પ્રિય વાચકમિત્રો,
ગત સપ્તાહ તો ભારે વ્યસ્ત રહ્યું અને તેમાંથી હજુ બહાર આવું ત્યાં તો આ બીજું વ્યસ્ત સપ્તાહ શરૂ થઈ ગયું. પશ્ચિમી દેશોમાં વારેવારે બદલાતા હવામાનના રંગઢંગ વિશે જે વાતો છે તેનો થોડોઘણો પરચો મને પણ મળી ગયો. મારે એ સ્વીકારવું જ રહ્યું કે ટોરોન્ટોના વરસાદમાં ફસાઈ જવું તે કોઈ મનોરંજક વાત તો નથી જ. આ તો ઠંડીની ધ્રૂજારીઓ ઉપરાંત, એક સાથે હજારો સોય ખોસાતી હોય તેવો અનુભવ રહ્યો. મને જાણતા તમારામાંથી ઘણાએ હું શા માટે માઈગ્રેટ કરું છું તેવો પ્રશ્ન પણ કર્યો હતો. પ્રામાણિકપણે, આ સૌથી વધુ ગણતરી સાથેનો અને તાર્કિક નિર્ણય હતો. નવા દેશમાં વસવાટ, નોકરીની સ્થિતિ, જીવનધોરણનો ખર્ચ, સામાજિક સ્વીકૃતિ, આર્થિક-નાણાકીય ભવિષ્ય અને અન્ય ઘણી બાબતોની શક્યતાઓ વિશે મેં ગંભીરપણે વિચાર્યું હતું.
હું કોઈ અન્ય દેશમાં રહેવાં જવાં ઈચ્છીશ કે કેમ તેવા પ્રશ્ન સામે મારો પ્રથમ પ્રતિભાવ તો સ્પષ્ટ ‘ના’ જ હતો. એક સુરક્ષિત અને સારું વળતર આપતી નોકરી છોડી જ્યાં કદાચ કોઈ તમારો ભાવ પણ ન પૂછે તેવા અન્ય દેશમાં નવેસરથી શરૂઆત કરવી પડે ત્યાં શા માટે જવું? જોકે, વિકલ્પને વિચારવાનું દબાણ વધતું ગયું તેમ મેં સંખ્યાબંધ એજન્ટો સાથે વાતચીત પણ કરી. કેનેડા એક સામૂહિક આશ્રયસ્થાન છે. ભૌગોલિક દૃષ્ટિએ મહાકાય આ દેશ સૌથી વધુ તો ઈમિગ્રન્ટ્સ અથવા વસાહતીઓની ભૂમિ તરીકે જાણીતો છે અને સૌથી વધુ મહત્ત્વની બાબત તો એ જ છે કે તે વસાહતીઓને ખુલ્લા હાથે આવકારે છે.
હું તકની સંભાવનાઓ વિશે જેમ વધુ વિચારતી ગઈ ત્યારે મમને ખબર પડી કે મારાં પોતાના સામાજિક વર્તુળમાંથી ઘણાં લોકો કૂદકો મારવાની તૈયારી કરી રહ્યાં હતાં. અન્ય દેશોની સરખામણીએ કેનેડા માટે પ્રોસેસ ઘણી સરળ છે. પ્રાથમિક વાત કરીએ તો, અહીં વર્ક પરમિટ્સ અને સ્ટુડન્ટ્સ પ્રોગ્રામ્સની સાથોસાથ તમામ કેટેગરીઓ માટે ઈમિગ્રેશન અને વિઝા પ્રોગ્રામ્સની વ્યાપક રેન્જ ઓફર કરાય છે. સમગ્ર વિશ્વમાં આરોગ્ય અને શિક્ષણના માપદંડ સૌથી ઊંચા છે અને એટલું જ નહિ, વિશ્વભરમાં સૌથી સારી ગણાતી સામાજિક કલ્યાણ યોજનાઓ પણ પૂરી પાડવામાં આવે છે.
જરા પણ ચોંકવાની જરૂર નથી. આ કોલમ જસ્ટિન ટ્રુડો દ્વારા સ્પોન્સર કરાયેલી ‘વેલકમ ટુ કેનેડા’ પ્રકારના વિજ્ઞાપનનો હિસ્સો નથી. આ તો ગ્રેટ નોર્થ પ્રત્યે આદર દર્શાવતો લેખ છે. જ્યાં નોકરીની વાત આવે છે, ત્યાં ક્વોલિફાઈડ અને કુશળ માઈગ્રન્ટ્સ માટે તકની કોઈ સીમા નથી. અહીં હજારો લોકો દૈનિક ધોરણે આવતાં જ જાય છે, તેના પરિણામે તમામ સેક્ટર્સમાં નોકરીઓનાં નિયમિત પુરવઠાનો માર્ગ મોકળો બન્યો છે. એમ કહેવાય છે કે ૧૦ ટકાથી પણ ઓછાં રોજગાર દર સાથે કેનેડામાં દર મહિને ૫૮,૯૦૦ નોકરીનું સર્જન થાય છે. મેં જે અન્ય વિચાર કર્યો તેની હકીકત એ છે કે કેનેડાનો પાસપોર્ટધારક વિશ્વમાં લગભગ તમામ દેશોમાં વિઝામુક્ત પ્રવાસની સુવિધા મેળવી શકે છે. કેનેડાના સુંદર સૂમેળપૂર્ણ શાંતિમય સમાજનો ઉલ્લેખ તો કરવો જ રહ્યો. દેશમાં દર વર્ષે આશરે ૩૦૦,૦૦૦ નવાંગતુકો વિશેનો પણ વિચાર કરીએ તો, કેનેડામાં અનેક વિવિધ ધર્મો અને સાંસ્કૃતિક પશ્ચાદ્ભૂ ધરાવતા ઈમિગ્રન્ટ્સની વિશાળ વસ્તી છે. એમ કહેવાય છે કે દર પાંચ કેનેડિયન્સમાંથી એક કેનેડાવાસીનો જન્મ દેશની બહાર થયેલો છે અને તેમણે અહીં વસવાટ કરવાનો નિર્ણય કર્યો છે. દરેક જગ્યાએ હાજરી વર્તાય છે તેવી ૬૧.૩ ટકા લઘુમતી વસ્તીમાં ત્રણ સૌથી મોટાં લઘુમતી જૂથોમાં સાઉથ એશિયનો, ચાઈનીઝ અને અશ્વેતોનો સમાવેશ થાય છે.
કુલ વસ્તીમાં હિન્દુઓનું પ્રતિનિધિત્વ ૧.૫ ટકા, શીખો ૧.૪ ટકા, બૌદ્ધ ૧.૧ ટકા છે. કેનેડામાં રહેતા વિવિધ ધાર્મિક પશ્ચાદ્ભૂ ધરાવતા ગુજરાતીઓની સંખ્યા ૧૨૨,૪૬૦ની છે. નોર્થ અમેરિકામાં ગુજરાતી કોમ્યુનિટીના વતન તરીકે પ્રથમ ન્યૂ યોર્ક પછી ટોરોન્ટોનો જ ક્રમ આવે છે. સ્વાભાવિક રીતે જ આ ખંડમાં નવરાત્રિના રાસ-ગરબાના ઉત્સવની સૌથી મોટી ઊજવણીમાં પણ ટોરોન્ટો જ પ્રથમ ક્રમે છે.
અહીં વાસ્તવમાં તો મારી એ જ બાબત પૂરવાર કરવાની કોશિશ રહી છે કે એક અથવા અન્ય વધુ પ્રકારે પણ કેનેડા નવા ‘અમેરિકન ડ્રીમ’ને સાકાર કરવાનું સ્થળ છે.