જીવનનો બોધપાઠ શીખવી જતાં બે અવિસ્મરણીય પ્રસંગ

મારા જીવનનો યાદગાર પ્રસંગ

દેવી મહેશ પારેખ, લંડન Tuesday 02nd May 2023 16:43 EDT
 
 

થોડા જ દિવસમાં આપણા ‘ગુજરાત સમાચાર’ - Asian Voiceને 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. અંક 22 એપ્રિલ 2023ના ‘જીવંત પંથ’માં સી.બી. પટેલે કેવી આર્થિક સમસ્યાનો સામનો કરીને ‘ગુજરાત સમાચાર’ને ટકાવ્યું છે - આગળ ધપાવ્યું છે તેની વાત કરી છે. અનેક પડકારો છતાં ‘ગુજરાત સમાચાર’ હરણફાળ ભરતું આગળ વધતું ગયું. હિંમતે મર્દા તો મદદે ખુદા...
આજે મારા જીવનના બે યાદગાર પણ માનવતાની મહેંક જેવા પ્રસંગો આપની સમક્ષ રજૂ કરું છું. જે મારા હૃદયને સ્પર્શી ગયા છે. આ પ્રસંગો એવા છે જે કદી ભુલાયા નથી અને ભુલાશે પણ નહીં.
દસેક વર્ષ પહેલાં અમે (સ્વ. મહેશ) બંને ભારત ગયા હતા. ત્યારે કચ્છમાં ભૂજ નજીક એક કુદરતી સારવાર ઉપચાર કેન્દ્રમાં અઠવાડિયું રહ્યા હતા. નાનું ગામ. ઘણી જ ગરીબ વસ્તી હતી, પણ ગામ ઘણું જ રળિયામણું અને મીઠડું હતું. આ કેન્દ્રમાં જે કર્મચારી હતા તે ખરેખર ઘણા જ ગરીબ હતા. ડો. સંઘવી જે કેન્દ્ર ચલાવતા હતા એ પણ સરસ સ્વભાવના હતા. બપોરે કર્મચારીઓ ભરતડકામાં ઘરે જતા હતા. અને જલ્દી પાછા આવીને અમારા જેવા બીજા લગભગ 20-30 લોકોની સેવામાં લાગી જતા.
એક બહેન – અમીના જેમનું નામ. તે મને મસાજ કરવા આવે અને માટીની પટ્ટીઓ મૂકવા આવે. માતા જેવા ખૂબ જ વ્હાલથી કાળજીપૂર્વક એમની ફરજ બજાવે. અમારા પરત ફરવાના આગલા દિવસે મેં પૂછ્યું કે, અમીનાબેન, તમને નમાજ પઢવાનો ટાઈમ ક્યારે મળે? તમે બધી જ (પાંચે ય) નમાજ અદા કરો છો? જવાબમાં કહ્યુંઃ અરે બેન, આ તમારી બધાની સેવા એ જ અમારી નમાજ છે. મેં તેમની ઉંમર પૂછી તો કહે કે 50 જેટલી હશે. એકલા બેનની સાથે રહેતા હતા, પણ સંજોગોના પરિતાપને લીધે 60-65 વર્ષના લાગતા હતા. ખેર, અમારે ત્યાં બક્ષિસ આપવી હતી. ઓફિસમાં એક બોક્સ રાખ્યું હતું. તેમાં કવર મૂકવાનું અને બધા કર્મચારીઓના ભાગ પડે. જે અમે કર્યું, પણ અમીનાબેનની વાત સાંભળીને થયું કે હું આમને થોડી રકમ અલગથી આપું.
મેં પૈસા કાઢીને એમના હાથમાં મૂક્યા તો કહે કે ના આ તો અનીતિ કહેવાય. અમે બધા સરખે ભાગે પે’લા બોક્સમાંથી જ વહેંચીશું. આ સેવા એ જ તો અમારી નમાજ છે. આવું તો ક્યાંય કોઈ કુરાનની આયાતમાં લખ્યું નથી.
અમીનાબેનની પ્રામાણિકતા (ગરીબી છતાં) જોઇને મને તેમની પાસેથી સાચો ધર્મ શું છે એ જ્ઞાન મળ્યું. જે જ્ઞાન આપણે વેદ – ઉપનિષદ કે કોઈ ધાર્મિક ગ્રંથમાં વાંચ્યું છે પણ જીવનમાં કઇ રીતે ઉતારવું એ તો અમીનાબેન જેવી અભણ – ગરીબ બેન જ શીખવી ગઈ. અહીં યુકે આવ્યા પછી અમે એક પાર્સલ કર્યું. કપડાં, ગરમ કપડાં, ચોકલેટ વગેરેનું 50 કિલોનું... બધા જ કર્મચારીઓ માટે. તેઓ સૌ ખુશ થયા હશે પણ મારી અમીનાબેન ખુશ થઈ હશે કે નહીં?
હવે વાત કરું બીજી ઘટનાની...
2022 જૂન મહિનામાં અમારા મિત્ર બળવંત જાની, તેમના ધર્મપત્ની ઊર્મિલાબેન અને મારા પરિવારના બે સભ્યો એમ અમે પાંચ જણા ચાર ધામ યાત્રાએ ગયા હતા. મારી ઈચ્છા હતી કે બળવંતભાઈ પાસે થોડી જ્ઞાનની ગોષ્ઠિ થઈ શકે. બળવંતભાઈએ બધું જ આયોજન કર્યું હતું. યમુનોત્રી - ગંગોત્રી - કેદારનાથ અને છેલ્લે અમે બદ્રિનાથ આવતા હતા. રસ્તામાં જોષીમઠ પાસે એકાદ-બે નાની દુકાન અને ચા-નાસ્તાની નાની જગ્યા હતી. અમે કારમાંથી નીચે ઉતરતા હતા. ત્યાં એક જુવાન દીકરો આવ્યો, એના હાથમાં અને ખભા પર 15-20 જેટલી શાલની થપ્પીઓ લટકતી હતી. મને કહે કે જુઓ આ સરસ છે તમે લો. બહુ જ આગ્રહ કરતો અને મહેનત કરતો હતો. મારી ના છતાં પણ તે એક પછી એક શાલ બતાવવા માંડ્યો. મને શાલની જરૂરત જ નહોતી. જે થોડી ઘણી હતી તે પણ ત્યાં કોઈ જરૂરિયાતમંદને આપવા લઈ ગઈ હતી. વળી, મારી પસંદગીની પણ નહોતી. આમ છતાં એને આપવા થોડાક પૈસા કાઢ્યા અને કહ્યું કે પહેલાં તો પગમાં પહેરવાના ચંપલ લઈ લે, ભાઇ. ભારોભાર ગરીબાઈ અને લાચારી તેની આંખોમાં અને મોંઢા પર હતી. તમે કદાચ માનશો નહીં પણ તેણે પૈસા લેવાની ના પાડી. તેના શબ્દો હતા - હું એમ પૈસા નહીં લઉં. મારા ઘણા જ આગ્રહ છતાં પણ તે નમતો નહોતો. છેવટે મેં પરાણે એક શાલ લીધી અને થોડા વધુ પૈસા શાલના ગણીને આપવાની કોશિશ કરી. મનમાં થયું રસ્તામાં કોઈને જરૂર હશે તો તેને આપીશ પણ વધારાના પૈસા લેવાની તો તેણે ના જ પાડી. મારી આંખમાં ખરેખર પાણી આવી ગયા.
મેં કહ્યું કે બેટા, તું આ પૈસા લે જ તો આ શાલ લઉં. એની બાજુમાં એક બીજો શાલ વેચનારો આવીને ઊભો હતો, માનશો? મુસ્લિમ હતો પણ સારા સંસ્કાર – પ્રામાણિકતા - વફાદારી કોઈ એક જાતિનો ઈજારો નથી હોતો. એ મુસ્લિમ જુવાન મને કહે છે તમે આની પાસેથી શાલ તો લ્યો જ. આખરે મેં શાલ લીધી. બેટા, કહીને કહ્યું મેં અબ તુમ્હારી મા જૈસી હું, અબ તું પૈસા લે લે. એણે પરાણે પૈસા લીધા.
તમે માનશો નહીં પણ રોજ સવારે મારી પ્રાર્થનામાં હું તેને યાદ કરું છું અને યમનોત્રી પાછા જવાનો ઈરાદો છે. ટ્રાવેલ એજન્ટ સાથે પુછતાછ ચાલે છે. આ યાત્રાનું 50 ટકા કારણ તો એ જુવાન છે અને વળી, યમનોત્રી સરસ જગ્યા હતી. જોકે ઘણી જ ગિરદીને લીધે અને સમયના અભાવે જે ધાર્યું હતું તે ફરી ન શક્યા. ઈશ્વરકૃપાથી મારા ગુરુજીની કૃપાથી ફરી જવાનું થશે તો એ જુવાનને જરૂર શોધીશ.
મારી થોડી યાત્રાઓના અનુભવોમાં નજરે જોયું છે અને કાનોકાન સાંભળ્યું છે. ડોલીવાળા, ભારે ઉંચકવાવાળા, ઘોડાવાળા સાથે યાત્રાળુઓ ભાવ ખૂબ ઓછો કરાવવાની જીદ કરે છે અને મોટેથી ઝઘડી પણ લે. એ મજબૂર લોકો આખા વર્ષનો રોટલો-કાંદા આ આવકમાંથી રળતા હોય છે એ વાત લોકો નથી વિચારતા. લગભગ લોકો ખાસ્સા તંદુરસ્ત 80, 90, 100 કીલો વજન ધરાવતા હોય છે. જો આ લોકો યાત્રાનું આયોજન પુણ્ય કમાવા કે ધોવા માટે કર્યું હોય તો તેમની એ યાત્રા સફળ થશે ખરી? વાચકો આપ સૌ આનો અંદાજ કાઢજો.
મારા મહંત ગુરુએ કહ્યું છે કે ભલે તમે વર્ષો સુધી રોજ ધ્યાન ધરતા હોવ, પૂજાપાઠ કરતા હોવ પણ કોઈ વ્યથિત જીવનું પીડિત આક્રંદ ન સંભળાય તો એ પૂજા-પાઠ–ધ્યાન બધું નકામું છે. કારણ કે એ તમારા પૂજાપાઠથી તમારા હૃદયમાં હજુ કોમળતા, અભ્યર્થના આવી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter