12 હાથનું તુરિયું.... 13 હાથનું બીજ!

Tuesday 12th December 2023 04:34 EST
 
 

વિશ્વના મલ્ટિબિલિયોનેર્સમાં ત્રીજો ક્રમ ધરાવતા એમેઝોન કંપનીના સ્થાપક એન્ટ્રેપ્રીન્યોર જેફ બેઝોસની માલિકીની 550 મિલિયન ડોલરની યોટ ‘કોરુ’ તેની ક્લાસિક ડિઝાઈન, વૈભવી ફીટિંગ્સ અને ગ્રીન ટેકનોલોજીના ઉપકરણોથી સજજ હોવાની પ્રશંસા મેળવતી રહે છે. જોકે, ખાટલે ખોડ એટલી જ છે કે તેને પાર્ક કરવાની કે લાંગરવાની જગ્યા મેળવવી ભારે મુશ્કેલ મનાય છે.

થોડા સમય પહેલા 417 ફૂટ લંબાઈની યોટ કોરુ ફ્લોરિડાના પોર્ટ એવરગ્લેડ્સમાં પહોંચી ત્યારે તેને અન્ય યોટ્સની સાથે પાર્ક કરી શકાઈ નહિ અને આખરે ઓઈલ ટેન્કર્સ માટે રિઝર્વ રખાતી બર્થમાં મૂકવી પડી હતી. આ તો 12 હાથના તુરિયામાં 13 હાથનું બીજ કેવી રીતે સમાવવું તેના જેવી સમસ્યા હતી. પોર્ટની પ્રવક્તા અનુસાર સત્તાવાળાઓએ બેઝોસને જણાવ્યું હતું કે તેમની યોટ મરિના માટે ઘણી વિશાળ છે. તેના પાર્કિંગ માટે મલ્ટિબિલિયોનેર પાસેથી સપ્તાહના 16,500 ડોલરનો ચાર્જ વસૂલવામાં આવશે. જોકે, કોરુના સંચાલન અને સ્ટાફ પાછળ વર્ષે અદાજે 25 મિલિયન ડોલરનો ખર્ચ થાય છે તેની સરખામણીએ તો આ ચાર્જ ચણામમરા જેવો જ લાગે. જેફ બેઝોસ પાસે 246 ફૂટની મોટરયોટ પણ છે જે કોરુની સપોર્ટ બોટ તરીકે કામ કરે છે. બેઝોસ તેમના માતાપિતા અને ફિઆન્સી લૌરેન સાન્ચેઝની સાથે રહી શકાય તે માટે સીએટલ છોડી ફ્લોરિડા રહેવા આવનાર છે.

હતાશા અને ભય મોતને નોંતરે

માનવીના દિલોદિમાગમાં ભય અને હતાશા કેવી રીતે પ્રસરી જાય છે અને મોત પણ નીપજાવે છે તેનું દેખીતું ઉદાહરણ બર્કશાયરની કેવરશામ પ્રાઈમરી સ્કૂલની 53 વર્ષીય હેડટીચર રૂથ પેરીની આત્મહત્યાથી જોવા મળે છે. પેરીની શાળા ‘આઉટસ્ટેન્ડિંગ’ ગ્રેડ ધરાવતી હતી પરંતુ, ઓફસ્ટેડ ઈન્સ્પેક્શનમાં ગ્રેડિંગ નીચું ઉતારી ’ઈનએડ્વેકેટ’ એટલે કે અપૂરતું કરી દેવાશે તેવો ભય તેમને લાગી ગયો હતો. ઓફસ્ટેડ ઈન્સ્પેક્ટેકરે તેમની ઓફિસમાં જાસૂસી ઉપકરણો લગાવ્યા હોવાનું પણ તેઓ સતત વિચારતાં રહેતાં હતાં. આટલું પુરતું ન હોય તેમ શાળાનું ગ્રેડિંગ નીચે ઉતરવાથી સ્થાનિક કોમ્યુનિટી પર ગંભીર અસર થશે, મકાનોની કિંમત પણ ઘટી જશે અને લોકોનો રોષ તેમના પર ઉતરી આવશે તેવો ડર પણ તેમને કોરી રહ્યો હતો. સામાન્ય કહેવાય કે રૂથ પેરીનું માનસિક સ્વાસ્થ્ય બરાબર ન હતું કે પરંતુ, હકીકત એ હતી કે 30 વર્ષમાં એક વખત પણ તેમમે તણાવની ફરિયાદ કરી ન હોવાનું તેમના જનરલ પ્રેક્ટિશનરે કોરોનરને જણાવ્યું હતું. આમ છતાં, શાળાના ઈન્સ્પેક્શન અને પેરીના મૃત્યુ વચ્ચે કોઈ કડી હોઈ શકે તે મુદ્દે ડોક્ટરે હકારમાં ઉત્તર આપ્યો હતો. બીજી તરફ, આ શાળાને ઈન્સ્પેક્શન પછી અપગ્રેડ કરાઈ હતી અને તેની પ્રતિષ્ઠા વધી ગઈ હતી. આમ હેડટીચરે ખોટા ભયથી ભ્રમિત થઈ જીવ ગુમાવ્યો હતો.

પડે પડે પણ પડશે નહિ..... નડે તો પણ નડશે નહિ....

ઈટાલી તેના ઢળતા મિનારાઓ માટે પ્રખ્યાત છે જેમાં પિસા ટાવર, ગેરિસેન્ડા ટાવર એસિનેલ્લી ટાવર સહિતના મિનારાઓ મુખ્ય છે. બોલોગ્ના સિટીના કેન્દ્રમાં આવેલો 12મી સદીમાં નિર્મિત 48 મીટર ઊંચો ગેરિસેન્ડા ટાવર એટલો નમી ગયો છે કે ગમે ત્યારે તે પડી જશે તેવી આશંકા સેવાય છે. ગેરિસેન્ડા ટાવર 4 ડીગ્રી જેટલો નમી ગયો છે જ્યારે પિસાનો ટાવર 5 ડીગ્રી નમેલો છે. જોકે, ગેરિસેન્ડા ટાવરના બ્રિકવર્કમાં સંખ્યાબંધ તિરાડે પડી ગયેલી છે અને તેનું પથ્થરકામ પણ તૂટવાના આરે છે. ગેરિસેન્ડા ટાવરની બાજુમાં જ એસિનેલ્લી ટાવર આવેલો છે જેનું બાંધકામ મજબૂત રહેવા સાથે તે હજુ અડીખમ છે. આ બંને મિનારા 1109થી 1119ની વચ્ચે બંધાયા હતા. ગેરિસેન્ડા ટાવર તો 1350માં જ ઢળવા લાગ્યો હતો પરંતુ, તેને સ્થિરતા આપવા ઉપરના 10 મીટરનો હિસ્સો ઉતારી લેવાયો હતો. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે ગેરિસેન્ડા ટાવર તો બે વર્ષ પહેલાં જ પડી જવો જોઈતો હતો પણ હજી સુધી ટકી રહ્યો છે તેનું આશ્ચર્ય છે. પિસા ટાવરની આસપાસ ખુલ્લી જગ્યા છે પરંતુ, ગેરિસેન્ડા ટાવર શહેરની મધ્ય અને ભરચક વિસ્તારમાં હોવાથી શહેરના સત્તાવાળાઓએ સાવચેતીના પગલાંરૂપે ટાવરના પાયા નજીક 2.6 મીટરની જાડાઈની બેરિયર્સ લગાવી છે જેથી ટાવર અચાનક તૂટી પડે તો ટનબંધ પથ્થર અને ઈંટો આસપાસની દુકાનો, બિલ્ડિંગ્સ અને ભરચક ટ્રાફિકને નુકસાન પહોંચાડી શકે નહિ.

£46 મિલિયનના લગ્ન... કોના બાપની દિવાળી

મર્સીડિઝ બેન્ઝ કારના ડીલરની 24 વર્ષીય પુત્રી મેડેલીન બ્રોકવે અને બોયફ્રેન્ડ જેકોબ લાગ્રોનના પેરિસમાં થયેલા 18 નવેમ્બરના ભવ્ય લગ્નને વિશ્વમાં સદીના સૌથી મોંઘા લગ્ન ગણાવાઈ રહ્યા છે. મેડેલીનના પિતા રોબર્ટ બોબ બ્રોકવેએ પુત્રીના લગ્નને યાદગાર બનાવવા પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા. પાંચ દિવસના લગ્ન સમારોહ માટે 18મી સદીનો પ્રતિષ્ઠિત પેલેસ ઓફ વર્સેલ્સ બુક કરાયો હતો જ્યાં રાત્રિરોકાણનો ખર્ચ 2,400 થી 14,200 ડોલરની વચ્ચે હોય છે. શ્વેત પુષ્પોથી બંધાયેલા ભાગની પાછળ ફૂવારામાં તરતા મંચ પર કરાયેલા આ લગ્નસમારોહ પાછળ 59 મિલિયન ડોલર (46મિલિયન પાઉન્ડ) ખર્ચ કરાયો હતો. ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ પર બ્રોડકાસ્ટ કરાયેલા આ મોંઘા લગ્નને કાનૂનની નજર લાગી હોવાનું કહી શકાય તેમ છે કારણકે રાજાશાહી લગ્નથી પ્રસિદ્ધ થયેલા 29 વર્ષીય વરરાજા જેકોબ પર 14 માર્ચે ટેક્સાસના વેસ્ટવર્થ વિલેજમાં 3 પોલીસ ઓફિસરની સાથે ઝપાઝપી અને ગોળી ચલાવવાના આરોપ સાથે કેસ થયો છે જે બદલ તેને આજીવન કારાવાસની સજા પણ થઈ શકે છે. લગ્નના 12 દિવસ પછી જ વરરાજા લાગ્રોનને ટેક્સાસની કોર્ટમાં હાજર થવું પડ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter