વર્ષ 1966ની 19 નવેમ્બરની વહેલી સવારે હું ટાન્ઝાનિયાના દાર એસ્સ્લામથી લંડન આવી પહોંચ્યો હતો. હું યુનિવર્સિટી ઓફ લંડનમાં મારા LLB ના અભ્યાસ અને પાછળથી લિંકન્સ ઈન ખાતે બાર માટેના અભ્યાસ માટે આવ્યો હતો. પ્રવાસના લાંબા દિવસ અને બંને સંસ્થામાં નોંધણી કરાવ્યા પછીં હું થાકી જવા સાથે ભૂખ્યો પણ થયો હતો. મારી સાથે આવેલા મારા મિત્ર રસિકે મને જરા પણ ચિંતા નહિ કરવા જણાવ્યું અને લંચ લેવા માટે કોઈ સ્થળે જઈએ એવું સૂચન કર્યુ. અમે ઈન્ડિયા હાઉસ ગયા અને ત્યાંની મારી પ્રથમ મુલાકાત આજે પણ મારા સ્મરણપટ પર મજબૂતપણે અંકિત થયેલી છે.
મુખ્ય પ્રવેશદ્વારના ડાબી તરફ લાઈબ્રેરી હતી, જ્યાં અનેક ભાષાઓમાં ભારતીય ન્યૂઝપેપર્સ અને મેગેઝિન્સ રખાતા હતા. તે દિવસોમાં કોઈ સિક્યુરિટી ચેકિંગ ન હતું. તમે ચાલીને સીધા અંદર જઈ શકો, પેપર્સ પર નજર નાખી શકો અને ઘર જેવી શાંતિ અનુભવો, જેવી સ્થિતિ હતી. નીચે બેઝમેન્ટમાં અદ્ભૂત કેન્ટિન હતી, જ્યાં મેં અને રસિકે સમોસા અને ચાનો ઓર્ડર કર્યો હતો. આજના હિસાબે, તેની કિંમત 10 પેન્સ કરતાં પણ ઓછી હતી. મારા જેવા વિદ્યાર્થી માટે તો તે પર્યાપ્ત બ્રેકફાસ્ટ હતો.
સંસ્થાનવાદી ખરીદી કેન્દ્રમાંથી રાજદ્વારી સીમાચિહ્ન
ઈન્ડિયા હાઉસ માત્ર એવું સ્થળ ન હતું, જ્યાં ભારતીયો મનપસંદ પરિચિત ભોજન અને ન્યૂઝપેપર્સ મેળવી શકે. આ ઈમારતનો પણ નોંધપાત્ર ઈતિહાસ છે. સંસ્થાનવાદી સમયગાળા દરમિયાન 1905માં નિર્માણ પામેલું ઈન્ડિયા હાઉસ મૂળભૂતપણે બ્રિટિશ ઈન્ડિયા માટે ખરીદી કરવાના કેન્દ્ર તરીકે મુખ્ય કામગીરી બજાવતું હતું. ભારતને જેની જરૂર પડતી તે લગભગ તમામ - સોયથી માંડી રેલવે એન્જિન સુધીની ચીજવસ્તુઓની આયાત કરવામાં આવતી હતી અને સ્વાભાવિક રીતે બ્રિટિશ સપ્લાયર્સ સંસ્થાનવાદી સંબંધો થકી તગડો લાભ મેળવતા હતા.
આવી કામગીરીના શિખરે ઈન્ડિયા હાઉસમાં આશરે 700 કર્મચારી હતા, જેઓ મુખ્યત્વે બ્રિટિશ હતા અને આ ખરીદીઓ પર દેખરેખ રાખતા હતા. ભારતને 1947માં આઝાદી પ્રાપ્ત થઈ તે પહેલા પણ ભારતીય હાઈ કમિશનરો હતા, પરંતુ આ સંસ્થા તો કોલોનિયલ સિસ્ટમનો જ હિસ્સો બની રહી હતી.
આઝાદીએ ઈન્ડિયા હાઉસનું સ્વરૂપ બદલી નાખ્યું.
કૃષ્ણ મેનન અને ઈન્ડિયા હાઉસનું નવું સ્વરૂપ
કૃષ્ણ મેનન યુકેમાં સ્વતંત્ર ભારતના સર્વ પ્રથમ હાઈ કમિશનર બન્યા હતા. તેમણે 1934થી 1947ના સમયગાળા દરમિયાન લંડનના કેમડેન બરોમાં સેન્ટ પાન્ક્રાસના કાઉન્સિલર તરીકે સેવા આપી હોવાથી લંડનને ઘણી સારી રીતે જાણતા હતા. તેમણે નોંધપાત્ર ફેરફારો હાથ ધરી ઈન્ડિયા હાઉસને સંસ્થાનવાદી ખરીદીના એસ્ટાબ્લિશમેન્ટમાંથી રાજનીતિના કેન્દ્ર અને બ્રિટન સાથે ભારતના સંબંધના કેન્દ્રમાં રુપાંતરિત કરવામાં મદદ કરી હતી.
બ્રિટનમાં મારા પ્રારંભિક વર્ષો દરમિયાન મને અન્ય ભારતીય હાઈ કમિશનર ડો. જીવરાજ મહેતાને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું, જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા.પંડિત નેહરુએ પોતાના રાજકીય ઉદ્દેશ અનુસાર તેમને હાઈ કમિશનર તરીકે લંડન મોકલ્યા હતા. દાયકાઓ દરમિયાન, મને એક અથવા બીજા કારણસર દરેક ભારતીય હાઈ કમિશનરને લંડનમાં મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ દરેકે આગવી રીતે, ભારત અને બ્રિટન વચ્ચે સંબંધોના સેતુઓના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી ભજવી છે.
અપ્પા સાહેબ પંતઃ દૃઢનિશ્ચયી રાજદ્વારી
મારા પર સૌથી ગાઢ પ્રભાવ છોડી જનારાઓમાં એક અપ્પા સાહેબ પંત હતા જેમને હું મારા રાજકીય ગુરુ અને મેન્ટર માનું છું. અપ્પા સાહેબ પંત મહારાષ્ટ્રના નાના રજવાડા ઔંધના રાજકુમાર હતા. તેમના પિતાએ મહાત્મા ગાંધીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંતથી પ્રેરાઈને 1938માં તેમનું રાજ્ય સ્વૈચ્છિક રીતે ‘પ્રજા મંડળ’ને સુપરત કરી દીધું હતું. મારા મતે અપ્પા સાહેબ ગુણવાન પિતાના ગુણવાન પુત્ર હતા.
ભારત આફ્રિકી લોકોની ગુલામીમાંથી મુક્તિને મજબૂતપણે સમર્થન કરી રહ્યું હતું ત્યારે પંડિત નેહરુએ અપ્પા સાહેબને કેન્યામાં ભારતના હાઈ કમિશનર પદે નિયુક્ત કર્યા હતા. ભારતે કેન્યા આફ્રિકન નેશનલ યુનિયનના જોમો કેન્યાટા અને ટોમ એમ્બોયા સહિત ઉભરતા આફ્રિકી નેતાઓને સ્કોલરશિપ્સ અને અન્ય પ્રકારનો સપોર્ટ પુરો પાડ્યો હતો.
પંતે આફ્રિકન નેશનાલિસ્ટ મૂવમેન્ટને ભૌતિક અને નૈતિક સપોર્ટ પૂરો પાડ્યો હતો. તેમના કાર્યોથી બ્રિટનના ફોરેન એને કોલોનિયલ ઓફિસના મિનિસ્ટર ડન્કન સેન્ડિસ રોષે ભરાયા હતા. બ્રિટિશ સરકારે ભારત પર દબાણ કર્યું પરિણામે, નેહરુ સમક્ષ પંતને કેન્યાથી પાછા બોલાવવા અને તેમના સ્થાને કોલોનિયલ એસ્ટાબ્લિશમેન્ટને વધુ સ્વીકાર્ય વ્યક્તિને નિયુક્ત કરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો ન હતો.
1960ના દાયકાના ઉત્તરાર્ધમાં વિશ્વ બદલાઈ ગયું હતું. ઈન્દિરા ગાંધી વડા પ્રધાન હતાં અને તેમની ઈચ્છા અપ્પા સાહેબ પંત યુકેમાં ભારતના હાઈ કમિશનર બને તેવી હતી. બ્રિટિશ સરકારની મરજી ન હતી, પરંતુ ઈન્દિરા ગાંધી તેમના વિચારમાં અડગ રહ્યાં અને જીત્યાં, આખરે પંતને સ્વીકારી લેવાયા. આ રીતે હું તેમને જાણતો થયો હતો.
તેમણે લંડનમાં નોંધપાત્ર કામગીરી બજાવી હતી. એ દિવસોમાં, ભારતીય હાઈ કમિશનરની જવાબદારીઓ માત્ર રાજદ્વારી સંબંધોની જાળવણીથી પણ વિશેષ હતી. ભારતીય વિદ્યાર્થીઓની દેખરેખ અને વ્યાપક ભારતીય કોમ્યુનિટી સાથે સંપર્ક જાળવવો તે પણ તેમની ભૂમિકાનો મહત્ત્વપૂર્ણ હિસ્સો હતો.
એન.જી. ગોરે અને સિદ્ધાંતપ્રિયતાનું મહત્ત્વ
હું ખૂબ સ્નેહ સાથે સ્મરણ કરું છું તેવી અન્ય વ્યક્તિ નારાયણ ગણેશ ગોરે છે, જેઓ નાનાસાહેબ ગોરે તરીકે લોકપ્રિય હતા. હું તેમને મારા ગુરુ અને મેન્ટર તરીકે માનું છું. મોરારજીભાઈ દેસાઈ જનતા ગઠબંધન સરકારના વડા પ્રધાન બન્યા ત્યારે યુકે માટેના હાઈ કમિશનર તરીકે નાનાસાહેબની નિયુક્તિ થઈ હતી. હું વડોદરામાં મારા વિદ્યાર્થીકાળથી તેમને જાણતો હતો. તેમણે 1955માં ગોવાની આઝાદી માટેની ચળવળની નેતાગીરી સંભાળી હતી અને તેમના જમાઈ બરોડા યુનિવર્સિટીમાં મારા મિત્ર હતા.
નાનાસાહેબ સમાજવાદી, ન્યાયપ્રિય અને સંપૂર્ણપણે સિદ્ધાંતવાદી માનવી હતા. તેઓ પોતાના રાજકીય અને જાહેર જીવનમાં કોઈ પણ કૌભાંડમાં સંડોવાયા ન હતા. જ્યારે જનતા સરકારનું પતન થયું અને રાજકીય અસ્થિરતા પેદા થઈ ત્યારે નાનાસાહેબે કોઈ પણ ખચકાટ વિના રાજીનામું આપી દીધું. તેઓ પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કરનારા અને તેમના મતે જે પ્રકારનું ગંદુ રાજકારણ છવાયું હતું તેને સ્વીકારી લેનારા ન હતા. હું આવી સચ્ચાઈ-ઈમાનદારીનો હંમેશાંથી પ્રશંસક રહ્યો છું.
ઘણા ઘણા સેતુનિર્માતાઓ
અન્ય ઘણા પ્રભાવશાળી હાઈ કમિશનરોએ કાર્ય કરેલું છે. કુલદીપ નાયરે તેમની વિશિષ્ટ પત્રકારિત્વ કારકીર્દીની સાથોસાથ લંડનમાં થોડો સમય સેવા આપી હતી. તેમના કાર્યકાળ દરમિયાન જ તેમણે તેમની પ્રસિદ્ધ કોલમ ‘બિટવીન ધ લાઈન્સ’ ન્યૂ લાઈફ, હવેનું એશિયન વોઈસ માટે લખી હતી.
પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી અને બંધારણીય નિષ્ણાત ડો. એલ.એમ સિંઘવી સૌથી લાંબો સમય સેવા આપનારા હાઈ કમિશનરોમાં એક હતા, જેમણે 1991થી 1997 સુધી આશરે સાત વર્ષ સુધી આ પદે સેવા આપી હતી. તેમણે બ્રિટિશ કાનૂની એસ્ટાબ્લિશમેન્ટ, યુનિવર્સિટીઓ અને કોમ્યુનિટી સંસ્થાઓ સાથે ભારતના સંબંધો મજબૂત બનાવવાની અસાધારણ કામગીરી બજાવી હતી. તેમણે ઘણી રીતે ઈન્ડિયા હાઉસ બ્રિટનની વ્યાપક ભારતીય કોમ્યુનિટી માટે વધુ સુલભ બની રહે તેમાં પણ મદદ કરી હતી.
તાજેતરમાં, ભારતના યુકેસ્થિત નવા હાઈ કમિશનર નામદાર પી કુમારન સાથે મુલાકાત થઈ ત્યારે અમે બંનેએ સાથે મળીને ભારતના પૂર્વ હાઈ કમિશનરોની તસવીરો નિહાળી હતી. આ તો ઈન્ડિયા હાઉસ અને ખુદ ભારત પણ કેટલા બદલાયા છે તેની અભૂતપૂર્વ સ્મરણ કરાવનારું બની રહ્યું.
ઈન્ડિયા હાઉસ, ત્યારે અને અત્યારે
મેં સૌ પહેલા નિહાળ્યું હતું તેની સરખામણીએ વર્તમાન ઈન્ડિયા હાઉસ તદ્દન અલગ છે. આશરે 1985-86ના ગાળા સુધી ભારત સરકારે તેના યુકેસ્થિત ડિપ્લોમેટિક મિશનોની જાળવણી પાછળ પર્યાપ્ત નાણા ખર્ચ્યા હતા. જોકે, વિઝા સર્વિસીસની શરૂઆત અને વિસ્તરણ સાથે નાણાકીય સમીકરણ નોંધપાત્રપણે બદલાઈ ગયું. જેવી રીતે ભારતમાં બ્રિટિશ સરકાર દ્વારા સંચાલિત વિઝા સર્વિસીસ થકી નોંધપાત્ર આવક પેદા થાય છે તે જ રીતે ભારત માટે વિઝા ફી રેવન્યુનો મહત્ત્વપૂર્ણ સ્રોત બની હતી. આ ચર્ચાનો અલગ જ મુદ્દો બની શકે અને કોઈ ચોક્કસપણે પ્રશ્ન કરી શકે કે વિઝા ચાર્જીસ ખરેખર વાજબી છે. પરંતુ, આના કારણે જ ઈન્ડિયા હાઉસ તેમજ બર્મિંગહામ, માન્ચેસ્ટર અને એડિનબરામાં કાર્યરત ભારતના રાજદ્વારી દૂતાવાસો દ્વારા કરાઈ રહેલાં મહત્ત્વપૂર્ણ કાર્યોનું મૂલ્ય ઘટતું નથી.
તાજેતરના વર્ષોમાં ભારતીય હાઈ કમિશનના પ્રોફેશનાલિઝમથી હું ખરેખર પ્રભાવિત થયો છું. માત્ર હાઈ કમિશનર જ નહિ, સમગ્ર કર્મચારીગણ ઉચ્ચ તાલીમબદ્ધ, ક્ષમતાપૂર્ણ અને આત્મવિશ્વાસી છે. હું તેમનામાંથી ઘણાને અંગત રીતે જાણું છું તેમજ ભારતમાં જન્મેલા અને યુકેમાં આશરે 6 દાયકાથી વસવાટ કરી રહેલી વ્યક્તિ તરીકે મને તેમના પર ગર્વ છે.
આજે ઈન્ડિયા હાઉસ વિવેકપૂર્ણ અને પ્રભાવશાળી સંસ્થા છે. મને જ્યારે મારી મુલાકાત દરમિયાન તેના એક ખંડમાં લઈ જવાયો ત્યારે બધું જ ભારે વ્યવસ્થિત, આધુનિક અને સારી રીતે જળવાયેલું જોઈને હું આશ્ચર્યમુગ્ધ બની ગયો હતો. મારી મીટિંગ પછી હું ઈન્ડિયા હાઉસથી બહાર નીકળ્યો ત્યારે હું કેટલી અદ્ભૂત યાત્રાનો સાક્ષી બન્યો હતો તેના વિચારમાં પડી ગયો.
હું જ્યારે 1966માં સૌપ્રથમ વખત ઈન્ડિયા હાઉસમાં પ્રવેશ્યો હતો ત્યારે ભારત આપણે અત્યારે નિહાળીએ છીએ તેના કરતાં આર્થિક અને રાજકીય દૃષ્ટિએ તદ્દન અલગ હતું. હું બ્રિટનમાં નવાં જીવનનો આરંભ કરનારી વ્યક્તિની આશાઓ અને અચોક્કસતાઓ સાથેનો યુવાન વિદ્યાર્થી હતો
6 દાયકાઓ પછી, હું આ જ સંસ્થામાં પરત આવ્યો અને એવા ભારતને નિહાળ્યું, જે આત્મવિશ્વાસથી ભરપૂર, આર્થિક રીતે સક્ષમ અને વિશ્વતખતા પર સતત પ્રભાવ વધારી રહ્યું છે. આજનું ભારત તદ્દન અલગ ભારત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરીમાં દેશ પાસે મજબૂત નેતૃત્વ અને વિશ્વમાં પોતાના સ્થાન વિશે આત્મવિશ્વાસની વધતી સમજણ છે.
બ્રિટનમાં 60 વર્ષથી વસવાટ કરનારી, પરંતુ મારા જન્મના દેશ સાથે ગાઢપણે સંકળાયેલી રહેનારી વ્યક્તિ માટે આ બદલાવ પ્રચંડ આનંદ અને આશાવાદનો સ્રોત છે.
ઈન્ડિયા હાઉસ બદલાયું છે.
ભારત બદલાયું છે.
અને ઘણી રીતે તેની સાથે જ મારી પોતાની યાત્રામાં પણ બદલાવ આવ્યો છે.


