આવો ભાઈ હરખા, આપણે બેઉં સરખા

Tuesday 25th April 2023 15:22 EDT
 
 

અમેરિકામાં 2024ની પ્રમુખપદની ચૂંટણીમાં નોમિનેશન મેળવવાના આશાવાદીઓ દેશની સૌથી મોટી ગન લોબી નેશનલ રાઈફલ એસોસિયેશનની ઈન્ડિયાનપોલીસમાં ભરાયેલી કોન્ફરન્સમાં સભ્યોનું સમર્થન હાંસલ કરવાના ઈરાદે પહોંચી ગયા હતા જેમાં, પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્લોરિડાના ગવર્નર રોન ડેસાન્ટિસ પણ હતા. આ બંને ઉમેદવારીનું નોમિનેશન મેળવવા એકબીજાના કટ્ટર દુશ્મન બની બેઠા છે. પણ ગન લોબીનું સમર્થન મેળવવામાં બંનેની હાલત ‘આવો ભાઈ હરખા, આપણે બેઉં સરખા’ની છે. જોકે, ટ્રમ્પથી વિપરીત, ડેસાન્ટિસે હજુ ઉમેદવારીની સત્તાવાર જાહેરાત કરી નથી. અમેરિકામાં સામૂહિક શૂટિંગ્સની ઘટનાઓ વધી રહી છે ત્યારે આ રિપબ્લિકન નેતાઓએ ડેલિગેટ્સને સ્પષ્ટ કહ્યું હતું કે શસ્ત્રો પર નિયંત્રણો મૂકવાથી સામૂહિક શૂટિંગ્સ ઘટી જવાના નથી. ટ્રમ્પે તો કહ્યું હતું કે, ‘તમારી સમક્ષના સૌથી વધુ ગનતરફી અને સેકન્ડ એમેન્ડમેન્ટતરફી પ્રેસિડેન્ટ હોવાનો મને ગર્વ છે. તમારા સપોર્ટથી 2024માં યુનાઈટેડ સ્ટેટ્સના 47મા પ્રેસિડેન્ટ તરીકે તમારો વફાદાર મિત્ર અને નિર્ભય હિમાયતી બની રહીશ.’ બીજી તરફ, રોન ડેસાન્ટિસે વીડિયો મારફત સંબોધન કરી શસ્ત્રો રાખવાના અધિકારને માન્ય રાખતા યુએસ બંધારણના સેકન્ડ એમેન્ડમેન્ટને અન્ય તમામ અધિકારોના પાયાસમાન ગણાવ્યો હતો.

સિગારેટનું ઠુંઠું ફેંકવાનું ભારે પડી ગયું!

દરેક વ્યક્તિએ જાહેર સ્વચ્છતા જાળવવાનો નાગરિકધર્મ બજાવવો જોઈએ. ઘણા લોકો આમ કરતા નથી તો તેમણે સહન કરવું જ પડે. જાહેરમાં કચરો ફેંકાય તેનાથી પર્યાવરણ અને શહેરની સુંદરતા અવશ્ય બગડે. બ્રિસ્ટોલની એક મહિલા ટેરી ગ્રીને સુપર માર્કેટની બહાર સિગારેટનું ઠુંઠું નાખ્યું અને યુનિફોર્મ્ડ પેટ્રોલ પોલીસની ચકોર નજરમાં આ ઘટના ઝડપાઈ ગઈ. સાઉથ ગ્લોસ્ટરશાયર કાઉન્સિલે ગત નવેમ્બરમાં જાહેર માર્ગ પર કચરો ફેંકવા બદલ ટેરી ગ્રીન વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી તેને ફિક્સ્ડ પેનલ્ટીની નોટિસ મોકલી હતી પરંતુ, તેની ચૂકવણી ન થતાં સમગ્ર બાબત બ્રિસ્ટોલ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ આવી. ટેરીબહેન તો સુનાવણીમાં પણ હાજર ન રહ્યાં અને નારાજ કોર્ટે તેની ગેરહાજરીમાં જ દોષી ઠરાવી 600 પાઉન્ડનો દંડ, 559 પાઉન્ડ કોર્ટ ખર્ચ અને 264 પાઉન્ડ વિક્ટિમ ચાર્જ સાથે કુલ 1423 પાઉન્ડનો દંડ ફટકારી દીધો. આમ, જાહેર માર્ગ પર સિગારેટનું એક ઠુંઠું ફેંકવાનું ટેરીબહેનને ભારે પડી ગયું!

આવું નામ બોલતાં તો મોમાં ફીણ વળી જાય!

મહાન નાટ્યકાર અને લેખક વિલિયમ શેક્સપિયરને તો લખવું હતું અને લખી નાખ્યું કે નામમાં તો વળી શું બળ્યું છે, ગુલાબને ગમે તે નામ આપો તેની સુગંધમાં થોડો ફેર પડવાનો છે? જોકે, વાસ્તવિકતા અલગ છે. નામ એક અલગ ઓળખ છે અને તેનાથી ઘણો ફરક પડે છે. ગયા વર્ષે નોર્થ વેલ્સમાં આવેલાં સૌથી મોટા નેશનલ પાર્ક સ્નોડોનિઆ નેશનલ પાર્કે તેનું નામ બદલીને એરિરી (Eryri) કરી નાખ્યું છે. 5000થી વધુ લોકોએ વેલ્સ ભાષાની સમૃદ્ધ સંસ્કૃતિને ઉત્તેજન આપવા પાર્કનું નામ બદલવા પિટિશન કરી હતી. હવે તો વેલ્સના સૌથી મોટા પર્વતને યર વિડફ્ફા (Yr Wyddfa) નામ આપી દેવાયું છે. આટલું કર્યા પછી પણ એક ઐતિહાસિક, શાંત અને સુંદર ગામને Llanfynydd- લાનફીનીડ નામની ઓળખ આપાઈ છે. જોકે, આ નામ વધુ સારું એટલા માટે કહેવાય કે અગાઉનું નામ Llanhyfryddawelllehynafolybarcudprindanfygythiadtrienusyrhafnauole, જે એક વિરોધ તરીકે 2004માં કામચલાઉ અપાયું હતું. તે બોલવામાં તો ઠીક, લખવામાં પણ પરસેવો વળી જાય એવું હતું. આવી જ રીતે ક્વીન વિક્ટોરિયાએ કાઈરિંગોર્મ્સના એક પર્વતનું નામ બદલી ધ ડેવિલ્સ પોઈન્ટ રાખી દીધું હતું. આનું કારણ એ હતું કે આ પર્વતના મૂળ નામનો ગેલિક ભાષામાં અશ્લીલ અર્થ થતો હતો અને ગાઈડ શરમથી ક્વીન સમક્ષ બોલવામાં લોચા મારતો હતો તો ક્વીને જ નામ બદલી નાખ્યું!

ગ્રાહકદીઠ માત્ર બે મરચાંનું રેશનિંગ

યુરોપ અને ખાસ કરીને સ્પેનમાં અચાનક ભારે ઠંડીના કારણે યુકેના કેટલાક સુપરમાર્કેટ્સે મરચાં પર રેશનિંગ લાદી દીધું છે. મોરિસન્સ દ્વારા તેમના ગ્રાહક માટે માત્ર બે મરચાંની છૂટ રાખી છે જ્યારે વેઈટરોઝની ઘણી શાખાઓમાં તો અભરાઈઓ ખાલી જ છે. આ તો શિયાળો યુરોપમાં અને ભારતમાં ધ્રૂજારી ચડવા જેવી વાત છે. શિયાળાના મહિનાઓમાં બ્રિટિશ સુપરમાર્કેટ્સ માટે મરચાંનો મુખ્ય સ્રોત સ્પેન છે. યુકે અને નેધરલેન્ડ્ઝમાં આગામી સપ્તાહોમાં વાવણીની નવી સીઝનની શરૂઆત થશે તે પછી સ્થિતિ હળવી થવાની શક્યતા છે. આગામી સપ્તાહોમાં પુરવઠો મળવાનું શરૂ થતા મોરિસન્સ પણ મર્યાદા હટાવી લેશે. યુકેમાં સુપરમાર્કેટ્સની અભરાઈઓ ખાલી રહે તેવું આ વર્ષમાં બીજી વખત બન્યું છે. ફેબ્રુઆરીમાં યુરોપ અને આફ્રિકામાં ખરાબ હવામાનના કારણે સલાડ શાકભાજીની અછત સર્જાઈ હતી. યુકેએ શિયાળાના મહિનાઓમાં 95 ટકા ટામેટા અને 90 ટકા લેટ્યુસ અથવા પાંદડેદાર શાકભાજીની આયાત કરવી પડે છે.

પલાખા કે ઘડિયા આવડે તો ગણિતના પાયા મજબૂત

ચેરિટી નેશનલ ન્યુમરસી દ્વારા જારી રિપોર્ટ કહે છે કે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓમાં ગણિત પ્રત્યે આત્મવિશ્વાસ ઓછો હોવાથી તેમની કારકીર્દિની તકને નુકસાન જાય છે. કામકાજની વય હોય તેવા સ્ત્રી-પુરુષો સેકન્ડરી કક્ષાના ગણિતની લાયકાત ધરાવતા હોવાના તારણો છે પરંતુ, સર્વે કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે 1થી 10ના સ્કેલમાં સ્ત્રીઓમાં ગણિત સંબંધિત સરેરાશ આત્મવિશ્વાસ6.5નો હતો જ્યારે પુરુષો માટે 8.2નો હતો. જો ગુજરાતની વાત કરીએ તો ઘરઘરમાં છોકરો હોય કે છોકરી, પલાખા કે ઘડિયા યાદ કરવાનું ચલણ સર્વસામાન્ય હતું જેનાથી, ગણિતનો પાયો મજબૂત રહેતો હતો. ‘ચાર ચોકુ સોળ’ અને ‘બારે બારે એકસો ચુમાલીસ’ થાય એ તો ઊંઘમાં પૂછો તો પણ બોલી જવાય. એક વાત સાચી છે કે ગણિત મજબૂત હોય તો સંસ્કૃતિનો પાયો પણ મજબૂત રહે છે. આ જ કારણ છે કે વિશ્વભરમાં ITહોય કે કોમ્પ્યુટર ક્ષેત્ર હોય, ભારતીયોની બોલબાલા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter