હમણાં વરિષ્ઠ સાંસદ અને સૌરાષ્ટ્રના રાજકીય નેતા પુરુષોત્તમ રૂપાલાને મળવાનું થયું. સાથે ગુજરાતમાં 1975ની આંતરિક કટોકટી પર એક ફિલ્મ બનાવવાનો ઇરાદો રાખનાર સમાજસેવી જીયા શૈલેષ પરમાર પણ હતા. તેમાં આરઝી હકૂમતની વાત નીકળી. રૂપાલા પોતે પણ કાઠિયાવાડના, એટલે સોરઠ પર 1947માં અલગાવનું વાવાઝોડું આવ્યું, અને તેમાં જૂનાગઢ સહિતની પ્રજા, સંતો, નાગરિક નેતાઓ, રાજવીઓ, સૈન્યનો જૂનાગઢ નવાબના નિર્ણયની સામે સંઘર્ષ કર્યો, તે ઇતિહાસને અવિસ્મૃત કરી શકાય તેની ચર્ચા થઈ.
બરાબર આ ઓગસ્ટ - સપ્ટેમ્બર - ઓકટોબર - નવેમ્બરના મહિનાઓમાં 1947નો એક અલગ ઇતિહાસ રચાયો હતો. પાઠ્યપુસ્તકોમાં હજુ તેને યોગ્ય સ્થાન મળ્યું નથી, અને તેનું ભવ્ય સ્મારક પણ બન્યું નહિ! જૂનાગઢની બહાઉદીન કોલેજના મેદાનના એક ખૂણા પર તખતી છે. આ મેદાનમાં 13 નવેમ્બર, 1947ના એક ભવ્ય સભાને સરદાર વલ્લભભાઈએ સંબોધી હતી. જૂનાગઢ નવાબે 14 ઓગસ્ટ, 1947ના પોતાના રજવાડાનું પાકિસ્તાન સાથે જોડાણ જાહેર કર્યું.
નવાબ તો બિચારો હતો, પોતાનો કોઈ નિર્ણય કરવામાં સક્ષમ નહોતો. રાજ્યની દેખરેખ બીજાઓના હાથમાં હતી. પોતે નાટક, નાટકશાળા, બેગમો, અને તરેહવારના શ્વાનની દુનિયામાં મસ્ત રહેતો. શાહનવાઝ ખાન અને બીજાઓએ પાકિસ્તાનનો સંપર્ક કર્યો.
મોહમ્મદ અલી જિન્ના ઉપલેટાની પાસેના મોટી પાનેલીના મેમણ પૂર્વજોના વારસદાર હતા. જોકે કોઈ દિવસ તેણે આ ગામ જોયું નહોતું. કરાચીમાં જન્મ્યા, ઈંગ્લેંડમાં ભણ્યા, મુંબઇમાં વકીલાત કરી, હોમ રૂલ આંદોલનમાં ભાગ લીધો, ગાંધીજીનું આગમન થયું તે પહેલા એની બેસન્ટની સાથે સ્વાધીનતાની ચળવળમાં ભાગ લીધો ત્યારે તે સંપૂર્ણ રાષ્ટ્રવાદી હતા. મંચ પરથી વંદે માતરમ્ સમૂહમાં ગાતા. ગાંધીજીની ખિલાફત ચળવળને તેણે મુસ્લિમોને રાજી કરવાની બાલિશતા માની હતી. લોકમાન્ય તિલકનો મુકદ્દમો લડ્યા હતા. કોંગ્રેસમાં ગાંધીજીની નીતિરીતિનો પ્રભાવ તેમને દૂર ખેંચી ગયો.
મુસ્લિમ લીગમાં જનાર ઝીણાનો કુરાનનો કોઈ અભ્યાસ નહોતો. બ્રિટિશ ઠાઠથી રહેતા આ ધારાશાત્રી બધી રીતે આધુનિક હતા. કવિ ઈકબાલને પાકિસ્તાન વિશેના કાવ્ય માટે હસી કાઢ્યા હતા, અને કોઈ મુસ્લિમ સ્ત્રીને બદલે પારસી કન્યાને પરણવાનું પસંદ કર્યું હતું. પછી તેને લાગ્યું કે ભારતીય રાજકારણમાં ગાંધી (જવાહરલાલ કે મૌલાના આઝાદને તે મહત્વ આપતા નહોતા, સુભાષચંદ્રને સન્માન આપતા.)ની સમકક્ષ થવા માટે તેમણે ભારતમાં મુસ્લિમ સમાજની તદ્દન અલગ ઓળખ છે, તે સમજી લીધું. તેમાંથી અલગ દેશનું તિકડમ ઊભું કર્યું. અને બ્રિટિશરો બંગાળના ભાગલાથી આવું કરવાની શરૂઆત કરી ચૂક્યા હતા, તેને આગળ વધારીને કોંગ્રેસનાં ઢીલા-પોચાં (સરદાર તેમાં અપવાદ હતા) નેતાઓની સામે પાકિસ્તાન મેળવી લીધું.
તેના વિસ્તાર માટે તેની નજર પૂર્વ પાકિસ્તાન ઉપરાંત સંપૂર્ણ કાશ્મીર, આસામનો કેટલોક ભાગ, હૈદરાબાદ અને જૂનાગઢ-સોરઠ પર હતી. જોકે જૂનાગઢ તેને માટે બહુ મહત્વનુ નહોતું પણ કાશ્મીરનો મુદ્દો કાયમ રહે તે માટે જૂનાગઢ વ્યૂહરચનાની દૃષ્ટિએ મહત્વનું હતું. આજે પણ પાકિસ્તાનની ટપાલ ટિકિટ પર વિવાદાસ્પદ પ્રદેશોમાં કાશ્મીરની સાથે જૂનાગઢને પણ મૂકવામાં આવે છે! કોઈવાર કરાચીમાં સંમેલન થાય છે, અને પાકિસ્તાનનાં પાંચમા પ્રાંત તરીકે જાહેર કરવાની માગણી ચાલુ રાખી છે. નવાબના એક દીકરાને થોડા સમય માટે ગવર્નર બનાવવામાં આવ્યો હતો, પણ વર્તમાન પાકિસ્તાનનાં રાજકારણમાં જૂનાગઢ - માણાવદરના નવાબોના વારસદારોને કોઈ મહત્વ આપવામાં આવ્યું હોય તેવું જાણવા મળતું નથી.
આજે કદાચ ઓછા લોકોને ખબર હોય તેવી તેની તવારીખ છે. ટૂંકમાં જોઈએ તો 3 જૂન, 1947 માઉન્ટબેટન યોજના જાહેર થઈ. ભારત-પાકિસ્તાન વિભાજનનો તે પહેલો દસ્તાવેજી સંકેત હતો. એક ખાસ વિભાગ કામ કરતો થયો. 25 જુલાઇએ નરેન્દ્ર-મંડળની બેઠક થઈ. કોની સાથે જોડાવું તે નક્કી થયું, જૂનાગઢ અને હૈદરાબાદનો ખેલ શરૂ થયો.
13 ઓગસ્ટે જૂનાગઢ નવાબની સહીથી જાહેર કરવામાં આવ્યું કે અમારી હકુમતનું પાકિસ્તાનની સાથે વિલીનીકરણ કર્યું છે. પણ ત્રીજી સપ્ટેમ્બરે બાબરિયાવાડ રિયાસતે પોતે ભારત સંઘમાં જોડાવા માગે છે તેમ સ્પષ્ટ કર્યું. કાઠિયાવાડ રાજકીય પરિષદે જૂનાગઢ નવાબનો બહિષ્કાર કર્યો. હિજરતીઓની રાજકોટમાં સભા થઈ. ભારત સરકારે 11 સપ્ટેમ્બરે બાબરિયાવાડનું જોડાણ સ્વીકાર્યું. મુંબઈમાં જૂનાગઢ સમિતિ રચવામાં આવી.
સરદારના સચિવ વી.પી. મેનન જૂનાગઢથી ખાલી હાથે પાછા વળ્યા. નવાબના દરબારીઓએ કહ્યું કે નવાબ સાહેબની તબિયત ઠીક નથી, એટલે મળી શકશે નહિ. ઢેબરભાઇ પણ નિષ્ફળ ગયા. માણાવદર, માંગરોળ પણ જૂનાગઢને અનુસર્યા. 23 સપ્ટેમ્બર, 1947ના મુંબઈમાં અમૃતલાલ શેઠના જન્મભૂમિ કાર્યાલયમાં સભા થઈ. બે દિવસ પછી આરઝી હકૂમત રચાઇ. રંગૂનમાં નેતાજી સુભાષચંદ્રે આઝાદ હિન્દ ફોજ સ્થાપી હતી તેમાંથી આ પ્રેરણા લેવામાં આવી. કનૈયાલાલ મુનશીએ તેનું બંધારણ ઘડી આપ્યું. બે પત્રકારો - શામળદાસ ગાંધી અને અમૃતલાલ શેઠ - જૂનાગઢ મુક્તિના મોભી બન્યા.
ભાવનગર, જામનગર, લુણાવાડા, ગોંડલ, વાંકાનેર, કચ્છ, મોરબી વગેરે રાજ્યોએ સાથે મળી જૂનાગઢ-નિર્ણયનો વિરોધ કર્યો હતો. સોરઠમાંથી મોટે પાયે હિજરત થઈ. 24 ઓક્ટોબર, 1947ના નવાબે પાકિસ્તાન ચાલ્યા જવાનો નિર્ણય લીધો. આરઝી હકૂમતે બાબરિયાવાડ, અમરાપર, નવાગઢ, સરડીયા, કુતિયાણા વગેરે સ્વાધીન કર્યા. 9 નવેમ્બરે, 1947ના જૂનાગઢ પર ભારતીય રાષ્ટ્રધ્વજ ફરક્યો, જે 15 ઓગસ્ટ, 1947ના ફરકાવી શક્યો નહોતો. 20 ફેબ્રુઆરીએ, 1948ના લોકમત લેવાયો. 1 જાન્યુઆરી, 1949થી સૌરાષ્ટ્ર સરકારમાં સૌને સમાવી લેવાયા. આરઝી હકૂમત અને તેના સેનાની નેતાઓમાં શામળદાસ ગાંધી, દુર્લભજી ખેતાણી, મણિલાલ દોશી, નરેન્દ્ર નથવાણી, ન્યાલચંદ શેઠ, અમૃતલાલ શેઠ, કેપ્ટન બાલમસિંહ, કેપ્ટન બળવંતસિંહ, પુષ્પાબહેન મહેતા, વાઘણીયા દરબાર (તેમનો ડ્રાઇવર ભૂપતસિંહ, જે પછીથી બહારવટે ચઢ્યો હતો), સુરગભાઈ વરુ, શિવાનંદ મહારાજ, મનસુખ કોઠારી, રસીકલાલ પરીખ, સનત મહેતા, જશવંત મહેતા, હરિસિંહજી ગોહિલ, ભાડવા દરબાર ચંદ્રસિંહજી, ન્યાલચંદ શેઠ, જેઠાલાલ જોશી, ઢેબરભાઇ, બળવંતરાય મહેતા, રતુભાઈ અદાણી, ગોકુલભાઈ ગગલાની, પ્રેમચંદ શાહ, ગુણવંતરાય પુરોહિત, બાલમસિંહ, અનુપચંદ શાહ, ગજાનન પુરોહિત, સૂર્યકાંત કોઠારી, બાલકૃષ્ણ શુકલ, ભૂપતભાઇ સંઘવી, મંગળદાસ સંઘવી, કનુભાઈ લહેરી, મોતીગર મહંત, મહંત વિજયદાસ, મયારામદાસ મહારાજ, વૈષ્ણવ હવેલીના પુરુષોત્તમ મહારાજ, ગીગાભાઈ મેર, માલદેવજી રાણા... હજુ બીજા નામો ઉમેરી શકાય. સમગ્ર ઘટનામાં તંગદિલી, હિજરત, અનિશ્ચિતતા, ભય, નફરત બધું હાજર હતું. દરમિયાન બાંટવા, કુતિયાણા, જુનાગઢ, ધોરાજી, જેતપુર, માંગરોળથી મુસ્લિમ હિજરત પણ થઈ. સિંધથી આવેલા સિંધી હિન્દુઓ આવ્યા, શરૂઆતમાં તેઓ ‘નિરાશ્રિત’ તરીકે ઓળખાતા, બાંટવાની મેમણ ઇમારતો (સૌરાષ્ટ્રનું તે પેરિસ ગણવામાં આવતું, મેમણ સમુદાય અહીં રહેતો. ઝીણા પણ અહીં આવેલા.) આ સિંધી પ્રજાને આપવામાં આવી, તેઓ સિંધમાં બધું છોડીને આવ્યા હતા. પાકિસ્તાન જનારા મેમણ, ખોજા વગેરેને ત્યાં એવી વ્યવસ્થા મળી કે નહીં, આપણે જાણતા નથી. હબીબ બેન્કના સ્થાપક જનાબ હબીબ અને અનાથ લોકોની સારવાર માટે પાકિસ્તાનમાં સક્રિય જનાબ એધીને મેગ્સેસે સન્માન મળ્યું હતું.
તે સમયના દસ્તાવેજો ખંખોળીને સંશોધન કરનારા પ્રા. પી.વી. જાનીએ પુસ્તક આપ્યું છે. હરિસિંહજી ગોહિલ અને રતુભાઈ અદાણીએ સંસ્મરણો લખ્યા છે. સરદારના અને આ મુદ્દે તેમના પર લખાયેલા આઠ જેટલા પત્રો, જનાબ ઝીણા અને લોર્ડ માઉન્ટબેટન વચ્ચેની ચર્ચા, શામળદાસ ગાંધીના ભાષણો, તે સમયના જન્મભૂમિના અહેવાલો, જૂનાગઢમાં સરદારનું ભાષણ, સોમનાથની મુલાકાત વગેરે દસ્તાવેજો આ ઘટનાને સમજવા માટે ઉપયોગી છે. આ સમગ્ર સામગ્રી સાથે જૂનાગઢમાં એક સંદર્ભ-સંગ્રહાલય થવું જોઈએ. અને એક ભવ્ય સ્મારક પણ ઊભું કરવામાં આવે તો તે ઇતિહાસ-બોધનું એક વધુ સીમાચિહ્ન ગણાશે. મેં કહ્યુંને, 75 વર્ષ પૂર્વેના આ મહિનાઓ સૌરાષ્ટ્ર - અને ભારત માટે પણ – અગ્નિકાળ જેવા હતા!