ગુજરાતી ભાષાના મોટા અનુવાદકઃ ગોપાળદાસ પટેલ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Wednesday 01st November 2017 10:47 EDT
 
 

વડોદરાનું રામજી મંદિર છાત્રાલય. મોતીભાઈ અમીને ગરીબ વિદ્યાર્થીઓ એમાં રહીને જાતે બનાવીને જમે એવી સગવડ કરેલી. વિદ્યાર્થીઓ માટે આ સુંદર સગવડ. આમાં ૧૭ વર્ષના ગોપાળદાસ ભણે. તે કમાટી બાગમાં આચાર્ય ગિડવાણીની સભામાં ગયા. સાંભળ્યું, ‘સીતામાતા રાવણની જેલમાં છે. સીતામાતા તે ભારત અને રાવણ તે અંગ્રેજો. માને ગુલામ રાખીને ભાવિ સમૃદ્ધિની આશામાં ભણવાનું ચાલુ રાખવું કે કેમ તમારે વિચારવાનું!’ સભા પૂરી થતાં ગોપાળદાસે છાત્રાલયમાં જઈને કપડાં, પુસ્તકો સમેટ્યાં અને ગાડીમાં બેસીને ડાકોર પહોંચ્યા. મેટ્રિકની પરીક્ષાને એકાદ મહિનો બાકી હતો પણ સાચું લાગે તે કરવાની હિંમતવાળા નવયુવાને અભ્યાસ છોડ્યો. પિતા કહે, ‘બેટા બધું લઈને આવ્યો છે તો પાછો ક્યારે જવાનો છે?’

દીકરો કહે, ‘ભારત માતા ગુલામ હોય ત્યારે ભણવું નથી. હું મેટ્રિકની પરીક્ષા આપવાનો નથી.’ પિતા જાણતા હતા કે દીકરો એની મા જેવો છે.
દીકરાના દાદા તે જમાનામાં ધીરધાર કરીને માંડ રોટલા કાઢતા. જમાનાના રિવાજ મુજબ ઘરમાં બારમા-તેરમા અને લગ્નો ઉપરાઉપરી આવતાં. વહેવારના ખર્ચામાં ઘસાઈ ગયા. દાદાને ત્યાં વિધવાએ મૂકેલી જીવનમૂડી પાછી આપવા દાદાએ નકાર્યું. રડતી, કકળતી અને સત્યાનાશનો શ્રાપ આપતી વિધવાની દશા ગોપાળદાસની માથી સહન ન થતાં ત્યારે સાસરે આવેલાં. તેમણે બારણાની આડમાં પોતાની સોનાની બંગડીઓ સસરાને આપતાં કહ્યું, ‘આ લો અને વિધવાના નિઃસાસા ના લો!’ આવી માના દીકરા ગોપાળદાસ. ૧૯૦૫માં ઉમરેઠમાં તે જન્મેલા. પિતા જીવાભાઈ તે જમાનામાં વકીલ થયેલા. તે ય ગાંધીના રંગે રંગાયેલા.
તે જમાનામાં ગૂજરાત વિદ્યાપીઠ મેટ્રિકમાં બેસવા યોગ્ય વિદ્યાર્થીઓ માટે મેટ્રિક સમકક્ષ વિનીતની પરીક્ષા લેતી. ગોપાળદાસ તેમાં પાસ થયા. આ પછી ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી બન્યા. ત્યારે પ્રથમ વર્ષમાં જ વિદ્યાર્થીને એક વર્ષ ગામડાંમાં સેવાકાર્ય કરીને ગ્રામજીવનનો અનુભવ લેવો પડતો. આમાં તેમને બોરસદ તાલુકાના ઢૂંઢાકુવા ગામે મોકલ્યા. તે જમાનામાં રાષ્ટ્રવાદની ભરતી આવેલી. ગામની સરકારી શાળાના એક વિદ્યાર્થીએ રાષ્ટ્રીય શાળામાં જવા હઠ પકડી. પિતાએ ના પાડતાં તેણે કૂવામાં પડીને આપઘાત કર્યો. આ ગામની રાષ્ટ્રીય શાળામાં ગોપાળદાસ શિક્ષક હતા. આ પછી રાસ ગામની શાળામાં શિક્ષક બન્યા. અહીં તેઓ લોકપ્રિય બન્યા.
એક વર્ષનો સમય પૂરો થતાં તેઓ અમદાવાદ ગૂજરાત વિદ્યાપીઠમાં આવ્યા. અહીં દેશના ઉત્તમ કક્ષાના પ્રોફેસરો ભણાવતા. આચાર્ય કૃપલાણી, કાકાસાહેબ કાલેલકર, બેચરદાસ પંડિત, મુનિ જિનવિજયજી, રસિકલાલ પરીખ જેવા સમર્થ અધ્યાપકો હતા. પ્રોફેસર આથાવલે સંસ્કૃત શીખવે. ગાંધીજી બાઈબલ શીખવે. ગોપાળદાસે તત્વજ્ઞાનનો વિષય લીધો. આ માટે પાલિ અને સંસ્કૃતનો અભ્યાસ તેમણે કર્યો. ત્યારે બધા પ્રશ્નપત્ર શીખવનાર પ્રોફેસરો ન હતા. કેટલાક પ્રોફેસરો જોડાય. થોડું કામ કરે અને પાછા દેશસેવા માટે નીકળી પડે. એમનો વિષય વિદ્યાર્થીઓને જાતે જ તૈયાર કરવો પડે. ગોપાળદાસને શાંકરભાષ્યના એક જ ભાગનો અભ્યાસ કરવાનો હતો, પણ તેમણે ચારેય ભાગનો કર્યો. પરીક્ષા આપી અને રૂમ પર આવીને રડવા લાગ્યા. વિચારે, પાસ તો થઈશ પણ નોકરી કોણ આપશે?
જોકે, તે પ્રથમ વર્ગમાં પાસ થયા. પરીક્ષિતલાલ મજુમદારે તેમને હરિજન સેવામાં નોકરી આપવાની વાત કરી. પુરોગામી વિઠ્ઠલદાસ કોઠારીએ તેમને ફેલોશિપની શક્યતા જણાવી. ઈન્દુભૂષણ મજમુદાર વિદ્યાપીઠમાં તત્વજ્ઞાનના પ્રોફેસર હતા. તેઓ વિદ્યાપીઠ છોડવાના હતા તેથી તેમની જ ભલામણે ગોપાળદાસને વિદ્યાપીઠમાં ફેલોશિપ મળી. બે વર્ષની ફેલોશિપ પૂરી થતાં વિદ્યાપીઠે તેમને અનુવાદ, પુરાતત્વ મંદિર, ગ્રંથાલય, સંપાદન વગેરેમાં રોક્યા.
ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ત્યારે સરદાર પટેલ. ગોપાળદાસના પિતા તેમની ચોથી - પાંચમી પેઢીએ સંબંધી થાય. ગોપાળદાસના પિતા જીવાભાઈની કમાણી વધારે તેથી તેમણે સરદાર પટેલને કહ્યું કે હવે ગોપાળને પગાર ના આપશો. તમારે ત્યાં આવે અને કામ કરે એ પૂરતું છે. એમનું ખર્ચ અમે આપીશું. સરદાર પટેલ કરતાં જીવાભાઈ નવ વર્ષ મોટા હતા. બંને વચ્ચે ભાઈચારો હતો. આથી સરદાર ગોપાળદાસને ચિ. ગોપાળદાસ લખતા.
ગોપાળદાસે વર્ષો સુધી ગૂજરાત વિદ્યાપીઠની અવેતન સેવા કરી. ગૂજરાત વિદ્યાપીઠ માટે વર્ષો સુધી આવકનું મુખ્ય સાધન વિદ્યાર્થી વાચનમાળાનાં પાઠ્ય પુસ્તકો. આનું સંપાદન મગનભાઈ દેસાઈ સાથે મળીને ગોપાળદાસ કરતા હતા.
મહાત્મા ગાંધી સ્થાપિત હરિજન પત્રોનું પ્રકાશન બંધ થયું ત્યારે નવજીવન તરફથી ‘નવજીવન માસિક’ શરૂ થયું. આમાં વર્ષો સુધી ગોપાળદાસે પુસ્તકોનું વિવેચન કર્યું. સારું અને પ્રેરક વાચન સમાજને મળે તેવા તેમના પ્રયાસને લીધે પ્રજામાં શિષ્ટ સાહિત્ય તરફની રુચિ વિકસી.
ગોપાળદાસનું સૌથી મહત્ત્વનું અને યાદગાર કામ તે વિશ્વ સાહિત્યની લોકપ્રિય અને જાણીતી સંખ્યાબંધ નવલકથાઓને ગુજરાતી ભાષામાં રૂપાંતરિત કરી તે. તેમણે કરેલો અનુવાદ વાંચનારને એ નવલકથાઓ બીજી ભાષામાં લખાયેલી હતી તેવો ખ્યાલ ન આવે. આવા સુંદર અનુવાદક ગોપાળદાસ હતા. ચાર્લ્સ ડિકન્સ, એલેકઝાંડર ડુમા, વિક્ટર હ્યુગો જેવા વિખ્યાત લેખકોને તેમણે ગુજરાતને ઓળખાવ્યા. નવજીવન કાર્યાલય અને પરિવાર પ્રકાશને ગોપાળદાસ મારફતે વિશ્વના અમર સાહિત્યને ગુજરાતી પ્રજા સમક્ષ રજૂ કર્યું. પાલી અને સંસ્કૃત ભાષામાંથી તેમણે ધાર્મિક સાહિત્યના સંખ્યાબંધ ગ્રંથોનો અનુવાદ કર્યો. કેટલાક ગ્રંથોનું સારદોહન કર્યું. જેક્સ એલ.પી.ની કેળવણીની જીવનરીતિ વગેરે વિષયોને સ્પર્શતા પુસ્તકોના અનુવાદો તેમણે ગુજરાતને આપ્યા.
ભારતની ગરીબી અને અંગ્રેજોનું શોષણ દર્શાવતા કેટલાંક પુસ્તકો દાદાભાઈ નવરોજી, બાસુ વગેરેએ લખ્યાં હતાં તેનું તેમણે ગુજરાતીમાં ભાષાંતર કર્યું. બંગાળી ભાષામાંથી શરદબાબુનું કેટલુંક સાહિત્ય તેમણે આપ્યું. શીખ ધર્મના પાંચ ગુરુઓનાં ભજનોનો એમણે બંગાળી, અંગ્રેજી, સંસ્કૃત, પાલિ અને ગુરુમુખી એમ પાંચ - પાંચ ભાષાઓના ગ્રંથોને ગુજરાતી પ્રજાને ગુજરાતીમાં સુલભ કરનાર ગોપાળદાસ પટેલ કરમસદના - ચરોતરના પાણીદાર પુત્ર હતા.
વેદાંત, શીખ અને જૈન ધર્મના એ પ્રખર અભ્યાસી હતા. પાટીદારોએ હિંદુ કે જૈન ધર્મ સ્વીકાર્યાનું જાણ્યું છે, પણ શીખ ધર્મ સ્વીકારનારા એ એકમાત્ર પાટીદાર હતા.
વર્ષો સુધી લકવાગ્રસ્ત શરીરે, પથારીમાં પડ્યા પડ્યા તેઓ અભ્યાસ અને અનુવાદમાં સમય પસાર કરતા હતા.
ગોપાળદાસ જેવા બીજા અનુવાદક ગુજરાતે અત્યાર સુધી આપ્યા નથી. આ રીતે તે ગરવા ગુજરાતી હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter