રાજેન્દ્ર અનંતરાય શુક્લ.
ગુજરાતી સાહિત્યનાં મૂલ્યાંકનમાં કોઈ એકમાત્ર કવિને ‘ઋષિ’ કહેવાયા હોય તો આ કવિને. એટલા માટે નહિ કે શુભ્ર દાઢી, કેશરાશિ પણ લાંબો પોશાક પણ અવધૂત જેવો હતો. તેમની આંખોમાં નજર મેળવો ત્યારે જ અંદાજ આવે કે આ માણસ જરાક જુદો છે. ભિન્ન પણ અભિન્ન. પછી તેના ઘેઘૂર અવાજમાં સહજ રીતે ગઝલ વ્યક્ત થાય ત્યારે ગુજરાતી કવિતાનો ચંદરવો રચાઇ જાય. ના કોઈ હાવભાવનો અતિરેક, ના ભાષાનો અમુક-તમુક આગ્રહ. ગુજરાતી ગઝલને એક ચોકઠામાંથી મુક્ત કરીને, પ્રાચીનથી અર્વાચીન ઓટલા પર હળવેકથી એક નાનકડા રૂપાળાં બાળકને મૂકવાનો કસબ આ કવિની વિશેષતા રહી. કોઈ ‘વાહ-વાહ’ કે ‘ઈર્શાદ’ કહે કે ના કહે, રાજેન્દ્રની ગઝલ કે અછાંદસ કે ગીત રચનાઓનું નિરંતર હોવું એ આપણાં સાહિત્યનો ચમત્કાર ગણાશે. 22 નવેમ્બર, રવિવારે તેમણે વિદાય લીધી, સાંજે અમદાવાદના થલતેજમાં સ્મશાન ભૂમિ પર અગ્નિસંસ્કાર થયા ત્યારથી અનેક સાહિત્યકારો, સાહિત્યપ્રેમીઓ, શુભેચ્છકો અને મીડિયાએ રાજેન્દ્ર-સ્મૃતિને અનેક સ્તરે છલકતી રાખી છે.
કવિના સર્જનનું મૂલ્યાંકન તો થતું રહેશે, થવું જ જોઈએ. તેમને અર્વાચીન ગઝલના કવિ કહેવાયા. કવિ ઋષિ તરીકે ઓળખાવાયા, આધ્યાત્મિકતાના સંધાનની વિશેષતા કહેવાઈ. સાહિત્યમાં ઓળખ મળે, સન્માન અને એવોર્ડ મળે કે ના મળે તેવું અકિંચન અલગારીપણું યાદ કરાયું, વ્યવહાર અને સૌજન્યનાં પ્રસંગો અચૂક આવ્યા. શિક્ષણમાં અલગ કેડી કંડારવાના સાહસ માટે વ્યાખ્યાનો આપવાને બદલે પોતાનાં બે સંતાનોથી જ શરૂઆત કરી તે એક અસમાન્ય ઘટના હતી. પોતે તો પ્રવર્તમાન શિક્ષણ લેવું પડ્યું અને અનુસ્નાતક થઈને અધ્યાપક તરીકેનું કર્તવ્ય પણ બજાવ્યું, પણ સંતાનોને ચીલો ચાતરવાનું વાત્સલ્ય અને સજ્જતા - બંને પૂરાં પાડ્યાં. રાજેન્દ્ર શુક્લ અને તેમના કવિ-અધ્યાપક પત્ની નયનાબહેને સાથે મળીને આ સફળ પ્રયોગ કર્યો હતો.
તેમના અવસાન પહેલાં થોડાક જ દિવસ પર અમદાવાદની વિશાલા હોટેલમાં એક સાથે ઘણા બધાને માટે તે મિલન છેલ્લું રહ્યું, કહો કે ભૌતિક મિલન અંતિમ રહ્યું. ખ્યાત ચિત્રકાર વૃંદાવન સોલંકીની જન્મજયંતીની ઉજવણી હતી. રાજેન્દ્ર અને નયનાબહેન બંને આવ્યા, મળ્યા, ગપસપ કરી. જૂનાગઢના દિવસો યાદ કરનારા તો ઘણા મિત્રો હતા. સાથે તસવીરો પણ લીધી. એક મિત્રને કહ્યું કે વૃંદાવન અમારો જૂનાગઢનો ભેરુ. કોલેજમાં ના હોવા છતાં ‘મંગળવારિયા’માં આવે. આ મંગળવારિયું એટલે બહાઉદ્દીન કોલેજ પરિસરમાં નાના સરખા ઉદ્યાનમાં દરેક મંગળવારે યુવા સાહિત્યકારોનું અવિધિસરનું મિલન, ગોષ્ઠિ. ગુજરાતી ભાષાના વત્સલ અધ્યાપક તખ્તસિંહ પરમાર સાહેબ તેમાં આવે. કવિતા અને વાર્તા સાંભળે. સૂચન કરે.
ગિરનારની નિશ્રામાં આ ઘટનાએ ગુજરાતને કવિઓ આપ્યા, તેમાં મનોજ ખંડેરિયા અને રાજેન્દ્ર શુક્લ આગળ પડતાં નામો હતા. ‘ગુરુજી’ (પરમાર સાહેબને સૌ વિદ્યાર્થીઓ આ સંબોધન કરતા)ની જૂનાગઢથી ભાવનગર બદલી થઈ ત્યારે, કોઈ વીઆઈપી જેટલું જ બહુમાન અપાયું હતું અને વિદાય આપવા માટે જૂનાગઢનું રેલ્વે સ્ટેશન ઉભરાયું હતું. તેમણે એક સાચા શિક્ષક તરીકે યુવા છાત્રોને ઉછેર્યા તેમાં રાજેન્દ્ર પણ ખરા.
રાજેન્દ્રને ગિરનારી કવિ કહેવામાં આવ્યા તેનું એક કારણ એ પણ છે કે કેટલાંક સ્થાન-વિશેષ વ્યક્તિના જીવનને આકાર આપવામાં મોટો ભાગ ભજવે છે. એટલે તો વૃંદાવન-નિમિત્તે એકત્રિત થયેલાઓમાં ‘જૂનાગઢ’ને જીવેલાઓ ઘણા હતા. વૃંદાવન અને તેમના પત્ની સહિત અમે સૌ જાણે કે માતૃસંસ્થા અને સ્થાનને ઉજવતા હોઈએ તેવી રીતે સામૂહિક તસવીર પણ પડાવી!
આ વ્યક્તિ રાજેન્દ્રની ઓળખ હવે થોડી મુશ્કેલ છે. કારણ કે આ માણસે એક તો ઓછામાં ઓછા પત્રો લખ્યા છે. (મારી દૃઢ માન્યતા છે કે વ્યક્તિને જાણવામાં તેણે લખેલા અને પ્રાપ્ત કરેલા પત્રો મહત્ત્વનું માધ્યમ હોય છે. સંસ્મરણો તો અચૂક લખાતા રહે છે, પણ પત્રો તેનાથી વધુ આકાર આપી શકે, કેમ કે તેમાં તત્કાલિન પરિસ્થિતિ અને અનુભૂતિ, બન્ને પ્રત્યક્ષ બને છે.) અને બીજું, પોતાના જીવન અને લાગણીને મહદ્ અંશે ગોપિત રાખી. એકવાર તેણે બહુ ફિલોસોફિકલ જવાબ આપ્યો હતો, ‘આપણે તો ગિરનારનો કોઈ નાનકડો છોડ... આપણી મહત્તા વળી કેટલી?’ અને જૂઓ તો ખરા કે આ માણસે જ ગિરનારને અને જૂનાગઢને કેવાં જીવંત બનાવી દીધાં પોતાનાં સર્જનમાં? તેની આ રચના -
હતો હું સુદર્શન સરોવર છ્લોછલ,
હવે કુંડ દામોદરે હું મળીશ જ.
નગારે પડી દાંડી પહેલી કે ચોરે
સમી સાંજની ઝાલરે હું મળીશ જ.
તળેટી સુધી કોઈ વહેલી સવારે
જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ.
કોઈ પણ ટૂકે જઇ જરા સાદ દેજો
સુસવતા પવનના સ્તરે હું મળીશ જ.
શિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડળ કરે, હું મળીશ જ.
છતાં યાદ આવે તો કેદાર ગાજો,
તરત આવીને ભીતરે હું મળીશ જ.
શમે મૌનમાં શબ્દ મારા પછી પણ
કોઈ સોરઠે - દોહરે હું મળીશ જ.
હશે કો’ક જણ તો ઉકેલી યે શકશે
શિલાલેખનાં અક્ષરે મળીશ જ.
જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર
ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ.
ઉક્તિ તો જૂનાગઢ માટે, પણ તેનો મર્મ જૂનાગઢનો તો છે જ, અગોચર સનાતનનો પણ છે એવું કહું તો કેટલાક ઉન્નત-ભ્રૂ થશે. પરંતુ આ રચના માટે રાજેન્દ્ર શુક્લની સાથે મારે કલાક ચર્ચા થઈ હતી. સ્થાન મન્સૂરી બિલ્ડિંગનું સાધના કાર્યાલય. નીચે એક પાલનપુરી હોટલમાંથી મંગાવેલી ચા સાથે તેણે ભૂમિકા આપી હતી કે મારે મન કવિતા પણ ગોપિત ઇતિહાસની વેદના અને મહત્વકાંક્ષાને વાચા આપી શકે. આ કવિતામાં ઉજજયંત ગિરનાર અને તળેટીની ધૂપછાવ સર્વત્ર છે. તેમાં અશોકનો શિલાલેખ છે, તો રુદ્રદામને બંધાવેલું સરોવર પણ છે. દામોદર કુંડનો નરસૈયો છે, તેનું પ્રભાતિયું છે, શિખર પરના ગુરુ દત્તાત્રેય છે, કેદાર રાગ છે, અને સોરઠો? હા, લોકસાહિત્યમાં સોરઠે આપેલા દૂહા-દોહરાનું સંધાન છે... આપણે તો (છેલ્લે મળ્યા ત્યારે એક મિત્રને ઓળખ આપતા હતા કે આ વિષ્ણુ માણાવદરનો ને હું બાંટવાનો. બે સ્થાનોનું અંતર માત્ર બે ગાઉનું!) સોરઠી ધરતીના સંતાન. અને જ્યાં જન્મ્યા ત્યાં પણ ભારતને આઝાદી મળી તેના થોડાક મહિના પછી માણાવદર-બાંટવાની મુક્તિ થઈ હતી. રાષ્ટ્રધ્વજ છેક ઓક્ટોબર - નવેમ્બરમાં ફરક્યો હતો. આપણાં આ ગામો, તેના પાદર, તેના મંદિર, આરતી અને ઝાલર... એ આપણો જ અંશ છે.
પહેલાં બાંટવા અને પછી જૂનાગઢ - આ સ્થાનોએ કવિ રાજેન્દ્રના ચૈતસિક વ્યક્તિત્વને ઘડ્યું હોવું જોઈએ. સંસ્કૃત પ્રાકૃત વિષય સાથે અભ્યાસ કર્યો. પિતા અદ્દલ આધ્યાત્મિક હતા. ત્રણ વર્ષ તો પરિવ્રાજક રહ્યા હતા. પછી પણ સંન્યાસી જેવું જીવન રહ્યું. નયનાબહેન અને તેમના સારસ્વત પિતા કનુભાઈ જાની, લગ્નજીવનમાં તમામ સંકલ્પો સાથે જ લીધા. થોડાંક વર્ષ પર એક સમારંભમાં રાજેન્દ્ર શુકલ મને બાજુ પર લઈ ગયા અને મારા વિષે ભવિષ્યવાણી કહી હતી. (તે અને ચીનુ મોદી કુશળ જ્યોતિષી પણ હતા.) નયનાબહેને એ વાતને યાદ કરીને કહ્યું કે ઘરે આવીને આ ભવિષ્યવાણીની વાત મને પણ કહી! તેની કવિતાઓમાં સોરઠ અને સંસ્કૃતિ બંને વસેલા રહ્યા. ગોરખનાથના ધૂણાની સાથે નાથ સંપ્રદાયના મત્સ્યેન્દ્રનાથ પણ ‘ગોરખ આયા, ચેત મછન્દર’ લલકારની સાથે દેખાય છે!
કેટલીક પંક્તિઓ તેની ઓળખમાં પૂર્તિ કરે છે.
‘પૂર્ણમાંથી અંશ, અલગારી થયો, સ્વાદ કાજે શબ્દ સંસારી થયો,
‘તું’ થઈને શુદ્ધ શૃંગારી થયો, ‘હું’ થઈને અવધૂત અલગારી થયો....’
એટલે તે અધિકારપૂર્વક પૂછી શકે છે:
આદ્ય જેવું કૈ નથી તો અંત ક્યાં?
એના જેવું તું ય અપરંપાર બન!
આ છે ગિરનારથી ગગન સુધીના કવિ યાત્રિકનો અંદાજ!


