વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક માટે નફો જ સર્વોપરી હોય તેવું જણાય છે. તેઓ સોશિયલ મીડિયા દ્વારા પ્રોપગેન્ડા ફેલાવવાની સાથે ચૂંટણી ફંડ (ડોનેશન) દ્વારા સરકારી નીતિઓ બદલવામાં પણ માહિર છે. સેટેલાઈટ દ્વારા ઇન્ટરનેટ આપતા સ્ટારલિંક પ્રોજેક્ટનું લાઈસન્સ મેળવવા માટે મસ્કે મોદી અને અંબાણી પર કટાક્ષ કર્યો હતો. ભારતમાં રિલાયન્સ જિયો અને ભારતી એરટેલનો બ્રોડબેન્ડ અને ફિક્સ્ડ-લાઈન ઇન્ટરનેટ માર્કેટમાં 80 ટકા હિસ્સો છે. આનાથી જોડાયેલા 6પાસાંને સમજોઃ
1) લોકડાઉન કરોડો લોકો માટે આપત્તિ, ગરીબી અને બેરોજગારીનો સમયગાળો હતો. પરંતુ તે જ સમય દરમિયાન મસ્કની સંપત્તિ 10 ગણી વધી ગઈ. 2020ના કોવિડ-વર્ષમાં જ ભારતમાં સ્પેસ સેક્ટરમાં મુક્ત અર્થતંત્ર અને ખાનગીકરણની શરૂઆત થઈ હતી. ભારત સરકાર અને કાયદાને હળવાશથી લેતા, મસ્કની કંપનીએ 2021માં ગેરકાયદે રીતે લાઈસન્સ વિના જ ભારતમાં સેટેલાઈટ ઇન્ટરનેટ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને તેમણે બંધ કરવો પડ્યો હતો. પરંતુ આ અંગે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.
2) સુપ્રીમ કોર્ટના 2012ના નિર્ણય અનુસાર, રાષ્ટ્રીય સંપત્તિ એવા સ્પેક્ટ્રમની હરાજીના આધારે જ ફાળવણી થવી જોઈએ. પરંતુ 2023ના ટેલિકોમ કાયદાથી સેટેલાઈટ ઈન્ટરનેટ માટે હરાજીને બદલે વહીવટી આદેશ (એડમિનિસ્ટ્રેટિવ ઓર્ડર) દ્વારા સ્પેક્ટ્રમ ફાળવણીનો રસ્તો સાફ થઈ ગયો. એરટેલના વન-વેબને એપ્રિલ 2022માં, જિયોને ડિસેમ્બર 2022માં, જ્યારે સ્ટારલિંકને જૂન 2025માં ઓથોરાઈઝેશન મળ્યું હતું. જોકે સિક્યોરિટી ક્લિયરન્સ (સુરક્ષા મંજૂરી) પછી જ આ કંપનીઓને ફાઈનલ લાઈસન્સ મળી શકશે. તો પછી મસ્ક ભેદભાવનો આક્ષેપ કેવી રીતે લગાવી શકે?
3) પૃથ્વીની નીચલી કક્ષા (લોઅર અર્થ ઓર્બિટ)માં ઓપરેટ થતી સેટેલાઈટ સેવાઓ પર નિયંત્રણ એક મોટો મુદ્દો છે. સંસદીય સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબેના જણાવ્યા અનુસાર, 2013-14માં મનમોહન સરકારે સેટેલાઈટ આધારિત ઈન્ટરનેટ સેવાઓ સાથે જોડાયેલા જોખમો વિશે ચેતવણી આપી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ અને વિજ્ઞાની એ.પી.જે. અબ્દુલ કલામ, ‘ઈસરો’ (ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) અને ભારતીય સેનાએ ગૂગલના થ્રી-ડી વ્યૂને સુરક્ષા માટે મોટો ખતરો ગણાવ્યો હતો. જોકે આગળ જતાં કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી ગઈ.
4) ક્રિપ્ટો, એઆઈ, ડેટા સેન્ટર અને સેટેલાઈટ ઇન્ટરનેટના વ્યવસાયને સફળ બનાવવા માટે મસ્કે 2022માં ટ્વિટર (એક્સ) ખરીદ્યું હતું. મસ્કનું ગ્રોક એઆઈ પ્લેટફોર્મ ગેરકાયદે ‘એક્સ’ના કરોડો યુઝર્સના ડેટાનો વ્યાવસાયિક ઉપયોગ કરી રહ્યું છે. નિયમો હેઠળ ‘એક્સ’ દ્વારા ફરિયાદ નિવારણ અધિકારીની વિગતો પણ જાહેર કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં, સેટેલાઈટ ઈન્ટરનેટ જેવા વ્યૂહાત્મક ક્ષેત્રમાં ડેટા લોક્લાઈઝેશન (સ્થાનિક સ્તરે ડેટા રાખવો) અને અન્ય નિયમોના પાલનની અપેક્ષા કેવી રીતે રાખી શકાય?
5) ઈલોન મસ્ક કોઈ પરોપકારી નથી, પરંતુ એક પ્યોર બિઝનેસમેન છે. ભારતમાં લાંચ આપવી અને લોબિંગ કરવું ગેરકાયદે છે, પરંતુ મસ્ક ખુલ્લેઆમ લોબિંગ કરે છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટીને 60 કરોડ ડોલરથી વધુનું ચૂંટણી ફંડ આપનારા મસ્કે ટેક્સ બચાવવા માટે પોતાની કંપનીનું હેડ ક્વાર્ટર ટેક્સાસ રાજ્યમાં શિફ્ટ કરી દીધું હતું. કેપિટલ ગેઈન, વિથહોલ્ડિંગ ટેક્સ અને ડિવિડન્ડ પર ટેક્સ બચાવવા માટે જ મસ્કે નેધરલેન્ડના ટેક્સ હેવન (જ્યાં ટેક્સ ઓછો હોય) દ્વારા ભારતમાં રોકાણ કરવાની યોજના બનાવી છે.
6) ઈરાન અને યૂક્રેન યુદ્ધની સાથે બાંગ્લાદેશના સરહદી રાજ્યોમાં સ્ટારલિંકની ભૂમિકા શંકાસ્પદ રહી છે. 11 હજાર અંતરિયાળ ગામડાઓમાં ઈન્ટરનેટ આપવાના નામે સ્ટારલિંક ભારતના સ્પેસ અને ઇન્ટરનેટ નેટવર્ક પર કબજો મેળવવા માગે છે.
ભારતીય ઉદ્યોગપતિઓના એકાધિકાર (મોનોપોલી) સાથે જોડાયેલા ઈલોન મસ્કના આરોપો પર ભારતમાં કાયદા હેઠળ નક્કર પગલાં લેવાવા જોઈએ. ગૃહ અને સંરક્ષણ મંત્રાલયના વાંધા અને ગુપ્તચર એજન્સીઓના એલર્ટને નજરઅંદાજ કરીને સેટેલાઈટ ઈન્ટરનેટને મંજૂરી આપવાથી વ્યૂહાત્મક સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.
(અખબાર ‘દિવ્ય ભાસ્કર’ના સૌજન્યથી પ્રકાશિત આ લેખના લેખક વિરાગ ગુપ્તા સુપ્રીમ કોર્ટના વકીલ અને કટારલેખક છે.)


