ગરવા ગૌરવપૂર્ણ ગુજરાતી વૃદ્ધઃ અબ્બાસ તૈયબજી

પ્રા. ચંદ્રકાંત પટેલ Thursday 05th July 2018 08:42 EDT
 
 

મહાત્મા ગાંધી કરતાં પણ દોઢ દશકો વડીલ, દાંડીકૂચ વખતે ગાંધીજીએ તેમના પછી જેલમાં જનાર નેતા તરીકે જેમની વરણી કરી હતી તે અબ્બાસ તૈયબજી. ગુજરાતમાંથી લંડન જઈને બેરિસ્ટર બનનારામાં અગ્રણી. આ અબ્બાસ તૈયબજીના પરદાદા મુલ્લા તૈયબઅલી ખંભાતના શાહ સોદાગર, ખંભાત છોડીને મુંબઈમાં વસનારા. અબ્બાસના પિતા સમસુદ્દીન તૈયબજી મોટા વેપારી અને આર્થિક રીતે સંપન્ન. સમસુદ્દીનના ભાઈ બદરુદ્દીન મુંબઈ હાઈ કોર્ટના જજ અને પછી કોંગ્રેસના પ્રમુખ બનેલા પ્રથમ મુસ્લિમ. 

અબ્બાસ ઈંગ્લેન્ડમાં ભણ્યા, બ્રિટિશ રંગે રંગાયા અને પછીથી ગાયકવાડી રાજ્યમાં ચીફ જસ્ટિસ બન્યા. ૧૯૧૩ સુધી તેમણે ન્યાયાધીશ તરીકે હોદ્દો સંભાળ્યો હતો. અંગ્રેજો પ્રત્યે તે મોટા ભાગના જીવનમાં વફાદાર હતા, પણ ૧૯૧૯માં જલિયાંવાલા બાગમાં અંગ્રેજોએ કરેલી કત્લેઆમથી અંગ્રેજ અમલની ન્યાયપ્રિયતા અંગે તેમની શ્રદ્ધા ઘટી.
૧૯૧૭ના ખેડા સત્યાગ્રહમાં ખેડા જિલ્લાના ગામોમાં ઘૂમીને તેમણે સરદાર પટેલના સાથમાં ખેડૂતોને મહેસૂલ ના ભરવા સલાહ આપેલી. આ જ વર્ષમાં ગોધરામાં ભરાયેલી અત્યંજ પરિષદમાં તેમને રસ પડ્યો હતો. ગાંધીજીના દલિતો પ્રત્યેના વિચાર તેમને ગમ્યા.
૧૯૧૯ પછી તેમનું વલણ ગાંધીજી તરફ વધારે ઢળતું થયું. કોંગ્રેસની બેઠકોમાં અચૂક ભાગ લેતા. ૧૯૨૧માં લોકમાન્ય ટિળકની સ્મૃતિમાં મહાત્મા ગાંધીએ સ્વરાજ ફંડ માટે ગુજરાતના જિલ્લાઓના ફાળાનું લક્ષ્યાંક નક્કી કરીને જવાબદારી સોંપી. આમાં ખેડા જિલ્લાના ફાળે ૯૦,૦૦૦ રૂપિયા ઉઘરાવવાના હતા. અબ્બાસ તૈયબજીની નેતાગીરીમાં આ ફંડ એક લાખ અને પંદર હજાર રૂપિયા થયું!
અબ્બાસ તૈયબજી મહાત્મા ગાંધી કરતાં પંદર વર્ષ મોટા હતા પણ ગાંધીજીની પ્રવૃત્તિ અને વિચારથી પ્રભાવિત તેમણે ગાંધીજીને નેતા માન્યા.
૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ વખતે ૭૪ વર્ષના અબ્બાસ તૈયબજી ધોમધખતા તાપમાં બારડોલીના ગામડાં ઘૂમતા અને થાકતા. ક્યારેક ગાડામાં તો ક્યારેક પગપાળા. ખાદીના સફેદ કપડાં પહેરેલાં. સફેદ દાઢીધારી અબ્બાસજી કોઈ મુસ્લિમ ઓલિયા શા ભાસતા. વડોદરા રાજ્યના ભૂતપૂર્વ વડા ન્યાયાધીશ. તેઓ ખેડૂતના ઘરમાં કે ખેતરમાં રોટલો અને શાક ખાતાં ખાતાં ખેડૂતો સાથે વાતો કરતાં. ઈંગ્લેન્ડમાં ભણેલા અને મોટા ગજાના નેતા મોટાઈ ભૂલીને બધાં સાથે હસતા, ભળતા અને ફરતા. આથી ખેડૂતોમાં લોકપ્રિય બન્યા. અંગ્રેજ રાજના ખેડૂતો ગાતા, ‘ખરા રૂપિયા ચાંદીના, રાજ તૈયબ ગાંધીનાં!’
અબ્બાસ તૈયબજી દિવસે દિવસે મહાત્મા ગાંધીની વધારેને વધારે નજીક આવતા ગયા. ૧૯૩૦માં દાંડીકૂચ વખતે મહાત્મા ગાંધીની અંગ્રેજો ધરપકડ કરે ત્યાર પછી ગાંધીજીએ પોતાના પછી મીઠાનો કાયદો તોડનાર ટુકડીની નેતાગીરી અબ્બાસ તૈયબજીને સોંપી હતી. અબ્બાસ તૈયબજી ગાંધીજીના પૂરા વિશ્વાસપાત્ર હતા. ધરાસણાની લડતમાં મીઠાનો કાયદો તોડતી ટુકડીની નેતાગીરી સંભાળીને અબ્બાસ તૈયબજી આમ મહાત્મા ગાંધી પછી તરત જ છ માસનો જેલવાસ પામ્યા.
સરદાર પટેલના સાથીદાર અને મુંબઈ રાજ્યની વિધાનસભાના આઝાદી પછી સ્પીકર ેવા કલ્યાણજી મહેતાએ અબ્બાસ તૈયબજીનું જીવનચરિત્ર લખ્યું છે.
બારડોલીની લડત વખતે કલ્યાણજી મહેતા અબ્બાસ તૈયબજી સાથે લાંબો સમય નિકટમાં રહ્યા હોવાથી વૃદ્ધ અબ્બાસ તૈયબજી અને નવયુવાન કલ્યાણજીભાઈ વચ્ચે નાતો બંધાયો હતો. આ જીવનચરિત્રમાં એ સંબંધો પ્રતિબિંબિત થાય છે.
અબ્બાસ તૈયબજીના ભત્રીજા જાણીતા પક્ષીવિદ્ સલીમ અલીખાન હતા. અબ્બાસ તૈયબજીની પુત્રીઓ પણ કન્યાકેળવણી, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી અને ખાદી પ્રવૃત્તિના ક્ષેત્રે તેમની સાથે સક્રિય હતી. ખંભાતના મુલ્લા તૈયબઅલીના ખાનદાને આ રીતે દેશસેવાના ક્ષેત્રે બદરુદ્દીન તૈયબજી, અબ્બાસ તૈયબજી અને સલીમ અલીખાન જેવા સપુતો દ્વારા મહત્ત્વનું પ્રદાન કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter