ભારત એ એવી પવિત્ર ધરતી છે, જ્યાં માનવ જીવનને માત્ર જીવવાનો નહીં, પરંતુ સત્કાર્યપૂર્વક જીવવાનો માર્ગ બતાવવામાં આવ્યો છે. પરંપરા, સંસ્કાર અને મૂલ્યો - આ ત્રણેય આપણા જીવનના એવા સ્તંભ છે જે સમયના પ્રવાહમાં આપણને અખંડ રાખે છે. પરંતુ આજના આધુનિક યુગમાં, જ્યાં ઝડપ, સ્પર્ધા અને ભૌતિક સુખ મુખ્ય બન્યા છે, ત્યાં આ સંસ્કારને જીવંત રાખવા આપણા સૌના માટે એક મોટી જવાબદારી બની ગઈ છે.
સૌપ્રથમ "પરિવાર" એ સંસ્કારની પ્રથમ શાળા છે. બાળકને જે સંસ્કાર મળે છે, તે ઘરના વડીલો અને માતા-પિતાના વર્તન પરથી જ મળે છે. જો ઘરના લોકો પોતાના જીવનમાં સત્ય, પ્રેમ અને કરુણાને સ્થાન આપે તો બાળક આપોઆપ એ માર્ગ પર ચાલશે. માત્ર ઉપદેશ આપવાથી નહીં, પરંતુ વર્તન દ્વારા શીખવવાથી જ સંસ્કાર ઊંડો પ્રભાવ પામે છે. વડીલોને પ્રણામ કરવું, અપ-શબ્દો ન બોલવા, જમતા પહેલા ઈશ્વરને યાદ કરવા - આ નાનકડા સંસ્કાર બાળકના મનમાં સંસ્કારનું બીજ વાવે છે.
બીજું ભારતીય ભાષા, કલા અને સાહિત્યનું જતન કરવું અત્યંત જરૂરી છે. માતૃભાષા આપણું હૃદય છે - એમાં આપણા ભાવ સુંદર રીતે વ્યક્ત કરી શકાય છે. ઘરમાં ગુજરાતી, હિન્દી કે પોતાની પ્રાદેશિક ભાષા બોલવાથી બાળકોમાં પણ એ ભાષા ઉતરે છે. તેમજ ભારતીય સંગીત, નૃત્ય, ચિત્રકળા અને સાહિત્ય સાથે જોડાવાથી મન શુદ્ધ બને છે અને સંસ્કૃતિ જીવંત રહે છે. જો આપણે પશ્ચિમી સંગીત સાંભળીએ, તો એ આનંદ આપે છે, પરંતુ જ્યારે આપણે ભજન, ગરબા કે લોકગીત સાંભળીએ ત્યારે દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે. આજ છે ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ.
આજે બાળકો ટેક્નોલોજીમાં પારંગત છે, પણ જીવન-મૂલ્યોમાં પાછળ પડતા જાય છે. ઘણા મંદિરોમાં થતી ધાર્મિક સભા,સ્વાધ્યાયના કેન્દ્ર વગેરેમાં જવાથી નૈતિક શિક્ષણ, કરુણા ભાવ અને સામાજિક જવાબદારીના પાઠ શીખી શકે. જેમ બાળકોને સ્વિમિંગ ક્લાસ, જીમ્નાસ્ટિક ક્લાસ વગેરેમાં લોકો મૂકે છે, તે જ રીતે આપણા ધર્મ, ભાષા અને સંસ્કૃતિને સમજાવતા કલાસમાં પણ મોકલવા જોઈએ. જેમ કે ગુજરાતી સ્કૂલ, ભારતીય વાજિંત્રો વગાડવાના ક્લાસ, ભરતનાટ્યમ કે કથકના ક્લાસ વગેરે.
તૃતીય રીતે, ભારતીય તહેવારો અને પરંપરાઓની ઉજવણીમાં હૃદયથી જોડાવું જોઈએ. દિવાળી માત્ર દીવડા પ્રગટાવવાનો તહેવાર નથી - એ અંધકાર પર પ્રકાશનો વિજય છે.
નવરાત્રી માત્ર નૃત્ય નથી - એ સ્ત્રી શક્તિની આરાધના છે.
હોળી માત્ર રંગોનો રમખાણ નથી - એ દૂષણોના દહનનું પ્રતીક છે. જો આપણે આ તહેવારોના આધ્યાત્મિક અર્થને બાળકો સુધી પહોંચાડીએ તો તેઓ ફક્ત ઉજવણી નહીં કરે પરંતુ તેનું મર્મ પણ સમજી શકે. ગુજરાત સમાચાર - એક આદર્શ ઉદાહરણ છે. જે દરેક તહેવાર ઉપર, તેની પાછળનું આધ્યાત્મિક વર્ણન કરતા લેખ લોકો સુધી પહોંચાડે છે.
ભારતીય સંસ્કૃતિ કહે છે "વસુદેવ કુટુંમ્બક્મ" અર્થાત આખી ધરતી આપણું કુટુંબ છે. આ ભાવનાને જો આપણે રોજિંદા જીવનમાં જીવીએ, તો કોઈ પણ સંસ્કૃતિ આપણને કદી હલાવી શકશે નહીં.
આજના ડિજિટલ યુગમાં, ટેકનોલોજીનો સદુપયોગ કરીને પણ પરંપરા જાળવી શકાય છે. ભારતીય ભક્તિ-સંગીત, ગ્રંથો કે કલા વિષયક ઓનલાઇન સામગ્રીથી બાળકોને જોડવું જોઈએ. આજના આધુનિક સમયમાં પણ રામાયણ, મહાભારત જેવા ગ્રંથો પર ટીવી શો બને છે અને પ્રસારિત થાય છે, તે ખૂબ પ્રશંસનીય છે. આવા ટીવી શો સહકુટુંબ બેસીને જોવા જોઈએ.
છેલ્લે આપણે પોતે ઉદાહરણ બનીએ - એ જ સૌથી મોટું યોગદાન છે. જો આપણે પોતે સંસ્કાર પૂર્વક જીવશું તો આગામી પેઢી આપોઆપ એ રસ્તે ચાલશે. પરંપરા શબ્દોથી નહીં, કર્મોથી પ્રસરે છે.
દિવાળીમાં ઘરની સફાઈ કરવી, ઘરે મીઠાઈ અને નાસ્તા બનાવવા, રંગોળી કરવી, એક-બીજાના ઘરે જવું - આ બધું નાનપણમાં જોયેલું. એ જ પરંપરા જો આજની યુવા પેઢી પણ અનુસરે તો તેમના બાળકોને પણ ખબર હશે કે દિવાળી એટલે માત્ર ફટાકડા ફોડવાનો તહેવાર નથી, પણ દિવાળીમાં ચકરી-ઘૂઘરા વગેરે ઘરે બને, લક્ષ્મી-પૂજન થાય અને રામ ભગવાનના આગમનને કાજ દીવા પ્રગટાવાય.
"મારો દેશ, મારી ઓળખ" - આપણે સૌ બીજા દેશો જેમ કે યુરોપ, ગ્રીસ, મોરક્કો, ઇજિપ્ત વગેરે દેશો ખૂબ ખુશીથી ફરવા જાય છીએ. એ જ રીતે બાળકોને તથા આજની યુવા પેઢીને ભારત પણ ફરવા જવું જોઈએ. વારાણસી, અયોધ્યા, વૃંદાવન, કેદારનાથ જેવા ધાર્મિક સ્થળો કે પછી રાજસ્થાન, કેરલા જેવા સુંદર રાજ્યો કે પછી આપણા મિત્રો કે પરિવારને મળીયે - આમ કરવાથી આપણને ભારતની સંસ્કૃતિનો પ્રત્ય્ક્ષ અનુભવ થશે. જ અવિસ્મરણીય અને અદભૂત હશે.
આપણે જેમ સંગીતના કોન્સર્ટમાં કે સિન્ડ્રેલા, પેડીંગ્ટન જેવા પ્રોડક્ષનમાં જઇયે, તે જ રીતે આપણે સહકુટુમ્બ કથાઓ સાંભળવા જવું જોઈએ, હોળી પ્રાગટ્યના દર્શન કરવા, નંદોત્સવમાં કૃષ્ણ જન્મ કરવા, કે કોઈ જગ્યાએ ભારતના સ્વતંત્ર દિનની ઉજવણી થતી હોય ત્યાં બધે જવાથી, આપણે વિદેશમાં રહીને પણ સ્વદેશને આપણા જીવનમાં જીવંત રાખી શકીશું. આ રીતે આપણે સૌએ સક્રિય પ્રયત્નો કરવા જોશે. સ્વયં એ મૂલ્યો, પરંપરા અને સંસ્કારને જીવવા જોઈએ, ત્યારે જ એ આવનારી પેઢી દર પેઢી દ્વારા જીવંત રહેશે.
કોઈએ સાચું જ કહ્યું છે કે "જ્યાં સુધી પોતાની આંગળી કંકુ વાળી ના થાય, ત્યાં સુધી સામેવાળાના કપાળે તિલક ક્યાંથી થાય."
જય ભારત. વંદે માતરમ.


