- એક્કેય એવું ફૂલ
- પ્રિયકાન્ત મણિયાર
(જન્મઃ તા. 24-1-1927 • નિધનઃ 25-6-1976)
જન્મ વીરમગામ. વસવાટ અમદાવાદ. એક જમાનો એવો હતો કે જ્યારે કાવ્યસંગ્રહનાં નામ ‘ગંગોત્રી’, ‘વસુધા’, ‘આરાધના’, ‘અર્ધ્ય’, ‘ઈન્દ્રધનુષ’ - એવાં આપવામાં આવતાં. રાજેન્દ્ર-નિરંજને ‘ધ્વનિ’ અને ‘છંદોલય’ નામ આપ્યાં જે કાવ્યના આંતરજગતનાં સૂચક છે. એ જ રીતે પ્રિયકાન્તે પ્રથમ કાવ્યસંગ્રહનું નામ ‘પ્રતીક’ આપ્યું. પ્રતીક એ જ તો કવિતાની ભાષા છે. કવિતાનું લાઘવ એ એમની સિદ્ધિ છે. પ્રિયકાન્તની કલમ ગીતમાં મોરે છે ને પરંપરિતમાં એ પાછી નથી પડતી. જ્યારે રાજેન્દ્ર-નિરંજનની કવિતાની બોલબાલા હોય ત્યારે પોતીકા અવાજ સાથે પ્રગટ થવું એ અશક્ય નહીં પણ મુશ્કેલ તો અવશ્ય છે. પ્રિયકાન્તની કવિતા પર પોતીકી, કામણગારી મુદ્રા છે.
•••
એક્કેય એવું ફૂલ ખીલ્યું છે નહીં
કે જે મને હો ના ગમ્યું!
જેટલાં જોયાં મને તો એ બધાં એવાં જચ્યાં
કે જે નથી જોયાં થતું, ક્યારે હવે હું જોઉં...
એમાંય તે આજે વસન્ત
મબલક ફૂલોના ભારથી ડૂબુંડૂબું
નૈયા લઈને નાંગરી
આછા શિશિરના તટ ઉપર ત્યાં
હું જ ડૂબી જાઉં છું
હું ભાનમાં બોલી રહ્યો બેહોશ છું
હું ફૂલ પી એવાં ગયો છું ગટગટાવી
આંખમાં એની અસર એવી થતી
જેની સુગંધે જગત આ આખું શ્વસે
તે સૂર્ય મુજને તાતો ખીલેલો લાગતો,
ઓટ-ભરતીમાં ઊછળતા માત્ર પાણીનાં
અરે બહુ પર્ણમાં
સાગર ખીલેલો લાગતો
પર્વતો પાષણના કેવા ઠરેલા
તે પણ ખીલેલા લાગતા
એક સરખું ચોતરફ ફેલાયેલું આ આભ પણ
મુજને ખીલેલું લાગતું.
ભમરા સમો ભમતો પવન ને ભમરા સ્વયં મુજને ખીલેલા લાગતા,
હું આ બધું શું અરે બોલી ગયો
ફૂલથી કે ભૂલથી?
જે કંઈ ખીલ્યા તે શબ્દ મારા -
અહીંતહીં બધે વેરઈ ગયા!
•••