દોહાઃ આધુનિક કળાના ઇતિહાસમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એકઅને ભારતના ‘પિકાસો’ તરીકે ઓળખાવાયેલા મકબૂલ ફિદા (એમ.એફ.) હુસૈન (1915–2011)ના જીવન અને કાર્યને સમર્પિત વિશ્વનું પ્રથમ અને સૌથી મોટું મ્યુઝિયમ ‘લોહ વા કલમ’ (કેન્વાસ અને કલમ) 28 નવેમ્બર 2025ના રોજ કતાર ફાઉન્ડેશનના એજ્યુકેશન સિટી દોહામાં જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું હતું. 3,000 ચોરસ મીટરથી વધુ વિસ્તામાં ફેલાયેલા ‘લોહ વા કલમ’ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કતાર ફાઉન્ડેશનના અધ્યક્ષ અને લાંબા સમયથી હુસૈનના પેટ્રન શેખા મોઝા બિંત નાસેર દ્વારા કરવામાં આવ્યું હતું. હુસૈનના પોતાના 2008ના સ્કેચ પર આધારિત મ્યુઝિયમની ડિઝાઇનને આર્કિટેક્ટ માર્તંડ ખોસલાએ આકાર આપ્યો છે. એમ.એફ. હુસૈનની 1954ની અનટાઇટલ્ડ (ગ્રામ યાત્રા) કૃતિ 2025માં ક્રિસ્ટીઝમાં 13.8 મિલિયન યુએસ ડોલરમાં વેચાઈ હતી, જે ભારતીય પેઈન્ટર્સ માટે નવો ઓક્શન રેકોર્ડ છે.
હુસૈનને સમર્પિત મ્યુઝિયમ દોહામાં કેમ તેવો પ્રશ્ન સ્વાભાવિક છે. હિન્દુ દેવીઓનું નગ્નાવસ્થામાં ચિત્રણ કરનારા મુસ્લિમ હુસૈન હિન્દુ રાષ્ટ્રવાદીઓના વિરોધનો શિકાર બન્યા હતા. અસહ્ય વિરોધ, મૃત્યુની ધમકીઓ, કલાકૃતિઓનું નુકસાન, ઘર પર હુમલો અને અંદાજે 900 કાનૂની કેસથી ત્રાસીને તેઓ 2006માં ભારત છોડીને દુબઈ, દોહા અને લંડનમાં સ્વૈચ્છિક દેશનિકાલમાં રહ્યા હતા. તેમણે 2010માં કતારની નાગરિકતા સ્વીકારી અને 2011માં 95 વર્ષની ઉંમરે લંડનમાં અવસાન પામ્યા હતા.
બોલિવૂડ પોસ્ટર્સથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ સુધીની સફર ખેડનારા મકબૂલ ફિદા હૂસૈન આઇકોનિક ઘોડા, ભારતીય જીવનના દૃશ્યો અને પુરાણકથાના બોલ્ડ અર્થઘટન સાથે ભારતના પ્રથમ ‘સેલિબ્રિટી કલાકાર’ હતા, જેમણે આશરે 40,000 કૃતિઓ બનાવી હતી. તેમણે કતારમાં ઘોડાને બદલે ઊંટ અને આરબ સભ્યતા પર આધારિત કમિશન્ડ શ્રેણી બનાવી હતી. મ્યુઝિયમમાં 150થી વધુ પ્રદર્શિત કૃતિઓમાં ચિત્રો, ફિલ્મો, શિલ્પો અને તેમની અંતિમ ઇન્સ્ટોલેશન સીરૂ ફી અલ અર્ધનો સમાવેશ થાય છે. શેખા મોઝાએ હુસૈનને ભારતીય અને અરબ ઓળખ વચ્ચેના પુલ તરીકે વર્ણવ્યાં હતાં. હુસૈને એક વખત કહ્યું હતું કે તેઓ ‘ક્યારેય ક્યાંય કે કોઈના ન હતા’. જોકે, તેઓ બધાના છે. દોહામાં તેમની કળાને કાયમી, આવકારદાયક ઘર મળ્યું છે.


