અવિનાશઃ નેટ સ્વાન- પટેલ

દેશ-વિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાંત પટેલ Tuesday 23rd January 2018 04:32 EST
 
 

કોઠાસૂઝ શું કરી શકે એનો નમૂનો છે બેંગકોકના અવિનાશ પટેલનો પરિવાર. જીવનમાં સૂઝ હોય તો ભણતર કરતાં ય ગણતરનું જીવન સફળ બને છે તે આ પરિવારમાં દેખાઈ આવે છે. માત્ર બે ધોરણ ભણેલા અંબાલાલ ખંભાત નજીકના શકરપુરના વતની. ખંભાતનો વિસ્તાર ત્રણેક હજાર વર્ષથી અકીકના અલંકારો માટે આગવી ઓળખ ધરાવતો. છેક લોથલના ખોદકામમાંય ખંભાતના અકીકના અલંકારો પ્રાપ્ત થયા છે. અકીકના પથ્થર ઘસવામાં અને તેના ઘાટ ઉપસાવવામાં અહીંના કારીગરો જાણીતા. અંબાલાલ આવા જ એક કારીગર. આ પછી વેપારી બન્યા અને ૧૯૨૫ની આસપાસ સુરત પહોંચીને ફેક્ટરી શરૂ કરી. ખંભાતથી કારીગરો લાવી કામ કરે. આ પછી રંગૂનમાં વસ્યા અને ત્યાંથી થાઈલેન્ડના બેંગકોકમાં વસ્યા. માણસો મારફતે સુરતની ફેક્ટરી ચાલુ રાખીને ત્યાં બનતા અલંકાર બેંગકોકમાં વેચે.
એ. એમ્બરસન કંપની સ્થાપીને અંબાલાલે યુરોપ અને અમેરિકા અલંકારો વેચવા માંડ્યા. અંબાલાલના પરગજુ સ્વભાવે એમના સંબંધોનો પથારો વધ્યો. કાયમી ઘરાકો બંધાયા. અંબાલાલ ભાવનગરના પ્રાણજીવન હરજીવનદાસના પુત્રી સવિતાબહેનને પરણ્યા. પ્રાણજીવનદાસ તે જમાનામાં ખંભાત બંદરે બંગાળથી ઈમારતી લાકડાં ખરીદવા આવતાં. આમાં તેમને યુવક અંબાલાલનો પરિચય થયો. અંબાલાલની સૂઝ, ધગશ અને પ્રામાણિકતાથી પ્રભાવિત થઈને પુત્રી પરણાવી. પ્રાણજીવનનું ભાવનગરના રાજદરબારમાં સારું માન હતું.
અંબાલાલના પુત્ર અવિનાશનો જન્મ ૧૯૫૦માં બેંગકોકમાં થયો હતો. અંબાલાલની ઈચ્છા સંતાનોને ભણાવવાની પણ અવિનાશને નાની વયથી જ ધંધામાં રસ પડ્યો. તે માત્ર સાત ધોરણ સુધી ભણ્યા. બાળપણથી પિતા સાથે ધંધામાં જતા આથી ડાયમંડ, કલર સ્ટોન વિગેરેનું કામ શીખ્યા. ૧૫ વર્ષની નાની વયથી જ તેઓ વેપાર કરતા અને માલની નિકાસ કરતા.
૧૯૫૪માં અંબાલાલ બેંગકોકની ઓફિસ ચાલુ રાખીને ભારતથી જ ધંધાનું કામકાજ કરતા થયા અને ભારતમાં સ્થાયી થયા. આને કારણે પુત્ર અવિનાશનું બાળપણ ભારતમાં વીત્યું અને ભારતમાં રહીને જ તેઓ ધંધો શીખ્યા.
નાની વયથી તેઓ યુરોપ અને અમેરિકા માલ મોકલતા થયા હતા. મોરના ઈંડાને ચીતરવા ના પડે એ કહેવત અવિનાશે સાચી પાડી. ધંધો બરાબર ચાલતો થયો. પરિવારની ખાનદાની અને પ્રતિષ્ઠા જોઈને નવસારીને ચેતના રેસ્ટોરન્ટ ધરાવતા ઘનશ્યામભાઈ મણિભાઈ પટેલે તેમની એસએસસી થયેલી પુત્રી રેખાબહેનને સાત ધોરણ ભણેલા અવિનાશ સાથે પરણાવી.
રેસ્ટોરન્ટ માલિકની પુત્રી રેખાબહેનમાં પિતાના વેપારી અને મહેનતના ગુણ વિકસ્યા હતા. ૧૯૭૩માં પરણીને તે પતિ સાથે બેંગકોક આવ્યાં. તેમણે પતિ સાથે ખભેખભો મિલાવીને સતત મહેનત કરી. પોતે ભાતભાતની મીઠાઈ, ફરસાણ અને રસોઈ બનાવવામાં નિપુણ. એમણે એમનું એ કૌશલ એમને ત્યાં કામ કરતી થાઈ યુવતીને શીખવ્યું. પરિણામે એ થાઈ યુવતી તેમના ઘરમાં બધા પ્રકારની રસોઈ બનાવતી થઈ. વધારામાં એ ગુજરાતીમાં દરેક મરી-મસાલા કે રસોઈની ચીજોનાં નામ બોલતી થઈ. વેપારીની દીકરી આમ સુંદર શિક્ષક બની. આ થાઈ યુવતી તેમના પરિવારના સભ્ય જેવી બની છે. એને પોતે નોકરી કરે છે એવું લાગતું નથી તો પરિવારમાં કોઈનેય એમ નથી લાગતું કે ‘આ અમારી નોકર છે.’
અવિનાશભાઈના ઘરમંદિરની પૂજા આરતીમાં એ ભાગ લે છે. એમના આ વર્તાવને કારણે અન્ય થાઈ પરિવારોને પણ તેમના તરફ સદ્ભાવ છે. હકીકતમાં હજારો વર્ષ પર અગ્નિ એશિયામાં વિના તલવાર વાપર્યે ભારતીય સંસ્કૃતિ પ્રસરી તે આવી જ રીતે પ્રસરી હશે. આ થાઈ યુવતી સેવ-ગાંઠિયા, ફાફડા-જલેબી, ઘારી, સુખડી, બરફી, લાડુ અને ફરસાણ બનાવે છે. તો દાળ-ભાત, કઢી-ખીચડી, કઢી, હાંડવો, ઢોકળાં, ખમણ, રાયતાં, શાક, અથાણાં વગેરે બનાવે છે.
અવિનાશભાઈને જન્મ અને વસવાટને કારણે થાઈ નાગરિકત્વ મળ્યું છે. થાઈલેન્ડમાં દરેક નાગરિક પરિવારની આગવી ઓળખ હોય છે. આથી નાગરિકત્વ સ્વીકારતી વખતે બીજા કોઈ પરિવારની અટક પટેલ હોય તો અવિનાશભાઈ પટેલ અટક ચાલુ રાખી ના શકે. તેમને નવી ઓળખ લેવી પડે. આમાં થાઈ ધર્મગુરુ નવી અર્થસભર અટક સૂચવે. એમને એમાંથી પસંદ કરવાનું રહે. તેમની નવી અટક છે નેટસ્વાન. નેટ એટલે નેત્ર. સ્વાન એટલે આકાશ. થાઈ લોકો આકાશમાં સ્વર્ગ માને છે, આથી નેટસ્વાનનો અર્થ થાય છે સ્વર્ગની આંખ.
સ્વર્ગની આંખની દૃષ્ટિ વિશાળ હોય. તે હંમેશા સારું જુએ, સારું વિચારે. આનો અર્થ થયો સારું જોનાર અને વિચારનાર. જે ગુણ અવિનાશભાઈમાં છે. અવિનાશનો બીજો અર્થ છે જેનો કદી નાશ ના થાય તે. સારું જુએ કે વિચારે તેનો કદી નાશ ના જ થાય.
અવિનાશભાઈને બે પુત્ર અને એક પુત્રી છે. મોટો પુત્ર નીલેશ. થાઈ ભાષામાં એનો અર્થ વરુણ અથવા જલદેવતા. નાના પુત્રનું નામ યોથિન. યોથિન એટલે યોદ્ધો. અવિનાશભાઈનો ધંધો માત્ર ઘરના ઘરના માણસોથી જ ચાલે છે. તેમને બહારના કોઈ પગારદાર માણસની જરૂર પડતી નથી.
અવિનાશભાઈ ભગત જીવ છે. ઘરમાં મંદિર છે, તેમાં રોજ સવાર-સાંજ પૂજા-આરતી થાય છે. સમગ્ર પરિવારમાં સરળતા, સ્નેહ અને સાદગી છે. શુદ્ધ ગુજરાતી શાકાહારી આ પરિવાર વ્યસનોથી વિમુખ છે. પારકી પંચાતમાં પરિવાર પડતો નથી. બંધાયેલા સ્નેહસંબંધો જાળવી રાખે છે. અવિનાશભાઈ જેવી સ્વર્ગની આંખ જેને મળે તે સુખી થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter