પેરિસની સાંકડી ગલીઓમાં છાપું વેચતો ફેરિયો બૂમો પાડે છે ‘આજની તાજા ખબર! યુદ્ધ પૂરું થયું... પુતિને માફી માંગી’ આમ પોતાની વ્યંગાત્મક આગવી રીતે છાપું વેચતા ફેરિયા અલી અકબરને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાનું જાહેર કર્યું છે. સપ્ટેમ્બર મહિનામાં ‘નાઈટ ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ મેરીટ’થી અકબરને નવાજવામાં આવશે. તમને થશે કે અલી અકબરે એવું તો શું કર્યું કે એ સન્માનપાત્ર બન્યા. ડિજિટલ યુગમાં હવે છાપાં કોણ વાંચે છે? ભારતમાં તો હજુ વંચાય છે પણ નવી પેઢી સમાચારરૂપી કાગળના વારસાથી હવે દૂર થવા માંડી છે. આ સ્થિતિમાં ફ્રાન્સમાં તો છાપાં ભૂતકાળ બનવા માંડ્યાં છે. પણ ત્યાં એકમાત્ર ફેરિયો અલી અકબર છેલા 50 વર્ષથી છાપાં વેચે છે. તેની આ અણમોલ સેવા માટે ફ્રાન્સ તેનું ઋણી અને આભારી બન્યું છે.
મૂળ રાવલપિંડી પાકિસ્તાનના અલી અકબર 73 વર્ષના છે અને છેલ્લા 50 વર્ષથી છાપું વેચવાનો ધંધો એકલે હાથે કરે છે. ચહેરા પર સ્મિત અને સૌને હસાવતા હસાવતા છાપું વેચવાની અનોખી રીત પેરિસનો જાણે એક સાંસ્કૃતિક વારસો બની ગયો છે. સિત્તેરના દાયકામાં ટેલિવિઝન લોકપ્રિય બનતાં ફ્રાન્સમાં છાપાંનું ચલણ ઘટવા લાગ્યું અને હવે ડિજિટલ યુગમાં તો બધું જ બદલાયું. આ વાસ્તવિકતા વચ્ચે વર્ષ 1973થી છાપું વેચતા અલી અકબર કહે છે, ‘મને છાપાંનો સ્પર્શ ગમે છે. ટેબ્લેટ જેવા સાધનો મને નથી ગમતાં. મને વાંચવું ગમે છે પણ સ્ક્રીન પર વાંચવું નથી ગમતું. હું જોક્સ કહી છાપાં વેચું છું એટલે લોકો હસે છે. એક હકારાત્મક વાતાવરણ સર્જવાનો પ્રયત્ન કરું છું. મને લોકોના દિલમાં રસ છે, તેમના ખિસ્સા માટે નહીં.’
સસ્મિત છાપું વેચતા અલીનું રોજીંદુ જીવન કષ્ટમય છે. તેઓ Le Monde અને Les Echos નામનાં છાપાં વેચે છે. તેઓ કહે છે ‘આઠ કલાકની મહેનત બાદ લાંબુ ચાલીને છાપાંની માંડ 20 કોપી વેચાય છે. હવે બધું જ ડિજિટલ થઈ ગયું છે. લોકો છાપું ખરીદતા જ નથી.’ એક જમાનામાં પેરિસમાં વીસમી સદીના સાર્ત્ર અને હેમિંગ્વે જેવા વિશ્વ વિખ્યાત ફિલોસોફરો થકી પુસ્તકોની દુકાનોની બોલબાલા હતી ત્યાં હવે ફેશન બૂટિક અને રેસ્ટોરાં અડ્ડો જમાવી બેઠા છે. પુસ્તકો ન વંચાતા હોય તો છાપાંને કોણ પૂછે છે. પણ આવા સમયમાં અલી અકબર જાણે એક સંસ્થા બનીને છાપા વેચી રહ્યો છે એવું સ્થાનિકો માને છે.
વેરોનીક વોસ નામના સાયકોથેરાપિસ્ટ અલીના ખબર અંતર પૂછતાં કહે છે ‘કેમ છો? કાલે ખૂબ ગરમી હતી તેથી મને તમારી ચિંતા થતી હતી.’ જવાબમાં સ્મિત સાથે અલી કહે છે ‘જ્યારે તમારી પાસે કશું જ નથી ત્યારે જે મળે તે તમે લઈ લો છો. મારી પાસે કશું નથી.’
પાકિસ્તાનના રાવલપિંડીમાં 10 બાળકોના પરિવારમાં વર્ષ 1853માં અલીનો જન્મ થયો હતો. ગરીબાઈ અને ભૂખમરાની સ્થિતિમાં અકબરે 12 વર્ષની ઉંમરે ભણવાનું છોડી દીધું. જાત જાતના કામ જે મળે એ કર્યા અને એ દરમ્યાન વાંચવાનો શોખ જાગ્યો. એનું સ્વપ્ન હતું બગીચા સાથેનું ઘર માતાને ભેટ આપવાનું. 18 વર્ષની ઉંમરે પાસપોર્ટ બનાવ્યો. રોડ માર્ગે કાબૂલ, અફઘાનિસ્તાન, ઈરાન થઈને એથેન્સ પહોંચે છે. કામ શોધતા અલીને જોઈ એક વેપારીને દયા આવી અને વહાણમાં રસોડું સાફ કરવાની નોકરી આપી. મુસ્લિમ તરીકે દારૂ ન પીવાને કારણે એ હાંસીપાત્ર બન્યો. ત્યાંથી ચીન પહોંચી ગયો. પાછા માતા પાસે રાવલપિંડી. માતાના ઉજળા ભવિષ્ય અર્થે પુનઃ યુરોપ તરફ પ્રયાણ કર્યું પણ પાકિસ્તાન પરત આવવું પડ્યું.
પરિવાર માનતો કે અલી તો પાગલ છે પણ ફરી પ્રયત્ન કરી યુરોપમાં પ્રવેશ કરે છે અને પેરિસમાં સ્થાયી થાય છે. દસ વર્ષ પૂર્વે અલીએ જીવન સંભારણા લખીને જીવન સંઘર્ષ આલેખતા દર્શાવ્યું કે તેને પુલ નીચે અને ભોંયરામાં સૂવું પડ્યું. શારીરિક શોષણ અને રંગભેદનો ભોગ બનવું પડ્યું. પણ હવે તેને શ્રદ્ધા છે કે સર્વોચ્ચ નાગરિક સન્માન પછી તેને ફ્રાન્સની નાગરિકતા મળશે જે નોકરશાહીમાં અટવાઈ પડી છે. - ગૌરાંગ જાની (‘સમાજ દર્પણ’ કોલમ)