ઓગસ્ટનો અર્થ જ થાય છે ભવ્ય. આ ભવ્યતામાં ઉમેરો કરે છે અનેક ઘટનાઓ, વ્યક્તિઓ, પરિવર્તનો, મંથન અને આંદોલનો. ઉત્તરાર્ધના થોડાક દિવસો બાકી છે ત્યારે સમગ્ર ઓગસ્ટની ઓળખ કરવા જેવી છે. કેવાં કેવાં નામોનો આ મહિનાની સાથે અનુબંધ છે, તેઓ ઓગસ્ટના કોઈ દિવસે જન્મ્યા હતાં, આહુતિ આપી હતી, ઝંઝાવાત જગાવ્યો હતો. ઇતિહાસ રચ્યો હતો. મેડમ કામા, લોકમાન્ય તિલક, પુરુષોત્તમદાસ ટંડન, ત્રૈલોક્યનાથ ચક્રવર્તી, રામકૃષ્ણ વિશ્વાસ, ગોપીનાથ બાર્ડોલોઇ, કાકોરી અધ્યાયના નયકો, ખુદીરામ બોઝ, દુર્ગાદાસ રાઠોડ, અરવિંદ ઘોષ, એકનાથજી રાનડે, શિવરામ રાજગુરુ, ઝવેરચંદ મેઘાણી, વીણા દાસ... અને ખંડિત ભારતનો સ્વાતંત્ર્ય દિવસ!
કેવી હતી તેઓની ઐતિહાસિક જીવન યાત્રા? ઓગસ્ટનો દરેક દિવસ તેનો પરિચય આપે છે. ઓગસ્ટના પ્રથમ દિવસે 1882 માં પ્રયાગ રાજમાં જન્મેલા ટંડન બંગ-ભંગ, અસહયોગ ચળવળ, સવિનય કાનૂનભંગ, ખેડૂત આંદોલન, છેક 1936 માં ઉત્તરપ્રદેશ વિધાનસભામાં અધ્યક્ષ, હિન્દી વિદ્યાપીઠની સ્થાપના, નાગરી પ્રચારિણી સભાન સ્થાપક, સંવિધાન સભામાં ભારતીયતાના આગ્રહી, ભારતરત્ન સન્માન... અને લોકોના તો ‘રાજર્ષિ!’
એક વિસ્મૃત ક્રાંતિકાર ત્રૈલોકનાથ ચક્રવર્તી છેક બંગ-ભંગથી સક્રિય હતાં. ડો. હેડગેવારના પરમ સાથીદાર. જન્મ બીજી ઓગસ્ટ, 1889. હાલના બાંગ્લા દેશમાં આવેલા મેમનસિંગ જિલ્લાના સાવ નાનકડા ગામ કપાસતીયામાં થયો. કોલેજમાં ભણતા હતાં ત્યારે પ્રથમ જેલ ભોગવી. પછી તો પરંપરા ચાલી. બારીસાલ અધ્યાય (બ્રિટિશ ભાષામાં ષડયંત્ર!)માં આંદામાન જેલમાં મોકલાયા તો કહે, અરે! આ તો તપસ્યાનો પ્રારંભ! જેલમાં કેદી સાથી હતા સાવરકર અને ગુરૂમુખ સિંઘ. ત્યાં હિન્દી ભાષાના પ્રચારનું કામ શરૂ કર્યું. 200 કેદી હિન્દીમાં બોલતા થયા.
જેલમુક્ત થાય પછી સરદાર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદની સાથે હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘમાં કામ કર્યું. 1930 માં ફરીવાર સજા થઈ. છૂટયા તો પણ ક્રાંતિકાર્ય અવિરત રાખ્યું. ભારત છોડો આંદોલનમાં સામેલ થયા. નોઆખલીની સાથે ગાંધીજીને યાદ કરવામાં આવે છે, ત્યાં ત્રિલોક્યનાથ પણ સક્રિય હતાં. ભારતનું વિભાજન તેમને માટે મોટો આઘાત હતો. પોતે જ્યાં જન્મ્યા હતા તે હવે પૂર્વ પાકિસ્તાનનો ભાગ હતો. પોતે ત્યાં પહોંચ્યા, હિન્દુઓ પરના અત્યાચારો સામે સંઘર્ષ કર્યો, પાકિસ્તાને તેમને નજરકેદ તરીકે રાખ્યા. 1970 માં ત્યાંથી ભારત પાછા ફર્યા અને અંતિમ વિદાય લીધી. તે દિવસ હતો નવમી ઓગસ્ટનો. ઓગસ્ટમાં જન્મ્યા, ઓગસ્ટમાં અવસાન પામ્યા.
ચટ્ટગ્રામ પણ બાંગ્લાદેશનો ભાગ છે, પણ અહીં 1920થી 1930 સુધી ક્રાંતિકારી યુવકોએ સંઘર્ષ કર્યો, બ્રિટિશ સત્તાને હંફાવી, તેમના નેતા હતાં માસ્ટર’દા સુર્યસેન. અને તેમનો એક શિષ્ય રામકૃષ્ણ. બ્રિટીશરોને વફાદાર પોલીસ ઇન્સ્પેકટર મુખર્જીને ચાંદપુર રેલવે સ્ટેશને પિસ્તોલથી ઠાર કર્યો, બીજો અફસર ક્રેગ બચી ગયો. રામકૃષ્ણ અને સાથીદારો પકડાયા, રામકૃષ્ણને 4 ઓગસ્ટ, 1931ના ફાંસી મળી, બીજા સાથીદાર કાલીપદને કાળા પાણીની સજા થઈ. બે મિત્ર ક્રાંતિકાર સુરજનાથ ચોબે અને રામનારાયણ પણ 1932માં આ ઓગસ્ટમાં ફાંસીના માંચડે ચઢ્યા.
1942ની ભારત છોડો ચળવળ આમ તો ગાંધીજીના આગ્રહ મુજબ અહિંસક હતી, પણ લોકોને અહિંસાનો અતિરેક નહિ, સ્વાધીનતા જોઈતી હતી. આપણાં કચ્છી માંડું યુસુફ મહેરઅલીએ સૂત્ર બનાવ્યુંઃ ‘કરો યા મરો’. Do or die. ગાંધીજીએ તેને પ્રયોજ્યું. નવમી ઓગસ્ટ, 1942. યોગાનુયોગ બરાબર 17 વર્ષ પૂર્વે આ દિવસે રામપ્રસાદ બિસ્મીલના નેતૃત્વમાં કાકોરી-અધ્યાય સરજાયો હતો. સરકારી આંકડા પ્રમાણે ભારત છોડો આંદોલનમાં 940 લોકો મરાયા. 1630 ઘાયલ થયા. 18,000 ભારત સુરક્ષા નિયમમાં પકડવામાં આવ્યા. 60,229 બીજા ગિરફતાર થયા, તેમાં ગાંધીજી સહિતના નેતાઓનો સમાવેશ થયો. ઇતિહાસના અભ્યાસીઓના મતે આ આંદોલન નિષ્ફળ રહ્યું, જ્યારે તે જ સમયે બર્માના મોરચે નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ સેનાએ બ્રિટિશ માનસિક્તાને ભયભીત કરી. 30,000 સ્વાતંત્ર્ય સૈનિકો બર્મા ઇમ્ફાલના મોરચે શહીદ થયા. ત્યારબાદ નૌકા દળનો વિદ્રોહ શરૂ થયો, બ્રિટિશ વડાપ્રધાન અર્લ એટલીએ સ્વીકાર્યું કે ભારત છોડી જવામાં મૂળ કારણ એ હતું કે બ્રિટિશ સેનામાં ભારતીયો પ્રત્યે અવિશ્વાસ ઉમેરાયો હતો.
આ કાકોરી ઘટના પણ ઓગસ્ટનો ઉપહાર! 9 ઓગસ્ટ, 1925 લખનૌ જિલ્લાના કાકોરી રેલવે સ્ટેશને ટ્રેનમાં ક્રાંતિકારોએ ખજાના પર ધાડ પડી. ઇરાદો દેશમાં બ્રિટિશ તંત્રની નિષ્ફળતા ઉઘાડી પાડવાનો હતો. 40 ક્રાંતિકારો પકડાયા, રામપ્રસાદ બિસ્મીલ, અશફાકુલ્લા ખાન, રાજેન્દ્રનાથ લાહિરી, ઠાકુર રોશનસિંહને ફાંસી થઈ. 1908માં 11 ઓગસ્ટે હાથમાં ગીતા અને હોઠ પર વંદે માતરમ્ સાથે 18 વર્ષના ખુદીરામ બોઝ ફાંસી પર ચડી ગયા.
24 ઓગસ્ટ, 1911નાં જન્મેલી વીણા દાસનો મૃતદેહ હૃષિકેશના ગંગાકિનારે 1986ની 26 ડિસેમ્બરે મળ્યો ત્યારે તદ્દન કોહવાઈ ગયો હતો. 6 ફેબ્રુઆરી, 1932ના કોલકાતામાં વિશ્વ વિદ્યાલયમાં પદવીદાન સમારોહમાં વીણાએ પદવીનું પ્રમાણપત્ર મેળવવાને બદલે, સૌને પ્રમાણપત્ર આપવા આવેલા ગવર્નર સર સ્ટેનલે જેક્સન પર પિસ્તોલથી ગોળી છોડી હતી. ક્રાંતિકારી અનુશીલન સમિતિની તે સદસ્ય હતી. 10 વર્ષની તેણે સજા થઈ. છૂટયા પછી ભારત છોડો આંદોલનમાં પણ જેલવાસ થયો. 1947 પછીના સ્વાધીન ભારત વિષે વ્યથિત થઈને હિમાલય તરફ પ્રયાણ કર્યું. અને આવું અનામ, અજાણ મોત થયું.
એક વધુ ક્રાંતિકારી યુવક કન્હૈયાલાલ દત્ત જન્મ્યો હતો 30 ઓગસ્ટ, 1888. બંગભંગ વિરોધી આંદોલનમાં જોડાયો. મુઝફ્ફરપુરમાં કિંગ્સ ફોર્ડ પર હુમલો કરનાર અનુશીલન સમિતિના યુવકો હતા, 37 ક્રાંતિકારોને સખત કેદની સજા થઈ. કન્હૈયાલાલ દત્ત અને સત્યેન્દ્રનાથ બોઝ પણ હતાં. નરેન્દ્ર ગોસ્વામી તાજનો સાક્ષી બની ગયો હતો તેને બોધપાઠ આપવા 31 ઓગસ્ટે ગોળી છોડીને વીંધી નાખ્યો. તે સરકારી સાક્ષી બનીને બધુ કોર્ટમાં કહી દે તે પહેલાં જ પતાવી દીધો, અને સત્યેન્દ્રનાથ તેમજ કન્હૈયાલાલને ફાંસીની સજા ફરમાવવામાં આવી. 17 નવેમ્બર, 1908ના કન્હૈયાલાલને અને 21 નવેમ્બરે સત્યેન્દ્રનાથને ફાંસી આપવામાં આવી. સરકાર ડરી ગઈ હતી એટલે સત્યેન્દ્રને તો જેલમાં જ અગ્નિદાહ આપવામાં આવ્યો. કન્હૈયાલાલનાં અસ્થિ તો છેક લંડનમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્મા, વીર સાવરકર, સરદારસિંહ રાણા, મેડમ કામા વગેરેએ ‘ઈન્ડિયા હાઉસ’માં વંદના માટે મેળવ્યા હતાં.
એક ઘટના 1956ના 31 ઓગસ્ટે રજૂ થયેલા રાજ્ય પુન: રચના નિયમની છે. પ્રથમ આયોગ 1953માં થયું, 1955માં અહેવાલ અપાયો, 1956માં નવા રાજ્યો થયા. દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ વગેરે આંદોલનો શરૂ થયા. ગુજરાતમાં નેનપુરનો સામાજિક આશ્રમ ચલાવનાર ઇન્દુલાલ યાજ્ઞિક સમસમી ગયા, અમદાવાદ આવ્યા અને મહાગુજરાત આંદોલન શરૂ થયું.
ગુજરાતે નેહરુચાચાની સમાંતરે પોતાના ઇંદુચાચા ઊભા કર્યા. હિંસાચાર, ગોળીબાર, 144મી કલમથી ગુજરાત રક્તરંજિત બન્યું, અંતે 1960માં મુંબઈ રાજ્યને વિભાજિત કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યો બન્યા. તેની સાથે આંધ્ર, કર્ણાટક, કેરળ, નાગાલેન્ડ, હિમાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, અરુણાચલ, ગોવા, છતીસગઢ, ઉત્તરાખંડ, ઝારખંડ, તેલંગાણા એવા વિવિધ રાજ્યો સમયાંતરે રચાયા. અત્યારે 29 રાજ્યોનું અસ્તિત્વ છે.
ઇતિહાસ અને ઓગસ્ટનો સંબંધ ઘણો જૂનો છે. વીર દુર્ગાદાસનું બલિદાન 13 ઓગસ્ટ, 1638, અરવિંદ ઘોષની જન્મતિથિ 15 ઓગસ્ટ, 1872, ખૂબ લડી મરદાની...નાં રચયિતા સુભદ્રકુમારી ચૌહાણ 16 ઓગસ્ટ, 1904, મેડમ ભીકાજી કામાએ પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો 18 ઓગસ્ટ, 1907 જર્મનીના સ્ટ્રટગાર્ટની આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં. સ્વામી વિવેકાનંદ સ્મારકના સૂત્રધાર સ્થાપક એકનાથજી રાનડેની પૂણ્યસ્મૃતિનો દિવસ 22 ઓગસ્ટ, 1982, ભગતસિંહના બલિદાની સાથીદાર શિવરામ રાજગુરુનો જન્મ 24 ઓગસ્ટ, 1908, રાણી પદ્માવતી અને બીજી રાજપૂતાણીઓનું અગ્નિસમર્પણ 1303 ની 26 ઓગસ્ટે...
આ કથા પણ અધૂરી છે. તેઓ ઝઝૂમ્યા. લડ્યા. લાઠી - ગોળી ખાધાં, જેલોમાં ગયા. આંદામાનની યાતના સહન કરી. પણ હાર્યા નહિ, થાક્યા નહીં.


