હા. આજકાલ શ્રાવણ મહિનો ચાલે છે. શિવ, શ્રીગણેશ, શ્રીકૃષ્ણ અને બીજા દેવી-દેવતાઓ પ્રત્યે ભક્તિનું ઘોડાપૂર દેખાય છે. મંદિરોમાં ભીડ, યજમાન પંડા-પૂજારીઓની મોસમ, સાચા-ખોટા સંસ્કૃતમાં પૂજા-પાઠ, શ્રદ્ધા અને પરમ શ્રદ્ધાની સરવાણી... દરેક દેવાલય શ્રાવણના દેવતાઓને અર્ધ્ય માટે ખુલ્લા છે. એકલી ગંગા, યમુના, નર્મદા, કાવેરી, કૃષ્ણા, બ્રહ્મપુત્ર જ નહિ, નાની મોટી તમામ નદીઓ અને વગડે ઉભેલા મંદિરોનું માહાત્મ્ય છલકાય છે. કથા, મહાકથા, યજ્ઞ, પાઠ સર્વત્ર.
આમાં ક્યાંક કેટલાક શબ્દો વારંવાર સંભળાય છે: ગોત્ર, પ્રવર, અવટંક, શાખા, કુળદેવી, ગોત્ર દેવી, ગણપતિ, ભૈરવ, મહાદેવ, તીર્થ અને નદી. લગ્ન, યજ્ઞોપવિત, શ્રાદ્ધ વગેરેમાં આ તમામ ઓળખ પ્રસ્તુત થાય છે. પ્રયાગરાજ, કાશી વગેરે નદી તટ જાઓ તો ત્યાં મહારાજો, પંડાઓની કતાર તમારું સ્વાગત કરવા તૈયાર હોય, તમે નામ કહો એટલે તરત તેમના ચોપડાઓ ખૂલે, તમારા પૂર્વજો સહિતની વંશાવલી મળી આવે. ગોત્ર, પ્રવર, કુળદેવી વગેરે પણ જાણવા મળે. હા, તેમની તગડી દાન-દક્ષિણા અનિવાર્ય હોય. આપણે ત્યાં આવું કામ બારોટો કે વહીવંચા કરે છે. હવે તે વર્ગ મોટે ભાગે આ કાર્ય કરતો નથી, કે લુપ્ત થઈ ગયો છે. પચાસેક વર્ષ પહેલા નગરમાં આ જાણકારો આવતા, અને વંશાવલી કાઢતા, નવાનો ઉમેરો કરતા.
આજે સ્થિતિ બદલાઈ ચૂકી છે. આમેય આપણો સમાજ વિસ્મૃતિના અભિશાપથી ગ્રસ્ત છે. ઇતિહાસ-બોધનો દુષ્કાળ પડતો જાય છે, જે ઇતિહાસ અને તેના સ્થાનો પ્રેરિત કરી શકે તે રઝળેલી હાલતમાં જોવા નવાઈની વાત નથી. આવા સંજોગોમાં ગોત્ર એટલે શું તેની સમજ આપવી પડે. ભારતના સૌથી પ્રાચીન ઋષિકુળની ઓળખ ગોત્રથી થતી.
ગોત્રની સાથે તેના મુખ્ય ઋષિવરોને માટે પ્રવર શબ્દ આવ્યો તે આપણી કૃષિની ભાવના સાથે જોડાયેલો છે. ઋષિઓ પોતાની પાઠશાળા-ગુરૂકુળ ઉપરાંત એક ગૌ-શાળા રાખતા, આ ગાયના વાડા પરથી પ્રવરના નામો રચાયા એમ કેટલાક અભ્યાસીઓ કહે છે. જેમ કે વશિષ્ઠ, શાંડિલ્ય, ભાર્ગવ વગેરેના વાડા અને તેનું પ્રવર. શરૂઆતમાં સપ્તર્ષિ વત્તા એક એમ આઠ ઋષિઓ હતાઃ અગસ્ત્ય, અત્રિ, કશ્યપ, ગૌતમ, જમદગ્નિ, ભારદ્વાજ, વશિષ્ઠ, વિશ્વામિત્ર. ગોત્રનો અર્થ પૃથ્વી-રક્ષક અને ઇન્દ્રિયોને વશ કરનારા ઋષિવરો એવો થતો. પ્રવર, વેદ, શાખા, દેવતા તે માત્ર ઓળખ નહોતી, તેની શ્રેષ્ઠતાનો સંકેત પણ હતો.
ગુજરાતમાં આ ગોત્રધારી વંશજોએ સાંસ્કૃતિક અસ્મિતાનો પાયો નાખ્યો તેમ કહેવું અતિશયોક્તિ કે બ્રાહ્મણવાદ નથી. શ્રેષ્ઠ અર્પણ કરવાનું તેમનું પ્રદાન રહ્યું. એક મુનિવર યવનચાર્ય એથેન્સ ગ્રીસ જઈને સમુદ્રશાસ્ત્ર રચ્યું તે આજના સમુદ્ર-વિજ્ઞાનીઓ માટે કુતુહુલનો વિષય છે. વેદકાલીન ગુજરાતમાં સાબરમતીના ઉત્તર કિનારે ઐતરેય બ્રાહ્મણ જેવો ઉત્તમ ગ્રંથ રચાયો તેના રચનાકાર મહિદાસ ઐતરેય હતા, મહીસાગરના સંગમ પર તેમનો આશ્રમ હતો.
શારીરિક ખોડ ધરાવતા અષ્ટાવક્ર મુનિ કૃત અષ્ટાવક્ર ગીતા પ્રભાષ પાટણમાં રચાઇ હતી. યોગવિદ્યાના સાધક સોમ એટલે સોમનાથ દેવાલયના સ્થાપક. મૈત્રેયી અને યાજ્ઞવલ્કયનો ખ્યાત સંવાદ, જેમાં જીવનથી મૃત્યુ અને તેની પેલી પારની વ્યાખ્યા છે, તે પ્રભાષ અને દ્વારિકાની વચ્ચે થયો હતો. સીતાપુત્રો લવ-કુશને ધનુર્વિદ્યા અહીં શીખવાડવામાં આવી. શુકલતીર્થ અને પ્રભાષમાં મહર્ષિ ભૃગુ રહ્યા હતા. વિશ્વના પ્રથમ ‘ડોક્ટર’ અશ્વિનીકુમારો મોઢેરામાં જન્મ્યા હતા.
ગાયત્રી મંત્રના ઉદ્દગાતા વિશ્વામિત્ર છોટાઉદેપુરમાં આશ્રમી જીવન અને વિશ્વામિત્રી નદીના કિનારે તેમણે પ્રથમ ગાયત્રી મંત્રને વ્યક્ત કર્યો. ભરૂચની સાથે પરશુરામનો સંબંધ. ગિરનારનું બીજું નામ જ રૈવતક છે. પાંચમા મન્વંતર (યુગ)નો મહાનાયક હતો સ્વયંભૂ મનુનો પુત્ર રૈવતક. (મન્વંતર એટલે ચાર યુગ - સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ એમ ચાર યુગ મળીને સમયખંડ બને તે મન્વંતર. અત્યારે આપણે વૈવસ્ત મનવંતરમાં જીવી રહ્યા છીએ.) ગિરનારે હિમાલય કરતાં વધુ યુગ જોયા છે. સિદ્ધો, મહંતો, સાધુ અને સાધ્વીઓ, ભગવાનની ઊંચાઈ સુધીના પાત્રો, રાજવીઓ અને આચાર્યોનું પ્રિય સ્થાન રહ્યું છે. અહીં જેમ અશોકનો અભિલેખ છે તેમ શિવ-ભક્ત રુદ્ર દામનનો અભિલેખ પણ છે. સુદર્શન તળાવ ભારે વરસાદથી ફાટયું ત્યારે આ રુદ્ર દામને અપાર મહેનતથી જલ્દી સમારકામ કરાવ્યું હતું.
આચાર્ય ચાણક્યે રાજવી ચંદ્રગુપ્તને સૂચવ્યું હતું કે આ ગિરનારની પાસે જ ‘સમુદય સ્થાન’ વસાવજે, પછી ગિરિનગર બન્યું. શક્તિ, ભક્તિ, જ્ઞાન અને સંવાદના ગુણવર્ધનનું આ પ્રતિક છે.
સ્વાભાવિક રીતે વિવિધ ગોત્ર ધરાવનારા મહાનુભાવોએ તેનું સંવર્ધન કર્યું છે. તેમણે વિવિધ લોકજીવનને આધ્યાત્મ અને શૌર્ય સાથે જોડ્યું એટલે તો આ ખમીર, ખુમારી અને બલિદાનની ભૂમિ બની.
દક્ષિણના કાલડીથી વેદપુરુષ આદિ શંકરાચાર્યે એટલે જ ભારતમાં ચાર પીઠ સ્થાપી તેમાંની એક દ્વારિકામાં છે. ગુરુ ગોવિંદ અને વિવેકાનંદ પણ આ ભૂમિ પર વિચર્યા હતા. છેક આધુનિક યુગ સુધી આ વીરલા પાક્યા.
ઇતિહાસની એક કથા છેક કાશ્મીર અને ઉત્તર ભારતથી પંડિત બ્રાહ્મણોને ગુજરાત તરફ દોરે છે. 950 ઈસવી સનની આસપાસ આ ઘટના બની, 942માં મૂળરાજ સોલંકીએ રાજકાજમાં તદ્દન નિષ્ફળ સામંતસિંહ ચાવડાની સામે બળવો કર્યો અને પોતે રાજગાદી પર આવ્યો, પણ હત્યાના પશ્ચાતાપ સાથે સાબરમતી કિનારે તપસ્વી કંથડદેવની સૂચના પ્રમાણે પાટણ નજીક સિદ્ધવટ સ્થાને શિલ્પનિષ્ણાત ગંગાધર શાસ્ત્રીની સલાહ લઈને શાંતિ અને રુદ્ર સ્વરૂપોના અવતરણ માટે અતિરુદ્ર યજ્ઞ કરાવવાનો નિર્ણય લીધો. તેના માટે સંપૂર્ણ સજ્જ બ્રાહ્મણ જોઈએ જે તે વખતે ગુજરાતમાં નહોતા એટલે ઉત્તર ભારતમાંથી બોલાવ્યા. 1037 પંડિતો આવ્યા તેને સહસ્ત્ર ઔદિચ્ય કહેવાયા. પ્રયાગ, કાન્યકુબ્જ, કાશી, ગંગાદ્વાર, નૈમિષારણ્ય, કુરુક્ષેત્ર, પુષ્કરરાજથી આવેલા આ વિદ્વાનો 33 ગોત્રના હતા, સામવેદ અને યજુર્વેદના વિદ્વાન હતા.
સંવત 1050ના વૈશાખની અક્ષય તૃતીયાએ અતિરુદ્ર યજ્ઞ થયો, દસ દિવસ ચાલ્યો. ઉત્તર ભારતના અધ્વર્યુ બોધાયન મહર્ષિના અભિષેકે ગૌરવ વધાર્યું, રાજવીએ આ સહસ્ત્ર પંડિતોને પાટણથી ઉત્તર ગુજરાત અને શિહોરથી ઝાલાવાડ સુધી જમીન અને ગામ આપ્યા. તેમની કુળદેવી અને પૂર્વજોના સ્થાનકો ઠેર ઠેર છે. મહત્વની વાત એ છે કે ગઝની અને સુલતાનોના આક્રમણ સમયે આ સહસ્ત્રોએ સમાજને શક્તિશાળી અને મજબૂત કરવાનું કામ કર્યું. આ સહસ્ત્ર ઔદિચ્ય બ્રાહ્મણોની શરૂઆતમાં 16 અવટંકથી ઓળખ હતી, સમય જતાં તે 60 સુધીની થઈ. હવે તો તેમાંના કેટલાક વિદેશોમાં પણ વાસી ગયા છે, પોતાના ગોત્રના ડીએનએ સાથે!