અસ્તિત્વના ત્રણ પડાવઃ જનસંઘ, જનતા પક્ષ અને ભાજપ...

ઘટના દર્પણ

- પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા Tuesday 07th April 2026 05:32 EDT
 
 

એપ્રિલ 6ના રોજ સત્તારૂઢ ભારતીય જનતા પક્ષે તેનો 45મો જન્મદિવસ ઉજવ્યો. ભારતીય સંસદીય લોકતંત્રના રાજકારણમાં પક્ષોનો જન્મ થવો, આગળ વધવું, વિલીન થવું કે સમેટાઇ જવું એ પણ રસપ્રદ કહાણી છે. કોંગ્રેસ 1885માં સ્થાપિત થઈ, અંગ્રેજ અફસર એલેન ઓક્ટએવિયન હ્યુમના પ્રયાસથી, મુંબઈમાં, લોંગ લીવ ધ કિંગ...ના જય-ગીત સાથે. સમય જતાં તેમાં જહાલ અને મવાળ જુથના ફાંટા પડ્યા, પછી પક્ષની અંદર જ સ્વરાજ પક્ષ, ફોરવર્ડ બ્લોક અને સમાજવાદી જુથ એવાં અલગ જૂથો ઊભાં થયા. આઝાદી પછી સમાજવાદી પક્ષ અલગ રચાયો, અને 2026 સુધીમાં 17 કોંગ્રેસો થઈ, તેમાંની કેટલીક હજુ પણ સક્રિય છે.

સમાજવાદી પક્ષ પણ એક રહી શક્યો નહિ તો જનતા શબ્દ સાથે જોડાયેલા એકાધિક પક્ષો ચુંટણી પંચના ચોપડે અને તેની બહાર હયાત છે. ભારતનો સામ્યવાદી પક્ષ જન્મ્યો હતો રશિયાના તાશ્કંદમાં એમ.એન. રોય અને અમદાવાદમાં જન્મેલા અવની મુખર્જી દ્વારા. પણ પછી ભારતના સામ્યવાદીઓએ તેને અમાન્ય કર્યો. એમ.એન. રોય લેનિન સાથેના મતભેદથી છૂટા પડ્યા, અને રેડિકલ હ્યુમનિસ્ટ પાર્ટી બનાવી. અવની મુખરજીને રશિયાની સરકારે સાઈબિરિયાની જેલમાં ઠાર કર્યો.
1962ના ચીની હુમલાએ વળી સીપીઆઈમાં ભંગાણ કરાવ્યું. સીપીએમ અને સંખ્યાબંધ જૂથો રચાયાં - જેમાં માર્ક્સ, માઓ વગેરેના નામોનો ઉપયોગ થયો, તેવું જ નક્સલવાદનું બન્યું. બંગાળમાં ચારુ મઝુમદાર તો કેરળમાં રેડ્ડી જૂથના પોતાના ચોકા અલગ થયા. ડો. આંબેડકરની રિપબ્લિકન પાર્ટીના છ ફાંટા પડ્યા. અકાલી દળનું અસ્તિત્વ એવું જ વિભાજિત રહ્યું. મુસ્લિમ લીગ, હિન્દુ મહાસભા, નેશનલ ફ્રન્ટ, શિવસેના, ડીએમકે - કોઇ જ એક રહ્યા નથી.

ભારતીય જનસંઘના ત્રણ મહત્ત્વના પડાવ રહ્યા છે. 21 ઓકટોબર 1951ના ભારતીય જનસંઘની સ્થાપના થઈ. તે પહેલાં કેટલાક પ્રદેશો પૂરતી શરૂઆત થઈ હતી. હિન્દુ મહાસભાના પૂર્વ અધ્યક્ષ અને કોલકાતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સર આશુતોષ મુખરજીના પુત્ર ડો. શ્યામપ્રસાદ બંગાળમાં સૌથી પ્રભાવી નેતા હતા. બંગાળ સરકારમાં રહીને તેમણે બંગાળને પાકિસ્તાનમાં જતાં બચાવી લીધું હતું. પ્રધાનમંડળમાં સરદાર, આંબેડકર અને શ્યામપ્રસાદની દમદાર ત્રિપુટી હતી. જવાહરલાલ નેહરુના અતિ-પ્રભાવને દૂર કરવાનું કામ આ ત્રણે નેતાઓએ અલગ અલગ રીતે કર્યું. ડો. મુખર્જીના રાજીનામાં સમયે સરદારે દુખી થઈને કહ્યું હતું કે તમારી ખોટ મને સાલશે. આંબેડકર પણ પ્રધાનમંડળમાં રહ્યા નહિ અને 1952ની ચૂંટણીમાં કોંગ્રેસે જ તેમણે હરાવ્યા.

કોંગ્રેસમાં પુરુષોત્તમદાસ ટંડન, ડી.પી. મિશ્રા, કનૈયાલાલ મુન્શી, એન.વી. ગાડગીલ વગેરે નેતાઓ - બહુ સ્પષ્ટ હતું કે નેહરુના વિચારો અને પગલાંઓની સામે - સરદારની સાથે હતા. નેહરુની પાસે રફી એહમદ કિડવાઇ જેવા ડાબેરી હતા, અને મૌલાના આઝાદ ટેકો આપતા. તત્કાલીન જયપ્રકાશ નારાયણ અને બીજા સમજવાદીઓ સરદારની સામે હતા. જોકે 1975માં જે.પી.એ પોતાની ભૂલનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો.

દરમિયાન 1925માં ડો. હેડગેવાર દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય સ્વયં સેવકનું હિન્દુ સંગઠન વિસ્તરવા માંડ્યું હતું. ભારત વિભાજન સમયે તેણે પંજાબ, બંગાળ, દિલ્હીમાં હિન્દુ શરણાર્થી છાવણીઓમાં કામ કર્યું. દિલ્હીને એકવાર મોટા રમખાણ અને વિસ્ફોટથી બચાવ્યું, તેનાથી ગાંધીજી પણ પ્રભાવિત થયા. 1948ની 30મી જાન્યુઆરીએ ગાંધીજીની હત્યા જ નહિ, હિન્દુ-મુસ્લિમ વચ્ચેનો અલગાવ પણ વધાર્યો.

ગોડસેની ધરપકડ અને આરએસએસની ગાંધીહત્યામાં કહેવાતી સંડોવણીએ ડાબેરી તત્વોને મોકો આપ્યો. મહારાષ્ટ્રમાં ખાસ કરીને બ્રાહ્મણોના ઘરો બાળી મૂકવામાં આવ્યા, કેટલાકની હત્યા થઈ તે સમાચારો દબાવી દેવામાં આવ્યા. સાવરકરના તબીબ ભાઈને પણ ઘાયલ કરવામાં આવ્યા અને પછી તેનું મૃત્યુ થયું. સરકારને મોકો મળી ગયો અને આરએસએસ પર પ્રતિબંધ મૂકીને સરસંઘચાલક શ્રી માધવ સદાશિવ ગોળવલકર સહિતના નેતાઓને પકડી લેવાયા.

સંઘે સત્યાગ્રહ કર્યો, સરદાર એવા મતના હતા કે આવડા મોટા સંગઠનને દબાવી દેવાય તે શક્ય નથી, તેના મૂળિયાં જમીનમાં છે. ભાગલા દરમિયાન આ સ્વયંસેવકોએ શરણાર્થીઓની વચ્ચે જઈને સેવા કરી છે અને ગૃહ ખાતાની તપાસમાં ક્યાંય સંઘનો ગાંધીહત્યામાં હાથ હતો તેવું કશું મળ્યું નથી.

... પણ નેહરુ સંઘના, અને પછી જનસંઘના ‘હિન્દુવાદ’ના કટ્ટર વિરોધી હતા. લોકસભામાં એકવાર ચર્ચા દરમિયાન ગુસ્સે થઈને તેમણે કહ્યું: ‘હું જનસંઘને કચડી નાખીશ’. ડો. મુખર્જીએ લોકતંત્રને અનુરૂપ જવાબ આપ્યો: ‘હું, જનસંઘને કચડી નાખવાની તમારી મનોવૃત્તિને કચડી નાખીશ’. એવું એકવાર થયું પણ ખરું.
પ્રજાસત્તાક પરેડ, 26 જાન્યુઆરીએ આરએસએસને એ પેરેડમાં સામેલ કરવાનો નિર્ણય ખુદ નેહરુ-સરકારે જ કર્યો. કેટલાક કોંગ્રેસ નેતાઓએ ફરિયાદ કરી કે તો પછી કોંગ્રેસ સેવાદળને કેમ જોડવામાં ના આવ્યું? નેહરુજીએ ત્યારે કહ્યું હતું કે સેવાદળની પાસે એવી સંખ્યા જ કયા હતી કે પ્રભાવી પરેડ કરી શકે?

જનસંઘનો પહેલો શબ્દ હતો, ભારતીય. તેના પરથી તેના સિદ્ધાંતોનો અંદાજ આવે છે. તેનું બંધારણ અને ડો. મુખર્જીના પ્રથમ અધ્યક્ષીય ભાષણના મુદ્દાઓ સ્પષ્ટ કરતા હતા કે સમાજવાદ અને ધર્મ નિરપેક્ષતાના નામે થતાં અતિરેકની સામે આ વિકલ્પની ખોજ હતી. એટલે તેને દક્ષિણપંથી પક્ષ કહેવામાં આવ્યો. કાશ્મીર સત્યાગ્રહ, ગોવધ-બંધી આંદોલન, સંસદમાં સંયુક્ત લોકતાંત્રિક મોરચાની કોંગ્રેસની સામે મજબૂતી, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના તેજસ્વી સંગઠક અને લોકપ્રિય બની રહેલા નેતાઓ - અટલ બિહારી વાજપેયી, બલરાજ મધોક, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, સુંદરસિંહ ભંડારી, ‘ઓર્ગેનાઇઝર’ના ધારદાર તંત્રી કે.આર. મલકાણી, મૌલીચંદ્ર શર્મા, દેવપ્રસાદ ઘોષ, પિતામ્બર દાસ, એ. રામારાવ, પંડિત બછરાજ વ્યાસ, લાલ કૃષ્ણ અડવાણી, કુશાભાઉ ઠાકરે વગેરેએ સમયાંતરે સંગઠન અને આંદોલનો દ્વારા મજબૂત પાયા નાંખવાનું કામ કર્યું.

નેહરુ સહિત કોંગ્રેસ અને ડાબેરીઓના માટે તો આ એક પ્રતિક્રિયાવાદી, કોમવાદી, હિન્દુવાદી, દલિતવિરોધી, મનુ-વાદી પક્ષ જ રહ્યો. આ પક્ષોએ ભારતીય પ્રજાની નાડ પારખી નહિ. જનસંઘ પૂર્વે હિંદુસભા, રામરાજ્ય પરિષદ વગેરે સંગઠનો હતા પણ તેમનું સંગઠક બળ નહોતું, વિચારોમાં પણ સર્વ સમાવેશક લોકતંત્રને માન્ય કરતાં નહિ. સાવરકર વૃદ્ધ અને ક્ષીણ થઈ ગયા હતા. ગાંધીહત્યામાં ના હોવા છતાં (જોકે કેટલાકના ઈરાદા મુજબ એક જસ્ટિસ કપૂર પંચ નિયુક્ત કરવામાં આવ્યું તેમાં તો સરદાર અને મોરારજીભાઈનો દોષ કાઢવાનો ખેલ કેટલાકને મળી ગયો.)

જનસંઘે પ્રથમથી જ વિચારોની સ્પષ્ટતા રાખી, કાર્યકર્તાઓને માટે રાષ્ટ્ર પ્રથમ એવું, સ્વાધીનતા પહેલાનું ધ્યેય શબ્દસ્થ અને કાર્યસ્થ કરવામાં આવ્યું. રાષ્ટ્ર-ચિંતક પંડીત દીનદયાળ ઉપાધ્યાયનું તેમાં મહત્વનું પ્રદાન રહ્યું. આજે પણ તેની ગીતાસમાન ‘એકાત્મ માનવદર્શન’ છે.

જનસંઘના પ્રારંભે જ નૈતિક અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને પ્રાધાન્ય આપવામાં આવ્યું. એક રીતે તે માત્ર રાજકીય હોવાને બદલે સ્વામી વિવેકાનંદ, અરવિંદ ઘોષ અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના વિચારોનો આધાર-સ્તંભ હતો. તેનું એક કારણ સંઘ-નિર્માતાઓના વિચારો અને સામ્યવાદનો વિરોધ હતા. જનસંઘ કાર્યકર્તાએ પરિસ્થિતિ મુજબ ભારત-વિભાજન સ્વીકારી તો લીધું, પણ મનમાં ટીસ ગઈ નથી. ભારત માતાની અખંડ છબી હજુ તેનાં હૃદયમાં છે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ડો. રામમનોહર લોહિયાએ સાથે મળીને ભારત-પાકિસ્તાન સંયુક્ત મહાસંઘનો વિચાર મૂક્યો હતો તે, કશ્મીરને ભારત સાથે સંપૂર્ણ બંધારણીય રીતે વિલીન કરવાનો સત્યાગ્રહ અને ડો. મુખર્જીનું જેલમાં મૃત્યુ, બેરુબારી અને કચ્છ સત્યાગ્રહ, તેમ જ વડાપ્રધાન વાંજપેયીની પાકિસ્તાન-યાત્રા અને લાલ કૃષ્ણ અડવાણીની મોહમ્મદ અલી ઝીણાની સ્મારક પોથીમાં ઝીણાનું એકતા વિષેનું ભાષણ - નોંધ... આ બધું આદર્શ અખંડ ભારતની નેમનો અંદાજ પૂરો પાડે છે.

જનસંઘની સ્થાપના સમયે જે આઠ સૂત્રોને શબ્દબદ્ધ કરવામાં આવ્યાં તે હતાં, સંસ્કૃતિ નિષ્ઠા, પરંપરામાં રહેલો એકાત્મવાદી દૃષ્ટિકોણ, સંઘર્ષ નહિ, સમન્વય, વ્યક્તિ અને સમાજનો સંબંધ, વ્યક્તિ વિકાસના ચાર પુરુષાર્થ, ધર્મ-રાજ્ય (રૂલ ઓફ લો), લોકશાહીમાં શ્રદ્ધા, લોકશાહી અને સ્વતંત્રતા. આમાં ક્યાંય ઝિંદાબાદ-મુરદાબાદ દેખાય છે? એનો અર્થ એ કે જનસંઘ-ભાજપ-સંઘના નેતાઓ આ પક્ષને માત્ર રાજકીય પક્ષ કે ચૂંટણી અને સત્તાકેન્દ્રી પક્ષ બનાવવા ઇચ્છતા નહોતા, પણ રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક ભારતનું નિર્માણ થાય તેવું ઇચ્છતા હતા. એવો સંકલ્પ લઈને નીકળેલા સેંકડો કાર્યકર્તાઓએ જીવન-દાન આપ્યું હતું, તેનું આંશિક પરિણામ એટલે હાલનું સત્તારોહણ!

જનસંઘમાંથી જનતા પક્ષ અને તેમાંથી ભારતીય જનતા પાર્ટી - આ ત્રણ પડાવો રાજકીય ઇતિહાસની રીતે મહત્ત્વના છે. એકલા રશિયામાં સામ્યવાદી પડાવો અને ખૂબી-ખામી વિશે અધ્યયન થયું છે, તેને માટે યુનિવર્સિટીઓમાં ખાસ વિભાગ ઊભો કરાયો છે.

હવે પછીના લેખમાં જનસંઘથી જનતા પક્ષ વિશે વિચારીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter