કોંગ્રેસી પ્રીમિયર ડો. ખરેએ દુશ્મન છાવણીને વહાલી કરી

ઇતિહાસની નીરક્ષીર

ડો. હરિ દેસાઈ Tuesday 03rd October 2017 08:13 EDT
 
 

રાજકીય સત્તાપિપાસા વ્યક્તિને કેટલી હદે લઈ જાય છે એનાં આધુનિક ભારતનાં ઉદાહરણો જોયા પછી ક્યારેક ભૂતકાળમાં ડોકિયું કરીએ તો એનાથી પણ વરવાં દૃશ્યો જોવા મળે છે. બ્રિટિશ ઇંડિયાના મધ્ય પ્રાંત અને બરારના ૧૯૩૭-૩૮માં કોંગ્રેસી પ્રીમિયર ડો. નારાયણ ભાસ્કર ખરેએ પોતાનાં કરતૂતોના પરિણામે હોદ્દો છોડવો પડ્યો ત્યારે એ વેળાના સૌથી પ્રભાવી કોંગ્રેસી નેતા અને સંસદીય બોર્ડના અધ્યક્ષ સરદાર પટેલ જ નહીં, મહાત્મા ગાંધી અને કોંગ્રેસ પર પણ કાદવઊછાળ કહીને નાગપુરના આ તબીબ-રાજનેતા કોંગ્રેસની દુશ્મન છાવણીમાં જઈને બેઠા એટલું જ નહીં, અલગ મુસ્લિમ રાષ્ટ્ર પાકિસ્તાનની માગણી કરી રહેલા મુસ્લિમ લીગના સુપ્રીમો મોહમ્મદ અલી ઝીણા સાથે મળીને ફરી પ્રીમિયરપદ મેળવવા રીતસર કાકલૂદી કરનાર હિંદુ મહાસભાના એ નેતા હતા! 

એવું નહોતું કે સ્વાતંત્ર્યવીર સાવરકરની હિંદુ મહાસભા અને ઝીણાની મુસ્લિમ લીગની સંયુક્ત સરકારો એ વેળા અશક્ય હતી. ત્રણ-ત્રણ પ્રાંતમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ અને અખંડ ભારતનો રાગ આલાપતી હિંદુ મહાસભાની સંયુક્ત સરકારો બ્રિટિશ હાકેમોની મીઠી નજર તળે રાજ કરતી હતી. પરંતુ ડો. ખરે તો કોંગ્રેસ સાથે ગદ્દારી કરીને, કોંગ્રેસની નેતાગીરીને ભાંડીને, જાહેરમાં પોતાનાં કરતૂતો બદલ માફી માગતાં નિવેદન કર્યા પછી પણ, માતૃસંસ્થા કોંગ્રેસને તોડીને સરદાર પટેલ જેવા મહારથીને બતાવી દેવાની વેતરણમાં હતા.

હિંદુ મહાસભાની નેતાની કાકલૂદી

પાકિસ્તાન સરકારે ૨૦૦૯માં પ્રકાશિત કરેલા ‘ઝીણા પેપર્સ (૧ ઓગસ્ટ ૧૯૪૧ – ૩૧ માર્ચ ૧૯૪૨)’ એ ૧૭માં ગ્રંથમાં ડો. ખરેએ વારંવાર ઝીણાને પત્રો લખીને મુસ્લિમ લીગનો ટેકો મેળવવા માટે યાચના કરી હતી. સામે પક્ષે ઝીણાએ ડો. ખરેને રીતસર હડધૂત કરતા પત્રો લખ્યા છતાં બંને વચ્ચે ૧૨ ઓગસ્ટ ૧૯૪૧થી ૭ ફેબ્રુઆરી ૧૯૪૨ દરમિયાન નવ-નવ પત્રોનું આદાનપ્રદાન થયું હતું. વારંવાર મુસ્લિમ લીગના ટેકાની યાચના કરતા રહેલા આ હિંદુ મહાસભાના નેતાએ તો ૬ ફેબ્રુઆરી ’૪૨ના પત્રમાં ઝીણાને ખાતરી આપી હતી કે મારી પાસે બહુમતી થાય નહીં ત્યાં લગી હું સરકાર રચવા તત્પર નથી. વળી હું મારું આખું આયખું મુસ્લિમો ભણી યોગ્ય સકારાત્મક લાગણી ધરાવતો રહ્યો હોવાથી મારા કોંગ્રેસી મિત્રોએ હંમેશાં મને વખોડવાનું કામ કર્યું છે!
છેક ૧૯૧૬થી ૧૯૩૮ લગી કોંગ્રેસ સાથે રહેલા ડો. ખરે બ્રિટિશ ગવર્નર સાથે મીઠા સંબંધ રાખીને સરકારમાંના પોતાના સાથી કોંગ્રેસી પ્રધાનો રવિશંકર શુક્લ અને દ્વારકાપ્રસાદ મિશ્ર સામે દુશ્મની એટલી હદે નિભાવતા રહ્યા કે રાતે બે વાગ્યે આ પ્રધાનોને ગવર્નરે રાજીનામાં આપવા ફરમાવ્યું, એમણે સમય માંગ્યો એ નકારાયો અને સવારના પાંચ વાગ્યે ડો. ખરેના પ્રધાનોને બરખાસ્ત કરી દેવાયા. ગવર્નર ફ્રાન્સિસ વાઈલીએ ડો. ખરેના નેતૃત્વમાં નવી સરકાર રચી પણ દીધી. થોડા દિવસમાં જ એનું પતન થયું. વર્ધા ખાતે કોંગ્રેસ પ્રમુખ સુભાષચંદ્ર બોઝની અધ્યક્ષતામાં મળેલી કોંગ્રેસી કારોબારીએ ડો. ખરેને પાણીચું આપવાનું ઠરાવ્યું ત્યારે એમણે સરદાર પટેલ પર દ્વેષભાવના આક્ષેપો કરવાનું શરૂ કર્યું. આ વેળા નેતાજી બોઝ સરદાર પટેલના પડખે અડીખમ રહ્યા હતા. અને ડો. ખરે સાથે કોઈ ભેદભાવયુક્ત વર્તન નહીં થયાનું એમણે જાહેર કર્યું હતું.

હિંદુ મહાસભા અને વાઈસરોયની સેવામાં

ડો. ખરેને સરદાર પટેલે જ મધ્ય પ્રાંતના પ્રીમિયર (મુખ્ય મંત્રી) બનાવ્યા હતા. એ વેળા મધ્ય પ્રાંતની રાજધાની નાગપુર હતી. હિંદીભાષી કોંગ્રેસી નેતાઓ શુક્લ અને મિશ્ર વચ્ચેના બહુચર્ચિત વિવાદને પગલે મરાઠીભાષી ડો. ખરેને પ્રીમિયર થવાની તક મળી પણ એમણે કાવાદાવા ચાલુ રાખ્યા એટલે ૧૪ જુલાઈ ૧૯૩૭થી ૨૯ જુલાઈ ૧૯૨૮ લગી જ એ પ્રીમિયર રહી શક્યા. એમના અનુગામી તરીકે રવિશંકર શુકલ વરાયા. જોકે કોંગ્રેસી પ્રીમિયરનો હોદ્દો ગુમાવ્યા પછી હિંદુ મહાસભામાં જોડાઈને ઝીણાની મદદથી ફરી પ્રીમિયર થવાની એમની કોશિશો નિષ્ફળ રહ્યા પછી ૭ મે ૧૯૪૩થી ૩ જુલાઈ ૧૯૪૬ દરમિયાન એ વાઈસરોયની કારોબારીમાં કોમનવેલ્થ રિલેશન્સના સભ્ય (પ્રધાન) રહ્યા. એ પછી ૧૯ એપ્રિલ ૧૯૪૭થી ૭ ફેબ્રુઆરી ૧૯૪૮ દરમિયાન અલવર સ્ટેટના દીવાન હોવાને કારણે જુલાઈ ૧૯૪૭માં બંધારણ સભામાં પણ ચૂંટાયા હતા.

ગાંધી હત્યા પ્રકરણમાં અલવર

અલવરમાં તેઓ મુસ્લિમો પરના અત્યાચારો માટે અલવરના મહારાજા સર તેજસિંહ અને દીવાન ડો. એન. બી. ખરે વિરુદ્ધ ભારત સરકારને ઘણી ફરિયાદો મળી હતી. રિયાસતી ખાતાના સચિવ વી. પી. મેનન રજવાડાની જાણ બહાર જાત તપાસ માટે અલવરની મુલાકાતે પણ ગયા હતા. તેમને કટ્ટર હિંદુવાદી નેતા ડો. ખરેને દીવાનપદેથી ખસેડવાની જરૂર જણાઈ આવી હતી અને એ વિશે તેમણે રિયાસત ખાતાના પ્રધાન સરદાર પટેલને જાણ પણ કરી હતી. સરદારે હિંદુ મહાસભા સાથે સંકળાયેલા અલવરના મહારાજા સર તેજસિંહ અને દીવાન ડો. ખરે બેઉને તાકીદ કરી હતી કે કોઈ પણ ભોગે રાજ્યમાં કોમી એખલાસની સ્થિતિ જાળવવામાં આવે.
જોકે એ જ ગાળામાં ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ મહાત્મા ગાંધીની હત્યા થતાં અને અલવર સાથે હત્યારા નાથુરામ ગોડસેના તાર મળતા હોવાથી મહારાજા અને દીવાન બેઉને ફરજિયાતપણે દિલ્હીમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. તપાસને અંતે બંને દોષમુક્ત જાહેર કરાયા હતાં. જોકે સરદાર પટેલની વિરુદ્ધમાં ભૂતકાળમાં ખૂબ આક્ષેપબાજી કરનાર ડો. ખરે વિરુદ્ધ સરદારે કોઈ દુર્ભાવ રાખ્યા વિના એમને યશોચિત મદદ કરવામાં કોઈ મણા રાખી નહોતી. ૧૯૫૨થી ’૫૫ દરમિયાન લોકસભાના સભ્ય રહેલા ડો. ખરે હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યા હતા. સરદાર ડિસેમ્બર ૧૯૫૦માં મૃત્યુ પામ્યા ત્યારે એમણે વલ્લભભાઈ પ્રત્યે અંગત ડંખ રાખીને હિંદુ મહાસભા વતી નાયબ વડા પ્રધાનને શ્રદ્ધાજંલિ આપવાનો વિવેક પણ દાખવ્યો નહોતો. 

(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંકઃ ૭ સપ્ટેમ્બર ૨૦૧૭ અથવા ક્લિક કરો વેબલિંકઃ http://bit.ly/2xbWvQG)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter