જંગી અને જોરદાર બહુમતી સાથે જનરલ ઈલેક્શન જીત્યાના એક જ વર્ષ પછી એમ જણાય છે કે કેર સ્ટાર્મર અને લેબર પાર્ટી નબળી પડી રહી છે. ગત 6 મહિના દરમિયાનના દરેક પોલ્સ દર્શાવે છે કે લેબર પાર્ટી આગામી ઈલેક્શન હારી જશે અને કોઈ પણ પાર્ટીની સરખામણીએ આ સૌથી ખરાબ પરાજય હશે. ગુંલાટબાજ ‘U-turn’ સ્ટાર્મર, ‘દરેક પર ટેક્સ લાદતા’ રીવ્ઝ, ‘આંતરરાષ્ટ્રીય અનાડી’ લેમી, ‘મને ખબર નથી’ રેનેર અને ‘મોકળા દરવાજા’ના કૂપરની સહિયારી નિષ્ફળતાઓએ આ દેશની રોજબરોજની યાતનામાં ઉમેરો જ કર્યો છે. આસમાને જતા ટેક્સીસ, પેન્શન્સમાં ઘટાડા, સેવાઓ ગુમાવતા પેન્શનરો, કચરો એકત્ર કરવા અને નિકાલમાં ગરબડ, ડોક્ટરોની હડતાળ, રાષ્ટ્રીય ઋણમાં વધારો, સર્વ જાણકાર વોકર્સ સામે ઘૂંટણીએ પડતા શિક્ષકો, પોલીસ દ્વારા દ્વિસ્તરીય પોલિસીંગ, ક્રિમિનલ્સને જેલમાં પૂરવામાં કોર્ટની નબળાઈ, વધતી જતી કિંમતો, આસમાનને આંબતી બેરોજગારી, અભૂતપૂર્વ સંખ્યામાં દેશ છોડી રહેલા સમૃદ્ધ તવંગરો, ઉદ્યોગોનો વિનાશ કરતા નેટ ઝીરો, મોટા ભાગના ઈયુ દેશોની સરખામણીએ અતિ ઊંચી એનર્જી કોસ્ટ, ઊંચે જતા પાણીના દર, ઊંચે જતો જીવનનિર્વાહ ખર્ચ, સતત વધતા કન્જેશન ચાર્જીસ, વધી રહેલી હડતાળો, યુકે પર હલ્લાબોલ કરી રહેલા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ, વધી રહેલા એસાઈલમ સીકર્સ, આ યાદી તો અનંત છે. જ્યારે આ બધું લખવું જ હતાશા લાવે છે ત્યારે લેબર પાર્ટી રાષ્ટ્રીય રીતે પોલિંગમાં ભારે ખરાબ દેખાવ કરે તેમાં કોઈ આશ્ચર્ય ખરું?
પોલ્સની વાત કરીએ તો, રીફોર્મ યુકે ગત 6 મહિનાથી સૌથી અગ્ર ક્રમે છે અને હવે આપણી સમક્ષ અતિ ડાબેરી કોર્બીન/સુલતાના પાર્ટી છે જેણે આશરે 12 ટકા મત હાંસલ કર્યા છે. એમ લાગે છે કે નંબર 10 ખાતે ઈલેક્શન વોર કેબિનેટની બેઠક મળી હશે અને નિર્ણય લેવાયો હશે કે 16/17 વર્ષના ટીનેજર્સને મતાધિકાર આપવાનો વિકલ્પ એ જ પાર્ટીનાં નુકસાનને મર્યાદિત કરવાની આખરી તક હોઈ શકે. ચોક્કસપણે, મતદાનમાં ગોલમાલ કરવાનો આ અનોખો માર્ગ બનશે. હું ધારું છું કે યુવાનો મોટા ભાગે સમાજવાદી, મુર્ખ અને સહેલાઈથી દોરવાઈ જનારા અને તેમને મતની લહાણ કરનારા બની રહેશે તેવો વિશ્વાસ લેબર પાર્ટીને હશે.
આપણે બધા પ્રામાણિકપણે વિચારીએ, 16/17 વયજૂથની બહુમતી યોગ્યપણે મતદાનનો નિર્ણય લઈ શકે તેવી રાજકીય બૌદ્ધિકતા અને સમજ ધરાવતા હશે તેવું વિચારનાર વ્યક્તિમાં સામાન્ય બુદ્ધિનો છાંટો પણ હોઈ શકે? મહદ્ અંશે જૂઠાણાં આચરવા, ગેરમાર્ગે દોરવા અને ઊંચા વચનોની લહાણી કરી ઓછામાં ઓછું આપવાની માનસિકતા ધરાવતા રાજકારણીઓને મત આપવાનું તો છોડો, હૃદયના ઊંડાણમાં આપણે જાણીએ છીએ કે સમાજ, સેવા, કાયદો અને વ્યવસ્થા, જીવનનિર્વાહ ખર્ચની મૂળભૂત બાબતોની સમજ તો 18 વર્ષના લોકોમાં પણ પૂરતી હોતી નથી. મને ખાતરી છે કે યુવાવર્ગમાં કેટલાક રાજકારણમાં જોડાય અને જોખમ કેટલું હશે તેના વિશે નક્કર સમજ ધરાવતા હોય છે, પરંતુ આ લોકો પાતળી લઘુમતીમાં હોવાનું હું માનું છું.
જે હોય તે, આગામી ઈલેક્શન પછી પાર્ટીની ઓળખ જાળવી રાખવા તેમના માટે આ આખરી આશા હોવાનું લેબર પાર્ટીને લાગ્યું હશે. 2021ના સેન્સસ પર નજર નાખતા મને અંદાજ આવે છે કે આગામી ચૂંટણી સુધીમાં આશરે 3 ટકા વધુ મતદાર જોવા મળશે. આ વધારો સમગ્ર દેશમાં ફેલાયેલો હશે,પરંતુ આપણે એમ નિશ્ચિત કરી શકીએ કે આમાંથી મોટો હિસ્સો 10 ઉચ્ચ શહેરી ક્ષેત્રોમાં કેન્દ્રિત રહેશે. જો 16/17 વયજૂથના નવા દરેક મતદાર લેબર પાર્ટીને મત આપે તો પણ નવી બેઠકોમાં વિજય અથવા જૂની નબળી બેઠકો પર અંકુશ જમાવી રાખવાના સંદર્ભે કોઈ નોંધપાત્ર અસર સર્જાશે નહિ. એમ માનનારા લોકો પણ છે કે લેબર પાર્ટીના વધુ ત્રણ વર્ષ અને જે રીતે તેઓ દેશને ચલાવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખતા આ નવલોહિયા યુવા મતદારોમાંથી ઘણા લેબર પાર્ટીથી દૂર ધકેલાઈ જશે.
એક વિચારધારા એવી પણ છે જે સૂચવે છે કે નવા મતદારો કદાચ કોર્બીન અને સુલતાના દ્વારા હિમાયત કરાતા રાજકારણનો વિરોધ કરવા એકત્ર થઈ શકે છે. હું પણ આ વિચારધારા સાથે સંકળાયેલો છું. કોર્બીન/સુલતાના સાહસને મતહિસ્સામાં આ વધારો કદાચ લેબર પાર્ટીના કિલ્લામાં બેઠકો હાંસલ કરવા પૂરતો નીવડી શકે છે. જોકે, રાજકારણમાં ત્રણ વર્ષથી વધુનો સમયગાળો ઘણો લાંબો ગણાય. લેબર પાર્ટી પાસે સ્ટાર્મરને ફગાવી દેવાનો અને તેમના સ્થાને વધુ લોકપ્રિય અને લોકમિત્ર નેતાને પ્રાઈમ મિનિસ્ટર તરીકે બેસાડવાનો પૂરતો સમય છે. કેટલાક ઈન્ડિકેટર્સ નકારાત્મકથી પોઝિટિવ તરફ લઈ જવાનો (હું જાણું છું કે આ સંભાવના ઘણી ઓછી છે) પણ પૂરતો સમય છે. રિફોર્મ યુકે અને કોર્બીન/સુલતાના સાહસને છિન્નભિન્ન થઈ જવા માટે પણ પૂરતો સમય છે, જેના પરિણામે આપણી સમક્ષ સમયની કસોટીએ પાર ઉતરેલી લેબર અને ટોરીઝ વચ્ચેની દ્વિપક્ષી પસંદગી જ બાકી રહી જશે. આ સાથે જ ટોરીઝ પાસે એકસંપ થઈ કામ કરવાને અને તેમના મુળભૂત મતદારોને પરત ખેંચી લાવવાનો પણ પૂરતો સમય છે.
મારો મત એવો છે કે ધૂળની ડમરીઓ સ્થિર થશે ત્યારે આગામી જનરલ ઈલેક્શનમાં ચાર પક્ષો (ટોરીઝ, લેબર, રીફોર્મ અને કોર્બીન/સુલતાના) વચ્ચે મત વહેંચાઈ જશે અને લિબ ડેમ અને ગ્રીન્સ જેવા પક્ષોને સામાન્ય લઘુમતી હિસ્સો મળશે. આખરે તો ગઠબંધનની સરકાર રચાવાની સંભાવના રહશે. એક પ્રશ્નનો ઉત્તર જોવાનો રહે છે કે આપણે જમણેરી પ્રેરિત સરકારને જોઈશું કે અતિ ડાબેરી પ્રેરિત સરકાર જોવાં મળશે? કોઈ પણ સરકાર હોય, આ દેશ હવે ખતરનાક હાલતમાં છે.
પ્રાઈમ મિનિસ્ટરની વાત કરીએ તો તેમને ટુંક સમયમાં કેબિનેટમાં ફેરફાર કરવાની ફરજ પડશે. તેમની ફર્સ્ટ બેન્ચના મોટા ભાગના સભ્યો તો મતદારમંડળ દ્વારા તેમની નિષ્ફળતા અને જૂઠા લોકો તરીકે ગણાવાની નકારાત્મક પબ્લિસિટીથી માર ખાઈ રહ્યા છે. જો સરકારની ફર્સ્ટ બેન્ચ લોકોનો વિશ્વાસ જાળવી ન રાખી શકે તો આ સરકારનું ધોવાણ ચાલુ જ રહેશે. આ અરાજકતાનો લાભ લેવા રીફોર્મ યુકે અને કોર્બીન/સુલતાના જૂથો એક થઈ જાય તે પણ આપણને જોવા મળશે.