જાન્યુઆરીનું તેજ-નક્ષત્રઃ નેતાજી સુભાષચંદ્ર બોઝ

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Wednesday 14th January 2026 04:27 EST
 
 

23 જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝની જન્મતિથી. કટકમાં જન્મ્યા, સરકારી ઉચ્ચ નોકરી નથી કરવી એમ કહીને આઈ.સી.એસ.ની પરીક્ષા આપી. બંગાળના યુવા નેતા તરીકે લોકપ્રિય થયા, દેશબંધુ ચિત્તરંજન દાસના પ્રિય શિષ્ય બન્યા. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રતિનિધિ બન્યા. કોંગ્રેસ અધિવેશન દરમિયાન સુસંગઠિત સ્વયંસેવક મંડળ બનાવ્યું, તેનાથી કોંગ્રેસ મોવડીઓ નારાજ થયા. તમામ આંદોલનોમાં ભાગ લીધો, ક્રાંતિકારોની સાથે ગાઢ સંબંધો બાંધ્યા, હરીપુરા-ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ બન્યા. બીજી વાર ગાંધીજીની ઇચ્છાના ઉમેદવાર પટ્ટાભિ સીતારમૈયા સામે જીત મેળવી. તે જવાહરલાલ, સરદાર વલ્લભભાઇ, મૌલાના આઝાદ અને ગાંધીજીને પસંદ ના પડી, કોંગ્રેસ કારોબારીનો સહયોગ ના મળ્યો. અત્યંત બીમાર સુભાષચંદ્ર રાજીનામું આપીને કોંગ્રેસમાં જ ફોરવર્ડ બ્લોક જૂથની રચના કરી, કોંગ્રેસે બરતરફ કર્યા.
બ્રિટિશરો આ તેજસ્વી સૂર્યને કોઈપણ ભોગે નિર્બળ બનાવવા માગતા હતા, એટલે જેલવાસી બનાવ્યા. જેલમુક્તિ પછી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડો. હેડગેવારને મળવા નાગપુર ગયા. પણ હેડગેવાર બીમાર હતા, એટલે પાછા વળી ગયા. સાવરકરને મળ્યા, બ્રિટિશ સેનામાં ભારતીયોની ભરતી થવી જોઈએ તેવી દૂરંદેશી વ્યૂહરચનાની ચર્ચા થઈ. થોડાક સમયમાં નજરકેદમાંથી છટકી જઈને કાબુલ થઈને જર્મની પહોંચ્યા. હિટલરને મળી ભારત વિષેની તેની અધૂરી માન્યતામાં બદલાવ કર્યો, જર્મનીમાં આઝાદ હિન્દ સંગઠના શરૂ કરી. ત્યાંથી જાપાન ગયા.
જાપાનમાં રાજા હિરોહિતો અને જનરલ તોજોને મળ્યા. ગદર પાર્ટીના મહાનાયક અને વિદ્વાન રાસબિહારી બોઝને મળ્યા અને જાપાને બ્રિટિશ યુદ્ધમાં ભારતીય સૈનિકોને સોંપીને આઝાદ હિન્દ સરકાર, ફોજ, તંત્ર, ધ્વજ, ધ્વજગીત, ચલણનો એક ઐતિહાસિક નિર્ણય બોઝ-બંધુઓ લે તેવો આગ્રહ કર્યો. રંગૂન તેનું રાજકીય-સૈનિકી મથક બન્યું. 80 હજાર યુદ્ધવીરોએ બર્મા અને ઇમ્ફાલ સુધી નેતાજીના નેતૃત્વમાં આગેકૂચ કરી, પરંતુ વરસાદ સહિતની વિપરીત પરિસ્થિતીના કારણે સંઘર્ષ મોકૂફ રાખવામાં આવ્યો.
જાપાનની શરણાગતિને લીધે આખો નક્શો ફેરવાઇ ગયો. અન્યથા આઝાદ હિન્દ ફોજ ઇમ્ફાલ થઈને, બંગાળના ચટગાવ સુધી પહોંચી હોત અને ઉત્તરપૂર્વ, ઉત્તર ભારત સહિત સમગ્ર ભારતમાં વિપ્લવ શરૂ થઈ ગયો હોત. પણ દુર્ભાગ્યે એવું બન્યું નહિ. સુભાષ રંગૂનથી એક વિમાનમાં નીકળ્યા. જાપાન પણ ભારતના આ વીર નાયક બ્રિટિશ સેનાના હાથમાં જાય તેવું ઇચ્છતું નહોતું. તાઈકોહુ વિમાનમથકે નકલી વિમાન અકસ્માતમાં નેતાજી માર્યા ગયા હોવાના અહેવાલો - તે પણ પંદર દિવસ પછી - આપ્યા. વાસ્તવમાં નેતાજી તેના જાપાનીઝ સાથી કર્નલ શીદેઇ સાથે છટકીને ક્યાંક પહોંચી ગયા હતા!
ક્યાં પહોચ્યા હતા સુભાષ? બ્રિટિશરોએ તો ‘જીવતા ય મરેલા’ મળી જાય તેવો આદેશ આપ્યો હતો. બર્મા મોરચે બ્રિટિશ ઇન-ચાર્જ લોર્ડ માઉન્ટ બેટન પણ હાથ ઘસતા રહી ગયા. ‘નેતાજી - અંતિમ અધ્યાય’ નવલકથા લખતી વખતે દસ્તાવેજોનો અભ્યાસ કરવાની તક મળી. નેતાજી રશિયા પહોંચ્યા હોવાનું ઘણા રાજનેતાઓ માનતા રહ્યા છે. સમર ગુહા તેમાંના એક હતા. વાજપેયીજી સહિત સાંસદોએ કેન્દ્ર સમક્ષ માગણી મૂકી કે નેતાજી વિષે તપાસ કરવામાં આવે. જવાહરલાલ નેહરુએ શાહનવાઝ ખાન સમિતિ નિયુક્ત કરી, તેના પોપટ-પાઠ જેવા અહેવાલથી કશું નીકળ્યું નહિ, જે નેહરુ કહેતા કે સુભાષ વિમાની અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે, તે જ વાત કોઈ ખાસ તપાસ વિના કહેવાઈ ત્યારે બોઝ-પરિવારે શાહનવાઝ ખાનને એટલું જ કહ્યું, કે ‘ખાન તુમ ભી ઐસે નીકલે?’
 બીજું તપાસ પંચ નિવૃત્ત ન્યાયમૂર્તિ જી.ડી. ખોસલાનું બન્યું. તે દરમિયાન કોલકાતાના વિદ્વાન ઈતિહાસકાર પૂર્વી રાયે અનેક દસ્તાવેજો શોધીને કહ્યું કે 1945 ની 18 ઓગસ્ટ પછી નેતાજી રશિયા ચાલ્યા ગયા હતા. તાજેતરમાં પૂર્વ ભારતીય સેનાધિકારી જી.ડી. સિંઘના પુસ્તકમાં આ વિગતો આપીને કહેવાયું કે નેતાજી સ્તાલિન શાસન દરમિયાન સાઇબીરિયામાં મૃત્યુ પામ્યા. બીમાર અથવા ગોળીએ દેવામાં આવ્યા. (રશિયામાં આવી નવાઈ નથી, સરોજિની નાયડુના ભાઈ, વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય અને અમદાવાદમાં જન્મેલા અવની મુખરજીને ગોળીથી મારી નાખવામાં આવ્યાની હકીકતો જાણીતી છે.) બીજો તર્ક એવો છે કે સ્તાલિને નેતાજીને બ્રિટિશરોને સોંપી દીધા હતા, ત્યાં તેમણે બીજા વિશ્વ યુદ્ધના અપરાધી તરીકે મારી નાખવામાં આવ્યા.
પૂર્વી રાયે ‘નેતાજી ઇન રશિયા’ દસ્તાવેજી પુસ્તક લખ્યું છે. પત્રકાર અનુજ ધરના પણ પુસ્તકો છે. નેતાજીની પુત્રી અનીતાનું કહેવું છે કે ટોકિયોમાં રેન્કોજી ચર્ચમાં નેતાજીના અસ્થિ છે, તેનો ડીએનએ ટેસ્ટ કરાવવો જોઈએ. તેની માતા - નેતાજીના પત્ની - એમિલીએ પણ વિમાની અકસ્માતને અમાન્ય ઠરાવ્યો હતો. સુભાષના ભાઈ શરતચંદ્રનો પણ ઇનકાર હતો. ખોસલા પછી જસ્ટિસ મુખર્જીનું તપાસ પંચ નિયુક્ત થયું, તેમણે ઘણી મહેનત કરી. ભારતનું વિદેશ ખાતું તેમાં અવરોધ નાખતું રહ્યું. રશિયા જવાની પરવાનગી ના મળી, પણ તાઈકોહુ વિમાન મથકની મુલાકાત લઈને ઊંડી તપાસ કરી અને સ્પષ્ટ અભિપ્રાય આપ્યો કે ના, આવી કોઈ વિમાની દુર્ઘટના થઈ જ નથી.
કોંગ્રેસની સાથે રહેલા એક ગુજરાતી પત્રકાર હરીન શાહે એવો દાવો કર્યો હતો કે હું આ જગ્યાએ ગયો હતો અને નેતાજીની સારવાર કરી રહેલી નર્સોને પણ મળ્યો છું. તેમનું પુસ્તક જવાહરલાલે જોયું હતું. ખરેખર તો ત્રીજા તપાસ પંચે તેની વિગતો તપાસી તો જાણવા મળ્યું કે આવી કોઈ નર્સ ત્યાં હતી જ નહિ!
ભારતમાં શોલમારી આશ્રમના બાબા, ઉત્તર પ્રદેશના ભગવાનજી વગેરેની તપાસ થઈ કેમ કે તે નેતાજી હોવાની વાત હતી. અનુજ ધરે તેના પુસ્તકમાં વિગતે લખ્યું છે, પણ આવો તેજસ્વી નાયક સ્વાધીન ભારતમાં ગુપ્તવેશે શા માટે રહે? એક દલીલ એવી પણ થાય છે કે બ્રિટિશ યુદ્ધ અપરાધી જાહેર કરાયા હતા એટલે ગુપ્તવેશે હતા. ત્રીજી દલીલ એવી પણ છે કે મૂળભૂત સુભાષ પ્રકૃતિથી સંન્યાસી હતા. કિશોરવયે હિમાચલ જવા નીકળ્યા હતા. તેમનો આદર્શ સ્વામી વિવેકાનંદ હતા. રંગુનમાં યુદ્ધના માહોલમાં પણ તે ત્યાંના રામકૃષ્ણ મંદિરમાં સમાધિસ્થ થતાં. પણ, તેમનું વીર ચરિત્ર - જે હિટલર અને મુસોલિનીને પ્રભાવિત કર્યા હતા - તેના વિશે અંતિમ અભિપ્રાય અસંભવ છે. રશિયામાં ભારતના રાજદૂત ડો. રાધાકૃષ્ણન્ અને પછી વિજયાલક્ષ્મી પણ સાઇબીરિયામાં સુભાષને મળ્યા હતા, પણ અગમ્ય કારણોસર તે વિશે પછી કશું કહ્યું જ નહીં.
એક ઘટના તાશકંદ કરાર સમયની છે. તાશકંદથી લાલબહાદુર શાસ્ત્રીએ દિલ્હી પરિવાર સાથે ફોન પર વાતચીત કરી હતી અને પુત્રને કહ્યું હતું કે ‘હું ભારતની પ્રજા માટે એક અનન્ય અને આશ્ચર્યજનક ભેટ લાવવાનો છું. તે રશિયા-કેદી સુભાષ વિષેનું અનુમાન હતું. શાસ્ત્રીજી વિશેષ કહે તે પહેલાં તો તેમનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. અને આ આખી ઐતિહાસિક વાત વિલીન થઈ ગઈ. આપણાં બીજા બે ક્રાંતિકારો - લાલા હરદયાલ અને વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયના મૃત્યુ પણ રહસ્યમય સંજોગોમાં થયા, અને તે પણ વિદેશોમાં.
સુભાષ ભારતમાં હતા ત્યારના તેમના પત્રો તેનું અલગ વ્યક્તિત્વ દર્શાવે છે. તેમના 19 પત્રો ‘આઝાદી કે દસ્તાવેજ’ (ભાગ-2)માં પ્રકાશિત થયા હતા, 1997માં. તેમાં અધ્યાત્મ, સમાજ, સાહિત્ય, જેલ, નેતૃત્વ જેવા વિષયો પર લખ્યું છે. કેટલાક પત્રો ખ્યાત સાહિત્યકાર શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય પરના છે! કોઇકે મૂલ્યાંકન કરવા જેવું છે કે આપણે નેહરુના પુસ્તકો, અને પત્રોના ગદ્ય વિશે પ્રસંશા કરીએ છીએ ત્યારે સુભાષના આવા પત્રોની સાથે સરખામણી કરવી જોઈએ કે કેવું અપાર સત્વ સુભાષના પત્રોમાં પડ્યું છે.
એ તો યાદગાર વાત થઈ કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ઈન્ડિયા ગેટમાં ગુલામીના પ્રતીક જેવા પંચમ જ્યોર્જની પ્રતિમા હટાવીને નેતાજીને સ્થાપિત કર્યા છે, કેટલીક ફાઈલો ખુલ્લી કરી છે, પણ હજુ ટોકિયોમાં અસ્થિઓનો ડીએનએ ટેસ્ટ કરાયો નથી. તે થવો જોઈએ અને સુભાષ-મૃત્યુનું રહસ્ય બહાર આવે તેવી તપાસ થવી જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter