ગૂડ ફ્રાઇડે અને ઇસ્ટર એટલે અનંતજીવનની અનંત આશા

- આર્નોલ્ડ ક્રિસ્ટી Tuesday 19th March 2024 16:56 EDT
 
 

મારા ઘણા અન્યધર્મી મિત્રો મને સવાલ કરતાં કે જે દિવસે પ્રભુ ઇસુ ખ્રિસ્તને વધસ્થંભે જડીને મારી નાખવામાં આવ્યા તે દિવસને તમે ખ્રિસ્તી લોકો શુભ શુક્રવાર અથવા તો ગૂડ ફ્રાઇડે કેમ ગણાવો છો? આજે પણ ઘણાના મનમાં આ સવાલ ઉઠે છે કે ગૂડ ફ્રાઇડે શા માટે? તો તેનો જવાબ છે માનવજાતની પાપમાંથી મુક્તિ માટે પરમેશ્વર પિતાએ તૈયાર કરેલી એક મહાન યોજના.
બાઇબલ મુજબ પરમેશ્વર પિતાએ સમગ્ર સૃષ્ટિની સાથે પોતાની પ્રતિમા પ્રમાણે માનવીનું સર્જન કર્યું. પૃથ્વી પરના પ્રથમ માનવી આદમ અને હવાને એદન વાડીમાં સ્થાપિત કર્યાં. એદન બાગમાં પૃથ્વી પર મોજુદ તમામ ફળફળાદિ અને વનસ્પતિ ઉપલબ્ધ હતાં. તેની સાથે જીવનનું વૃક્ષ અને જ્ઞાનનું વૃક્ષ પણ હતાં. પરમેશ્વરે આદમ અને હવાને આજ્ઞા આપી હતી કે તમારે આ બંને વૃક્ષના ફળ ખાવા નહીં. જે દિવસે તમે તે ખાશો તે દિવસે તમે મરશો જ મરશો. પરમેશ્વર પિતા દૈહિક મોતની નહીં, પરંતુ આત્મિક મોતની વાત કરી રહ્યાં હતાં.
એક દિવસ શેતાન સર્પનું સ્વરૂપ ધારણ કરી એદન બાગમાં આવ્યો અને હવાને ભરમાવીને તેને પ્રતિબંધિત ફળ ખાવા લલચાવી. હવાએ જ્ઞાનના વૃક્ષનું ફળ તોડીને ખાધું અને આદમને પણ ખવડાવ્યું. આમ માનવજાતે પરમેશ્વર પિતાએ આપેલી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને માનવીમાં પાપે પ્રવેશ કર્યો. માનવજાત દ્વારા પરમેશ્વર વિરુદ્ધ કરાયેલું અનઆજ્ઞાંકિતપણાનું એ પહેલું પાપ હતું. પરમેશ્વર પિતાએ આદમ અને હવાને એદન બાગમાંથી હાંકી કાઢ્યાં. આ સાથે જ માનવજાત અને પરમેશ્વર પિતા વચ્ચે પાપરૂપી દિવાલ ચણાઇ ગઇ. આ પહેલાં પરમેશ્વર પિતા આદમ અને હવા સાથે મોંઢામોંઢ વાત કરતાં હતાં.
આદમ અને હવાએ સૃષ્ટિના રચયિતા તરફ પોકારાયેલું પાપરૂપી બંડ તેમની આગામી પેઢીઓમાં પણ જારી રહ્યું. સમગ્ર માનવજાતને શેતાને પાપરૂપી ફંદામાં જકડી લીધી. માનવજાતના આ બંડથી કોપાયમાન પરમેશ્વર પિતાએ જળપ્રલય દ્વારા પૃથ્વીનો નાશ કર્યો પરંતુ તેમની નજરમાં આજ્ઞાંકિત એવા નૂહ અને તેના પરિવારની સાથે પૃથ્વી પર આજે હયાત એવા પશુપંખીઓને બચાવી લીધાં. તે સમયે પરમેશ્વરે નૂહ સાથે કરાર કર્યો કે હું ફરી ક્યારેય જળપ્રલય દ્વારા માનવજાતનો નાશ કરીશ નહીં.
બાઇબલ મુજબ આજની માનવજાત નૂહની વારસ છે. નૂહના વારસોમાં પણ પાપ યથાવત રહ્યું. પાપ એટલે કે પરમેશ્વર પિતાની નજરમાં ધિક્કારપાત્ર વસ્તુઓ. બાઇબલ કહે છે કે પરમેશ્વર પિતા ક્રોધ કરવામાં ધીમા અને કૃપા કરવામાં ઉતાવળા છે. પરમેશ્વર પિતા નહોતા ઇચ્છતા કે માનવજાત નાશમાં એટલે કે નર્કની અગ્નિમાં ધકેલાઇ જાય. આ માટે તેમણે એક યોજના બનાવી જે આજથી 2000 વર્ષ પહેલાં આજના ઇઝરાયેલના યરૂશાલેમ ખાતે કાલવરીની ટેકરી પર ગૂડ ફ્રાઇડે અને ઇસ્ટરના દિવસે પરિપૂર્ણ થઇ.
માનવજાતને પાપમાંથી મુક્તિ મળે તે માટે પરમેશ્વર પિતાએ તેમના પુત્ર પ્રભુ ઇસુ ખ્રિસ્તને પૃથ્વી પર મોકલી આપ્યા. બાઇબલ કહે છે કે પરમેશ્વરે પોતાના એકાકી જનિત પુત્રને પૃથ્વી પર મોકલ્યાં જેથી તેમના પર વિશ્વાસ કરનાર કોઇ માનવીનો નાશ ન થાય પરંતુ તે અનંતજીવન પામે. આ અનંતજીવન એટલે શું એવો સવાલ થઇ શકે. માનવીના પૃથ્વી પરના જીવન બાદનું જીવન એટલે અનંતજીવન.
પૃથ્વી પરના દરેક ધર્મ કહે છે કે માનવીના મૃત્યુ બાદ તેના કર્મોનો હિસાબકિતાબ સ્વર્ગમાં થાય છે અને તેના આધારે તેને સ્વર્ગ કે નર્ક મળે છે. માનવજાતને નર્કની યાતનાઓમાંથી બચાવવા અને દરેક માનવી સ્વર્ગીય અનંતજીવન પામે તે માટે પોતાના નિષ્કલંક પુત્ર ઇસુ ખ્રિસ્તને માનવી સ્વરૂપમાં પૃથ્વી પર મોકલ્યાં અને તેમણે વધસ્થંભ પર માનવજાતના પાપોના માટે પોતાનું નિર્દોષ લોહી વહેવડાવ્યું. પ્રભુ ઇસુ ખ્રિસ્તના બલિદાન પહેલાં યહૂદી પ્રજા પોતાના પાપોના નિવારણ માટે વિવિધ પ્રકારના પશુઓના બલિ ચડાવતી હતી પરંતુ પરમેશ્વર પિતાએ પોતાના એકના એક પુત્રને બલિ તરીકે મોકલીને સમગ્ર માનવજાતના પાપોનું હરણ કરી લીધું.
ગૂડ ફ્રાઇડેના દિવસે કાલવરીના વધસ્થંભ પર શેતાન પરાજિત થયો તો ઇસ્ટર સન્ડેના દિવસે પ્રભુ ઇસુએ મોતને પરાસ્ત કર્યું. કાલવરીની ટેકરી પર વધસ્થંભ પર લટકાવાયેલા પ્રભુ ઇસુ ખ્રિસ્તના લોહીથી માનવજાતના પાપ માફ થયાં. વધસ્થંભ પર મૃત્યુના ત્રીજા દિવસે પ્રભુ ઇસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા. પુનરુત્થાન બાદ તેમણે પોતાના શિષ્યો અને અન્ય વિશ્વાસીઓને દર્શન આપ્યાં અને તેમના શિષ્યોના નજરે જોતાં સ્વર્ગમાં ચઢી ગયાં. પ્રભુ ઇસુ સ્વર્ગમાં ઉંચકાઇ રહ્યાં હતાં ત્યારે આકાશમાંથી વાણી થઇ કે જેમ તમે તેને સ્વર્ગમાં ઉંચકાઇ જતો જૂઓ છો તેવી જ રીતે સ્વર્ગીય મહિમા સાથે તેને પાછો આવતો જોશો. તે સમયે તે પૃથ્વી પરના લોકોનો ન્યાય કરશે.
આમ પરમેશ્વર પિતાની માનવજાતને પાપમાંથી મુક્તિ અને કરેલા પાપોની માફીની યોજનાને ગૂડ ફ્રાઇડે અને ઇસ્ટર સન્ડેના
પર્વ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. એટલા માટે જ પ્રભુ ઇસુ ખ્રિસ્તના મરણ દિવસને શુભ શુક્રવાર એટલે ગૂડ ફ્રાઇડે તરીકે મનાવાય છે. બાઇબલમાં પ્રભુ ઇસુ ખ્રિસ્ત કહે છે કે હું માનવજાતના પાપ હરવા આવ્યો છું. બાઇબલમાં પ્રભુ ઇસુ ખ્રિસ્તને દેવનું હલવાન (પવિત્ર ઘેટું)ની ઉપમા અપાઇ છે. એક એવું નિષ્કલંક હલવાન કે જેણે માનવજાતના પાપો માટે કોરડાનો માર સહન કર્યો, શાબ્દિક અને શારીરિક અપમાન અને યાતનાઓ વેઠી, જેને વધસ્થંભ પર હાથે અને પગે ખિલ્લા ઠોકીને મોતને હવાલે કરાયું, જેની કૂખમાં ભાલો ઘોંપી દેવામાં આવ્યો. પરમેશ્વર પિતાના હલવાનની આ યોજના એટલે જ ગૂડ ફ્રાઇડે (આ વર્ષે 29 માર્ચ) અને ઇસ્ટર સન્ડે (આ વર્ષે 31 માર્ચ)... બાઇબલ કહે છે કે ઇસુના લોહીથી પાપમાંથી મુક્તિ મળી છે... હાલેલૂયાહ....


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter