જીદ કે આગે જીત હૈ...

રાજસ્થાનના 93 વર્ષનાં પાના દેવીએ નેશનલ ગેમ્સમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા

Saturday 14th June 2025 07:29 EDT
 
 

મંજિલ એને જ મળે છે જેનાં સપનાં જીવંત હોય છે એમ કંઇ અમસ્તું નથી કહેવાયું. લોકો યુવાનીમાં પણ સપનાં જોવાનું છોડી દેતા હોય છે, પણ અમુક લોકો એવા છે જે નેવું દાયકા વટાવી ચૂક્યા બાદ સપનાં જોવાનું શરૂ કરે છે. એટલું જ નહીં સપનાંને પૂરાં કરવા મહેનત કરીને એમાં સફળતા પણ મેળવે છે. આવી જ એક હસ્તી એટલે રાજસ્થાનનાં પાના દેવી.

પાના દેવી યુવાનો માટે જ નહીં, પરંતુ સિનિયર સિટીઝન માટે પણ મિશાલરૂપ છે. પાના દેવીએ તાજેતરમાં પૂણેમાં આયોજિત 44મી નેશનલ માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લઈને ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે. પાના દેવી હવે વર્લ્ડ ચેમ્પિયનશિપ રમવા સ્વીડન જવાનાં છે.

ઇચ્છાશક્તિ અને પ્રોત્સાહનની કમાલ
પાના દેવી રાજસ્થાનના નોખા તાલુકાના અણખીસર ગામ હાલ બિકાનેરની ચૌધરી કોલોનીમાં રહે છે. 93 વર્ષનાં પાના દેવી ગોદારા પહેલેથી એક્ટિવ છે. એક દિવસ પૌત્ર જયકિશન ગોદારા દાદીને પોતાની કામગીરી બતાવવા સ્ટેડિયમ લઇ ગયો હતો. પાના દેવી સ્ટેડિયમમાં સ્પોર્ટ્સનો નજારો જોઇને બહુ પ્રભાવિત થયાં. બસ, પછી તો પૌત્ર સાથે અવારનવાર સ્ટેડિયમ જવા લાગ્યાં. એક દિવસ સામેથી તેમણે રમતમાં ભાગ લેવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમની વાત સાંભળીને જયકિશનને પહેલાં નવાઈ લાગી, કારણ કે દાદીને રમતાં એણે ક્યારેય જોયાં નહોતાં, પણ જયકિશન ખુદ નેશનલ ખેલાડી અને કોચ હોવાથી તેણે દાદીને પ્રોત્સાહિત કર્યા.
દાદીમાએ સૌપ્રથમ શોટપુટ (ગોળાફેંક) અને ડિસ્કસ થ્રોમાં હાથ અજમાવ્યો. એમાં મજા પડી એટલે ફિટનેસ માટે ધીમે ધીમે દોડવાનું શરૂ કર્યું. આશ્ચર્યની વાત તો એ છે કે સમય જતાં તેમણે આ ત્રણેયમાં હથોટી મેળવી અને ત્રણેય ગેમ્સમાં ગોલ્ડ મેડલ લઈ આવ્યાં.

શારીરિક સક્રિયતા અને ડાયટમાં કાળજી
એક રમતમાં મહારથ હાંસલ કરવામાં પણ સામાન્ય વ્યક્તિને તકલીફ પડતી હોય છે, તો આ તો નવ દસકા વટાવી ચૂકેલાં દાદી હતાં. એમને મુશ્કેલી પડી પણ પાના દેવી હાર માને એમ નહોતાં. સવારે પાંચ વાગ્યે ઊઠીને ગાય, ભેંસની સારસંભાળ રાખવાની સાથે ઘરનું કામ પણ કરતાં અને રમવાની પ્રેક્ટિસ પણ. મહેનત અને કંઇક કરી છૂટવાના ઝનૂને તેમને મંજિલ સુધી પહોંચાડ્યા.
પાના દેવીને તૈયારી કરતાં જોઈને પૌત્ર દાદીને વિવિધ કોમ્પિટિશનમાં લઈ જવા લાગ્યો. દાદીમાએ પહેલાં ડિસ્ટ્રીક્ટ લેવલે, પછી સ્ટેટ લેવલે અને હવે નેશનલ લેવલ પર ડંકો વગાડી દીધો. એકસાથે 100 મીટરની દોડ, શોટપુટ અને ડિસ્કસ થ્રો એમ ત્રણેયમાં ગોલ્ડ મેડલ જીતી લીધો.
જયકિશન કહે છે કે, દાદી રમવાની સાથે સાથે ડાયટ ઉપર પણ ફોકસ કરે છે. ઘરનાં કામ પણ કરે છે. રોજ નિયમિત રીતે બે કલાક મેદાનમાં અભ્યાસ કરે છે. પાના દેવી કહે છે કે, તેઓ ફાસ્ટફૂડ, ડબ્બાપેક આહાર, ઠંડું પાણી અને ઠંડાં પીણાંથી દૂર રહે છે. પાંચ દીકરા અને ત્રણ દીકરીઓનાં માતા પાના દેવી એકદમ સ્વસ્થ છે.

હવે લક્ષ્ય છે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા
પાના દેવી કહે છે કે, હું આ રીતે રમવા માટે મેદાનમાં ઊતરીશ એવું મેં ક્યારેય નહોતું વિચાર્યું. સ્ટેડિયમમાં બધાને રમતા જોઈને મને પણ રમવાનું મન થઇ ગયું. હવે તેમને રમવાની એવી તો લગની લાગી છે કે તેમનું લક્ષ્ય સ્વીડનમાં થનાર વિશ્વ ચેમ્પિયનશિપ અને ઈન્ડોનેશિયામાં યોજાનાર એશિયાઈ માસ્ટર્સમાં ભાગ લેવાની ઇચ્છા છે.
સામાન્ય રીતે 90 વર્ષે લોકો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા હોય છે. ઘણા તો આ ઉંમરે પોતાનું કામ જાતે કરી શકે એટલા સક્ષમ હોતા નથી. આવી પરિસ્થિતિમાં પોતાનું કામ જાતે કરવું એટલું જ નહીં, કોઇ પણ જાતના શરમ અને સંકોચ વગરે રમવા માટે પોતાના ટ્રેડિશનલ આઉટફિટમાં મેદાનમાં ઊતરવું એ જ બહુ મોટી વાત છે. સામાન્ય રીતે લોકો એવું વિચારતા હોય છે કે અમુક ઉંમર થઈ જાય એટલે વ્યક્તિએ નિવૃત્તિ લઇને ચૂપચાપ એક જગ્યાએ બેસી જવું જોઇએ. પાના દેવીએ આ ઉંમરર્મો જે ઉપલબ્ધિ મેળવી છે તે કાબિલે તારીફ છે.

સપનાંને કોઇ ઉંમર નડતી નથી
પાના દેવી કહે છે કે, પુરુષ હોય કે મહિલા, દરેક ઉંમરમાં તેણે પોતાની ફિટનેસનું ધ્યાન રાખવું જોઇએ. એટલું જ નહીં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવું જોઈએ. તેઓ વધુમાં કહે છે કે, સપનાંને પૂરાં કરવા માટે ઉંમર ક્યારેય નડતી નથી.
પાના દેવી ફક્ત રાજસ્થાન માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત માટે ગર્વની વાત છે. નેશનલ ગેમ્સ એક્ટિવિટીમાં ભાગ લઈને પાના દેવી પરત ફર્યા બાદ પોતાના અને આસપાસનાં ગામોની મહિલાઓને રમતગમતમાં ભાગ લેવા માટે પ્રેરિત કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter