ચાતુર્માસઃ સંયમ, ત્યાગ અને તપસ્યાનું પર્વ

ચાતુર્માસ (9 જુલાઇ - 4 નવેમ્બર)

Tuesday 12th July 2022 08:15 EDT
 
 

ઉનાળાના ધોમધોખતા તાપથી વ્યાકુળ બનેલી ધરતી જ્યારે અષાઢી મેહુલિયાને ભેટે છે ત્યારે ધરતી પર ગરમીનું જોર ઘટે છે. મેઘરાજાના આગમનની સાથે જ ઋતુ પરિવર્તન થાય છે. ચાર મહિના વર્ષાઋતુના એટલે પ્રકૃતિનો ખીલવાનો સમય. આ મોસમમાં કુદરતી કરિશ્મા ફૂલેફાલે છે અને તેનો નજારો આપણને જોવા મળે છે. આ સમયે તો એવું લાગે છે કે જાણે ધરતી માતાએ લીલી ચાદર ઓઢી લીધી ના હોય! આવી રળિયામણી ધરતી પર મનુષ્યોની સાથે પશુ-પંખીઓ પણ ઝૂમી ઊઠે છે. પ્રકૃતિનું આ એક રૂપ છે જ્યાં સૌ મન મૂકીને ઝૂમી ઊઠે છે. ચોમાસાના ચાર મહિનાનું ધાર્મિક મહત્ત્વ પણ એટલું જ છે. અષાઢ સુદ એકાદશી એટલે કે દેવપોઢી એકાદશીથી (આ વર્ષે 9 જુલાઇથી) ભગવાન વિષ્ણુનો પાતાળમાં શયનના શુભારંભ સાથે જ - હિન્દુ શાસ્ત્રો અનુસાર - ચાતુર્માસનો પ્રારંભ થયો છે. શ્રી હરિ ભગવાન વિષ્ણુના ચાર માસનો શયનકાળ કારતક સુદ એકાદશી (આ વર્ષે 4 નવેમ્બર) સુધી ચાલે છે. ઘણાને આ બાબતે પ્રશ્ન થાય છે કે સૃષ્ટિના પાલનહાર એવા શ્રીહરિ શું ચાર મહિના સુધી સૂઇ જાય છે ખરા? તેઓ ચાર મહિના સુધી સૂઇ જાય તો આ સૃષ્ટિનું શું થાય? તેનું અસ્તિત્વ ટકી રહે ખરું?

શ્રીહરિ તો ચૈતન્ય સ્વરૂપ છે અને તેમની મરજી વિના આ સૃષ્ટિનું પાંદડુંય હાલતું નથી. તેમની કૃપાથી જ આ સૃષ્ટિ ચાલે છે અને પ્રત્યેક જીવ ધબકે છે. પુરાણોમાં દર્શાવ્યા અનુસાર ચાતુર્માસમાં ગુરુપૂર્ણિમા, હિંડોળાપર્વ, નાગપાંચમ, શીતળાસાતમ, રક્ષાબંધન, નવરાત્રિ, દિવાળી વગેરે પર્વો આવે છે. આ ઉપરાંત પુષ્ટિ સંપ્રદાયમાં જન્માષ્ટમી, નંદમહોત્સવ, રાધાષ્ટમી, વિજયાદશમી, ગોવર્ધન પૂજા, અન્નકૂટ, તુલસીવિવાહ, પવિત્રા એકાદશી અને બારસ જેવા ઉત્સવો ચાતુર્માસમાં ખૂબ જ ઉમંગ અને ઉલ્લાસથી ઊજવવામાં આવે છે.
આ ઉત્સવોમાં અભ્યંગ પંચામૃત વગેરેનો વિશેષ શૃંગાર કરવામાં આવે છે. ભગવાનને વિશેષ રીતે ભોગ અને નેવૈધ્ય ચઢાવાય છે. પ્રસંગને અનુરૂપ ભજન-કીર્તનના પણ કાર્યક્રમો યોજાય છે. હિન્દુ અને જૈન પરંપરામાં હજારો વર્ષોથી ચાતુર્માસનું આગવું મહત્ત્વ છે કારણ કે આ ચાર માસ દરમિયાન વરસાદ પડવાને કારણે પહેલાંના જમાનામાં સામાન્ય રીતે જનજીવન ઠપ્પ થઇ જતું હતું.
ઘર કે આશ્રમની બહાર જવાનું ન થવાને કારણે લોકોને ખૂબ જ કંટાળો આવતો હતો. આથી માનવજીવનને ધબકતું રાખવા માટે કોઇ તો પ્રવૃત્ત જોઇએ તે આશયથી આપણાં શાસ્ત્રોમાં આ ચાર મહિના ધાર્મિક વૃત્તિને વધુ મહત્ત્વ અપાતું. ચાતુર્માસ દરમિયાન સંતો-મહંતો વિચરણ ઓછું કરીને એક જગ્યાએ રહી ભક્તિ અને અધ્યાત્મના પાઠ સમાજના લોકોને સમજાવતા આના કારણે જ સમાજના વિવિધ વર્ગોમાં પણ ધાર્મિકતાનું વાતાવરણ બને છે.

જૈન ધર્મની પરંપરામાં પણ ચાતુર્માસનું ઘણું જ મહત્ત્વ છે. ચાતુર્માસ દરમિયાન જૈન સાધુ-સાધ્વીને ઉપાશ્રયમાં રહીને ઉપવાસ, વ્રત, એકટાણાં વગેરે કરે છે. તેમજ જૈન દેરાસરોમાં જઇને જૈનધર્મના શ્રાવક-શ્રાવિકોને આ સમયગાળાનું ધાર્મિક મહત્ત્વ સમજાવતાં અનેક પ્રકારનાં આખ્યાનો-ઉપાખ્યાનોનું આયોજન કરતા રહે છે. જૈન ધર્મનાં મહત્ત્વનાં ધામો સમ્મેતશિખર, પાલિતાણા, શંખેશ્વર, તારંગા જેવાં મહત્ત્વનાં તીર્થ સ્થાનોમાં સાધુ-ભગવંતોના ચાતુર્માસ રહેતા હોવાથી શ્રાવક-શ્રાવિકોની અવરજવર પણ વધી જાય છે.
શહેર અને ગામડાંઓમાં પણ જૈન દેરાસરોમાં ઉત્સવોનું વાતાવરણ બનતું હોય છે. તેમાં પણ પર્યુષણ પર્વ દરમિયાન તો જૈન દેરાસરો અને તીર્થોમાં ખૂબ જ મેળાવડા જેવું વાતાવરણ થતું હોય છે. મહારાજ સાહેબોનાં વ્યાખ્યાનનો સૌ લાભ લેતા હોય છે અને ધાર્મિક વાતાવરણ બને તે માટે સૌ પ્રયત્નશીલ રહે છે.

આધ્યાત્મિક્તાનું આગવું મહત્ત્વ
ચાતુર્માસ દરમિયાન આધ્યાત્મિકતાનું ખૂબ જ મહત્ત્વ છે. આ દરમિયાન આત્માનું કલ્યાણ કરવા માટે મહત્ત્વનાં ઉપવ્રતો કરવાં જોઇએ જેવા કે (1) આત્માનું શિક્ષણ અર્થાત્ પ્રાપ્ત વિવેકના પ્રકાશમાં પોતાના દોષો જોવા (2) થયેલી ભ્રાંતિ ફરી ન થાય તે માટેનું વ્રત લેવું અને વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરવી, (3) વિચારનો પ્રયોગ પોતાના પર - વિશ્વાસનો પ્રયોગ બીજાઓ પર, ન્યાયનો પ્રયોગ પોતાના પર તેમજ પ્રેમ અને શ્રદ્ધાનો પ્રયોગ અન્ય પર કરવો, (4) જિતેન્દ્રિય, સેવા ભગવદ્ ચિંતન તેમજ સત્ય દ્વારા સ્વનું નિર્માણ, (5) બીજા માટે ઉદારતા દાખવવી, (6) પારિવારિક ભાવના, સદ્ભાવ તેમજ સ્નેહની એકતા, (7) આસપાસના ગરીબ લોકોની સેવા કરવી, (8) શારીરિક હિત માટે આહાર-વિહારમાં સંયમ, દૈનિક કાર્યોમાં સ્વાવલંબન, (9) શરીર રક્ષીય, મનસંયમી, હૃદય અનુરાગી તેમજ અહંને અભિમાન શૂન્ય કરવા, (10) વસ્તુથી વ્યક્તિ, વ્યક્તિથી વિવેક અને વિવેક દ્વારા મહત્ત્વ આપવું, (11) સંયમનો સદ્પયોગ ભગવદ્ ભક્તિમાં કરવો અને નકામા ચિંતનનો ત્યાગ કરવો.

આહાર-વિહાર પર અંકુશ
ચાતુર્માસનાં વ્રતોને પાળવાની દૃષ્ટિએ અને આરોગ્ય પ્રાપ્તિની દૃષ્ટિએ અદ્વિતીય માનવામાં આવેલ છે. આ સમયગાળા દરમિયાન વ્યવસ્થિત રીતે શરીરને સાચવવામાં અને આધ્યાત્મિક વાતાવરણ બની રહે તો મનને ખૂબ જ શાંતિ મળે છે. ચાતુર્માસના ગાળામાં વાત અને પિત્તનો પ્રકોપ વધુ થતો હોય છે, તેથી શાકભાજીનો ત્યાગ કરવો વધુ હિતાવહ છે. આ દિવસો દરમિયાન આરોગ્યની દૃષ્ટિએ હળવું ભોજન લેવું.
ચોમાસાની આ ઋતુમાં અન્ય બેકટેરિયા અને વાઇરલ ઇન્ફેકશનના રોગો થવાની વધુ સંભાવના છે તેથી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ ચાતુર્માસમાં આહાર-વિહાર ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. આ પ્રકારના પ્રકોપથી બચવા માટે આપણા હિન્દુ ધર્મ તેમજ જૈન ધર્મમાં ધાર્મિક વ્રતો તેમજ ઉપાસના કરવાનું કહેવામાં આવ્યું છે. ખાન-પાન પર ધ્યાન કેન્દ્રિત કરીને ઇશ્વરીય ઉપાસના કરવી તેના ઉપર વિશેષ ભાર મૂકાયો છે. આનાથી શારીરિક રીતે તો લાભ છે જ, તદુપરાંત આધ્યાત્મિક દૃષ્ટિએ ઉન્નતિ થાય છે. ચાતુર્માસના ઉપવાસ અને નિયમ ધર્મની દૃષ્ટિએ ઉપયોગી હોય છે. ધર્મોનું પાલન કરવાથી શરીર તો સ્વસ્થ રહે જ છે એટલું જ નહીં તેની સાથે વ્યક્તિત્વનો પણ વિકાસ થાય છે.
ભારતીય પરંપરામાં ઉપભોગ નહીં પરંતુ નીતિમત્તાવાળા આધ્યાત્મિક જીવન પર ભાર મૂકાયો છે. ચાતુર્માસ એ આપણી આધ્યાત્મિક પૃષ્ઠભૂમિને મજબૂત બનાવવા માટેની એક સરળ અને વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. તેથી જ સંયમ, ત્યાગ, તપસ્યા સમજાવતું પારંપારિક પર્વ ચાતુર્માસ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter