તાજેતરમાં લેસ્ટર ખાતે એક અનોખો સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં આજથી 83 વર્ષ પૂર્વે મધદરિયે જળસમાધી લેનાર એસ.એસ. ટિલાવા જહાજના મૃતકોને અંજલિ અપાઇ હતી. આ કરુણ દુર્ઘટનામાં પોતાના મોભીને ગુમાવનાર એમિલી સોલંકીએ આ કાર્યક્રમ યોજ્યો હતો. લગભગ ઇતિહાસના પાનામાં સમેટાઇ ગયેલી આ ઘટનાની યાદ જીવંત રાખવા સોલંકી પરિવાર છેલ્લા 18 વર્ષથી દેશવિદેશમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજી રહ્યો છે. 23 નવેમ્બર 2023ના રોજ ગ્રીનવીચ મેરિટાઇમ મ્યુઝિયમે પણ પહેલી વખત કાર્યક્રમ યોજીને મૃતકોને અંજલિ આપી હતી.
લેસ્ટરની શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિતિ મારા સહિત અનેક પરિવારોને અતીતની સફરે લઇ ગઇ હતી. કારણ એટલું જ કે કોઇએ આ દુર્ઘટનામાં સ્વજનને ગુમાવ્યા હતા તો મારા જેવા કેટલાક એવા પણ હતા કે જેમના સ્વજન ઉગરી ગયા હતા. આ જહાજના પ્રવાસીઓમાં મારા પિતાશ્રી પણ એક હતા. અમે બાળપણમાં તેમના મુખે અનેક વખત આ દુર્ઘટના વિશે સાંભળી ચૂક્યા છીએ, પણ આ કાર્યક્રમમાં અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી કરુણાંતિકાને ‘નજર સમક્ષ બનતી’ જોવાનો અવસર હૃદયસ્પર્શી બની રહ્યો.
‘ગુજરાત સમાચાર’ના ઘણા વાચકોને ખ્યાલ હશે જ કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એસ.એસ. ટિલાવા (S.S. Tilawa) નામનું પ્રવાસી જહાજ મુંબઈ બંદરેથી 20 નવેમ્બર 1942 ની સાંજે પાંચ વાગ્યે સાઉથ આફ્રિકા જવા રવાના થયું હતું. બ્રિટિશ ઇંડિયા સ્ટીમ નેવિગેશન કંપનીના આ જહાજમાં કેપ્ટનથી લઇને ખલાસીઓ સહિત 222નો સ્ટાફ અને 722 મુસાફરો પ્રવાસ કરતા હતા. સાથે સાથે જ આ જહાજમાં 6000 ટન કાર્ગો અને 50 ટન સિલ્વર બુલિયન્સ પણ હતાં. જોકે 23 નવેમ્બરના રોજ જહાજ જાપાનીઝ સેનાના ટોર્પીડોનું નિશાન બન્યું અને જહાજ ડૂબવા લાગ્યું. અફસોસજનક બાબત તો એ હતી કે જહાજમાં 900 કરતાં પણ વધુ લોકો પ્રવાસ કરી રહ્યા હોવા છતાં લાઇફબોટ માત્ર નવ જ હતી. હોગોકીરા અને ચીસાચીસ વચ્ચે ગભરાટના માર્યા પ્રવાસીઓ સમુદ્રમાં કૂદવા માંડ્યા. આ કરુણ દુર્ઘટનામાં 280 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા.
આ કમનસીબ જહાજના બચી ગયેલા સદનસીબ મુસાફરોમાં 18 વર્ષનો એક ગુજરાતી નવયુવાન પણ હતો. આ યુવાન એટલે મારા પૂજ્ય પિતાશ્રી રસિકલાલ તુલસીદાસ સામાણી. જહાજ ડૂબી રહ્યું હતું ત્યારે મારા પિતા અને બીજા ચાર પુરુષો તૂટેલા જહાજના એક પાટિયા પર બેસી ગયા હતા. જહાજના કાટમાળના સહારે તેમણે મધદરિયે પાંચ-પાંચ દિવસ વિતાવ્યા. કમનસીબે આમાંના બે મુસાફરો પોતાનો જાન ન બચાવી શક્યા. બાકી ત્રણેયને પણ નજર સામે જીવનનો અંત દેખાતો હતો, પણ જુસ્સો બુલંદ હતો. જીવસટોસટનો આ સંઘર્ષ ચાલી રહ્યો તે દરમિયાન જ ત્યાંથી પસાર થઇ રહેલી એક અમેરિકન બોટની નજર પડી અને તેમને ઉગારી લીધા. હોસ્પિટલે પહોંચાડ્યા. સારવાર બાદ તેમને મુંબઈ પરત પહોંચાડવામાં આવ્યા.
ટિલાવા જહાજની આ કરુણાંતિકાએ સેંકડો પરિવારોની જિંદગીને ધરમૂળથી બદલી નાંખી. મૃત્યુને વરેલા કે બચી ગયેલા મુસાફરો અને તેમના પરિવારજનોના સપનાં-આશા-અરમાનો જાણે દરિયામાં જ સમાઇ ગયા. મારા પિતા પણ નસીબ અજમાવવા માટે આફ્રિકા જઇ રહ્યા હતા. તેમના બે ભાઈઓ આફ્રિકા જઇને સ્થાયી થયા હતા અને પિતાશ્રી પણ ત્યાં જઇને ઠરીઠામ થવાના ઇરાદે ભારતથી રવાના થયા હતા. જોકે આ ગોઝારી દુર્ઘટનામાં બધું જ રોળાઇ ગયું.
મુંબઇ બંદરે પરત ફરતાં સુધીમાં તો મારા પિતાશ્રીએ દેશમાં જ વસી જવાનું નક્કી કરી લીધું હતું. જોકે તેમની મુશ્કેલી હજુ ખતમ નહોતી થઇ. મૃત્યુ સામેનો જંગ લડીને થાકેલા-હારેલા તેઓ મુંબઇ તો પહોંચી ગયા હતા, પણ અહીંથી વતન કે સુરક્ષિત સ્થળે પહોંચાડવા ટ્રાવેલ એજન્ટે કોઇ મદદ ન કરી. એક તો અજાણ્યું મોટું શહેર અને મધરાતનો સમય... રસ્તો કેમ મળે? ક્યાં જવું? પણ મૂંઝાય તે રસિકલાલ સામાણી નહીં! તેઓ બંદરમાંથી બહાર નીકળ્યા અને રેલવેના પાટે પાટે શહેર તરફ ચાલવા લાગ્યા. તેમના દિદાર જોઈને રસ્તામાં મળેલાં પોલીસમેને અટકાવ્યા અને પૂછપરછ કરી. હકીકત જાણ્યા પછી પોલીસમેનના હૈયે પણ રામ વસ્યા, અને બાપુજીને સાચા સરનામે પહોંચવામાં મદદ કરી. આ રહેઠાણ એટલે મારા બાપુજીના ફૂવાનું ઘર. મારા બાપુજીનો નવો પહેરવેશ, અને દેખાવ જોઇને તેઓ પણ તેમને ઓળખી ન શક્યા. બાપુજીએ વીતકકથા જણાવી. તેમણે બાપુજીને ઘરે રાખ્યા, ખૂબ સારવાર-સુશ્રુષા કરી અને તબિયત સારી થયા પછી વતન પહોંચાડવા વ્યવસ્થા કરી.
બાપુજી તે વેળા સોરઠના અડવાણા ગામે રહેતા હતા. બાપુજી અડવાણા પહોંચ્યા એ જ અરસામાં અમારા ગુરુજી શ્રી શાંતિદાસજી મહારાજ (અમે પેઢીઓથી કબીરપંથી છીએ) અડવાણા પધાર્યા. ઘરની પરિસ્થિતિ જોઈને અંદાજ આવી ગયો. પોતાના આ સેવક પરિવારને મદદ કરવાના દૃઢ નિર્ધાર સાથે તેઓ મારા પિતાશ્રીને લઇ ગાડાવાટે હાલાર પંથકના ખંભાળિયા પહોંચ્યા. આ જ ગામમાં વસતાં કબીરપંથી શ્રી હરિલાલ રામજીને ત્યાં મુકામ કર્યો. શ્રી હરિભાઈને માંડીને બધી વાત કરીને અમારા ગુરુજીએ કહ્યું કે હવે તારે આ છોકરાનું ધ્યાન રાખવાનું છે... શ્રી હરિભાઈ પણ પરમ ગુરુભક્ત હતા. તેમને સંતાનોમાં એક દીકરાની ખોટ હતી એટલે તેમણે મારા બાપુજીની એક દીકરા તરીકે સ્નેહભરી સંભાળ લીધી. અને બાપુજીની જિંદગીની એક નવી સફર શરૂ થઈ. તેઓ આ વિસ્તારની અગ્રણી વેપારી પેઢી મે. હરિલાલ રામજીમાં કામે લાગ્યા હતા.
સમયના વહેવા સાથે શરીરના ઘા તો રુઝાયા હતા, પણ મન પરના ઘા તાજા હતા. નજર સામે સેંકડોને ભરખી ગયેલી કાળમુખી દુર્ઘટના, મધદરિયે વેઠેલી કારમી યાતના એમ તે કેમ વિસરાય? થોડાક સમય બાદ ફરી ટ્રાવેલ કંપનીએ તેમને કહેવડાવ્યું કે આફ્રિકા જવું હોય તો બીજું જહાજ રવાના થઇ રહ્યું છે. પરંતુ ત્યાં સુધીમાં તો બાપુજી જામનગર જિલ્લાના ખંભાળિયામાં (કે જે મારું જન્મસ્થળ પણ છે ત્યાં) ગોઠવાઇ ગયા હતા.
અથાગ પરિશ્રમ, તેમની કોઠાસૂઝ, અને વેપારીબુદ્ધિથી આ પેઢીએ ખોબલામોઢે વિકાસ કર્યો. પેઢીમાલિકો પણ ખરા અર્થમાં કદરદાન હતા. પહેલા (મારા પિતા) રસિકલાલ સામાણીને ભાગીદાર બનાવ્યા અને થોડા સમય પછી આનાથી પણ ડગલું વધી સરખા હિસ્સે ભાગીદાર બનાવ્યા. મારા પિતાશ્રી ભલે દરિયાપારના દેશ ન પહોંચી શક્યા, પરંતુ ખંભાળિયામાં રહ્યે રહ્યે જ સમગ્ર પંથકમાં અગ્રણી કુશળ વેપારી તરીકે, ગામના મોભી તરીકે અને એક ગાંધીવાદી સમાજસેવક તરીકે અખુટ નામના મેળવી. તેઓ આફ્રિકા પહોંચીને ભાઇઓ સાથે ભલે ઠરીઠામ ન થઇ શક્યા, પણ આ પેઢીના બે ભાગીદારોએ તેમને સગા ભાઈ કરતાં પણ વિશેષ માનપાન અને આદર આપ્યા. ત્રણેય કુટુંબ એક સંયુક્ત પરિવાર જેવા થઈ ગયા. ભારતમાં રહેવાના નિર્ણયને લીધે બાપુજી મારા દાદા-દાદીની અંતિમ સમયે દેખભાળ કરી શક્યા. બાપુજી ભલે વિદેશમાં ન વસી શક્યા, પરંતુ અમને બન્ને ભાઈઓને (મને અને ભાઇ સુરેશને) વિદેશ મોકલવામાં જરૂર સફળ થયા. મારા પિતાશ્રીની સૂઝબૂઝ અને માર્ગદર્શનના કારણે જ આજે હું લગભગ અડધી સદીથી આ દેશમાં સ્થાયી થયો છું. મારા નાના ભાઈ (સુરેશ)ને અમુક કારણોસર ભારત પાછું ફરવું પડ્યું તે વાત અલગ છે. અને અમારા આદરણીય મોટા બહેનની વાત કરું તો... તેઓ યુવાવયથી જ આધ્યાત્મિકતાના રંગે રંગાયેલા હતા.
હાલ પાલનપુરમાં સ્થાયી થયેલા સરલાબહેન મારાથી બે વર્ષ મોટા. તેમનું મેટ્રિક સુધીનું શિક્ષણ ખંભાળિયામાં પૂરું કર્યા બાદ બી.એ.ની ડિગ્રી માટે ભાવનગરની કોલેજમાં એડમિશન લીધું. ભાવનગર ઘરથી દુર અને તે વેળા ટ્રાન્સપોર્ટની બહુ સગવડ નહીં. આથી બીજા વર્ષે જામનગરની ડીકેવી કોલેજમાં પ્રવેશ મેળવ્યો. જામનગરમાં કબીર આશ્રમમાં રહ્યા. અહીં જ રહીને એમ.એ. એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કર્યો. જામનગરની કોલેજમાં લેકચરર તરીકે જોબ પણ મળી ગયેલી, પરંતુ આટલાં વર્ષો આશ્રમમાં વિતાવ્યા હોવાથી ત્યાં જ સેવા આપવાનું અને ગુરુજીના સાંનિધ્યમાં રહેવાનું પસંદ કર્યું. અમારા ગુરુજી શ્રી શાંતિદાસજી મહારાજ ‘મોટા બાપુ’ તરીકે અને તેમના શિષ્ય શ્રી રામસ્વરૂપદાસજી મહારાજ ‘નાના બાપુ’ તરીકે ઓળખાતા. ‘મોટા બાપુ’એ સમાધિ લીધા બાદ તેમની સ્મૃતિમાં તેમના જન્મસ્થળ જગાણા (જિ. પાલનપુર)માં ભવ્ય આશ્રમ અને સ્કૂલ બનાવવાનો નાના બાપુએ નિર્ણય કર્યો. સરલાબહેન વર્ષોથી પાલનપુરની આ સંસ્થાઓનું સંચાલન કરી રહ્યા છે. આ સંસ્થા દ્વારા માનવસેવા અને પશુસેવાના અનેકવિધ કાર્યો થાય છે. સરલાબહેન છેલ્લા 60 વર્ષથી આ રીતે આ સંસ્થા સાથે જોડાયેલા છે. પાલનપુરનો કબીર આશ્રમ ગામની એકદમ શાંતિપૂર્ણ સ્થળે આવેલો છે. અનુકૂળ હોય તો ચોક્કસ મુલાકાત લેશો.
અને હા... ટિલાવા જહાજ દુર્ઘટના વિષે મેં અભ્યાસ કરવાનું શરૂ કર્યું તો મને એ પણ જાણવા મળ્યું કે ગુજરાતમાં લોથલ ગામે દુનિયાનું સહુથી મોટું અને ભવ્યાતિભવ્ય મેરિટાઇમ મ્યુઝિયમ આકાર લઇ રહ્યું છે. તો હવે ગુજરાત મુલાકાતે જવાનું થાય ત્યારે તમારી પ્રવાસયાત્રામાં આ સ્થળનો પણ ઉમેરો કરશો.


