એંસી વર્ષ પહેલાનાં બે જર્જરિત પણ ઐતિહાસિક પુસ્તકો. એક તો ગુજરાતીમાં, ઝવેરચંદ મેઘાણીએ સંપાદિત કરેલી ‘વહેતાં પાણી પ્રકાશનમાળા’માં 23 જાન્યુઆરી, 1946ના દિવસે છપાયું. શીર્ષક છે, ‘લાલ કિલ્લાનો મુકદ્દમો’. કિંમત દોઢ રૂપિયો. ક્રાંતિ-સાહિત્યના સંગ્રહકર્તા મનસુખલાલ છાપીયાએ તેમના અવસાન પહેલાં આ પુસ્તક આપ્યું હતું. 79 વર્ષથી સચવાયેલા પુસ્તકના પાનાં જીર્ણશીર્ણ છે, હાથ અડાડતાં સલામત ના રહે એવી દશા. એટલું વંચાય કે પારેખ બંધુઓએ પોતાના મુદ્રણાલયમાં ભાવનગરમાં પ્રકાશિત કર્યું, અમદાવાદમાં ભારતી પ્રકાશને વાચકો સુધી મૂક્યું.
પ્રકાશનમાળાનું આ પ્રથમ જ પુસ્તક. તેની પ્રસ્તાવના પોતે જ સ્વાતંત્ર્ય પૂર્વે પ્રકાશિત કરવાના મનોભાવને વ્યક્ત કરે છે. તેર પ્રકરણમાં, આઝાદ હિન્દ ફોજના બ્રિટિશ હકૂમતની સામે લડવાના ‘યુદ્ધ અપરાધી’ તરીકે આરોપની સાથે લાલ કિલ્લામાં આ મુકદ્દમો ચાલ્યો. ત્રણ સેનાપતિ - શાહનવાઝ, ધિલોન અને સહગલ મુખ્ય ‘આરોપી’ હતા, ભૂલાભાઈ દેસાઇએ પોતાની નાદુરસ્ત તબિયત છતાં મુકદ્દમો લડ્યા. પ્રજાકીય આક્રોશના કારણે તત્કાલીન કોંગ્રેસે પણ આઝાદ હિન્દ ફોજની તરફેણ કરવી પડી અને જવાહરલાલ વર્ષો પછી કાળો કોટ પહેરીને ભૂલભાઈની સાથે બેઠા. જોકે તેમણે કોઈ દલીલ, પૂછપરછ વગેરેમાં ભાગ લીધો હોય તેવું કોઈ દસ્તાવેજમાં નથી. અગાઉ તેમણે જ એક જાહેરસભામાં એવું કહ્યું હતું કે જો બર્મા મોરચે સુભાષની ફોજ આવશે તો તેની સામે લડનારો હું પહેલો હોઈશ! ફોજના બચાવ માટે જે ધારાશાસ્ત્રીઓ તર્કબદ્ધ દેશભક્તિ સાથે દલીલો કરી તે હતા ભૂલાભાઈ દેસાઇ, ડો. કૈલાસનાથ કાત્જુ, નિવૃત્ત ન્યાયમૂર્તિ બદરી દાસ, બેરિસ્ટર આસફ અલી, સર તેજબહાદુર સપ્રુ, કુંવર સર દિલીપનારાયણ, રઘુનાથ શરણ.
મેઘાણીએ આ પુસ્તકના નિવેદનમાં લખ્યું છે: ‘આ પ્રકાશન આઝાદ હિન્દ ફોજની ગૌરવકથાથી શરૂ થાય છે તે શુકનવંતી ઘટના છે. આઝાદ હિન્દ ફોજની શૌર્યકથાઓ જ્યારે આરાકાનના પહાડોમાં અને મણિપુરના મેદાનોમાં સાચેસાચ થઈ રહી હતી, ત્યારે વિધાતાની કોઈ ક્રૂર કરામતને લીધે આ દેશની પ્રજા એની સાથે તાલ મિલાવી શકી નહીં, એટલું જ નહિ, પણ ઉછળતી છાતીએ એને નિરખતી રહીને એમાં પોરસ રેડવાનું પણ બની શક્યું નહોતું. ઇરાવદી નદીની પેલી પારથી જ્યારે વતનનો સાદ સાંભળીને ચલો દિલ્હીનો નાદ ગજવતા આઝાદ ફોજના સિપાહીઓ દિલ્હીની વાટને લોહીભીની બનાવતા દોડયા આવતા હતા, હિન્દી-હિન્દીના લોહીના સંગમ વચ્ચે માત્ર થોડી ટેકરીઓ અને થોડાં મેદાનો જ જ્યારે બાકી રહ્યાં હતાં ત્યારે વતનનું લોહી તો થીજેલું જ પડ્યું હતું, આ દેશના પ્રજાજનો એ સિપાહીઓને મુક્તકંઠે આવકારી શકે તેમ પણ નહોતા. એમને મોઢે જેમ ડૂચો દેવાયેલો હતો, તેમ એમની આંખોએ પાટા બાંધેલા હતા.’
સંપાદક લખે છે, ‘અને હવે આઝાદ ફોજ એક સ્વપ્નમાંથી ઊઠીને એમાં જ જાણે પાછી સમાઈ ગઈ હોય તેવું લાગે છે. ત્યારે પ્રજાના અંતરમાં એને માટે પ્રેમનાં લાખ-લાખ ઝરણા ફૂટ્યાં છે, પોતે જેને ખરા ટાણે સન્માની શકી નહોતી, તેને આજે તો એ પૂજવાની હદે પહોંચી ગઈ છે. આ પુસ્તકમાં લશ્કરી અદાલતમાં લગભગ બે મહિના સુધી ત્રણ અફસરો પર ચાલેલા પ્રથમ મુકદ્દમાનો ટૂંકો અહેવાલ આપ્યો છે. આ અહેવાલ અંગ્રેજી દૈનિક અખબરોની કતારોમાંથી વીણીને તેનો અનુવાદ કરવાનું કામ મહેન્દ્ર મેઘાણીએ કર્યું છે. તેમાં ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’નો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે.’
અદાલતની 22 બેઠકો થઈ. બ્રિટિશતરફી અને ફોજતરફી સામસામી દલીલો થઈ. આરોપીઓને પ્રશ્નો પૂછાયા. લશ્કરી અદાલતના મુખ્ય ન્યાયાધીશ મેજર જનરલ બ્લેકસલેનડે આપ્યો. લશ્કરી અદાલત હતી એટલે જન્મટીપની સજા થઈ પણ સેનાના વડા સરસેનાપતિ સર કલોડ ઓકિનલેક તરફથી કેટલાક નિયમો સાથે – તેમને સેનામાંથી રદ કરવા, પગારભથા જપ્ત કરવાની સાથે - સજા-મુક્તિની જાહેરાત કરવી પડી. પોતાની વફાદારીને ફગાવી દઈને રાજ્યસત્તાની સામે યુદ્ધ કરવું એ એક સિપાહીને માટે અતિ ગંભીર ગુનો છે’ એવું જણાવવામાં આવ્યું. વાસ્તવમાં તો બ્રિટિશ સરકાર, અર્લ એટલીના જણાવ્યા પ્રમાણે, ભારતમાં સૈનિકી વિદ્રોહથી ડરી ગઈ હતી. આઝાદ હિન્દ ફોજ પછી નૌસેનામાં વિદ્રોહ શરૂ થઈ ગયો હતો. આઝાદ ફોજના અફસરોને જો સજા કાયમ રાખવામાં આવી હોત તો સમગ્ર દેશમાં મોટો જન-સંગ્રામ ગાંધીજી સહિતના કોઈ નેતાઓનું કશું માન્યા વિના શરૂ થઈ ગયો હોત. 1942 તેનું રિહર્સલ હતું.
બીજું પુસ્તક છેક લાહોરનું છે! આઝાદ હિન્દ ફોજ વિશેનું જ છે. અંગ્રેજીમાં છે. શીર્ષક છે ‘ફોર્મેશન એન્ડ ગ્રોથ ઓફ આઇ.એન.એ.’ (ઇંડિયન નેશનલ આર્મી). છેક 1946માં ‘હીરો પબ્લિકેશન, લોઅર માલ. લાહોર’નું પ્રકાશન. સંપાદક એસ. ગુલાબસિંહ. પંજાબ ઈલેક્ટ્રોનિક પ્રેસ, મોહનલાલ રોડ, લાહોર. આ સરનામું આજે તો ક્યાંથી હોય? અને ગુલાબસિંહ? ઇતિહાસના અંધારમાં કયાંક ખોવાઈ ગયો છે. તેનો પરિવાર? ભારત વિભાજન પછી હિજરત કરી હશે? લાહોરમાં જ લોઅર માલ પર તેના પરિવારની સલામતી રહી હશે કે ભારત-પાક હિંસાચારમાં...
આજે તો તેના આ મૂલ્યવાન પુસ્તકની ચર્ચા કરવી છે. 18 ડિસેમ્બર, 1945ના દિવસની નોંધ સાથે તે લખે છે કે પુસ્તકની બહુ ઓછી પ્રત છપાઈ છે. પરંતુ તેની સાથે એક બીજી નોંધ પણ છે. પી.સી. રોયના આવકારમાં બે લેખકો - દુર્લબસિંહ અને શાર્દૂલસિંહ દ્વારા લખાયેલા ‘ધ રિબેલ પ્રેસિડેન્ટ’ની સાત આવૃત્તિ પ્રકાશિત થયાનું જણાવવામાં આવ્યું છે. ત્રીજું પુસ્તક ‘પર્સનાલિટી એન્ડ પોલિટિકલ આઇડિયલ્સ ઓફ સુભાષ બોઝ: ઈઝ હી એ ફાસિસ્ટ?’ છે. હીરાલાલ શેઠનું લેખન છે. આ પછી તુરત સૈનિકી અદાલતની વિગતો શરૂ થાય છે અને 160 પાનાં પર સમાપ્ત થાય છે. તમામ વિગતો એકદમ આધિકારિક અને દસ્તાવેજી છે. આરોપનામું, તાજના સાક્ષી બનેલા 12 સૈનિકો કેપ્ટન મોહનસિંઘ , પી.કે. સહગલ, શાહનવાઝ ખાન, એમ.ઝેડ. કિયાની વગેરે ઉપરાંત કર્નલ જે.કે. ભોંસલે, અબ્દુલ રશીદ, કૃષ્ણ મૂર્તિ, હબીબુર રહેમાન, સી.જે. સ્ટ્રેચી, ડી.સી. નાગ, કે.પી. થિમૈયા, માનબહાદુર, કરતારસિંઘ, પ્રભુ દયાલ, પી.એસ. રતુરી, અબ્દુલ મજીદ, જાગીરસિંઘ, જી.એસ. ધિલોન, એસ.ડબલ્યુ. પલાસકાર, એન.કે. ખોસલા, અમરસિંઘ, ધરમસિંઘ, એચ.એસ. બેદી, જસવંતસિંઘ, ઠાકુરસિંહ, ગુલઝારાસિંઘ, બિશનસિંઘ, પ્રિતમસિંઘ, પી.જે. લુઈસ, જોધાસિંઘ, હરનામસિંઘ વગેરેના હોદ્દા અને કામગીરીના ટેબલ અપાયા છે.
100થી વધુ પૂરવણી કેટલી બધી માહિતી પૂરી પડે છે, જે સૈનિકી અદાલતે એકત્રિત કરી હતી. નેતાજીના પ્રવચનો, આદેશો પણ સામેલ છે. એક સંપૂર્ણ સૈન્ય તેની પરંપરા અને નિયમો સહિતના માળખામાં કામ કરે તેવી આઝાદ હિન્દ ફોજ હતી. યુદ્ધ મોરચે અફસરોની ડાયરીઓ, શસ્ત્રોની વિગતો, આ વિગતો દર્શાવે છે કે નેતાજીના સેનાપતિપદે એક સમાંતર સેના ઊભી કરવામાં આવી હતી. બ્રિટિશ સરકારના આદેશ પ્રમાણે તેમને યુદ્ધ અપરાધી ગણવામાં આવ્યા, અને સ્વાધીન ભારતમાં તેમને ભારતીય સૈન્યમાં પ્રવેશ આપવામાં આવ્યો નહિ! લાહોરની એક ગલીમાં જે દસ્તાવેજી પ્રકાશન થયું તે પણ એક ઇતિહાસ છે. આ શીખ બંધુઓએ કેવી મુશ્કેલીમાં પ્રકાશનો કર્યા હશે તેની વિગતો સાંપડતી નથી, પણ અનુમાન કરી શકાય છે. આમેય લાહોર ‘લાલા’ શ્રેષ્ઠીઓનું નગર. લાલા લજપતરાયની શહીદી અહીં. સરદાર ભગતસિંહ અને નેશનલ કોલેજ લાહોરનું ગૌરવ. ભગવતી ચરણ વોહરાનું બલિદાન રાવી નદીના કિનારે, ક્રાંતિકારોની હવેલી બની ગયેલું ભગવતી ચરણનું મકાન અહીં. ભગતસિંહને ફાંસી આપવામાં આવી તે જેલ 1947 પછી નેસ્તનાબુદ કરી નાખવામાં આવી છે.
આ બધાની વચ્ચે અહીં અખબારો નીકળતા. યજ્ઞ મંદિરો હતા. ગુરુદ્વારાઓ હતા. પંડિતોની સભાઓ થતી. સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, શ્યામજી કૃષ્ણવર્મા, ગુરુ ગોલવલકરજી, સુભાષચંદ્ર બોઝે આ નગરની મુલાકાતો લીધી હતી. ત્યાં આવું પ્રકાશન ના થાય તો જ નવાઈ!


