રાજકીય ક્ષેત્રે પક્ષોનું હોવું નવાઈની વાત નથી, લોકતંત્રમાં તો તેનું કોઈ આયોજન જ નથી હોતું. દરેક પક્ષ તેના ‘જનતા જનાર્દન’ના સમર્થન પર ભારે ભરોસો રાખીને પક્ષની રચના કરે છે. હોદ્દેદારોની પસંદગી કરે છે. પ્રમુખ - ઉપપ્રમુખ - કારોબારી - સામાન્ય સભ્યો - જુદા જુદા મોરચાની નિયુક્તિ, બંધારણ, કાર્યાલય... આ બધું હોય જ. પછી બે વાત પર નજર કરવામાં આવે. એક, ફંડફાળો ક્યાંથી મેળવવો, અને બીજું, ચૂંટણીમાં ઝુકાવવું! કેટલાક નવોદિત પક્ષો તો જાહેરાત પણ આપે કે કોઈને આ પક્ષના ઉમેદવાર બનવું હોય તો અરજી કરે. આજકાલ તો એવોર્ડ્સથી માંડીને માન-સન્માન સુધીમાં આવો વ્યવહાર ચાલે છે. માત્ર દેશમાં નહિ, વિદેશમાથી પીએચ. ડી સુધીની ડિગ્રી મળી રહે.
પરંતુ એકવાર પક્ષ ઊભો થાય પછી તેનું અસ્તિત્વ, તેની વિચારધારા, સંગઠન, સજ્જતા અને પરિસ્થિતિની આવશ્યક્તા રહે. ગુજરાતનું ઉદાહરણ લઈએ તો 1956માં મહાગુજરાત જેવી પ્રચંડ ચળવળ થઈ, ઇન્દુલાલ યાજ્ઞિક જેવા ધરખમ ધુરંધર નેતા મળ્યા, યુવાનો તેમની સાથે રહ્યા, ગોળીબાર સુધીની લોહિયાળ ઘટનાઓ બની, ગુજરાત રાજ્યની રચના પણ થઈ. ખરેખર તો એ આંદોલન એવું હતું કે તેની મહાગુજરાત જનતા પરિષદના ઉમેદવારો ભવ્ય જીત મેળવીને સરકાર રચી શકે તેમ હતા, પણ એવું બન્યું નહિ. મુખ્ય કારણ તો એ હતું કે આંદોલન માટેનો એ મોરચો માત્ર હતો, જેને જુદા-જુદા રાજકીય પક્ષોએ રચ્યો હતો. પછીથી તેને રાજકીય પક્ષ બનાવવામાં કોઈ સફળ થયું નહીં. ઇન્દુલાલે તો નુતન મહાગુજરાત જનતા પરિષદ પણ સ્થાપી હતી, તેનું પાટિયું ક્યાંક ઓફિસમાં આજેય સચવાયું હશે.
માધવસિંહ સોલંકીના ‘ખામ’ સમયે કોંગ્રેસમાંથી છૂટા પડીને રતુભાઈ અદાણીએ અને સાથીદારોએ એક પક્ષ સ્થાપ્યો હતો, તેનું નામ મોટેભાગે રાષ્ટ્રીય કોંગ્રેસ હતું. આજે તે ક્યાંય અસ્તિત્વમાં છે? જવાહરલાલ નેહરુએ જેમને પુરુષોત્તમદાસ ટંડનને બદલે રાષ્ટ્રીય પ્રમુખ બનાવ્યા હતા તે આચાર્ય કૃપલાણીએ એક પક્ષ કૃષક મઝદૂર પ્રજા પક્ષ સ્થાપ્યો હતો. ગુજરાતમાં તેનું સંચાલન ઇંદુલાલ યાજ્ઞિક કરતા હતા. 1951માં અમદાવાદમાં મળેલી પરિષદમાં એક લોક પક્ષ ઊભો થયો હતો, તેના પ્રમુખ ભાઇલાલભાઈ પટેલ હતા. ભાઈકાકા સ્વતંત્ર પક્ષમાં સામેલ થયા એટલે પેલો પક્ષ ના રહ્યો, ના લોક. 1952 દરમિયાન આચાર્ય કરપાત્રીની રામરાજય પરિષદ અને શ્યામાપ્રસાદ મુખર્જીના નેતૃત્વમાં પ્રભાવી હિન્દુ મહાસભા હતી. એમ તો હજુ પણ ક્યાંક દેખાતો ફોરવર્ડ બ્લોક પણ હતો, તેની સ્થાપના તો 1937માં સુભાષચંદ્ર બોઝે કરેલી. પણ, તેમનું વિદેશે જઈને આઝાદ હિન્દ સરકાર અને ફોજની સ્થાપના કર્યા બાદ ફોરવર્ડ બ્લોકનો કોઈ પ્રભાવ ભારતમાં રહ્યો નહીં.
દરેક પક્ષને સૌથી વધુ અવરોધક હોય છે, અલગ પડવાની માનસિકતા. એવું નથી કે તેમાં માત્ર સત્તાના મતભેદો જ હોય. કોંગ્રેસનાં વિભાજનના તો સંખ્યાબંધ ઉદાહરણ છે. કોંગ્રેસમાં જ સમજવાસી જુથ ઊભું કરવામાં આવ્યું તે અલગ સમાજવાદી પક્ષ બનવા તરફ જલ્દીથી ગયા, આજે પણ ચર્ચા ચાલે છે કે જયપ્રકાશ નારાયણે તેવું ના કર્યું હોત તો નેહરુ પછીના વડાપ્રધાન હોત.
તે પછી વારંવાર કોંગ્રેસમાં ભાગલા પડ્યા, વિખરાયા. ફરી સાથે થયા કે ના થયા તેવી કેટલી કોંગ્રેસ થઈ તેની યાદી જાણવા જેવી છે. તેની યાદી ચૂટણી પંચના ચોપડે હશે. તેમાંથી થોડાંક નામો લઈએ:
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ (તિવારી), વિપ્લવી બાંગલા કોંગ્રેસ, બાંગ્લા કોંગ્રેસ, ભારતીય લોક કોંગ્રેસ, ભારત મક્કલ કોંગ્રેસ, ડેક્કન કોંગ્રેસ, ગાંધી-કામરાજ કોંગ્રેસ, ઈન્ડિયા કોંગ્રેસ (જે), ઇંડિયન કોંગ્રેસ (જે) ભાલલા ગ્રૂપ, ઇંડિયન કોંગ્રેસ સોશિયાલિસ્ટ, ઓલ ઈન્ડિયા ગરીબ કોંગ્રેસ, ઇંડિયન નેશનલ કોંગ્રેસ, ઇંડિયન નેશનલ કોંગ્રેસ (આઈ), ઇંડિયન નેશનલ કોંગ્રેસ (ઉર્સ), જન કોંગ્રેસ, કેરલ કોંગ્રેસ, કેરલ કોંગ્રેસ-જે, કેરલ કોંગ્રેસ-એમ, કેરલ કોંગ્રેસ-પિલ્લાઈ જુથ, કામરાજ દેશીય કોંગ્રેસ, તેલંગાણા કોંગ્રેસ, તામિલનાડુ કોંગ્રેસ-કે , ઉત્કલ કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ, વિપ્લવી બંગલા કોંગ્રેસ, ત્રાવણકોર - તામિલનાડુ કોંગ્રેસ...
આ લાંબી યાદીમાં હજુ બીજાં નામો પણ ઉમેરી શકાય. એવું તો ના કહી શકાય કે તેઓ કોંગ્રેસી નથી. દરેક અલગ પડેલું જૂથ પોતાને જ અસલી કોંગ્રેસ ગણાવતું હોય છે. ચૂંટણી માત્ર તેનો માપદંડ બની જાય ત્યારે જ તેના અસ્તિત્વની સામે ખતરો પેદા થાય છે. ગાંધીજીએ 1947માં જ કહ્યું હતું કે આઝાદી પ્રાપ્ત કરવાનું લક્ષ્ય પૂરું થયું એટ્લે કોંગ્રેસે પોતાનું વિસર્જન કરીને લોકસેવક સંઘમાં પરિવર્તિત થઈ જવું હોય. જ્યાં નજર સામે સ્વાભાવિક રીતે સત્તા મળવાની પરિસ્થિતી હોય ત્યાં ગાંધીની વાત માને કોણ? તે સમયના રાજકીય ઈતિહાસકારો કહે છે કે કોંગ્રેસે જાતે જ ગાંધીજીને પોતાનાથી વિખૂટા પાડી દીધા હતા.
એકમાંથી બે, અને બેમાંથી ત્રણ... એ રાજકીય પક્ષોની વિશેષતા છે કે નબળાઈ તેનો હજુ કોઈએ ગંભીર વિચાર કર્યો જ નથી. ભારતની પહેલી સામ્યવાદી પાર્ટી તો સ્થપાઈ હતી રશિયાના તાશ્કંદમાં, એમ.એન. રોય દ્વારા. પછી તેમનું ભ્રમ-નિરસન થયું એટલે રેડિકલ હયુમેનિઝ્મની સ્થાપના કરી. તે પછી ભારતમાં કમ્યુનિસ્ટ નામાવલી કૈંક આવી છે:
ભારતીય વિપ્લવી કોમ્યુનિસ્ટ પાર્ટી, ભારતીય ક્રાંતિકારી કિસાન સંઘ, બોલશેવિક પાર્ટી ઓફ ઈન્ડિયા, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ = લેનિનિસ્ટ), કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસિસ્ટ), ઇંડિયન પીપલ્સ ફ્રન્ટ, લાલ કમ્યુનિસ્ટ પાર્ટી, હિન્દ યુનિયન, માર્કસિસ્ટ ફોરવર્ડ બ્લોક, માર્કસિસ્ટ - શ્રીવાસ્તવ ગ્રૂપ, પીપલ્સ ફ્રન્ટ, રિવોલ્યુશનરી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા, રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) સમાજવાદ સથે જોડાયેલા પક્ષોની સંખ્યા 15 છે. જનતા પક્ષ તૂટી ગયાં પછી 15 જનતા પક્ષો અસ્તિત્વમાં છે. આંબેડકરે તો વિચાર્યું પણ નહિ હોય કે રિપબ્લિકનનું વિભાજન થશે. થયું. 8 રિપબ્લિકન પાર્ટી ચોપડા પર છે. સુભાષબાબુના ફોરવર્ડ બ્લોકની સંખ્યા ચાર છે. આઠ અકાલી દળ.
મુસ્લિમ પક્ષો દસેક મળી રહેશે. હાજી મસ્તાન નામે પૂર્વ દાણચોરનો એક પક્ષ હતો, દલિત-મુસ્લિમ મહાસંઘ. 38 જેટલા પક્ષો પોતાને દલિત- મઝદૂર-કૃષક ઓળખાવે છે. ગુરખા, ઝારખંડ, બિહાર, ગુજરાત, બંગાલી, હિલ પીપલ્સ, હરિયાણા, હૈદરાબાદ, કાશ્મીર, કર્ણાટક, કેરલ, હિમાચલ, ખાસી જયંતીયા, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, મેઘાલય, કુકી, મહારાષ્ટ્ર, ગોવા, ઉત્તર પ્રદેશ, આસામ, ઓરિસા, પંજાબ, સિક્કિમ, ત્રિપુરા, ઉત્કલ વગેરે પ્રદેશોના નામે પણ પક્ષો છે.
દૂરદર્શી પાર્ટી એક બાબાએ ઊભી કરી હતી. એક પક્ષ છે જસ્ટિસ પાર્ટી. મહાભારતથી ઉતરી આવેલો પક્ષ પાંડવ દળ પણ છે. શિવસેના એક નહીં ચાર છે. એક પક્ષનું નામ છે સાયંટિફિક વૈદિક રિવોલ્યુનેશનરી પાર્ટી. અભય ભારત પક્ષ ઊભો થયો હતો. એવી ગણતરી છે કે 3700 જેટલા રાજકીય પક્ષો છે. ચૂંટણી પાંચ તેમને પ્રાપ્ત મતો અને વ્યવસ્થા પર માન્યતા નક્કી કરે છે. પરંતુ માન્યતા પ્રાપ્તિ વિનાના પક્ષો પણ છે. ભારતીય જનસંઘની સંખ્યા બે હતી.
કોંગ્રેસને 140 મું વર્ષ કઈ કોંગ્રેસનું લાગ્યું હશે? બીજી કોંગ્રેસો - પણ 140 વર્ષ પહેલાની - ગોકુલદાસ તેજપાલ સંસ્થાના મેદાનમાં મળેલી, એલેન ઓક્તેવિયન હયુમના , લોર્ડ ડફરીનની સલાહ મુજબની, કોંગ્રેસ સ્થપાઈ અને લોંગ લીવ વિકટોરિયા સોંગથી શરૂઆત થઈ હતી, તેના વારસદાર પણ હોય ખરા?


