ગુજરાતપ્રેમી સિંધીઃ મહેશ ભાવનાની

Friday 27th July 2018 07:15 EDT
 

વર્ષ ૧૯૭૮માં અમેરિકાથી એક સિંધી યુવક પરણવા માટે ભારત પહોંચ્યો. સુશિક્ષિત અને સારું કમાતો યુવક યુવતીઓને મળે અને પૂછે, ‘ગુજરાતી જાણો છો? ગુજરાત સાથે કોઈ સંબંધ છે?’ સંતોષજનક જવાબના અભાવે યુવક અમેરિકા પાછો ગયો. યુવક અમદાવાદમાં ગુજરાતી મિત્રો સાથે ભણેલો, અમદાવાદમાં ઉછરેલો. તેને ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે કાયમી નાતો ગમે. આ યુવક તે મહેશ ભાવનાની.

એક વર્ષ પછી અમદાવાદમાં સ્ટેટ બેંકમાં નોકરી કરતી સિંધી યુવતીની ભાળ મળતાં ભાઈ અમદાવાદ પહોંચીને સીધા સ્ટેટ બેંકમાં જઈને વિના ઓળખાણે યુવતીને મળ્યા. એલ.એલ.બી. થયેલી આ યુવતી પહેલી નજરે મનમાં વસી. બંનેને ફાવ્યું અને પરણ્યાં. અમેરિકા આવતાં જ્યોતિને બેંકમાં નોકરી મળી. પુત્ર જન્મ પછી સ્વતંત્ર રીતે કામ થઈ શકે અને પુત્ર માટે સમય ફાળવી શકાય તેવું કરવા હોલમાર્ક સ્ટોર કર્યો. હોલમાર્કની ફ્રેંચાઈઝમાં ગૃહ સુશોભન અને ભેટ આપી શકાય તેવી સેંકડો નાની-મોટી ચીજ હોય. સ્ટોરમાં વસ્તુઓની પસંદગીની સૂઝ અને આવડતથી સ્ટોર ચાલ્યો. પછી સ્ટોર વધારતા ગયા અને પાંચ સ્ટોર થયા. હોલમાર્ક ફ્રેંચાઈઝના અમેરિકામાં ૫૦૦૦થી વધારે સ્ટોર. તેમાં પ્રથમ કક્ષાના ચુનંદા ૨૦૦ સ્ટોરમાં જ્યોતિ ભાવનાનીનો નંબર. જ્યોતિને પ્રથમ પંક્તિના સ્ટોર બદલ એવોર્ડ મળ્યો.
મહેશ અને જ્યોતિ એકબીજાને માટે બન્યાં હોય તેવા દંપતિ છે. જ્યોતિ પુત્ર અને પતિને ભાવતાં ગુજરાતી ભોજન બનાવવામાં નિપુણ છે.
મહેશભાઈના પિતા ભારતના ભાગલા વખતે સિંધ હૈદરાબાદથી ધર્મ બચાવવા ભારતમાં આવેલા. ત્રણ દીકરી અને બે દીકરાના પરિવારમાં મહેશભાઈ બીજા નંબરે. પિતાની વારંવાર બદલી થતાં મહેશભાઈને પણ ઘણા કૂવાનાં પાણી પીવાનો અને શાળાઓ બદલવાનો વારો આવેલો. જોકે પિતા નારાયણદાસ અંતે અમદાવાદમાં સ્થિર થતાં છઠ્ઠા ધોરણથી છેક મિકેનિકલ એન્જિનિયર થયા ત્યાં અમદાવાદમાં રહીને ભણ્યા અને આથી ગુજરાતીભાષી મિત્રો મળ્યા.
કોલેજમાં સહાધ્યાયી મિત્ર તુલસી સવાણી એન્જિનિયર થઈને અમેરિકા પહોંચ્યા. તેમણે મહેશભાઈને અમેરિકા આવવા કહ્યું. મામાની આર્થિક મદદથી ૨૪ વર્ષની વયે મહેશભાઈ ૧૯૭૪માં લોસ એન્જેલસ પહોંચ્યા.
સિંધી કાયસ્થ મહેશભાઈએ ગુજરાતી મિત્રોને કારણે વાસ્તવવાદી બનીને ભણતાં ભણતાં જ્યાં અને જેવી નોકરી મળી ત્યાં કરી.
મહેશભાઈનું અમદાવાદમાં રહેવા છતાં ગામડાં જેવું હતું. ૨૦૦ રૂપિયાના પગારદાર પિતાને પાંચ સંતાન. ઘરમાં વીજળી નહીં. ફાનસના અજવાળે વાંચવાનું, વહેંચીને ખાવું અને પરસ્પરને માટે છોડવાનું. આવા જીવનથી ટેવાયેલા મહેશભાઈને શરૂની મુશ્કેલી અઘરી ના લાગી. કલાકે સવા બે ડોલરની મજૂરીથી એમણે ગોડાઉનમાં કામ કર્યું. ફાઉન્ડ્રીમાં કેમિકલ ઈન્સ્પેક્ટર તરીકે કામ કર્યું. ફાઉન્ડ્રીએ સ્પોન્સર કરતાં ૧૯૭૭માં ગ્રીનકાર્ડ મળ્યું. જોકે, તે બે જ વર્ષમાં એમ.એસ. થઈ ગયા હતા.
જેમાં સવા લાખ જેટલાં કર્મચારી છે તે રેથિયન્સ કંપની ડિફેન્સના ક્ષેત્રે ત્રીજા નંબરની છે. આમાં મહેશભાઈ સિનિયર મિકેનિકલ એન્જિનિયર છે. આ કંપની હેલિકોપ્ટરમાં સેન્સરના ઉપકરણો બનાવે છે. ફાઉન્ડ્રીમાં તેમને નીચેની કક્ષાએ કામનો અનુભવ છે. ફાઉન્ડ્રીમાં સતત ગરમી વચ્ચે કામદાર કામ કરે. આવા મોટા એન્જિનિયર ના કરે. તે અનુભવથી આગળ વધેલા. તેમની સલાહ માટે કંપનીના એન્જિનિયરો, સપ્લાયર્સ, પ્રોડક્શન વિભાગ, ઈન્સપેક્શન ડિપાર્ટમેન્ટ બધા તેમનો સંપર્ક કરે છે. ડિઝાઈનથી ઉત્પાદન સુધીની કંપનીની કામગીરી તેમની મારફતે થાય છે. નવી શોધો અમલી બનાવવા જૂની પદ્ધતિને બદલે નવી પદ્ધતિનાં યંત્રો દાખલ કરવાની જવાબદારી તેમની છે. તેમની દોરવણી હેઠળ થતું કામ સામાન્ય કરતાં અડધા સમયમાં થાય છે. આથી કંપનીનું ઉત્પાદન વધતાં, નફો વધતાં માલિકો ખુશ થઈને અવારનવાર પગાર વધારો આપે છે અને એવોર્ડથી સન્માને છે. એમને ડઝન જેટલા એવોર્ડ મળ્યા છે.
મહેશભાઈને ગુજરાતી મિત્રો અને ગુજરાત પ્રત્યે પ્રેમ છે. ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિના એ ચાહક છે. ઘરમાં ભગવાન સમક્ષ દરરોજ દીપ પ્રગટાવાય છે. ગુરુવાણી અને સત્યનારાયણની કથા વંચાય છે. પતિ-પત્ની માને છે કે ભગવાન એક છે અને જુદા જુદા સ્વરૂપે વ્યક્ત થાય છે. આથી એમના ઘરમંદિરમાં જુદા જુદા દેવોની પ્રતિમાઓ છે.
સાડા ચાર દશકાના અમેરિકાવાસ પછી પણ એ ગુજરાતી ભાષા વાપરે છે. ગુજરાતી મિત્રોને ભૂલ્યા નથી. ગુજરાતી શૈલીની જીવનપદ્ધતિ એમણે ચાલુ રાખી છે. આર્થિક રીતે સમૃદ્ધ એવા મહેશભાઈનો પરિવાર સાદગી અને ભક્તિમય વાતાવરણમાં જીવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter