ચણિયાચોળી સાથે ફેશન - સ્ટાઇલ - કલરનું કોમ્બિનેશન

Tuesday 29th September 2026 10:03 EDT
 
 

ચણિયાચોળી અને નવરાત્રિ એકબીજાના પર્યાય બની ગયા છે. રંગોનો તહેવાર મનાતા નવરાત્રિમાં કલરને લઈને નવતર પ્રયોગો કરવામાં આવે છે. ભરતકામથી તેની સુંદરતામાં વધારો કરવામાં - આવે છે. દર વર્ષે નવરાત્રિમાં ચણિયાચોળીની ફેશન બદલાતી રહે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિઝાઈનરોએ નવરાત્રિમાં પરંપરાગત ચણિયાચોળીને ફ્યૂઝન ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતની પરંપરાગત કલાને નવા ફેશનનાં પરિધાનો સાથે જોડવામાં આવી રહી છે, જે યંગસ્ટર્સમાં આકર્ષણનું કેન્દ્ર છે. નવરાત્રિને ફેશનેબલ સ્ટાઈલમાં સેલિબ્રેટ કરવામાં આવે છે. યુવતીઓ ટ્રેડિશનલ ડ્રેસને લઈને અનેક લેટેસ્ટ ફેશનને ફોલો કરે છે. ફેશન, સ્ટાઇલ અને કોમ્બિનેશન પર એક નજર...
ચણિયાચોળી
સિંગલ કલરના ચણિયાચોળીની સાથે મલ્ટિ કલરનું વર્ક કરેલી બોર્ડર યુવતીઓની ઓલટાઈમ ફેવરિટ છે. આ બોર્ડરની પહોળાઈ ઈચ્છા મુજબ પહોળી કરવામાં આવે છે. આ ઘેરદાર ચણિયામાં પારંપરિક લુક આપવા માટે મિરર વર્કનું કોમ્બિનેશન કરવામાં આવે છે. પટોળા સ્ટાઈલ અને ડિજિટલ ચણિયાચોળી ઈન ટ્રેન્ડ છે. આ સિવાય પ્રિન્ટેડ ચણિયાને ટ્રેડિશનલ લુક આપવા જાતજાતનાં વર્ક કરવામાં આવે છે. જેમાં મિરર વર્ક, સાદું, રબારી અને કચ્છી વર્કનો સમાવેશ કરવામાં આવે છે. વર્ષોથી ચલણમાં રહેલી બાંધણીને હવે ચણિયાચોળીમાં કન્વર્ટ કરવામાં આવી છે. બાંધણીના ચણિયાને સ્કર્ટ લુક આપવામાં આવ્યો છે. નવરાત્રિમાં ચણિયાચોળી સાથે અને રૂટિનમાં સ્કર્ટ તરીકે પહેરી શકાય એટલે કે ટુ ઈન વન ઉપયોગ કરી શકાય છે, તેથી આ સ્ટાઈલ યુવતીઓમાં ફેવરિટ છે. આ સિવાય ડબલ ઘેરદાર ઘાઘરો, મલ્ટિ લેયર ઘાઘરો, મિરર વર્કવાળા ચણિયા, કાઠિયાવાડી, રાજસ્થાની, કચ્છી વર્કવાળા ચણિયા નવરાત્રિમાં તમારી શાન વધારે છે.
બ્લાઉઝ
નવરાત્રિ હોય એટલે એમાં બેકલેસ કપડાં ટાઈપ બ્લાઉઝ પણ હોય તો કોટન મટીરિયલમાંથી બનતાં બેકલેસ બ્લાઉઝમાં પણ ચણિયાચોળીની જેમ મિરર વર્ક, કચ્છી વર્ક કરવામાં આવે છે. ઘણી યુવતીઓ બધા કરતાં ડિફરન્ટ દેખાવ માટે બ્લાઉઝમાં પેચ મુકાવે છે. રેયોન સિલ્ક, સાટિન સિલ્ક અને સાટિન કોટન બ્લાઉઝ સારું કોમ્બિનેશન છે, જેને નવરાત્રિ સિવાય અન્ય પ્રસંગોમાં મિક્સમેચ કરીને પહેરી શકાય એ રીતે ડિઝાઈન કરવામાં આવે છે. દુપટ્ટાની વાત કરીએ તો ચણિયાચોળી સાથે મેચ થતાં સિફોન મટીરિયલમાં ગોટાપટ્ટી લહેરિયું અને બાંધણીના દુપટ્ટા માર્કેટમાં લહેરાઈ રહ્યા છે. હંમેશાં કોટન મટીરિયલમાં જોવા મળતા ચણિયાચોળી હવે રેયોન સિલ્ક, સાટીન સિલ્ક, સાટીન કોટન જેવાં વિવિધ મટીરિયલમાં પણ જોવા મળે છે, જે પહેરવામાં કમ્ફર્ટેબલ હોવાની સાથે ગોર્જિયસ લુક આપે છે.
કલર
રૂટિન લાઈફમાં લાઈટ રંગો પહેરવાનું પસંદ કરતી કોલેજ ગોઈંગ ગર્લ નવરાત્રિ દરમિયાન લાઈટ કલરનાં ચણિયાચોળી પહેરવાનું પસંદ કરે છે. જોકે નવરાત્રિમાં એટ્રેક્ટિવ લુક મેળવવા ઈચ્છતા હોવ તો બ્રાઈટ રંગોની પસંદગી કરવી જોઈએ. બેઝિક રંગોની સાથે તમે ટ્રેન્ડી અને ફેશનેબલ લુક મેળવી શકો છો. વોટરમેલન રેડ, ઓરેન્જ, સ્ટ્રોબેરી પિંક જેવા રંગો વાઇબ્રન્ટ લાગશે.
કોમ્બિનેશન
અને હા, નવેનવ દિવસ ચણિયાચોળી પહેરવાં એ જરૂરી નથી. એના વગર પણ તમે ટ્રેડિશનલ લુક મેળવી શકો છો. એ માટે સ્કર્ટ, ટીશર્ટની સાથે મિરર વર્કવાળી અથવા કચ્છી વર્કવાળી કોટી પહેરી શકો છો. ગામઠી લુક આપતો દુપટ્ટો લઈ શકો છો. જીન્સની સાથે કચ્છી વર્કવાળું ક્રોપ ટોપ પહેરી એની સાથે ચણિયાચોળીનો કોઈ પણ દુપટ્ટો ગળામાં મફલરની જેમ લઈ શકો. યુનિક વસ્તુઓ ટ્રાય કરતી યુવતીઓ જીન્સની સાથે બેકલેસ બ્લાઉઝ અથવા કેડિયું પણ ટ્રાય કરી શકે છે.
જવેલરી
ચણિયાચોળી અને ઓર્નામેન્ટ એકબીજા વગર અધૂરા છે. ઓર્નામેન્ટ વગર યુવતીઓનો શૃંગાર અધૂરો લાગે છે. અને તેમાં પણ સદાબહાર ટ્રેડિશનલ જ્વેલરી એટલે સદાબહાર ટ્રેન્ડી સ્ટાઇલ. પહેલાં તો નવરાત્રિમાં ઓક્સોડાઈઝ્ડ સિલ્વર અથવા આર્ટિફિશિયલ જવેલરી સિવાય કોઈ ઓપ્શન નહોતો. હવે તો એમાં પણ વેરાઈટીનો ખજાનો છે. ટ્રેડિશનલની સાથે ટ્રેન્ડી જવેલરી પણ ઉપલબ્ધ છે. જેમાં કોડીમાંથી બનેલી તથા હેન્ડમેડ થ્રેડમાંથી બનેલી ટ્રેન્ડી જવેલરીનો સમાવેશ કરી શકાય. ડિફરન્ટ ટ્રેડિશનલ જવેલરી કેરી કરી કમ્પ્લીટ લુક મેળવી શકાય છે. નવરાત્રિમાં પહેરાતી જવેલરીની વાત કરીએ તો નેકલેસથી માંડી એરિંગ્સ, કંદોરો, બાજુબંધ, પોંચા, ટીકો, બલોયાં, પાયલ, નથણી, કેપ વગેરે હોટ ફેવરિટ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter