આવો મળીએ... આપણા ગુજરાતથી આવેલા કેટલાક ORG બંધુઓને...

હાસ્યાનંદ

કોકિલા પટેલ Tuesday 22nd September 2020 04:57 EDT
 

લંડનમાં અમે ૭૦ના દાયકામાં સીધા જ ગુજરાતથી લંડન આવેલા. પતિશ્રી તબીબ એટલે સ્કોટલેન્ડની હોસ્પિટલના ડોકટર કવોટરમાં ધામા નાખવા પડેલા. એબરડીન નજીક સ્ટ્રાકાથ્રો હોસ્પિટલની ચારેયકોર ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય ને જવના ખેતરો દેખાય. ગુજરાતના આણંદ શહેરના મેળાવડાને મેલી આવેલા આ જીવાત્માને ઇંગ્લેન્ડનું ઘોંઘાટ વગરનું તદ્ન શાંત, ચરકલુય ના ફરકે એવી એકાંત જગ્યામાં મહિના સુધી મનડું મૂંઝાવા લાગ્યું, કયારેક આકાશ સામે જોઇ નિ:શાસા નંખાય અરેરે ..હું કયાં અહીં આવી ગઇ!!

આજે આ ઇંગ્લેન્ડમાં સ્થાયી થયાને ૪૩ પૂરાં થયાં. ચાર દશકા દરમિયાન દુનિયા કેટલી બદલાઇ ગઇ. આજે ઇન્ડિયાથી આપણું યુવાધન વધુ અભ્યાસાર્થે લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિઆ ને અમેરિકા જવા ખૂબ ઉત્સુક હોય છે એટલું જ નહિ પરદેશગમન પહેલાં ત્યાંના વિશે એ કેટલી બધી જાણકારી મેળવી લે. યુ.કે.માં ખાસ કરીને MBAઅને એકાઉન્ટસીની ડિગ્રી કરવા છેલ્લા દસ-પંદર વર્ષમાં ઢગલાબંધ યુવાન-યુવતીઓ લંડન આવ્યા. એ સાથે કેટલાક વીઝીટર તરીકે આવ્યા ને રહી ગયા તો કેટલાક ધરખમ પૈસા આપી આપણા એટલે કે ભારતીય ભેજાબાજ એજન્ટો થ્રુ ખતરોના ખેલાડી જેવા યુવાદંપતિઓ પણ બેનંબરમાં લાખોપતિ બનવા લંડન આવી ગયાં છે.
લંડનમાં બેપાંદડે થવા આવેલા કેટલાક ગુજરાતી ભાઇ-બહેનોએ પાઉન્ડના ૯૭ (એટલે કે £1= 97) કરવા જાણે કમ્મરકસી છે. આપણે સૌ ફોરેનર્સને ગામ-શહેરનો ગુજરાતી NRG તરીકે જ ઓળખે. એમ ગુજરાતથી યુ.કે. આવેલા આપણા મોટાભાગના ઓરીજીન ગુજરાતી (ORG)ના ગલોફામાં ગૂટકા તો અચૂક હોય જ. આવા કેટલાક આપણા ગુજરાતીઓ લંડનની બસો-ટ્રેનોમાં ટ્રાવેલ કરતાં કરતાં ફોન પર જે વાતચીત કરે એ ઘણીવાર હેરત પમાડે એવી હોય છે. કેટલાક યુવાન-યુવતીઓ તો બબ્બે મોબાઇલ ફોન હાથમાં લઇને ફરતા હોય. દેશમાં થતું હોય એમ આદત સે મજબૂર, તેઓ જ્યારે બિનધાસ્તપણે મોટા અવાજે ટયૂબ ટ્રેન કે બસમાં વાતો કરતા હોય ત્યારે જોઇ શાંતચિત્તે ન્યુઝ પેપર વાંચનારા ઇંગ્લીશ લોકો પણ મનમાં ધૂંઆપૂંઆ થતા અમે દીઠા છે.
ટ્રેન-બસના પ્રવાસ દરમિયાન અમે કેટલાક "ફેંકુ" યુવાનોની રમૂજ ઉપજાવે એવી વાતો સાંભળી છે એની થોડી ઝલક પ્રસ્તુત કરું છું. એકવાર અમે સડબરીથી બસમાં બેસી વેમ્બલી સેન્ટ્રલ જતા હતાં ત્યારે મારી બાજુની સીટ પર બેઠેલા એક ૩૦-૩૫ વર્ષના યુવાન ગુજરાતીનો ફોન રણક્યો. સામેથી એનો કોઇ મિત્ર બોલતો હશે એવું એમની વાતો પરથી સમજી શકાય. ભાઇએ મિત્રને કહ્યું, “ગૂડમોર્નિંગ બ્રો (બ્રો મિન્સ બ્રધર), કેવું ચાલે છે? સામેથી પેલા ઇન્ડિયાવાળા મિત્રએ કંઇક કહ્યું હશે, ત્યાં આ બસમાં મારી બાજુમાં બેઠેલા લંડનવાસી ગુજજુએ કહ્યું, “યાર, હિતુ જવા દે ને...ગઇકાલે જ મેં નવી BMWકઢાવી છે અને લંડનનો ટ્રાફિક એટલે ગજબનો હેડેક છે, ટ્રાફિકમાં બેઠો છું, કારમાં સોંગ્સ સાંભળુ છું!!! જોબ પર જવાનું મોડું થાય છે!!” મને થયું કે આ ભઇલું મારી બાજુમાં બસમાં છે ને પેલા ભાઇબંધને એBMW ટ્રાઇવ કરતો કહે છે!!! મને ઇન્ડિયામાં બેઠેલા મિત્રની દયા આવી ખરેખર બિચારો કેટલો નસીબને કોશ તો હશે કે યાર.. મારા નસીબનું પાંદડું કયારે ફરશે.!
 બીજો એક કિસ્સો પણ ગજબનો છે. એક વખત વેમ્બલી પાર્કથી સાંજે મેં ઘરે જવા બસ પકડી. મોટા અવાજે ગુજરાતીમાં વાતો કરતા જુવાનિયાઓને જોઇ મેં નજીકની સીટ પર જમાવટ કરી. એમના દીદાર જોઇને એ ચારેક જુવાનિયા કયાંક લેબર વર્ક કરીને ઘરે જતા હોય એવું લાગ્યું. દરેકના હાથમાં શોપીંગ બેગો હતી જેમાં બે-ત્રણ લોફ બ્રેડ અને બબ્બે દૂધનાં ગેલન દેખાતાં હતા. બસની છેલ્લી સીટ પર પગ લાંબા કરી આરામથી અમદાવાદમાં રહેતા કોઇ મિત્ર સાથે ફોન સ્પીકર પર વાતો ચાલતી હતી. પેલા અમદાવાદવાળાએ પૂછ્યું હશે કે શું કરો છો, અલ્યા? ત્યારે બસમાં બેઠેલા જુવાનિયાઓએ કહ્યું, “દિપકીયા, અમે હમણાં બંકીમહામ પેલેસ (એટલે આપણા મહારાણીનો બકીંગહામ) જોઇને આવ્યા, હવે બસમાં આરામથી પગ લાંબા કરીને બેઠા બેઠા બીયર પીએ છીએ, મઝા છે, અહીં. પોલીસની કોઇ ઝંઝટ જ નહિ અલ્યા! આવું સાંભળીને બિચારા અમદાવાદ બેઠેલાને કેટલો અફસોસ થતો હશે!! કે યાર,.. હું પણ ત્યાં હોત તો કેટલી મજા આવત.!!
એક દિવસ વેમ્બલી સેન્ટ્રલથી ટ્રેનમાં અમે હ્યુસ્ટન તરફ જતાં હતાં ત્યારે એક ઓરીજીન ગુજ્જુ ચઢ્યા. એમની ચારેય આંગળી ઉપર લાલ-લીલા નંગની અને મોતી મઢેલી વીંટીઓ અને ગલોફામાં ગૂટકા જોઇ અમને તરત જ એમની ઓળખ મળી ગઇ. એ ભાઇ ગુજરાતના કોઇ ગામમાં રહેતાં માતુશ્રી સાથે વાતો કરતા હોય એવું લાગ્યું. ભાઇએ એમની મમ્મીને મોંઢેથી વાત સાંભળી તરત જ જવાબ આપ્યો, “ જો મોમ તારે હવે ઓશિયાળું નથી રહેવાનું બોલ, કાલે કેટલી પેટી (પેટી એટલે લાખ) મોકલી આપું. એક, પેટી કે બે બોલ કાલે જ રવાના કરી દઉં"!! ત્યારે આપણને મનમાં થાય કે સાલું .. આ કેટલું કમાતો હશે!!!
લંડનથી કોચ દ્વારા અમે લેસ્ટર જઇ રહ્યા હતા ત્યારે વધુ અભ્યાસાર્થે આવ્યા પછી યુ.કે.માં સેટલ થઇ ગયેલા એક યુવાન ગુજરાતી પણ અમારા કોચ પ્રવાસમાં હતા. લંડનથી કોચ ઉપડ્યો ત્યારથી એ ભાઇએ ગુજરાતમાં રહેતા પરિવારજનો સાથે ફોન પર જે બડાશો હાંકી એ જાણવા જેવી છે. ગામમાં બહેનનાં લગ્નની તૈયારીઓ ચાલતી હોય એવું એમની વાતો પરથી લાગ્યું, "મમ્મી તું પૈસાની સહેજેય ચિંતા કરીશ નહિ તને કેટલા જોઇએ બોલ!! મમ્મી સાથે પત્યું પછી બહેન આવી, એ પછી તમામ કુટુંબીજનો સાથે વાતો થઇ, છેલ્લે કાકા આવ્યા, એમને કદાચ લંડન ફરવા બોલાવવાની ભત્રીજાને ભલામણ કરી હશે ત્યારે એનો જવાબ સાંભળી તમને કદાચ હસવું આવશે. લંડનવાસી ભઇલુએ કહયું "અરે કાકા.. હવે અહીં લંડનમાં કોંઠોય રહ્યાં નથી.. હવે તો આપણે અમેરિકા જવું છે ને ત્યાં ડોલરમાં ધૂબાકા મારવા છે!!”
આપણો ગુજરાતી દુનિયામાં કયાંય પાછો ના પડે!! આપ માનવા તૈયાર નથી!! લ્યો છેલ્લે આ એક ચટણી જેવી મસ્ત વાત કરું. કિલબર્ન વિસ્તારમાં અમારા એક મિત્રની ફાર્મસી છે. ત્યાં એક આપણો ORGભઇલું જોબ વેકેન્સી માટે તપાસ કરવા ગયો ત્યારે એ બ્રિટીશ ગુજરાતી ફાર્મસીસ્ટ યુવાને પોતાના વતનનો છોકરો છે એમ સમજી પૂછયું, “ તમારું એજ્યુકેશન શું છે? ત્યારે ગુજરાતથી આવેલા ORGએ કહ્યું.. સર, MBA છું!!! ફાર્મસીસ્ટે આશ્ચર્ય પામતાં કહ્યું, “અરે તેં MBAકર્યું છે, તો અહીં શોપમાં લેબર વર્કરનું કામ કેમ કરવું છે? ત્યારે આપણા ઓરીજીન ગુજજુ ભઇલુએ ફોડ પાડ્યો.. કે ના ના સર, તમે સમજ્યા નહિ! MBAએટલે મને બધું આવડે..!!! લંડનગરો ગુજરાતી થોડીવાર સ્તબ્ધ થઇ ગયો!!! પરંતુ ઇન્ડિયામાં જમીન ગિરવે મૂકીને આવ્યો હોવાનું જાણી એ ફાર્મસીસ્ટે દયા ખાઇને બનાવટી MBAવાળાને જોબ આપી. લંડનના વેસ્ટ એન્ડ વિસ્તારમાં કેન્યાથી આવેલા એક ચરોતરી ગુજરાતીની ન્યુઝ-કોન્ફેકશ્નરીની શોપ છે. ત્યાં સ્ટુડન્ટ વીઝા પર આવેલો યુવાન જોબ લેવા ગયો.
MBAનો અભ્યાસ કરવા આવેલો હોવાથી અંગ્રેજીમાં પાવરધો તો હોઇ શકે જ એમ સમજી વહેલી સવારની જોબ ઓફર થઇ. અહીં બ્રિટીશ લોકોને સવારે ચ્હા-કોફીની માફક કોઇ એક ખાસ ન્યુઝ પેપરનું વળગણ હોય. સવારે જોબ પર જતાં જતાં મોટાભાગના નજીકની ન્યુઝ એજન્ટ શોપમાંથી એની પસંદનું પેપર અને એકાદ ચોકલેટ લે. આ દુકાનમાં એક કાયમનો ગ્રાહક ડેવિડ ટાઇમ્સ ન્યુઝ પેપર લેવા આવે. આપણો ગુજજુ ભઇલું ગુજરાતથી આવેલો, પેલા ડેવિડે કહ્યું: ‘ગુડમોર્નિંગ યંગમેન, કેન આઇ હેવ ટાઇમ" ત્યારે આપણો ગુજજુ ભઇલું રાજી રાજી થઇને ઘડિયાળ સામું જોઇને કહે ૮.૩૦ સર! પેલો કહે નો નો ટાઇમ્સ પ્લીઝ! ફરી આપણો ORG કહે, સર ૮.૩૦..!! એ વખતે અંગ્રેજ ડેવિડ સામે શોપનો માલિક ઓરીજીન ગુજજુને અસ્સલ ચરોતરીમાં બરાડ્યો.. અલ્યા એવો.યે... ટાઇમ પેપર માગે છે,, તું ચોં ટાઇમની પત્તર ફાડ છ!!!
 કેનેડાના યુવાન પ્રાઇમ મિનિસ્ટર જસ્ટીન ટ્રુડોએ દિલ્હીની મુલાકાત બાદ ઇન્ડિયન બુધ્ધિધનથી ઇમ્પ્રેસ થઇને ભારતીય સ્ટુડન્ટો માટે ઇમિગ્રેશનનાં બારણાં ખોલી નાખ્યાં. કેનેડીયન વડાપ્રધાનનો ઉષ્માભર્યો આવકાર જોઇ ઓસ્ટ્રેલિઆ, યુએસએ અને લંડન જવાનું પડતું મેલી સૌ કોઇએ કેનેડા ઉપર પસંદગી ઉતારવા માંડી છે.
કેનેડાના વીઝા અને યુનિવર્સિટીઓમાં એડમિશનો સુધ્ધાં મેળવી આપનારા એજન્ટોનાં મોટાં હોલ્ડીંગ શહેરો-નગરોના માર્ગો પર લાગવા માંડ્યા. છેલ્લા પાંચેક વર્ષમાં મોટા શહેરોથી માંડી નાના ગામડાઓમાંથી ઢગલાબંધ યુવાન-યુવતીઓએ કેનેડાગમન શરૂ કર્યું છે. શિયાળામાં હિમાચ્છાદિત કેનેડામાં અસહ્ય ઠંડીમાં કયાં અંતરીયાળ જગ્યાએ રહેવાનું, કેવી કોલેજોમાં એડમિશન મળે એની અપૂરતી માહિતી સાથે કેનેદા જનાર યુવક-યુવતીઓના શું હાલ થાય એ સમજ્યા-વિચાર્યા વગર એમના મા-બાપને પણ કેનેડાનું ઘેલું લાગ્યું છે.
ધન્ય ધન્ય મારા ORG તમે પધારો.. મહારાણીના દેશ..


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter