એકસો ડોલરના નવાબ મહાબત ખાન?

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Wednesday 19th November 2025 05:49 EST
 
 

પુસ્તકનું નામ છે ‘મહાબત આલ્બમ’. લેખક જી.એ. શેખ. પોરબંદરના વિકટોરિયા જયુબિલી મદરેસાના પ્રિન્સિપાલ અને પછી માનબખ્ત ઓર્ફાનેજ - જૂનાગઢના સુપરિન્ટેન્ડેન્ટ. પુસ્તક પ્રકાશનનું વર્ષ 1936નું. એંસીથી વધુ વર્ષ, એટલે કે ભારતની આઝાદી પૂર્વે અગિયાર વર્ષે છપાયું હતું.
જૂનાગઢ વિશેની માહિતીનો સંગ્રહ કરનાર વાચકમિત્ર નવદીપસિંહ ઘેલડાએ આ પુસ્તક મને મોકલ્યું ત્યારે માહિતી આપી કે હવે તે આંતરરાષ્ટ્રીય પુસ્તક બજારમાં એકસો ડોલરમાં વેંચાય છે! તેના પ્રથમ 22 પાનાંમાં લેખકે જૂનાગઢના નવાબ મહાબત ખાન (મહોબતખાન નહિ, મોટાભાગે તેવી ભૂલ થાય છે) અને તેનો પૂર્વ ઇતિહાસ આલેખ્યો છે. પુસ્તક અર્પણ કરાયું છેઃ ‘હિઝ હાઈનેસ સર મહાબત ખાન ત્રીજા, બાબી બહાદુર, GCIEKCSI’ને. (બ્રિટિશ સત્તા આવાં માન-સન્માનથી રાજાઓને ખુશ રાખતી. બસ, એક જ શરત કે તેમણે બ્રિટિશ સત્તાને વફાદાર રહેવું!) મૂળ તો ‘મિરાતે મુસ્તફાબાદ’ ઉર્દુમાં પ્રકાશિત થયેલું તેનો અંગ્રેજી અનુવાદ છે. લેખકે તેમાં ડાહ્યાભાઇ દેરાસરી, છગનલાલ નાણાવટી, જયંતિલાલ માંકડ, છેલશંકર ઓઝા, અને મહાસુખરાય વસાવડા (બીજા મુસ્લિમ આગેવાનોની સાથે)નો આભાર માન્યો છે, ત્યારે કોઈને ય ખબર હશે કે આ નવાબ 1947માં તેની સમગ્ર પ્રજાની ઉપરવટ જઈને પાકિસ્તાનની સાથે જોડાઈ જવાની નાદાની કરશે?
લેખકે નવાબના પૂર્વજો વિશે રસપ્રદ વિગતો આપી છે. અબ્દુલ રશીદ નામે મુસ્લિમ ‘પ્રોફેટ હઝરત મોહમ્મદ સાહેબ’ની દુઆ પામ્યો હતો કે તે ઇસ્લામની ભરપૂર સેવા કરશે. અબ્દુર રહિદના ત્રણ સંતાનો તેમાં એક ઈસ્માઈલ હતો. તેણે બાબી સત્તાની સ્થાપના કરી. બાબીના સાતમા વંશજ ઓસમાણ ખાન બાબી બાદશાહ હુમાયુની સાથે ભારત આવ્યો. ઓસમાણનો પુત્ર બહાદુરખાન શહેનશાહના દરબારમાં હતો. તેને બાદશાહે ખુશ થઈને ગુજરાતનાં બે ગામ બક્ષિસ આપ્યા. બહાદુરખાનનો દીકરો શેરખાન બાબી ઔરંગઝેબનો માનીતો હતો. 1672માં કુત્બુદ્દીન ફોજદાર સોરઠનો હાકેમ હતો, તેણે જામનગર પર ચડાઈ કરી ત્યારે શેરખાન બાબીએ મદદ કરી. શેરખાન પર ખુશ થઈને બાદશાહે તેણે ગુજરાતનો દીવાન નિયુક્ત કર્યો. પીરાન પાટણ ગામ આપ્યા, તે સિદ્ધપુરમાં મરી ગયો. તેની ઈદગાહ અમદાવાદમાં છે.
શેરખાનનો એક પુત્ર જાફરખાન ગુજરાતનો સૂબેદાર બન્યો, તેણે વળી સાત સંતાનો હતા. તેમાં જૂનાગઢ, વાદશિનોર, પાલનપુર, રાણપુરના જાગીરદાર બન્યા, જ્યારે 1728માં સલાબતખાનનો પુત્ર બહાદુરખાન બાબી જૂનાગઢનો નવાબ બન્યો. આ બધાના પૂર્વજોની કબર અમદાવાદમાં છે!
શેરખાન, મહાબત ખાન-પ્રથમ, હમીદખાન, બહાદુરખાન, મહાબત ખાન-દ્વિતીય (તેનો મકબરો ‘મહાબત મકબરા’ નામે જૂનાગઢમાં છે.) મોહમ્મદ બહાદુરખાન (રેલવે સ્ટેશન સામેનો ‘રે ગેટ’ ત્યારે સ્થાપિત થયો, મુંબઈના તે સમયના ગવર્નર લોર્ડ રે પોતાના નામે થયેલા આ દરવાજાણે ખુલ્લો મૂકવા માટે આવ્યા હતા). આઠમો નવાબ મોહમ્મદ રસુલખાન હતો, તેના શાસનમાં બે મોટી ઘટના નોંધવા જેવી છે. 1895માં શ્યામજી કૃષ્ણવર્માને દીવાનપદે નિયુક્ત કરવામાં આવ્યા, જેના ભવિષ્યમાં એક મહાન ક્રાંતિકાર થવાનું નીર્મિત હતું, તેમને અહીં નવાબ, દરબારીઓ, અને એક અંગ્રેજ અમલદારનો કડવો અનુભવ થયો. તેણે સાહસપૂર્વક કહ્યું હતું કે તમારો નવાબ તો કઠપૂતળું છે. બસ, મોકો મળી ગયો. અગાઉ દીવાન રહેલા હરિદાસના ભાઈ બેચરદાસને દીવાન બનાવીને શ્યામજી કૃષ્ણવર્માને રુખસદ આપવામાં આવી. તેમને માટે આ આપત્તિ આશીર્વાદ બની. થોડો સમય ભારતમાં રહીને, લંડન તરફ પ્રયાણ કર્યું. ત્યાં ‘ઈન્ડિયા હાઉસ’ સ્થાપ્યું, અખબાર બહાર પાડ્યું, તેજસ્વી ક્રાંતિકારોને બોલાવ્યા.
બીજી ઘટના એટલે બહાઉદ્દીન કોલેજની ઇમારતનો પાયો નાખવામાં આવ્યો. કર્નલ હન્ટર તે સમયે પોલિટિકલ એજન્ટ હતો તેને આ નિમિત્તે બોલાવવામાં આવ્યો હતો. થોડા સમયમાં તે તૈયાર થઈ એટ્લે લોર્ડ કર્ઝન જહાજમાં આવ્યા, કોલેજનું ઉદ્ધાટન કર્યું. તેમના નામે એક ‘કર્ઝન કેનાલ’ પણ ખુલ્લી મૂકવામાં આવી હતી.
નવમા નવાબ સોરઠની રિયાસતના અંતિમ નવાબ. મહાબત ખાન બાબી. અજમેરની મેયો કોલેજમાં અભ્યાસ કર્યો હતો. એ સમયે મુસ્લિમ રિયાસતની સંખ્યા 18 હતી. ભોપાલ નવાબની મુનવ્વર જહાં સાથે શાદી કરી. પછી બેગમો ઉમેરાતી ગઈ. ભારત છોડીને પાકિસ્તાન ચાલ્યા ગયા ત્યારે વિમાનમાં બેગમો, હીરાઝવેરાત અને પ્રિય શ્વાનનો જમેલો થઈ જવાથી જગ્યા ના રહી એટલે એક બેગમને અહીં જ છોડી દેવાઈ! તેમના સમયે વેરાવળ અને કેશોદમાં રમખાણ થયા. લોર્ડ વિલિંગ્ડન આવ્યા ત્યારે બ્રિટિશ રાષ્ટ્રગીત સાથે નવાબે તેમનું સ્વાગત કર્યું હતું. એક ડેમ પણ ખુલ્લો મૂકયો, જેને આ લોર્ડનું નામ આપવામાં આવ્યું. રેલવે સેવા ચાલુ થઈ. પ્રાથમિક શિક્ષણ તદ્દન નિઃશુલ્ક હતું. માધ્યમિક શાળાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી.
22 પાનાની આ નોંધ 1936 સુધીની છે. તે પછી કેટલાંક પુસ્તકો અને અખબારો પ્રકાશિત થયા હશે. આ તો આલ્બમ છે એટલે પછીના પાનાઓમાં તસવીરો છે. આટલા વર્ષો પછી તેનું છપાઈકામ ઝાંખું થઈ ગયું છે. રસપ્રદ વાત એ છે કે નવાબોની તસવીરો અને તેના મકબરાની વચ્ચે દીવાન અનંતજી અમરચંદ વસાવડા, રાવ બહાદુર ગોકળજી સંપતરામ, રાવ બહાદુર ત્રિભુવન રાણા વગેરે કેટલાક નાગર મહાનુભાવો પણ છે. તેઓ નવાબી રાજયમાં ઊંચા હોદ્દા પર હતા. ગુણવંતરાય આચાર્યએ જે નવલકથાઓ લખી તેમાંની કેટલીક આવાં રજવાડાઓ વિષેની પણ છે.
અત્યારે પાકિસ્તાનમાં વસી ગયેલા સોરઠના મુસ્લિમો જૂનાગઢ, માણાવદર, બાંટવા, સરદારગઢ, જેતપુર, કુતિયાણા, પોરબંદર, માંગરોળ, ધોરાજી વગેરે સ્થાનોએથી હિજરત કરી હતી. જૂનાગઢ નવાબના એક પુત્રને સિંધના ગવર્નર બનાવવામાં આવ્યા હતા, પણ અત્યારે શું સ્થિતિ છે, કોઈ જાણ નથી.
પણ ઇતિહાસનો બોધપાઠ વ્યક્તિઓને અને સંસ્થાઓને ભાગે આવે છે. રિયાસતો ભલે 200 વર્ષથી રાજ કરતી હતી, પણ છેવટે સ્વાતંત્ર્યની લડત થઈ. ભારતને આઝાદી મળી ત્યારે મોટાભાગના રાજ્યોએ ભારત સંઘમાં વિલીનીકરણનું ડહાપણ બતાવ્યું એ સારું જ થયું. જૂનાગઢ કે હૈદરાબાદે એવું કેમ નહિ કર્યું હોય?
કેટલાક સવાલોના જવાબ સીધાસાદા નથી હોતા. જૂનાગઢને પાકિસ્તાનનો પાંચમો પ્રાંત ગણનારાઓ સમયના બોધને સમજી શક્યા નથી. એમ તો આખી દુનિયાને પોતાના મઝહબ નીચે લાવવાનું ઝનૂન આજે ક્યાં નથી?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter