જન્મજયંતીના 200મા વર્ષે ક્રાંતિકારી સ્વામી દયાનંદ સરસ્વતી

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Wednesday 07th February 2024 05:44 EST
 
 

ઇતિહાસ પણ એક અજીબ દાસ્તાન છે. કેટલુંક ભીતરમાં સમાવીને સંશોધકોને પડકારે છે. કેટલુંક વિસ્મૃતિના અભિશાપમાં રહી જાય છે. અને જ્યારે તે બધુ બહાર આવે ત્યારે આપણે આશ્ચર્યસ્તબ્ધ બનીને બોલીએ છીએ, “અરે! આવું પણ બન્યું હતું, ને આપણને ખબર ના રહી?

એવી એક ઘટનાનો સીધો સંબંધ છેક ઇંફાલ, રંગૂન અને કાઠીયાવાડ વચ્ચેનો હતો. કાઠીયાવાડ એટ્લે સૌરાષ્ટ્ર. સ્વતંત્રતા પછીના રાજ્ય પુન:રચનાના નિર્ણયોમાં આવાં કેટલાંક પ્રદેશ-વિશેષ નામો વિસરાઈ ગયાં, જેમ કે સોરઠ, ઝાલાવાડ, ગોહિલવાડ, હાલાર, વાગડ, બરડાઇ, પાંચાલ અને આ સમગ્રને બાંધતું કાઠીયાવાડ. તેની લોકકથાઓ, લોકગીતો અને ઉત્સવો હજુ જીવંત છે.
આ કાઠીયાવાડ અને કચ્છની એક વિશેષતા એ રહી કે સ્વાધીનતા સંગ્રામમાં તેમણે ગાંધીજીના સત્યાગ્રહ અને અસહકારની લડત ચલાવી, તે રીતે જ સશસ્ત્ર સ્વાતંત્ર્ય જંગમાં સક્રિય રહ્યા. 1857થી તેની શરૂઆત થાય છે અને 1945 ના નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આઝાદ હિન્દ સેના સુધીનું તેનું સાતત્ય રહ્યું છે.એવાં 50 થી વધુ સ્થાનો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છે જ્યાં સશસ્ત્ર સંગ્રામના સંકેતો છે, ઘટનાઓ અને વ્યક્તિઓ સ્વરૂપે. તેમાનું એક તેજ-નક્ષત્ર છે, સ્વામિ દયાનંદ સરસ્વતી. તેમની જન્મ જયંતિના 200માં વર્ષની ઉજવણી ટંકારામા થવાની છે. 12 ફેબ્રુઆરીએ ભારત સરકારના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજયપાલ આચાર્ય દેવવ્રત જી ઉપસ્થિત રહેશે.વડાપ્રધાન નરેંદ્ર મોદી ઓન લાઇન ઋષિ દયાનંદ સરસ્વતીને અંજલિ આપશે.
સામાન્ય ધારણા એવી છે કે આ તો આર્યસમાજીઓનો અવસર છે. એ વાત સાચી કે સ્વામી દયાનંદે આર્ય સમાજની સ્થાપના કરી હતી અને સેંકડો આર્યસમાજીઓએ સમાજસેવા અને રાષ્ટ્રસેવા કરી છે. લાલા લજપતરાય, શ્યામજી કૃષ્ણવર્મા. સ્વામિ શ્રદ્ધાનંદ, સરદાર ભગતસિંહનો પરિવાર, સરદાર અજિત સિંહ,રામપ્રસાદ બિસ્મિલ વગેરે આર્યસમાજના રંગે રંગાયેલા હતા.
આનું કારણ એ રહ્યું કે સ્વામી દયાનંદ સંપૂર્ણ ક્રાંતિકારી સન્યાસી હતા, પ્રચલિત સંપ્રદાયોમાં પેસી ગયેલા દંભ, અનાચાર, લાલસાના પ્રમાણો સાથે તેમણે આકરી આલોચના કરીને કહ્યું કે વેદ જ માત્ર સંકૃતિ અને ઉપાસનાનું શ્રેષ્ઠ ગંતવ્ય છે. તેની સાથોસાથ તેમણે બ્રિટિશ ગુલામીથી મુક્ત થવા માટેનું આહ્વાન કર્યું, 1857ના સમર્થ સેનાની નાના સાહેબ પેશવા, ઝાંસી રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે અને બીજા બધાની સાથે ગુપ્ત મુલાકાત કરી. સંગ્રામને માટેની વ્યૂહરચના પણ સમજાવી હશે. તેનો એક અંદાજ તેના પરથી આવે છે કે આ વિપ્લવનો સંદેશો દેશભરમાં પ્રસરવવા માટે સાધુ, સંતો, વણઝારાઓ, પીર, ફકીરો ચારે તરફ ભ્રમણમાં નીકળ્યા અને કમળનું પુષ્પ તેમ જ ચપાટી વિતરિત કરીને પ્રજાને જાગૃત કરી હતી.
કેવી ઝંખના હતી આ ઋષિને? જન્મ્યા તો હતા ટંકારમાં એક કર્મકાંડી બ્રાહમણને ત્યાં, કરસનજી લાલજી તરવાડીને ત્યાં. બાવીસ વર્ષની વયે અંતરમાં આધ્યાત્મિક જ્વાળામુખી લઈને નીકળ્યો, 1847માં એક મહારાષ્ટ્રીયન સાધુ પૂર્ણાનંદ પાસે દીક્ષા લીધી, તેના દસ વર્ષ પછી 1857 નો મહા-સંગ્રામ થયો. સ્વામિ દયાનંદ ક્યાં હતા, શું કર્યું તેમણે, એ એક અજ્ઞાત રહસ્ય કથા છે. 1855માં સ્વામી હરિદ્વારના કુંભ મેળામાં પહોંચ્યા. 1857ની ભૂમિકા આ મેળામાં રચાઇ. હરવિલાસ સારડાએ લખેલી જીવનીમાં સાધુઓનો એક મંત્ર આપ્યો છે, “કંપની કિસ કી જોરુ, સિંધિયા કિસકા સાલા, પી પ્યાલા, માર ભાલા... દયાનંદે ગુરુ પૂર્ણાનંદને પુછ્યું તો જવાબ મળ્યો કે મથુરા જઈને સ્વામી વીરજાનંદને મળજે. એ તને માર્ગ બતાવશે.
એવો સંકેત છે કે દયાનંદ ત્યારે વીરજાનંદને મથુરા મળવા જવાને બદલે બીજે નીકળી પડ્યા. ગઢવાલથી ગઢમુકટેશ્વર અને ત્યાંથી દક્ષિણ-પશ્ચિમ જવાને બદલે કાનપુર તરફ પગ માંડ્યા. કાનપુર અને બિઠુર તો 1857ની ક્રાંતિની રાજધાની હતી! એવું નોંધાયું છે કે લગભગ 10 મહિના તેઓ બનારસ અને કાનપુર રહ્યા. શું ત્યારે વિપ્લવી નેતાઓને મળ્યા હશે? ઇતિહાસ અને ઈતિહાસકારો બંને મૌન છે!
દસ મહિના પછી દયાનંદ નર્મદા પ્રદેશ તરફ પહોંચ્યા, વીર બુંદેલાઓનો પ્રદેશ, (સુભદ્રા કુમારી ચૌહાણ યાદ આવ્યાં? “બુંદેલે હર બોલોં કે મુહ હમને સૂની યે કહાની થી... ખૂબ લડી વો મરદાની, ઝાંસી વાળી રાની થી.) ઈતિહાસકાર જયચન્દ્ર વિદ્યાલંકાર માને છે કે આ ગુપ્ત જીવનના ત્રણ વર્ષો સ્વામીજી છેક કન્યાકુમારી સુધી ગયાં હશે. 1857 અને 1858ની આ યાત્રા તીર્થયાત્રાને બદલે ક્રાંતિયાત્રા બની હોય તે સંભવ છે.
1873નો એક પ્રસંગ નોંધવા જેવો છે. ઈંગ્લેન્ડના દેવળોના લોર્ડ નોર્થબૃકની સાથે તેમની મુલાકાત થઈ. આ ચર્ષ-વિદ્વાનને ક્રાંતિકારી સન્યાસીમાં ભારે રસ હતો.
તેમણે સ્વામીને પુછ્યું કે રોજની તમારી પ્રવૃત્તિ શું હોય છે, સવારની શરૂઆત તમે કઈ રીતે કરો છો? દયાનંદ સરસ્વતીએ જવાબ આપ્યો:” મારા દેશને વિદેશી ધૂંસરીથી છોડાવવા હું સવારસાંજ પ્રાર્થના કરું છું.” અંગ્રેજ અધિકારી આ સાંભળીને થીજી ગયો. સ્વામીના આ વિધાન સાથે તેણે ભારત માટેના બ્રિટિશ વિદેશ મંત્રીને ચેતવ્યા કે આ બંડખોર ફકીર પર કડક જાપ્તો રાખવો જોઈએ. બ્રિટિશ અધિકારીએ તે વાતની સમ્મતિ આપી.
સ્વામી દયાનંદના વિચારો પ્રત્યે પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણામાં વધુ પ્રતિસાદ મળ્યો. ગુજરાતમાં પોરબંદર, વડોદરા અને ટંકારામાં ગુરુકુળ અને ઉપાસના થાય છે, વડોદરામાં તો આનંદપ્રિયજી સહિત ઘણા સક્રિય રહ્યા, સરદાર ભગત સિંહ અને સાથીઓ અહી ગુપ્ત વેશે થોડો સમય રહ્યા હતા,
200મી જન્મ જયંતીએ સ્વામીના સમાજ સુધાર સાથે સ્વાતંત્ર્ય ચેતનાના અધ્યાયની સ્મૃતિ પણ થાય એ સ્વાભાવિક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter