ગેરેથના દંભનો બુરખો આખરે ચીરાઈ જ ગયો

ગુજરાતી કોમ્યુનિટીના નોંધપાત્ર વર્ગનું પ્રતિનિધિત્વ કરવાને કમનસીબી ગણાવતા લેબર સાંસદ ગેરેત થોમસ

કપિલ દૂદકીઆ Tuesday 02nd May 2023 13:08 EDT
 
 

બ્રેકિંગ ન્યૂઝઃ મેં હમણાં જ HFBના પ્રેસિડેન્ટ તૃપ્તિબહેન પટેલે કેર સ્ટાર્મરને લખેલો પત્ર જોયો છે. તેમણે આ પત્રમાં ગેરેથ થોમસ સાથે તેમની વાતચીત વિશે લખ્યું છે. તેઓ લખે છે,‘ વાતચીતના એક સમયે ગેરેથે જણાવ્યું હતું,‘હું મારા મતવિસ્તારમાં ગુજરાતી કોમ્યુનિટીના નોંધપાત્ર વર્ગનું પ્રતિનિધિત્વ કરવા પૂરતો કમનસીબ છું.’ આ આઘાતજનક સમાચાર છે. લેબર પાર્ટીના શેડો મિનિસ્ટર ફોર ટ્રેડ ગેરેથ થોમસ કેવી રીતે કહી શકે કે તેમણે ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરવું પડે છે તે કમનસીબી છે?’ તૃપ્તિબહેન કેરને યાદ અપાવતા જણાવે છે કે,‘ જો ગેરેથે એમ કહ્યું હોત કે,‘યહુદી કોમ્યુનિટીનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે કમનસીબ છે’ અથવા ‘મુસ્લિમ કોમ્યુનિટીનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે કમનસીબ છે’, તો તે સ્વીકાર્ય બની રહેત? આપણી પાસે બીજા લેબર સાંસદ છે જેઓ કહે છે કે ગુજરાતી મતદારોનું પ્રતિનિધિત્વ કરવું પડે છે તે તેમની કમનસીબી છે. આ લેબર રાજકારણીઓ કયા ગ્રહ પર વસે છે? યહુદીવિરોધી અને હિન્દુવિરોધી લાગણીઓ તેમના પક્ષનાં સત્વને જ ખલાસ કરી રહી છે.

ગેરેથ થોમસે પાર્લામેન્ટરી આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા સાથે પદની પ્રતિષ્ઠા ખરડી છે. વાસ્તવમાં તેમણે ગુજરાતી કોમ્યુનિટીને એવું જૂથ ગણાવ્યું છે જેને તેઓ તેમના સાંસદ બની રહેવા માટે જ સહન કરે છે. તૃપ્તિબહેને કેરને સ્પષ્ટ જણાવ્યું છે કે,લેબર પાર્ટીના નેતા તરીકે તમારી પણ જવાબદારીઓ છે અને અમે માનીએ છીએ કે તમારે લેબર વ્હીપ પાછો ખેંચી ગેરેથને શેડો કેબિનેટમાંથી દૂર કરવાની જરૂર છે.’ ચોક્કસપણે જો ગેરેથમાં કોઈ સ્વમાન અથવા જવાબદારી કે કર્તવ્યની ભાવના બચ્યાં હશે તો તેમણે રાજીનામું આપવું જોઈએ અને ગુજરાતી કોમ્યુનિટીની સ્પષ્ટપણે માફી માગવી જોઈએ.

મને ખાતરી છે કે કેટલાક લોકો તૃપ્તિબહેનની ઉપેક્ષા અને તેમની પ્રતિષ્ઠાને ખરડવા ઈચ્છશે. પ્રીતિ પટેલ, રિશિ સુનાક, સુએલા બ્રેવરમેન અને અન્ય ઘણા સામે સ્થાપિત ધરાવતી વ્યક્તિઓ અને જૂથો દ્વારા આ પ્રકારના હુમલા થયેલા છે. ખાસ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ માટે મેં તૃપ્તિબહેન સાથે લાંબી વાત કરી હતી. એમ જણાય છે કે ગેરેથ સાથે તેમની કથિત વાતચીત દરમિયાન કોઈ સાક્ષી ત્યાં હાજર હતા અને તેમણે આ વાતચીત સાંભળી હતી.

APPG ગુજરાતીનું અપડેટઃ મેં ખુદ લોન્ચિંગ ઈવેન્ટમાં જઈ શું થયું તેનું નીરિક્ષણ કર્યું હતું. તે 125ની ક્ષમતા સાથેના એટલી સ્યૂટમાં યોજાયું હતું અને મારા અંદાજ મુજબ આશરે 85 લોકો હાજર હતા. મેં ઈવેન્ટ રૂમમાં પહોંચવા સુધી કેટલાક લોકો સાથે વાત કરવાની તક ઝડપી લીધી. એમ લાગ્યું કે પરિવાર, મિત્રો અથવા લેબર પાર્ટીના સભ્યો જ વધુ હતા. માન્ય રાષ્ટ્રીય સંસ્થાઓના કોઈ પ્રતિનિધિને જોઈ શક્યો નહિ.

HFBના તૃપ્તિબહેન પટેલ અને NAPS ના પ્રવીણભાઈ અમીન ચોક્કસ ઉપસ્થિત હતાં પરંતુ, તેઓ APPG વિરુદ્ધ સત્તાવાર વિરોધ પ્રદર્શિત કરવા આવ્યા હતા. કોઈને બોલવા દેવા અથવા તો પ્રશ્ન પૂછવા દેવાનો પણ ગેરેથનો જરા પણ ઈરાદો ન હતો. વાસ્તવમાં, તેના સંબોધનમાં તેમણે હાજર રહેલા નાના સંગઠનોમાંના એકના પ્રેસિડેન્ટ વિશે ગુણગાન ગાવાનું શરૂ કર્યું અને તૃપ્તિબહેન પટેલ અને પ્રવીણભાઈ અમીન તેમનાથી થોડા ફૂટના જ અંતરે હતા તેના તરફ તદ્દન દુર્લક્ષ સેવ્યું હતું. મારે દરમિયાનગીરી કરી આ વિશે તેમનું ધ્યાન દોરવું પડ્યું ત્યારે ભારે ક્ષોભ સાથે તેમણે આ લોકોની નોંધ લેવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. આશ્ચર્ય એ થાય છે કે આ કેવા પ્રકારની APPGની રચના થઈ રહી છે જેમાં, તેઓ આપણા સંગઠનોના નેતાઓનો આદર કરતા નથી?

ચીલાચાલુ ભાષણ સિવાય, ગેરેથ તેમણે કોની સાથે પરામર્શ કર્યો અથવા કેટલી સંસ્થાઓએ તેમને આશીર્વાદ પાઠવ્યા છે તેવી કોઈ માહિતી આપી શક્યા નહિ. એક સમયે તેમણે કહ્યું આ પ્રક્રિયા તો એક વર્ષ કરતાં વધુ સમયથી ચાલે છે. ખરેખર? આ સમયગાળામાં આપણી અગ્રસંસ્થાઓમાંથી કોઈની સાથે મસલતો કરવાનો સમ્ય મળ્યો નહિ? હકીકત તો એ છે કે આપણી મોટા ભાગની સંસ્થાઓએ તેમને પત્ર લખી APPGને વિભાજક કહી ફગાવી દીધી હતી.

ગેરેથ થોમસને ખુલ્લો પડકારઃ તમને વારંવાર કહેવાયું છે કે તમે જેને કન્સલ્ટ કર્યા હોય તે દરેક સંસ્થાની સંપૂર્ણ યાદી આપો અને તેમની પસંદગીના ધોરણો દર્શાવો. તમે કન્સલ્ટ કરી હોય તે દરેક વ્યક્તિની સંપૂર્ણ યાદી આપો અને તેનું કારણ પણ જણાવો. તમને પ્રાપ્ત તમામ સમર્થનપત્રોની નકલો પણ આપો. અમે જે માગીએ છીએ તે સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ છે અને આ જાહેર કાર્યક્ષેત્રમાં હોવું જ જોઈએ. અમારે આવા પાયાની માહિતી માગવી પડે તે દર્શાવે છે કે તમારે કશું છુપાવાનું છે.

લગભગ દરેક મુખ્ય રાષ્ટ્રીય સંસ્થાએ APPGને નકારી કાઢી છે તે હકીકત વિશે મેં બોબ બ્લેકમેનના વિચારો જાણવા ઈચ્છ્યા ત્યારે બોબે તેમની લાક્ષણિક શૈલીમાં સ્પષ્ટ કર્યું કે તેઓ નબળાં કોમ્યુનિકેશનથી જરા પણ ખુશ નથી. હું માનું છું કે સંપૂર્ણ સેટ-અપ તેમજ સેક્રેટરિયેટ અને ગેરેથે જેમ રીતે પોતાને રજૂ કર્યા તેનાથી તેઓ રાજી નથી. બોબને એક સલાહ કે જો તમે આ ગાંડપણની સાથે લાંબો સમય રહેશો તો તમને પણ તેની અસર થવા બાબતે મને જરા પણ આશ્ચર્ય નહિ થાય.

આ લોન્ચિંગ જ ઢસરડા જેવું હતું. મોટા ભાગના જે હાજર હતા તે પોતાનું અથવા ધંધાકીય હિતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. મહેન્દ્રસિંહ જાડેજાને તેઓ જેની સાથે સંકળાયેલા છે તેવા બિઝનેસ એન્ટરપ્રાઈઝને આગળ વધારવામાં જ રસ હોઈ શકે છે. પંજાબીઓનું એક ગ્રૂપ પણ હાજર હતું પરંતુ, એક સૂત્ર મારફત મને જાણવા મળ્યું છે કે હવે બ્રિટિશ પંજાબીઓ માટે APPGની રચનાની તૈયારી ચાલે છે. ગણગણાટ તો એવો પણ છે કે કેટલાક રાજકારણીઓ તામિલ, મહારાષ્ટ્રિયન, બંગાળીઓ, રાજસ્થાનીઓ વગેરે માટે APPG સ્થાપવા વિચારે છે. જો ભારતીયો લેબર પાર્ટીની આ ‘ભાગલા પાડો અને રાજ કરો’ નીતિનું પાગલપન નિહાળી શકતા ન હોય તો તેમને ઈશ્વર જ બચાવે!

ઘણા લોકો ભારતથી આવતા હિન્દુ અને જૈન ગુજરાતી સમુદાય પર ધ્યાન કેન્દ્રિત કરતા હશે પરંતુ, ગુજરાતમાં ગણનાપાત્ર મુસ્લિમ સમુદાય છે તે નોંધવું પણ મહત્ત્વનું છે. શું તમે જાણો છો કે પાકિસ્તાનમાં આશરે 3.5 મિલિયન ગુજરાતી મુસ્લિમ છે? મને ખાતરી છે કે યુકેમાં પાકિસ્તાની ગુજરાતીઓ પણ તેમનો અવાજ સંભળાય અને તેમની ઉપેક્ષા ન થાય તેમ ઈચ્છતા હશે. આખરે, APPG માત્ર ભારતના ગુજરાતીઓ પુરતી મર્યાદિત નથી.

હું ગેરેથને કહી શકું છું કે જ્યારે ઈવેન્ટ શરૂ કરાયો ત્યારે માત્ર બે MP હાજર હતા. થોડા સમય પછી વધુ બે MPજોડાયા અને તે પછી એક લોર્ડ સામેલ થયા. આ APPGસાથે આરંભથી જોડાયેલા હતા તે ભારતીય મૂળના એક પણ MP કે લોર્ડ હાજર થયા નહિ. આ સાચું છે. શૈલેશ વારા, વિરેન્દ્ર શર્મા અને નવેન્દુ મિશ્રા ગેરહાજર હતા. લોર્ડ ધોળકીઆ પ્રત્યે આદર સાથે હું તમને આનંદસહ માહિતી આપું છું કે ગુજરાત ડેના દિવસે તેમણે APPG સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો છે. કોમ્યુનિટીની સાથે જ રહેવા બદલ હું નવનીતભાઈની પ્રશંસા કરું છું.

APPG પાગલપનમાં સંડોવાયેલાના નામ પણ જાણી લોઃ સંજય જગતીઆ, મહેન્દ્રસિંહ જાડેજા, અજય ચૌરસિયા, મુના ચૌહાણ, પ્રજ્ઞા હે, સંજય રુઘાણી, જીત રુઘાણી, રાજ મિસ્ત્રી, પ્રમોદ ઠક્કર, અમિત કારીઆ, અને અમિત ચંદારાણાના નામોની તો મને જાણ છે. લોહાણા કોમ્યુનિટી ઓફ નોર્થ લંડનના પ્રેસિડેન્ટ મીનાબહેન જસાણી અને લોહાણા કોમ્યુનિટી ઓફ સાઉથ લંડનના પ્રેસિડેન્ટ અજય જોબનપુત્રાની હાજરીથી મને આશ્ચર્ય થયું છે. તેઓ આ ટૂકડે ટૂકડે ગેન્ગનો હિસ્સો શા માટે છે તેનો ખુલાસો તેમણે સભ્યો સમક્ષ કરવો પડશે. હું લોર્ડ પોપટની પ્રશંસા અવશ્ય કરીશ કે તેઓ એક માત્ર ઉમરાવ છે જેમણે APPGની રચનાના વિરોધમાં ગેરેથને લખ્યું હતું.

નેશનલ એસોસિયેશન ઓફ પાટીદાર સમાજ (NAPS)ના પ્રેસિડેન્ટ પ્રવીણભાઈ અમીને ગેરેથ થોમસને અણિયાળો પ્રશ્ન પૂછ્યો હતો, ‘ગેરેથ, સંખ્યાબંધ સંસ્થાનો સંપર્ક કરાયો નથી. આનો ઉલ્લેખ સેક્રેટરિયેટ સમક્ષ કરીએ ત્યારે તેઓ કહે છે કે અમે તેમને આમંત્રણ ન આપીએ તો તે પણ અમને આમંત્રણ નહિ આપે. આ યોગ્ય નથી.’ ગેરેથે આ પ્રશ્ન ઉડાવી દીધો પરંતુ, મને ભારે આઘાત લાગ્યો છે. આ વિગતોની ચોકસાઈ કરવા મેં પ્રવીણભાઈ સાથે વાત કરી હતી. તમે માનશો, આપણી સમક્ષ APPGની સેક્રેટરિયેટ (સંજય જગતીઆ) છે જે પક્ષપાત આચરતી જણાય છે. વાસ્તવમાં જો તેમની તરફદારી કરશો તો તમને આ ગ્રૂપમાં આમંત્રિત કરાશે. આ APPG ગુજરાતીઓ માટેની નથી પરંતુ, તેને સ્થાપનારા પરિવાર અને તેમના મિત્રો માટેની છે. એ સ્પષ્ટ છે કે સંજય જગતીઆ સેક્રેટરિયેટ બનવા માટે લાયક જ નથી.

એક સપ્તાહમાં ઘણું બધું થઈ ગયું. ઉદ્ભવેલા મુદ્દાઓ માત્ર ગંભીર નથી, સમગ્ર ભારતીય કોમ્યુનિટીને પ્રત્યક્ષ અસર કરી રહ્યા છે. હેરો વેસ્ટના લોકો (અને સમગ્ર દેશના ગુજરાતીઓ) માટે આ બોધપાઠ છે કે જો તેમનામાં આત્મગૌરવ જેવું કાંઈ હોય તો તેમનું શોષણ કરનારા ખુલ્લેઆમ આવા પૂર્વગ્રહનું પ્રદર્શન કરે તેને કેવી રીતે ચલાવી લઈ શકે?

(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter