કસુંબીનો રંગ

આપણી કવિતાનો અમર વારસો

Wednesday 17th April 2024 15:47 EDT
 
 

‘રાષ્ટ્રીય શાયર’ના બિરુદથી સન્માનિત ઝવેરચંદ મેઘાણીની સુપ્રસિદ્ધ રચના ‘કસુંબીનો રંગ’ સાથે આ સપ્તાહથી ‘આપણી કવિતાનો અમર વારસો’ વિભાગ શરૂ કરી રહ્યા છે. આ વિભાગમાં દર સપ્તાહે અમે આપની સમક્ષ ગુણવંતી ગુજરાતી સાહિત્યની અમર રચનાઓ રજૂ કરીશું. આ નવા વિભાગ અંગે આપના સૂચનો જણાવવા આપને આમંત્રણ છે. - તંત્રી

•••

કસુંબીનો રંગ

લાગ્યો કસુંબીનો રંગ !
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ. - રાજ...

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ. - રાજ...

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ. - રાજ...

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ - રાજ...
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ
ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે
પાયો કસુંબીનો રંગ. - રાજ...

પિડિતની આંસુડાધારે - હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ. - રાજ...

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે
છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે
મલકાયો કસુંબીનો રંગ. - રાજ...

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો !
પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા હો!
લેજો કસુંબીનો રંગ! - રાજ...

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ.

---


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter