જૂનાગઢમાં ડો. નિષ્ઠા દેસાઇ અધ્યાપન કાર્ય કરે છે, થોડાંક વર્ષો પૂર્વે તેમણે એક માહિતી આપી કે રાજસ્થાન વિશ્વવિદ્યાલયના કુલગુરુ જનાર્દન રાય નાગરે આદિ શંકરાચાર્યનું સાહિત્યિક ચરિત્ર દસ ભાગમાં લખ્યું છે, અને તે હિન્દી ભાષાની ઉત્કૃષ્ટ મહાગ્રંથ કૃતિ છે. આનો ગુજરાતી અનુવાદ થવો જોઈએ એવી ઈચ્છા જાગી. ‘સાધના’ના તંત્રીકાર્ય ઘણો સમય લેતું હતું એટલે તે શક્ય ના બન્યું, પણ પછી વેદ પર પીએચ.ડી. કરનાર વિદુષી ડો. તિલોત્તમા જાનીએ આ તમામ ભાગોનો સુંદર અનુવાદ કર્યો તે પ્રકાશિત થયો તે જાણીને અત્યંત આનંદ થયો.
સાહિત્યનું વિશ્વ બૃહદ છે. વિવિધ સ્વરૂપો તેમાં ખેડાઈ રહ્યાં છે, પણ કેટલીક વાર એવું લાગે કે પ્રમાણમાં સરળ સ્વરૂપોને વધુ અવકાશ રહે છે. ગઝલ, ગીત અને અછાંદસ તેમાં આગળ છે, તેના પુસ્તકો થાય છે, નાના-મોટાં સામયિકો અને અખબારો પણ તે છાપે છે. હવે તો ફેસબૂકથી ઇ-મેઇલ સુધીનાં માધ્યમો ઉપલબ્ધ છે. કવિ સંમેલનો થતાં રહે છે. એક રીતે આ સારું લક્ષણ છે કે કાવ્ય-સાહિત્ય માટેની તક મળે છે. ભલે આજે તેમાંનું ઘણું કાચું-પાકું હોય, કે અનુકરણીય હોય, તેમાંથી જો વાતાવરણ બંધાતુ હોય તો કશું ખોટું નથી. હા, આજે તમને નરસિંહરાવ દિવેટિયા, ગોવર્ધનરામ ત્રિપાઠી, બળવંતરાય ઠાકોર, મણિશંકર રત્નજી ભટ્ટ, ઝવેરચંદ મેઘાણી કે ગુણવંતરાય આચાર્ય જેવી સશક્ત કલમ ના મળે (હમણાં જ કોઈએ વાતવાતમાં પૂછ્યું કે અત્યારે ખંડ-ગીત કેમ દેખાતાં નથી?) પણ, એટલું સાચું કે નવલકથાઓમાં અત્યારે વળી પાછો ઉન્મેષ દેખાઈ રહ્યો છે તે ગુજરાતી સાહિત્યને માટે શુભ લક્ષણ છે.
ગુજરાતી સાહિત્ય કે લેખનમાં પ્રાચીન સંસ્કૃતિથી માંડીને અર્વાચીન ઇતિહાસ અને રાજકીય સમીક્ષાના પુસ્તકો થવાં જોઈએ. ટંકારામાં એક સામાન્ય ઘરમાં રહેતા મુનિ દયાળ (પરમાર)ને ત્યાં જવાનું થયું ત્યારે જ ખબર પડી કે અરે, સામાન્ય અભ્યાસ અને દરજીકામ કરતાં કરતાં તેમણે સમગ્ર વેદોના ગ્રંથોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે! થોડાંક વર્ષો પછી ગુજરાતી-સંસ્કૃત-હિન્દી-કચ્છી-સિંધી અકાદમીનો હું અધ્યક્ષ બન્યો ત્યારે આવા ઘરદીવડાઓને શોધીને સમાજ સમક્ષ મૂકીને અભિવાદન કરવાનું નક્કી કર્યું. તે વેળા દયાળજી મુનિનું સ્વાસ્થ્ય ઠીક નહોતું એટલે ટંકારા જઈને અકાદમીએ રૂ. એક લાખની સન્માન-નિધિ સાથે તેમનું સન્માન કર્યું, તો તેમાં શુભેછા પ્રવચન કરતાં રાજ્યપાલશ્રી દેવવ્રત આચાર્યએ કહ્યું કે જો અકાદમી આવું સરસ કામ કરતી હોય તો રાજભવન પાછળ કેમ રહી શકે? અમારા તરફથી એક લાખ રૂપિયાનો સન્માન-નિધિમાં ઉમેરો ઘોષિત કરું છું. મુનિ દયાળને ભારત સરકારના રાષ્ટ્રપતિના વરદ હસ્તે પદ્મશ્રીનું સન્માન પણ મળ્યું હતું.
એક બીજું ઉદાહરણ ભાવનગર નજીકના ત્રાપજ જેવા નાનકડા ગામમાંથી નીકળીને કવિ ત્રાપજકરે દેશી નાટકના પ્રયોગોને જે રીતે ગુજરાત અને મુંબઈ સુધી લોકપ્રિય બનાવ્યા તેનો અલગ ઇતિહાસ છે. આ નાટકોમાં શિવાજી મહારાજ, રાણા પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણ, ભગવાન શ્રી રામ, સંકટમોચક હનુમાન, કુરુક્ષેત્રનું યુદ્ધ... આવા વિષયો રહેતા અને ગામના પાદરે ખુલ્લાં મેદાનમાં સાવ સામાન્ય મંચ પરથી ભજવાય, ગીતોની રમઝટ જામે. લોકો જમીન પર બેઠાં બેઠાં આ ભાવજગતમાં ખોવાઈ જાય!
મધ્યકાલના આક્રમણો પછી સમાજનું મનોબળ કાયમ રહે તે માટે એક ગાગર (માણ) સાથે ભટ્ટ પ્રેમાનંદ દાહોદથી દ્વારિકા અને વલસાડથી વેરાવળ સુધી, નાના ગામડાંઓમાં આખ્યાન કરતો. તેણે સમાજજીવન પર ઊંડી અસર પાડી અને આક્રમકોએ પેદા કરેલા યુદ્ધ, વટાળ પ્રવૃત્તિ, હત્યાઓ, લૂંટફાટ સહિતના સમાજ પર લાગેલા ઘાવને ભૂંસી નાખ્યા હતા. સુધારક યુગમાં આ કામ વીર (કોઈ કવિની આગળ વીર સંબોધન હોય તેવું સાહિત્યમાં આ એકમાત્ર ઉદાહરણ છે. હા, પ્રચંડ પરિવર્તન માટે ઝૂઝેલા શિવાજી મહારાજ, રાણા પ્રતાપસિંહ પણ વીર જેવી લોકપદવી પામ્યા હતા. રાજકીય યુગમાં સાવરકર વીર કહેવાયા. અને ગુજરાતને ગૌરવ થવું જોઈએ કે વલ્લભભાઈ પટેલ ‘સરદાર’ કહેવાયા, તે જ રીતે તેમના મોટાભાઇ વિઠ્ઠલભાઈ ‘વીર’ લોકપદવી પામ્યા હતા. સાહિત્યમાં તેવું ઉદાહરણ એટલે વીર નર્મદ!) જનાર્દનરાય નાગરે કર્યું, જેઓ અત્યારે આપણી વચ્ચે નથી. પણ તેમની આ કૃતિ ચિરંજીવ છે, જે દરેક ભાષામાં અનુવાદિત થવી જોઈએ.
16 જૂન 1911ના રાજસ્થાનમાં ઉદયપુરમાં જન્મ થયો. ઉદયપુરનું વિશ્વવિદ્યાલય સ્થાપ્યું. રાજસ્થાન સાહિત્ય અકાદમીના સ્થાપક અધ્યક્ષ રહ્યા. રાજસ્થાની ભાષા અને સાહિત્ય સંગમના સૂત્રધાર રહ્યા. રાજસ્થાન સમાજ શિક્ષા વિધેયકમાં મહત્વનો ભાગ ભજવ્યો. 1957 થી 1962 સુધી રાજસ્થાન વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા. કાશી હિન્દી સાહિત્ય સંમેલનમાં ‘સાહિત્ય વિદ્યા વાચસ્પતિ’નું સન્માન મળ્યું. ઉદયપુર વિદ્યા ભવનમાં શિક્ષક બન્યા. પછી વિશ્વવિદ્યાલયમાં અધ્યાપક અને અંતે કુલગુરુ. કવિ - ગદ્યગીતકાર- નાટ્ય લેખક અને સૌથી ખ્યાત સાહિત્યિક કાર્ય એટલે આદિ શંકરાચાર્યનું જીવનચરિત. તે માત્ર જીવનચરિત નથી, સંસ્કૃત શબ્દાવલીથી શોભતું સર્જનાત્મક ગદ્ય સાથેનું પ્રદાન છે.
રાજસ્થાન વિશ્વવિદ્યાલયે તેનું પ્રકાશન કર્યું. લેખકે ક્રમશ: આદિ શંકરને વ્યક્ત કર્યા. તેમના જીવનના અનેક પડાવ, કેરળના કાલડીથી કાશ્મીર સુધીનો ‘વિદ્યાકીય સનાતન દિગ્વિજય’, અનેકોની સાથે શાસ્ત્રાર્થ, દેશના ચારે ખૂણે પીઠ સ્થાપન અને સંગઠનની પરંપરા, અદ્દભુત સ્તોત્ર-ગંગા, સમાજમાં વ્યાપ્ત સનાતનવિરોધી સાંસ્કૃતિક આક્રમણ સામેનો ટંકાર, દ્વૈત-અદ્વૈતની વિશદ્ સમીક્ષાના ગ્રંથો, સામાન્ય જનની શ્રદ્ધાને અખંડ રાખતી પંચાયતન પ્રતિષ્ઠા... આ બધું નવલકથામાં પ્રસ્તુત છે.
ગ્રંથના પ્રથમ ભાગનું શીર્ષક ‘શંકર સંન્યાસ’ છે, બીજો ભાગ ‘શંકર દીક્ષા’ છે. ત્રીજામાં ‘શંકર સાક્ષાત’નું વર્ણન છે. તેમાં કાશી પ્રસ્થાન, પાટલીપુત્રમાં બ્રાહ્મણ અને બૌદ્ધ સાથે શાસ્ત્રાર્થ, કાશીમાં બ્રહ્મ સાક્ષાત્કાર, કુમારીલ ભટ્ટની પરીક્ષા વગેરે પ્રસંગો આલેખય છે. ચોથો ભાગ ‘શંકર સંદેશ’નો છે. પાંચમો ભાગ ‘શંકર શાસ્ત્રાર્થ’નો પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એમ બેઉ પુસ્તકોમાં છે. પછીના ભાગોમાં શૃંગેરી, પુરી, દ્વારિકા, જ્યોતિર્મય મઠ અને અંતિમ ભાગ તે મહાપ્રયાણનો.
1970માં જનાર્દનરાયે આ મહા-પ્રકલ્પનો પ્રારંભ કર્યો. 5000 થી વધુ પાનાં. તમામ સંદર્ભ સાથેનું આ કાર્ય કઈ રીતે પૂરું કર્યું હશે? આ સવાલ આજે તો થાય જ છે. રાજસ્થાનમાં ત્રણ ઐતિહાસિક આલેખન એ પૂર્વે થયા હતાં. પ્રથમ કવિરાજા (રાજ નહિ, રાજા!) શ્યામલદાસ કૃત ‘વીર વિનોદ’, બીજું કર્નલ જેમ્સ ટોડ રચિત ‘અન્નાલ્સ એન્ડ એન્ટિક્વિટીસ ઓફ રાજસ્થાન’ (રાજસ્થાનનું પુરાતત્વ અને ઇતિહાસ), ત્રીજું સ્વામી દયાનંદ સરસ્વતી રચિત ‘સત્યાર્થ પ્રકાશ’ (ગુજરાતમાં જન્મેલા સ્વામી દયાનંદનું આ ઐતિહાસિક કાર્ય ગુજરાતે નહિ, પડોશી રાજસ્થાને સર્વપ્રથમ કર્યું.) અને શંકરાચાર્ય-જીવન તે ચોથું મહા-કાર્ય! સંવત 2050માં તેનું પ્રકાશન પૂરું થયું.
સરજાતા સાહિત્યમાં જીવન અને વિચાર સમીક્ષા એટલા માટે મહત્ત્વના છે કે તેનાથી સમાજની સાંસ્કૃતિક ધરોહર પુષ્ટ બને છે.
હમણાં ભોપાલના એસ.એ.જી.ઇ. વિશ્વવિદ્યાલયમાં એક આગવો પ્રયાસ થયો. ભારતીય વિરાસતમાં જ્ઞાનપરંપરા વિષય પર દેશના ઘણા વિદ્વાનો, કેટલાક કુલપતિઓ, પુરાતત્વવિદો, અને અધ્યાપકો સમેત વિદ્યાર્થીઓનો બે દિવસ માટે પરિસંવાદ થયો તેમાં ઉપસ્થિત રહેવાનું બન્યું. મારા વ્યાખ્યાનમાં કાશી વિશ્વવિદ્યાલયના રસાયણ શાસ્ત્રના અધ્યાપક પંડિત રામદાસ ગૌડરચિત ‘હિન્દુત્વ’ ગ્રંથ વિશે કહ્યું. તે પણ 700 જેટલા પાનાંનો ‘સંદર્ભ કોષ’ છે! તે દુર્લભ હતો એટલે 1922માં ગુજરાત હિન્દી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત કરાયો હતો. આવું ઘણું વિખરાયેલું પડ્યું છે. ગુજરાતના વિશ્વવિદ્યાલયો તેનો સંદર્ભ તરીકે, અને વ્યાખ્યાનોમાં ઉપયોગ કરીને વિદ્યા-કેન્દ્રને ચરિતાર્થ કરી શકે.


