ચૈત્ર ગુડી પડવો એટલે નવ સંવત્સર, સુષ્ટિનો શુભારંભ

પર્વ વિશેષ (9 એપ્રિલ)

Wednesday 03rd April 2024 08:57 EDT
 
 

ચૈત્ર ગુડી પડવો એટલે નવ સંવત્સર, ચૈત્રી નવરાત્રિનું આગમન, સૃષ્ટિની શુભ શરૂઆત. બ્રહ્માજીએ આ દિવસે સૃષ્ટિનો આરંભ કર્યો હતો. વિશેષમાં આ દિવસે પ્રભુ શ્રીરામ તથા યુધિષ્ઠીર બન્નેનું રાજ્યારોહણ થયું હતું. આ જ દિવસે માળવાના નરેશ વિક્રમાદિત્યએ શકોને હરાવીને શક સંવતની શુભ શરૂઆત કરી હતી. આ દિવસે સતયુગની શરૂઆત થઈ હતી. આ જ દિવસે શ્રીહરિ વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો. આ દિવસથી રાતની સરખામણીમાં દિવસ મોટો થવા લાગે છે. આ જ દિવસે મહાન ગણિતજ્ઞ ભાસ્કરચાર્યએ સૂર્યોદય અને સૂર્યાસ્ત ઉપરથી પંચાગની રચના કરી. ગુડી પડવોને ‘વર્ષ પ્રતિપદા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે નવા સંવતનો પ્રારંભ થાય છે અને નવું પંચાંગ પણ શરૂ થાય છે.

કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં આ પર્વ યુગાદિ કહેવાય છે તો મહારાષ્ટ્રમાં આ પર્વ ગુડી પડવો છે. ચૈત્ર સુદ એકમ (આ વર્ષે 9 એપ્રિલ)એ મરાઠીઓના નૂતન વર્ષનો પ્રથમ દિવસ છે, જેને ગુડી પડવો તરીકે ઓળખવામાં આવે છે. આ પર્વે દરેક ઘરે આંબાના પાનના તોરણ બંધાય છે. વિજયના પ્રતિકરૂપે આંગણમાં વાંસ ઉપર લોટો તથા વિજયપતાકા લગાવાય છે.

ગુડીનો અર્થ વિજય ધજા થાય છે. કહેવાય છે કે શાલિવાહન નામના કુંભાર પુત્રએ માટીની સેના બનાવીને તેમા પ્રાણપુરીને શત્રુઓની સામે વિજય મેળવ્યો હતો. આ વિજયના પ્રતિકરૂપે આ દિવસથી શાલિવાહન (શક) સંવતનો આરંભ પણ થયો. યુગ અને આદિની સંધિથી યુગાદિ શબ્દ પણ આ દિવસને કહેવાય છે. આ જ દિવસે પ્રભુ રામે વાલીનો વધ કરી દક્ષિણની પ્રજાને મુક્તિ અપાવી. તેથી જ વિજયપતાકા લગાવાય છે. ગુડી એટલે ધજા.

અન્ય એક પરંપરા અનુસાર મહારાષ્ટ્રમાં આ દિવસે ઘરના આંગણામાં પાંચ પાંડવોની પ્રતિકૃતિ તૈયાર કરી તેની આસપાસ સુંદર રંગોળી કરવામાં આવે છે. ગામડાંઓમાં ઘરનાં આંગણાં ગાયના છાણથી લીંપીને તેના પર આ રંગોળી તૈયાર કરાય છે. આ જગ્યાએ ગુડી (લાકડી) ઊભી કરવામાં આવે છે. ગુડીની ષોડશોપચારે પૂજા કરવામાં આવે છે. ગુડીને ઘરના આંગણામાં એવી રીતે મૂકવામાં આવે છે કે તેને સરળતાથી જોઈ શકાય. આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતીકરૂપ ગણવામાં આવે છે. ગુડી ઊભી કર્યા પછી તેના પર હળદર-કંકુ ચડાવવામાં આવે છે. સાથે સાથે જ ઘરના પ્રવેશદ્વાર પર આંબાની ડાળી અને તોરણ લગાવવામાં આવે છે. નવા વર્ષના પંચાંગની પૂજા કરવામાં આવે છે.

ગુડી પડવોને ‘વર્ષ પ્રતિપદા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે નવા સંવતનો પ્રારંભ થાય છે અને નવું પંચાંગ પણ શરૂ થાય છે. શાલિવાહન (શક) સંવતની શરૂઆત જ આ દિવસે થઈ હતી.

વર્ષભરના સાડા ત્રણ મૂહર્તમાં ગુડી પડવાની ગણના થાય છે. સામાન્ય રીતે હિંદુઓ કોઈ પણ નવા કાર્યનો પ્રારંભ કરવા માટે શુભ દિવસ જ પસંદ કરે છે. એ દૃષ્ટિએ વર્ષના કેટલાક દિવસો જેમ કે વસંતપંચમી, અક્ષયતૃતીયા વગેરે વણજોયાં મુહૂર્ત તરીકે જાણીતાં છે. ગુડી પડવાનો દિવસ પણ આવા મુહૂર્તમાંથી એક છે. નવા ઘરમાં રહેવા જવું (ગૃહપ્રવેશ), વાહનની ખરીદી, કીમતી વસ્તુઓની ખરીદી વગેરે માટે ગુડી પડવાનો દિવસ શુભ માનવામાં આવે છે.

નવા વર્ષના પ્રારંભે કડવા લીમડાનું સેવન
આ પર્વે પુરણપોળી ઉપરાંત નીમ, લીમડાનો મોર, ગોળ, મીઠું, આંબલી, કાચી કેરી વગેરે ઉમેરીને ખાદ્ય પદાર્થ બનાવાય છે અને આ દિવસે ખાવાની પરંપરા છે. નવા વર્ષના આ દિવસની શરૂઆત લીમડાનાં કડવાં પાન ખાઈને કરવાની પ્રથા છે. ગુડી પડવાના દિવસે કડવા લીમડાનાં કોમળ પાન ચાવવામાં આવે છે કેમ કે ચૈત્ર માસમાં લીમડાનાં પાનનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. કડવા લીમડાને આ અરસામાં નવાં પાન ફૂટેલાં હોય છે. તેનાં કુમળાં પાન લઈ તેમાં ગોળ, જીરું, સ્વાદ પૂરતું મીઠું અને લીંબુ નાંખી તેને વાટીને ગોળી બનાવવામાં આવે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે કડવો લીમડો અત્યંત આરોગ્યપ્રદ અને રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે.

ગુડી કેવી રીતે બનાવાય છે?
ગુડી બનાવવા માટે એક લાકડીને તેલ લગાવી તેને ચોખ્ખા પાણીથી ધોઈ લેવામાં આવે છે. તેને હળદર-કંકુ ચડાવવામાં આવે છે. ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હારડા, નાનું કાપડ (મોટે ભાગે લીલા રંગનું), ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે. લાકડીના એક છેડે નાના રંગીન કપડાને ફિટ બાંધી દેવામાં આવે છે અને ત્યાર બાદ તેના પર લોટાને ઊંધો મૂકી દેવામાં આવે છે. આ ઊંધા મૂકેલા લોટામાં કડવા લીમડાની ડાળી લગાવીને હારડાનો હાર પહેરાવવામાં આવે છે. જે રીતે સાડી પહેરાય છે તે જ રીતે લાકડીને સાડી પહેરાવવામાં આવે છે.

આ ઊભી કરેલી ગુડીને સંધ્યા સમયે હળદર-કંકુ તથા ચોખા ચડાવીને પછી જ ઉતારવામાં આવે છે. ત્યાર બાદ જ્યાં ભગવાન શ્રીરામનું મંદિર હોય ત્યાં હારડાની માળા અર્પણ કરવામાં આવે છે.
આ દિવસથી રામનવમી સુધી રામ મંદિરમાં કીર્તનનો પ્રારંભ થાય છે તથા નાનાં બાળકો પાસે શાળામાં પાટીપૂજન (સરસ્વતી પૂજન) કરાવવામાં આવે છે. પાટી પર ચંદ્ર, સૂર્ય, સરસ્વતીની પ્રતિકૃતિ દોરી પાટીની એટલે કે વિદ્યાની પૂજા કરવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter