1947ના નવેમ્બરની એક સાંજે ફોન પર એક ઉદ્દગાર સંભળાય છે: ‘જય સોમનાથ!’
સામેથી પણ એવો જ ઉત્કટ પ્રતિભાવ મળે છે: ‘જય સોમનાથ!’
બન્ને ગરવા ગુજરાતી છે. એકે હજુ માંડ ચારેક મહિના પહેલાં જ સ્વતંત્ર ભારતની રચનામાં પોતાની જવાબદારી વહન કરીને બે મહત્ત્વની કામગીરી પર શક્તિ કેન્દ્રિત કરી હતી. એક તો સ્વતંત્ર, સાર્વભૌમ લોકશાહી ભારત માટેનું બંધારણ અને બીજું, વેરવિખેર રજવાડાઓને ભારત સંઘમાં વિલીન કરવા.
સરદાર વલ્લભભાઇ અને કનૈયાલાલ મુનશી. પ્રચલિત ભાષામાં એક પટેલ અને બીજો બ્રાહ્મણ. પણ ખરેખર તો તેનાથી અધિક સાંસ્કૃતિક ભારતીય. બીજા અનેક સાથીઓની સંગાથે તેઓ નુતન ભારતના વર્તમાન અને ભવિષ્ય માટે મથી રહ્યા હતા. અનેક સવાલોમાંનો એક હતો જૂનાગઢના વિલીનીકરણનો. નવાબ મહાબતખાને પાકિસ્તાન સાથેના જોડાણના પત્ર પર સહી કરી નાખી. તેની સાથે માણાવદર નવાબ પણ અનુસર્યા. માંગરોળના નિર્ણયમાં ‘હા’ અને ‘ના’ બંને હતા. આ નવાબો અને તેના દરબારીઓને ખબર હતી કે આ શક્ય નથી, પણ કેટલાકને મોહમ્મદ અલી ઝીણા પર ભરોસો હતો. ઝીણાએ એક વાર કહ્યું હતું કે જૂઓ, એક ટાઇપરાઇટર અને થોડા કાગળથી પાકિસ્તાન મેળવ્યું છે. તો અહીં પણ એવું કેમ ના બને?
...પણ આ તો ગરવી ગુજરાતનું લોહી હતું. ત્યાં મુંબઈમાં શામળદાસ ગાંધી અને અમૃતલાલ શેઠે આરઝી હકૂમતની રચના કરી. સોલંકી યુગની ભૂમિકા લઈને ‘જય સોમનાથ’ સહિતની નવલકથાઓ અને ‘ગ્લોરી ધેટ વોઝ ગુર્જરદેશ’ જેવા પુસ્તકના લેખન દ્વારા પ્રસ્તુત કરનાર મુનશી માત્ર સાહિત્ય માટે સાહિત્યના કોચલાનો જીવ નહોતા. તેમને તો ભૂંસાતી જતી અસ્મિતાથી પ્રજાકીય ચેતના જગવવી હતી, એ કામ તેમણે કર્યું. સરદારની સલાહથી આરઝી હકૂમતનો ઢંઢેરો રચ્યો, બંધારણ લખી આપ્યું.
ઓગસ્ટ 1947થી નવેમ્બર 1947 સુધી સોરઠ-મુક્તિનો સંગ્રામ થયો. પ્રજા, રાજકીય આગેવાનો, મેર-આયર-રાજપુતો મેદાને પડ્યા. બાબરિયાવાડે પહેલ કરી. વૈષ્ણવ આચાર્ય પુરુષોત્તમ લાલ મહારાજ અને સેવાદાસજી જેવા ધાર્મિક પુરુષો પણ સક્રિય થયા. રજવાડા-રિયાસતો પણ નવાબના પગલાથી રોષમાં હતી. હિજરતોને લીધે કાનૂન-વ્યવસ્થા ભાંગી પડી હતી. સરદારે ગંભીરતાથી આ સવાલ ઉકેલવાનો નિર્ણય લીધો. ખુદ ગાંધીજીએ પણ કહ્યું કે જૂનાગઢ કો પાકિસ્તાન જાના ચાહીએ.
છેવટે એવું જ બન્યું. ત્યારે સરદાર અને મુનશી વચ્ચેના ટેલિફોનિક વાર્તાલાપની શરૂઆત થઈ હતી, ‘જય સોમનાથ!’ સાથે.
ઇતિહાસના વહેણોની પણ થોડીક ઝાંખી કરી લઈએ તો સ્પષ્ટ થશે કે ‘જય સોમનાથ!’ એ બાકી સૂત્રો કરતાં સાવ અલગ છે. તેમાં ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિની ત્રિવેણી છે. 1947માં તેનો સ્વર મુક્તિ-પ્રભાતનો હતો. 1000 વર્ષ પૂર્વે રક્તરંજિત હતો. અને તેની પહેલાં ભારતીય સંસ્કૃતિની અભિવ્યક્તિ હતી.
6 જાન્યુઆરી 1026ના દિવસે મહમ્મદ ગઝનવીનું જંગલી આક્રમણ થયું. અલ બિરુનીએ લખ્યું હતું કે આ સોમનાથ કલ્પના બહારનું ધનિક સ્થાન છે. વાત તેની બિલકુલ સાચી હતી. જેવી સમૃદ્ધ આસ્થા, તેવો જ સમૃદ્ધ વૈભવ. 10,000 ગામો સાથેનું દેવાલય, હીરા-રત્ન જડિત મૂર્તિઓ, 1000 પૂજારીઓ, 200 મણનો ચાંદીનો ઘંટ, ઝૂમ્મરોમાં હીરા-રત્નોનો ઝળહળાટ. મોહમ્મદને આ બધું લૂટી તો લેવું હતું, પણ એટલો જ ઉદ્દેશ નહોતો. આપણાં કેટલાક, ચોક્કસ એજન્ડા સાથેના ઈતિહાસકારોએ લખ્યું કે મોહમ્મદ બાકી બધી રીતે સારો હતો, તેને તો માત્ર લૂંટફાટ કરીને ચાલ્યા જવું હતું.
ઐતિહાસિક વાસ્તવિકતા તો એ છે કે મોહમ્મદ ગઝનવી, મોહમ્મદ તઘલખ, બાબર, ઔરંગઝેબ, મુજફ્ફર શાહ, મોહમ્મદ બેગડો... આ બધાની નજર ભારતીય – હિન્દુ આસ્થાને ભાંગી નાખવાની હતી. બ્રિટિશરોએ શિક્ષણને તેવું માધ્યમ બનાવ્યું, પણ મુઘલ અને બીજા શહેનશાહોએ મંદિરોને નષ્ટ કરવાનું અને તેમની આસ્થાઓને તોડી પાડવાનું વર્ષો સુધીનું આક્રમણ જારી રાખ્યું. ભારતીય પ્રજાનું પોતાની અસ્મિતા સાથે રહેલું મનોબળ તૂટી જાય એવો હેતુ હતો, તેમાં જ મુર્તિ-ખંડનની પ્રવૃત્તિ આવી જતી હતી.
...આ તો હતી ભારતીય પ્રજા. ક્યારેક અસંગઠિત, ક્યાંક રૂઢિગ્રસ્ત, એકતામાં નબળી છતાં અડીખમ. વિનાશમાંથી નિર્માણ એ તેની સનાતન સંકલ્પ કથા. તે સંકલ્પ સાથે સમન્વયને જોડે, સમન્વયમાં સંવાદ તરફ જાય અને સંઘર્ષ કરે, પછી સિદ્ધિનું શિખર પ્રાપ્ત કરે. વારંવાર પ્રજા-જીવનમાં આ બનતું રહ્યું.
સોમનાથ તેનો ‘ટેસ્ટ-કેસ’ છે, જ્વલંત ઉદાહરણ છે. મોહમ્મદ તો આવ્યો હતો 30,000ની અશ્વસેના, 84,000નું પાયદળ, 50,000ની ઊંટ-સેના સાથે. પણ એ યાદ રહે કે સહેલાઇથી તે સોમનાથને જીતી શક્યો નહોતો. 50,000 સોમનાથ-ભક્તો બહાદુરીથી લડ્યા અને હુતાત્મા બન્યા. મોહમદ બેગડો - જેના શાસનના વખાણ કરતાં ઈતિહાસલેખકોનો કોઈ પાર નથી - તેનો મનસૂબો પણ સોમનાથને તદ્દન નષ્ટ-ભ્રષ્ટ કરવાનો હતો. તેના આક્રમણ સમયે લાઠીથી રાજવી પુત્ર હમીરજી નીકળી પડ્યો. સાથે વેગડો ભીલ પણ હતો. વેગડાની દીકરીએ હમીરજીની સાથે લગ્ન કર્યાં, થોડાક દિવસોમાં તે રણભૂમિમાં મરશે તેવી ખબર હોવા છતાં. આ એક જ બહાદુર એવો છે, લોકકથામાં, જેના મોત પૂર્વે જ મરશિયા ગવાયા હતા!
મોહમ્મદ શાહે આક્રમણ કર્યું તેની સામે પાંચ બ્રાહ્મણો પણ લડ્યા, અને આહુતિ આપી. તે વીરજી, વાલજી, દેવજી, કરસન અને નથુ ઠાકર. સોમનાથ મંદિરથી થોડે દૂર પંચવીરની સમાધિ પણ છે.
પાશુપત આચાર્ય શ્રીમદ્ ભાવ બૃહસ્પતિએ પ્રશસ્તિ લેખમાં નોંધ્યું છે: ‘ચાર યુગમાં તે જુદા જુદા દ્રવ્યોથી સોમનાથનું નિર્માણ થયું. સત્યયુગમાં સોમનાથે સ્વર્ણિમ, ત્રેતાયુગમાં રાવણે રૂપાનું, દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણે લાકડાનું, અને કળિયુગમાં સોલંકી રાજા ભીમદેવે પત્થરોનું મંદિર નિર્મિત કર્યું.’
સોમનાથ પર જેટલા આક્રમણ થયા, એટલી વાર પુન: નિર્માણ થયું. હેમચંદ્રાચાર્ય જેવા પરમ જૈન સાથે મળીને જિર્ણોદ્ધાર અને શિવ આચાર્ય બૃહસ્પતિએ સાથે મળીને જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. 1169માં કુમારપાળ અને તે પહેલાં ભીમદેવે મંદિર બાંધ્યું. 14મી સદીમાં ચુડાસમા રાજવી મહિપાલે અને 1783માં મહારાણી અહલ્યાબાઈ હોલકરે નિર્માણ કર્યું. તે ભૂમિગત હતું જેથી કોઈ આક્રમણથી સુરક્ષિત રહી શકે. નાસિકના ઉત્સવદત્ત, વલ્લભી સામ્રાજ્યના રાજવી, ગુર્જર પ્રતિહાર નાગભટ્ટ પણ આ સંકલ્પ કથાના ઐતિહાસિક પત્રો છે. નૃત્યાંગના ચૌલા દેવીએ તો ભગવાન સોમનાથ સમક્ષના અંતિમ નૃત્ય પૂર્વે જ પૂજારી બ્રાહ્મણોને મોહમ્મદ સાથે ભળી જઈને ગઝની જતાં રસ્તામાં ઉંધા રસ્તે ચડાવીને રોગચાળા અને ભૂખમરામાં હેરાન કરવાની યોજના પણ કરી હતી અને ઇતિહાસ કહે છે કે રસ્તામાં જ મોહમ્મદના ઘણાખરા સૈનિકો બીમાર થઈને મર્યા.
1947માં જૂનાગઢનાં નવાબે પાકિસ્તાન ભાગી જવાનું નક્કી કર્યું. આરઝી હકૂમતે સોરઠના 100થી વધુ ગામો કબ્જે કર્યા, અને પ્રજાએ મોકળાશથી દીપોત્સવી ઉજવી. તે વેળા બહાઉદ્દીન કોલેજના મેદાનમાં સરદારની સભા થઈ હતી. અને ત્યાંથી સરદાર, એન.વી. ગાડગીલ, જામસાહેબ વગેરે સોમનાથ સ્થાને પહોંચ્યા. ભગ્ન એકાંતિક દેવાલય. 1892માં અહીં સ્વામી વિવેકાનંદ એક વીરાન ભેખડ પર સમાધિસ્થ થયા હતા. એક વર્ષ પછી કન્યાકુમારીમાં તેમણે ભારતમાતાના દર્શન કર્યા હતા, એવું અહીં પણ બન્યું હશે તેવું અનુમાન કરી શકીએ.
11મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ જવાના છે. છઠ્ઠી જાન્યુઆરીએ તેમણે ઈતિહાસબોધને એક લેખમાં વ્યક્ત કર્યો હતો. હવે, તેમણે જૂનાગઢમાં આરઝી હકુમતનું એક સ્મારક (જેવું કચ્છમાં શ્યામજી કૃષ્ણવર્માનું ક્રાંતિ તીર્થ, રાજકોટમાં ગાંધીજીના વિદ્યાલયનું અને ગાંધી નગરમાં મહાત્મા મંદિર બનાવ્યું. વડનગરમાં પ્રાચીન ધરોહર, સાબરમતી આશ્રમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, મહાત્મા મંદિરનું નિર્માણ થયું તેવું ) થાય તેવી ઘોષણા કરીને ‘જય સોમનાથ’ની ભૂમિકામાં રહેલી આરઝી હકૂમતનું સ્મારક બનાવવું જોઈએ.


