બાઈડેનમિયાં પડ્યા પણ ટંગડી તો ઊંચીની ઊંચી

Tuesday 06th June 2023 16:49 EDT
 
 

લોકો ભલે પડી જવામાં નાનમ અનુભવતા હોય પરંતુ, પડીને ફરી ઉભા થવામાં ભારે બહાદુરી જ છે અને અમેરિકાના પ્રમુખ જો બાઈડેન પડીને ટંગડી ઊંચી રાખવા આવી બહાદુરી વારંવાર દર્શાવતા રહ્યા છે. ગત સપ્તાહે કોલોરાડો સ્પ્રિંગ્સ ખાતે એર ફોર્સ ગ્રેજ્યુએશન સમારોહમાં કેડેટ્સને ડિપ્લોમા આપ્યા પછી રવાના થઈ રહેલા પ્રમુખ બાઈડેનનો પગ સેન્ડબેગ સાથે અથડાયો અને તેઓ ગબડી પડ્યા. જોકે, તેમના સહાયકો અને અધિકારીઓએ સહારો આપી તેમને ઉભા કર્યા ત્યારે તેમણે નજીકમાં પડેલી સેન્ડબેગ સામે ઈશારો કરી પડી જવાનું કારણ સ્પષ્ટ કર્યું હતું. જોકે, આ ઘટનાના કારણે તેમના શારીરિક સ્વાસ્થ્ય વિશે ચિંતા સર્જાઈ છે કારણકે 80 વર્ષના બાઈડેન પ્રમુખપદની બીજી ટર્મ માટે ઉમેદવારી કરી રહ્યા છે. આમ પણ યુએસ પ્રમુખોના ઈતિહાસમાં તેઓ સૌથી વયોવૃદ્ધ સેવારત પ્રમુખ છે અને બીજી મુદત માટે જીતી જશે તો તેમનો કાર્યકાળ પૂર્ણ થશે ત્યારે તેઓ 86 વર્ષના હશે. ફેબ્રુઆરીમાં તેમનું મેડિકલ ચેક-અપ કરાયું ત્યારે તેઓ વાંકા વળી ગયા હોવાં છતાં, તેમને ડ્યૂટી માટે સંપૂર્ણ ફિટ જાહેર કરાયા હતા. હકીકત એ છે કે 2021માં એર ફોર્સ વનમાં એટલાન્ટા જતી ફ્લાઈટમાં જતા ત્રણ વખત બેલેન્સ ગુમાવી ગબડી પડવા જેવા થઈ ગયા હતા અને છેક ઉપર પહોંચી તેમણે સેલ્યુટ પણ કરી હતી.

• અતિશય ગરમીથી બચાવશે ઈમેઈલ એલર્ટ

અતિશય ગરમી તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ પરિસ્થિતિમાં ઈંગ્લેન્ડમાં આ ઉનાળામાં લોકોને ચેતવણી આપવા મેટ ઓફિસ અને યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી દ્વારા એલર્ટ સિસ્ટમ ગોઠવાઈ છે. આના પરિણામે, સૌથી નિર્બળ લોકોમાં ગરમીના કારણે થતી અનેક બીમારી અને મોતનું જોખમ ઘટાડી શકાશે. ગયા ઉનાળામાં બ્રિટનમાં તાપમાન સૌપ્રથમ વખત 40Cને વટાવી ગયું હતું. આ એલર્ટ સિસ્ટમ સતત કાર્યરત રહેશે પરંતુ, મુખ્ય એલર્ટિંગ સીઝન1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધીની રહેશે. આ સિસ્ટમમાં પ્રાદેશિક માહિતી સાથે NHS ઈંગ્લેન્ડ દ્વારા સલાહ પણ અપાશે. લોકો gov.uk વેબસાઈટ પર

યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીના પેજ પર જઈ પોતાના વિસ્તારને દર્શાવી સીધા એલર્ટ મેળવવા સાઈન-અપ કરી શકે છે. ગરમીના એલર્ટમાં ચાર કલર એટલે કે ગ્રીન (આરોગ્યને સૌથી ઓછું જોખમ), યલો (65 અને તેથી વધુ વય કે અતિ નિર્બળ અને શારીરિક તકલીફ ધરાવનારાને અસર), એમ્બર (સમગ્ર હેલ્થ સર્વિસ અને મોટા ભાગની વસ્તીને અસરની શક્યતા) અને રેડ કલર (તંદુરસ્ત લોકોને પણ નોંધપાત્ર જોખમ તથા મોટા ભાગના વિસ્તારોમાં તીવ્ર અસર નડી શકે) હશે.

• અપનો પર ભરોસા હૈ તો એક દાવ લગા લે!

દરેક પેરન્ટને પોતાના બાળકમાં તે જે રમત રમતાં હોય તેમાં આગળ વધવાની પ્રતિભા હોવાનું વિચારતા હોય છે પરંતુ, સચિન તેંડુલકર જેવું બાળક જ આગળ જતા વિશ્વપ્રસિદ્ધ બને છે. જોકે, પોતાના મિત્રના બાળકની પ્રતિભામાં ભારે વિશ્વાસ મૂકનારા 56 વર્ષીય ટીમ પાઈપર જેવા કોઈક વીરલા જ હશે. ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટમાં પ્રવેશ મેળવનારા 25 વર્ષીય જોશ ટોન્ગ પર પાઈપરે તો 14 વર્ષ પહેલા 100 પાઉન્ડનો જુગાર (500-1) ખેલ્યો હતો અને હવે તેણે 50,000 પાઉન્ડ જીતી લીધા છે. આમ, ટોન્ગે પારિવારિક મિત્રે તેના પર રાખેલા ભરોસાને જીતાડ્યો છે. વોર્સેસ્ટરશાયર કાઉન્ટી તરફથી રમતા ટોન્ગે આયર્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં જ ત્રણ સત્તાવાર અને એક બિનસત્તાવાર (એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો) વિકેટ ઝડપી છે. ખરેખર તો જોશ ટોન્ગ 6 વર્ષનો હતો ત્યારે જ ટીમ પાઈપરે તેની પ્રતિભા નિહાળી જુગાર ખેલ્યો હતો પરંતુ, કોઈ બૂકમેકરે આ બેટ લીધી ન હતી. ટોન્ગના પિતા ફિલ ટોન્ગ અને ટીમ પાઈપર રેડિચ ક્રિકેટ ક્લબ તરફથી સાથે ક્રિકેટ રમતા હતા. સમયાંતરે ટોન્ગ પરિવાર તો રેડિચ છોડી ગયો પરંતુ, બંનેની મિત્રતા જળવાઈ રહી હતી.

• મધમાખીનો ગણગણાટ લાગે પ્યારો

યુનિવર્સિટી ઓફ બ્રેડફોર્ડના વિશાળ હરિયાળા કેમ્પસનાં એક શાંત ખૂણામાં હવામાં ગણગણાટ સંભળાતો રહે છે પરંતુ, મધમાખીઓનો આ અવાજ કોઈને ખલેલ પહોંચાડતો નથી. પરીક્ષાઓમાં સતત વ્યસ્ત રહેતા વિદ્યાર્થીઓના દિલ અને દિમાગ આ શાંત ખૂણાઓમાં શાતા અનુભવે છે. ઘણા વિદ્યાર્થીઓ અહીં મધમાખી અને મધપૂડાના ઉછેર અને જાળવણીમાં વ્યસ્ત રહે છે. યુનિવર્સિટીના સસ્ટૈનબિલિટી અથવા તો નિરંતરતાના લક્ષ્યાંકોના ભાગરૂપે કેમ્પસમાં 10 વર્ષમાં 120,000 જેટલી મધમાખી ઉછેરવામાં આવી છે. કેોમ્પસમાં પાંચ મધપૂડા માટે વ્યવસ્થા છે જેમાં હાલ બે મધપૂડા ભરાયેલા છે. એક મધપૂડામાં 60,000 મધમાખી રહી શકે છે. યુનિવર્સિટીના એનર્જી અને પર્યાવરણીય અધિકારી લીન હા વિદ્યાર્થીઓને મધપૂડાના ઉછેર અને જાળવણી સંબંધિત સિક્ષણ આપે છે કારણકે કેમ્પસમાં વ્યાપક બાયોડાયવર્સિટીના કારણે મધમાખીની સંખ્યા પણ વધતી જાય છે. સ્ટાફના 20 સભ્યને બ્રેડફોર્ડ બીઝ એસોસિયેશન દ્વારા સઘન તાલીમ પણ અપાઈ છે. બીજી તરફ, શાળાના બાળકોને પણ કેમ્પસની મુલાકાત દરમિયાન મધમાખી અને મધપૂડાના મહત્ત્વ વિશે સતત જાણકારી અપાતી રહે છે. સ્થાનિક કઉન્સિલ અને વ્યક્તિઓ પણ વિશાળ પ્રમાણમાં પ્લાન્ટ્સ ઉછેરે છે જેના પરિણામે મધમાખીને મધ એકત્ર કરવાની કામગીરીમાં મદદ મળે છે. એક મધમાખી પાંચ માઈલના વિસ્તારમાં હરતીફરતી રહે છે.

• માન ન માન.. મૈં તેરા મહેમાન

‘આલિયાની ટોપી માલિયાના માથે અને માલિયાની ટોપી ટાલિયાના માથે’ જેવા કિસ્સાઓ આપણે સાંભળતા હોઈએ છીએ. આ તો ખરેખર છેતરપીંડી માટેની કહેવત છે પરંતુ, કોઈની ભૂલના કારણે કોઈને સહન કરવું પડે ત્યારે પણ આ કહેવતનો ઉપયોગ થતો રહે છે. કારિન આર્સેનિયસનું સાઉથઈસ્ટ લંડનના પ્લમસ્ટીડસ્થિત રહેઠાણ કોઈની ભૂલથી ટ્રાવેલ વેબસાઈટ Booking.com પર લિસ્ટેડ થઈ ગયું અને તેને ત્યાં અજાણ્યા પર્યટક મહેમાનોની વણઝાર લાગતી ગઈ. અલ્જિરિયા, કેનેડા, ભારત અને યુએસ સહિતના દેશોમાંથી એક મહિનામાં આશરે 20 પર્યટકોએ કારિનના ઘેર મહેમાનગતિ માણવા આવી પહોંચ્યા હતા. તેને ત્યાં આર્જેન્ટિનાથી લંડનમાં રજાઓ ગાળવા આવેલી ત્રણ વિદ્યાર્થિની પણ કારિનના ઘેર આવી પહોંચી હતી. કારિનના પાર્ટનરે તેમને પબમાં લઈ જઈ ઓનલાઈન બૂકિંગની ટ્રાવેલ વેબસાઈટ સાથે આ ત્રાસજનક પરિસ્થિતિનું નિરાકરણ– લાવવા પ્રયાસ કર્યો પણ મોડી રાત સુધી કોઈ સફળતા મળી નહિ. બીજી તરફ, શહેરમાં સ્થાનિક હોટેલ્સમાં પણ જગ્યા ખાલી ન હતી. આથી, કારિનના ઘરના લિવિંગ રૂમમાં ત્રણ પથારીની વ્યવસ્થા કરવી પડી હતી.

હવે આ ત્રણ યુવતીએ તેમના બાકીના પ્રવાસ માટે રહેઠાણની વ્યવસ્થા કરવી પડે તેમ હતી. વિદેશી પર્યટકો બૂકિંગ સાઈટ્સ પર પહેલેથી નાણા ચૂકવી દેતા હોય છે ત્યારે આવી પરિસ્થિતિ તેમના માટે પણ મુશ્કેલી ઉભી કરે છે. એમ પણ બની શકે છે કે કોઈ કૌભાંડકારીએ નાણા બનાવવા ટ્રાવેલ વેબસાઈટના નામનો ઉપયોગ કરી લીધો હોય. ટ્રાવેલ વેબસાઈટ Booking.com દ્વારા આ બાબતે મકાનમાલિકની માફી માગવા સાથે પર્યટકોને રિફંડ, સહિત સપોર્ટની ઓફર કરવામાં આવી છે. ગયા વર્ષે પણ નોર્થ લંડનની એક મહિલાના ઘેર હોંગ કોંગ, સાઉદી અરેબિયા અને લોસ એન્જલસથી પર્યટકો આવતા હતા જેના પરિણામે, કંપનીએ લિસ્ટિંગ રદ કરી નાખ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter