કચ્છનું અસ્તિત્વ અને ઇતિહાસ: કેટલાક પડાવ...

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Wednesday 25th March 2026 08:19 EDT
 
 

કચ્છ પ્રત્યે વર્ષોથી એક વિશેષ અનુબંધ રહ્યો એટલે આ ‘રણભૂમિ’ની સમૃદ્ધિ વિશે જાણવાની, પામવાની, સાંભળવાની અને કહેવાની જિજ્ઞાસા કાયમની છે.

કચ્છ-ઘટનાઓને યાદ કરું છું તો બે સરહદી યુદ્ધોના દિવસો સુધી પહોંચી જવાય છે. તેની પૂર્વે માંડવીમાં આંતરરાષ્ટ્રીય ક્રાંતિકાર પંડિત શ્યામજી કૃષ્ણવર્માના જર્જરિત જન્મ-નિવાસને સ્મારકમાં બદલવાની જહેમત હીરજીભાઇ કારાણી અને બીજા મિત્રો લઈ રહ્યા હતા તેના સંપર્કમાં હતો. તેનો લાભ એ થયો કે શ્યામજી અને તેમના દેશ-વિદેશના ક્રાંતિકાર્યોનો અભ્યાસ કર્યો, આઠેક પુસ્તકો પણ થયાં. આ મહાપુરુષની જાણે-અજાણે કચ્છમાં અને ગુજરાત સહિત દેશમાં ઉપેક્ષા લાંબા સમય સુધી રહી, પણ તેનો યથોચિત હિસાબ ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ આપીને એક ભવ્ય ક્રાંતિતીર્થ સ્મારક સ્થાપિત કર્યું. તેના નિર્માણ સુધીની પ્રક્રિયામાં સહભાગી થવાની તક મળી.
બીજો એક પ્રયાસ કચ્છ-બનાસકાંઠાની પાકિસ્તાનની સાથે જોડાયેલી સરહદોના ઘનિષ્ઠ અભ્યાસ-પ્રવાસનો રહ્યો. ખ્યાત સમાજ-ચિંતક વિમલાતાઈ ઠકારના માર્ગદર્શનમાં 1985માં વાસ્તવમાં સરહદી લોકો અને તેની જિંદગીને ઓળખવાના પ્રવાસો થયા. તે સમયે ઘુસણખોરીની સમસ્યા આસામથી ગુજરાત સુધી વ્યાપ્ત હતી, તેના પર પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઇ પટેલના અધ્યક્ષસ્થાને એક અભ્યાસ સમિતિ થઈ, તેના સંયોજકની જવાબદારી સ્વીકારી અને તે સમયે ‘સીમા પર સાવધાન’ પુસ્તિકા ગુજરાત બિરાદરીએ પ્રકાશિત કરી. ખ્યાત પત્રકાર-મિત્ર કિરીટ ભટ્ટે તેનો અંગ્રેજી અનુવાદ કર્યો. વિરોધ પક્ષના નેતા અટલ બિહારી વાજપેયીએ રાજસ્થાનમાં આવું કાર્ય થવું જોઈએ એવું સંમેલનમાં કહ્યું, અને કેન્દ્રીય સુરક્ષા મંત્રી અરુણ નેહરુ કચ્છના પ્રવાસે આ અંગે વિગતો મેળવવા આવ્યા હતા. તે પછી વિમલા તાઈ અને આચાર્ય રામમુર્તિ સાથે સીમા-સંમેલનો પણ થયા.
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે પાંચ વર્ષ દરમિયાન કચ્છમના સાહિત્ય અને ભાષાના સંવર્ધન પ્રયાસો માટે અંતરિયાળ મુલક સુધી જવાનું થયું ત્યારે અનુભવ્યું કે આ કચ્છી માડુનું શરીર પોતે જ પ્રાગ-ઐતિહાસિક યુગનો ડીએનએ જાળવીને બેઠું છે. ‘બારે માસ’ની જીવંતતા એમ થોડી આવે છે?

સરહદી યુદ્ધ, ગુજરાત બિરાદરી, અભિનવ ભારત, ક્રાંતિ સ્મારક, ભૂકંપ, સાહિત્ય અકાદમી... એમ અનેક રીતે કચ્છ-સંબંધ સદૈવ ગાઢ થતો રહ્યો. કેટકેટલા મિત્રો, સ્વજનો, પરિચિતો, અતિ-પરિચિતો... મળ્યા, કેટલાક ભીડમાં ખોવાઈ ગયા, કેટલાક મળે છે. બાબુભાઇ મેઘજી શાહ, અનંતભાઈ દવે, ઇન્દુભાઈ જાની, મહેશ્વરી, પ્રેમજીભાઇ કારાણી, હીરજીભાઇ અને ઉદયભાઈ તો જેલના સાથી. સુરેશ મહેતા, કીર્તિ ખત્રી, માનસિંહજીભાઈ બારડ, ગંગારામ ભાનુશાલી, મનોજ અને પ્રકાશ, મણિબહેન મંગે, નુતન વોરા, કાન્તિસેન (કાકા) શ્રોફ, દીપેશ શ્રોફ, પૂર્વી ગોસ્વામી, વી.આર.ટી.આઇ. ગોરધન કવિ, ધીરેન્દ્ર મહેતા, નીમાબહેન આચાર્ય... આ તો થોડાંક જ નામો. યાદી ઘણી મોટી થાય તેમ છે.

આના અનુસંધાને જ જાણે હમણાં ફરીવાર કચ્છના ઈતિહાસનો સ્પર્શ કરવાનું નિમિત્ત થયું. કચ્છ યુનિવર્સિટીને તો નામ પણ ઐતિહાસિક ક્રાંતિકાર પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું મળ્યું છે. એવું જ તેનું અસ્તિત્વ. અપૂરતા અધ્યાપકોની વચ્ચે તેના કુલપતિઓ રણમાં જહાજ ચલાવે છે. દરેક કુલપતિઓને કોઈને કોઈ પરિસંવાદમાં મળવાનું બને. જાન્યુઆરીના છેલ્લા દિવસે ઇતિહાસ વિભાગે એક આખો દિવસ પરિસંવાદ રાખ્યો હતો. કુલપતિ ડો. મોહનભાઇ પટેલે પહેલા આણંદ શિક્ષણ સંકુલને મજબૂત બનાવ્યું, તે પછી અહીં કુલપતિ તરીકે યુનિવર્સિટીને ખરા અર્થમાં વિદ્યાધામ બનાવવાની જહેમત લઈ રહ્યા છે. આ યુનિવર્સિટીને સદભાગ્યે ઉત્સાહી કુલપતિ મળતા રહ્યા છે. અધ્યાપકો પણ સક્રિય. આખા દિવસના પરિસંવાદમાં મેં જોયું કે ખુદ વિદ્યાર્થીઓએ જ રસોડાથી માંડીને પરિસંવાદ-વ્યવસ્થા જાતે સંભાળી હતી. ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડો. નંદલાલ છાંગાનું કુશળ આયોજન રહ્યું. કુલપતિ મોહનભાઇએ તો પરિસંવાદની સાથે કચ્છી વાનગીઓને જોડીને તેમના નિવાસસ્થાને મજાનું દેશી ભોજન કરાવ્યું. નહીં તો ખડીરના રોટલા ક્યાંથી મળે?

કચ્છના ઇતિહાસ અને વર્તમાનને જોડતા પરિસંવાદનું સૌથી ધ્યાન દોરે તેવું કામ સ્વયં વિદ્યાર્થીઓએ કચ્છમાં રખડીને કેટલાંક ગામડાંઓનો પરિચય મેળવવાનું કામ કર્યું, તેના પુસ્તકનું વિમોચન થયું. આવું કામ તો બધી વિદ્યાસંસ્થાઓએ કરવા જેવું છે. આપણી આસપાસ કેટલાં બધાં ગામડાઓ પોતાની જીવનશૈલી અને ઇતિહાસ સાંચવીને બેઠાં છે! દરેકનો ઇતિહાસ છે, ભૂગોળ છે, અસ્તિત્વનો વર્તમાન છે. તેની પીડા અને મહત્વાકાંક્ષા છે, તેનું દસ્તાવેજીકરણ એક મોટો પડકાર છે. કચ્છ યુનિવર્સિટીની આ પહેલ અભિનંદનને પાત્ર છે. જરા વધુ સજ્જતા સાથે આ કામ દરેક યુનિવર્સિટીએ કરવું જોઈએ.

ઉદ્ઘાટન વ્યાખ્યાનમાં કચ્છના કેટલાક ઐતિહાસિક પડાવ વિશે વાત કરવાની તક મળી. ઈતિહાસને સમજવો કે સમજાવવો ઘણો અઘરો છે, અને સહેલો પણ છે. તે ઇતિ-હાસ નથી, તેમાં ત્રણે સ્થિતિ આવી જાય છે, એટલે ભગિની નિવેદિતાને યાદ કરવા જેવા છે. અતીતની પગદંડી પરથી વર્તમાનની ભૂમિ પર અસ્તિત્વને જાળવીને ભવિષ્યના મહા-પથ પર વિસ્તરતી સંસ્કૃતિ તે આપણો ઈતિહાસ! આમ કહ્યું ત્યારે વિનાશમાંથી નિર્માણની આપણાં ડીએનએની વિશેષતા તેમની નજરમાં હશે. આજે જ નહિ, હજારો વર્ષથી આપણે ચાર ‘સ’ને પાર કરતાં આવ્યા છીએ. પહેલો ‘સ’ સંકલ્પનો, બીજો સમન્વય અને સંવાદનો, ત્રીજો સંઘર્ષનો ‘સ’ પાર કરીને ચોથા ‘સ’ - સિદ્ધિના શિખર સુધી પહોંચવાનું બને. આના ઉદાહરણો પણ અનેક છે.
લોથલ આંતરરાષ્ટ્રીય બંદરગાહ હતું, ચાર વાર તેના પર સમુદ્ર અને નદીની સુનામી આવે, અને ચારેવાર લોથલવાસીઓએ પોતાનું પ્રિય નગર ઊભું કર્યું, સોમનાથનો જીર્ણોદ્ધાર પણ કેટલી બધી વાર થયો? જ્યાંની આપણે વાત માંડીને બેઠા છીએ તે કચ્છનો ધરતીકંપ એવો વિનાશક હતો કે જાણે કચ્છનું અસ્તિત્વ જ નહિ રહે, પણ તેનું પુનર્નિર્માણ થયું, આજે કોઈને ખ્યાલ પણ ના આવે કે અહીં ભીષણ ધરતીકંપ થયો હશે.
કચ્છના ઈતિહાસની ત્રણ વિશેષતાઓ છે - તે જીઓ-પોલિટિકલ, જીઓ-જ્યોગ્રાફિકલ, અને જીઓ-કલ્ચરલ છે. આક્રમણો અંદરના અને બહારના, જ્વાળામુખી અને સમુદ્રની ઊથલપથલો, સભ્યતા અને સંસ્કૃતિઓનું નિર્માણ અને વિનાશ, ભૂકંપ અને દુષ્કાળ, હિજરત અને વસવાટ... આ નસીબ સાથે કચ્છ જીવે છે. 600 કરોડ વર્ષ પૂર્વે પૃથ્વીની ઉત્પત્તિ વિદ્વાનો માને છે. 350 કરોડ વર્ષ પહેલા જીવ-સૃષ્ટિએ આકાર લીધો, 18 કરોડ વર્ષ પહેલા ભૂસ્તરના પ્રચંડ ફેરફારો થયા. જ્યાં પાણી હતું ત્યાં મેદાનો, જ્વાળામુખીથી પહાડો, જમીન હતી ત્યાં સમુદ્ર...
20 લાખ વર્ષ પહેલા આ પરિવર્તનોએ નક્શો બદલવી નાંખ્યો. 20,000થી 5000 વર્ષ પૂર્વે મનુષ્યવિહાર અને તેના સંઘર્ષની કહાણી શરૂ થઈ. આમ તો એકાદ લાખ વર્ષ પૂર્વેથી આદિ માનવની ‘માનવ’ બનવાની યાત્રા શરૂ થઈ છે. મનુસ્મૃતિમાં એક મહત્વનું વાક્ય છે: ‘મનુર્ભવઃ’ અર્થાત્ મનુષ્ય બનો... આજે પણ તેવી સંપૂર્ણતા આવી નથી.
અધમ કક્ષાના વ્યવહારો અને યુદ્ધો, સતાલાલસાઓ, દ્વેષ અને પ્રપંચો વિના જીવવાનું ક્યારેય બનશે? આ સવાલ કચ્છમાં ખડીરના રસ્તે બેબીલોન જવા નીકળેલા જગતસમ્રાટનો અહંકાર ધરાવતા સમ્રાટ સિકંદરને આ કચ્છની ભૂમિ પર એક અવધૂત સાધુએ જીવનની ફિલસૂફી સમજાવી હતી. કચ્છના સાગરકાંઠા અને દૂર દેશાવરની મુસાફરી તેમજ સર્વત્ર અનુકૂલન સાથેની સ્થાયી થવાની સફળતા એક અલગ વિશેષતા છે. તેને લીધે માત્ર વિદેશ-વાસ નહિ, માણસમાં રહેલી શક્તિ અને સજ્જતાનું નિર્માણ થયું છે, તેનું સંશોધન સામાજિક અને ઈતિહાસનું નવું દર્શન કરવી શકે. એટલે વર્તમાન સંશોધકોને માટે આ પડાવનો પડકાર ઊભો છે.

બીજી વાત હડપ્પા એ આર્યોના આક્રમણ સાથે જોડાયેલી સંસ્કૃતિ નથી. આર્યો બહારથી આવીને આક્રમણ કર્યાની કથાઓ પશ્ચિમી વિદ્વાનો - જેમાં મેક્સમૂલરનો પણ સમાવેશ થાય છે - એ પોતાની સભ્યસમાજની સર્વોપરિતા સ્થાપવા માટે ઉપજાવી કાઢવામાં આવેલી હતી. મૂળમાં આ વૈદિક સંસ્કૃતિ છે. ધોળાવીરા અને બીજા સ્થાનોની તપાસ આ દૃષ્ટિથી થવી જોઈએ.
છેલ્લો મુદ્દો વર્તમાનનો - કે કચ્છની સરહદો કૃત્રિમ છે, વિભાજનના કારણે બનેલી છે. પાકિસ્તાનનું સિંધ અને ભારતનું કચ્છ અલગ નથી. જિયે સિંધની ચળવળ આવનારા દિવસોમાં બૃહદ્દ કચ્છ કે બૃહદ્દ સિંધની નિયતિ સર્જી શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter