ગણેશજી પધાર્યા અને હવે એમને પધરાવવાની (વિસર્જન)ની તૈયારી... જે ઋષિઓએ ગણપતિ-પૂજન દ્વારા જીવનનું આવું અલૌકિક દર્શન આપ્યું તેમજ જીવનમાં સાકારિત થતાં અનંત વિઘ્નો પાર કરવાનું સામર્થ્ય આપ્યું તે ઋષિઓને અનંત પ્રણામ. અને હા, ગણેશજીનું વિસર્જન એટલે વિરાટની પૂજાનો આરંભ. જે શાંત છે તેને અનંતમાં અને સાકારને નિરાકારમાં વિલિન કરીએ છીએ. રિદ્ધિ-સિદ્ધિના દાતાને કોટિ કોટિ પ્રણામ.
ચાલો, હવે પિતૃઓને યાદ કરીએ. ગણેશ વિસર્જન બાદ પિતૃઓને પરમગતિ પ્રાપ્ત કરાવવા માટે કરાતા પિતૃપક્ષ તથા શ્રાદ્ધ ક્રિયાનો મહિમા જાણીએ. આઠમી સપ્ટેમ્બરથી શ્રાદ્ધ શરૂ થયા છે. મરણ પામેલા પિતૃઓના સમુદાયને પ્રસન્ન અને સંતુષ્ટ કરવા માટે જે વિધિ કરાય તે શ્રાદ્ધ!
પૌરાણિક માન્યતા અનુસાર નિમિ ઋષિએ શ્રાદ્ધની શરૂઆત કરી હતી અને અત્રિ ઋષિએ શ્રાદ્ધની જાણકારી આપી હતી. અત્યારે વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો ઘણો જ પ્રચાર આદર સાથે થઈ રહ્યો છે જેમણે આપણને જન્મ આપ્યો જેમની કૃપાથી, દેખરેખથી આપણે મોટા થયા અને પોતાના સંતાનો આનંદમય જીવે તે માટે નિરપેક્ષ ભાવે લોહીનું પાણી કર્યું. તેમણે દિવ્ય વિચારસરણી આપી. પોતે બળીને આપણા જીવનને પ્રકાશિત કર્યાં તેથી આપણે તેમના ઋણમાંથી મુક્ત થવાય તો તેમના આત્માને અવશ્ય શાંતિ મળે જ.
આપણા ઋષિઓએ આ પિતૃઋણ, દેવઋણ અને ઋષિઋણમાંથી આપણે મુક્ત થઈએ માટે શ્રાદ્ધ-તર્પણ અને દાનના શુભકાર્યો બતાવ્યા. શ્રાદ્ધ માટેના પવિત્ર તીર્થસ્થાનોમાં ગયાનું મહત્ત્વ અધિક છે. શ્રીરામે પણ તેનો મહિમા જણાવ્યો છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રીરામે અને સીતાજીએ રાજા દશરથના આત્માની શાંતિ માટે ગયા તીર્થમાં જ પિંડદાન સાથે શ્રાદ્ધ કર્યું હતું.
• દેવઋણઃ જેમાં પરમાત્માને યાદ કરીને દાન, દેવતાઓની પૂજા અને સાત્વિક વિધિઓ યજ્ઞ કે કથા-સત્સંગ દ્વારા દેવઋણાંથી મુક્ત થવાય છે.
• ઋષિઋણઃ આનો સંબંધ મહાદેવ-આશુતોષ સાથે છે. ઋષિઓએ વેદ-ઉપનિષદ ધાર્મિક ગ્રંથો રચીને આપણા પર ઉપકાર કર્યાં છે અને આપણામાં સંસ્કારોનું સિંચન કર્યું છે તો ગ્રંથોના વાંચન દ્વારા એ સંસ્કારોને જીવનમાં ઉતારીને સદમાર્ગે જીવન જીવીને જીવન સાર્થ કરીને તેના ઋણમાંથી મુક્ત થવાય છે.
• પિતૃઋણઃ દાન-દક્ષિણા-ગરીબો માટે સેવા યજ્ઞોથી ઋણમુક્ત થવાય છે. જે પણ સેવાઓ માટેના કાર્યો યજ્ઞો બની જાય તો આનાથી ઉત્તમ શું? અને આ કાર્યોનું આપણું કર્તવ્ય છે જ એમ કરીને કરવું. તેના ફળની આશા - આકાંક્ષા ન રાખવી. જે ગીતામાં (કર્મયોગ)માં કહ્યું છે તેમ આ કાર્યો પ્રભુને જ અર્પણ કરવા. પ્રાણીઓ-પક્ષીઓ-વૃક્ષોને તર્પણ કરીને તેના ઋણમાંથી મુક્તિ અને સૂર્ય-ચંદ્ર-પૃથ્વી-પાણી-આકાશ-વાયુ જેના આ સૃષ્ટિ પર અગણિત ઉપકારો છે અને તેના વગર આપણું અસ્તિત્વ જ નથી. તેના પણ આપણે ઋણી છીએ.
દરેક શુભકાર્યોમાં આપણા પિતૃઓને-પરમાત્માને પ્રણામ કરીને અર્પણ કરીએ તો જીવન મંગળ બની જાય એમ વેદોમાં કહ્યું છે.
આ રીતે શ્રાદ્ધ – સેવાકાર્યો દ્વારા મૃત પિતૃઓની તૃપ્તિ સિદ્ધ થાય છે. અન્નદાન-ઔષધદાન-સેવાદાન-શિક્ષણદાન વગેરે સેવાયજ્ઞો એ આવકાર્ય છે.
તમામ પિતૃઓને તથા દેશને માટે બલિદાન દેનારા શહીદોને સલામ સાથે પ્રણામ.