો નોરફોકને તેનો ખજાના સંગ્રહ કહી જ શકાય! બ્રિટનમાં ખજાનાની શોધના વાર્ષિક આંકડા જાહેર કરાયા તેમાં આ કાઉન્ટીને ખજાનાશોધકોની અવિવાદિત રાજધાની ગણવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ફોર ડિજિટલ, કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ્સ દ્વારા 2020 માટેના આખરી અને 2021 માટેના હંગામી આંકડા જાહેર કરાયા તે બંનેમાં નોરફોક પ્રથમ સ્થાને છે અને ગત 10 વર્ષમાંથી 9 વખત તે પ્રથમ સ્થાને આવે છે. એક માત્ર 2019માં હેમ્પશાયરે તેનો રેકોર્ડ તોડ્યો હતો. વર્ષ 2020માં 20થી વધુ ખજાના મળી આવતા નોર્વિક કેસલ માટે તે ભારે લાભદાયી પુરવાર થયેલ છે જેણે વેસ્ટ નોરફોકમાં 2021ના ઉત્તરાર્ધમાં 131 એન્ગ્લો-સેક્શન કોઈન્સ હાંસલ કર્યા હતા જે અત્યાર સુધીની સૌથી મોટી શોધ ગણાય છે. કુલ 97 ટકા શોધ મેટલ ડિટેક્ટરિસ્ટ્સ થકી થઈ છે.

બાળકોએ દરરોજ શાળાએ જવું આવશ્યક ખરું?

શિક્ષકોની છાસવારે હડતાળ અને મહામારીના અનુભવોના પરિણામે પેરન્ટ્સના વલણમાં ધરમૂળથી બદલાવ આવી ગયો છે અને પબ્લિક ફર્સ્ટ ચેરિટીના અભ્યાસ મુજબ વારંવારના લોકડાઉન્સ અને હડતાળોના લીધે તેઓ એમ માનતા થઈ ગયા છે કે બાળકોએ દરરોજ શાળાએ જવું આવશ્યક નથી. બાળકોને તેમની શાળાની ટર્મ દરમિયાન જ રજાઓ પાડી ફરવા લઈ જવામાં નોંધપાત્ર વધારો થયો છે અને આવી રજાઓને સામાજિક સ્વીકાર્ય ગણાવાઈ રહી છે. ઈંગ્લેન્ડમાં દરરોજ શાળાએ જનાર બાળકોની સંખ્યામાં ગણનાપાત્ર ઘટાડો થઈ રહ્યો છે અને ઓફસ્ટેડના વડા માને છે કે શાળાઓ અને પરિવારો વચ્ચે સામાજિક કરાર લગભગ તૂટી જ ગયો છે. કોવિડ મહામારી અગાઉ બાળકોને દરરોજ શાળાએ મોકલવાની બાબત સારા પેરન્ટિંગનો ગુણ મનાતો હતો પરંતુ, હવે તેમ ગણાતું નથી. માનસિક આરોગ્યની સમસ્યાઓમાં વધારો અને જીવનનિર્વાહ કટોકના કારણે પણ ગેરહાજરીનું પ્રમાણ વધી ગયું છે. એક માતાનું કહેવું છે કે કોવિડ પહેલા બાળકોને પ્રાઈમરી શાળાએ મોકલવા તે ભારે દોડધામ કરતી હતી પરંતુ, હવે શાળામાં બાળકની હાજરી અને ગેરહાજરી બાબતે તેને ખાસ દરકાર રહી નથી. ઈંગ્લેન્ડની શાળાઓમાં 22 ટકાથી વધુ વિદ્યાર્થીઓ અવારનવાર ગેરહાજર રહે છે અને 2022/23ના શૈક્ષણિક વર્ષમાં શાળાના સત્રોમાં ઓછામાં ઓછાં 10 ટકા ગુમાવે છે. કોવિડ મહામારી પહેલા 2018/19માં બાળકોની ગેરહાજરી 10.9 ટકાની હતી.

સરોવરના જળને પણ માણસ અને કાચિંડાનો રંગ લાગ્યો

આ જગત અનેક કુદરતી અજાયબીઓથી ભરેલું છે. માણસ અને કાચિંડાને આપણે રંગ બદલતા જોઈએ છીએ પરંતુ, સરોવરના પાણી રંગ બદલતાં રહે તે ખરેખર આશ્ચર્ય જ કહેવાય! ઈન્ડોનેશિયામાં ફ્લોરેસ ટાપુ પર સક્રિય કેલિમુટુ જ્વાળામુખી છે તેના શિખર પર ત્રણ સરોવર આવેલા છે. જ્વાળામુખીના વિસ્ફોટના કારણે જે વિશાળ ખાડા પડી જાય તે ક્રેટરમાં પાણી ભરાતા રહે છે. હંમેશા પ્રવાસીઓથી છવાયેલા રહેતા આ સરોવરોની અજાયબી એવી છે કે તેના જળનો રંગ અલગ અલગ છે અને ગમે ત્યારે તેનો રંગ બદલાઈ જાય છે. એક સરોવર દૂધિયા જળથી ભરાયેલું હોય છે તો બીજા સરોવરમાં પાણીનો રંગ લીલાશ પડતો અને ત્રીજા ક્રેટરના પાણીનો રંગ કદીક ઘેરો લાલ તો કદીક આછો લાલ રહે છે. આ પણ નિશ્ચિત નથી. બે સરોવર વચ્ચેની દીવાલ તો એક જ છે. સ્થાનિક લોકકથા કહે છે કે આ સરોવરો મૃત માનવી માટે આખરી આ્રરામનું સ્થળ છે અને વ્યક્તિના સારાં કે ખરાબ કર્મ અનુસાર તેને કયા સરોવરમાં આશરો મળશે તે નિશ્ચિત થાય છે. જોકે, વિજ્ઞાન આ રંગ બદલાતા રહેવા માટે જ્વાળામુખીના પેટાળમાં રહેલી ધાતુઓ સાથે વછૂટતા ઓક્સિજન સહિતના ગેસ અને વરાળની રાસાયણિક પ્રક્રિયાને જવાબદાર ગણાવે છે. આ સરોવરોમાં ઝિંક અને સીસાનું સૌથી વધુ પ્રમાણ જોવાં મળ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter