જેન-ઝી સમાજ-બદલાવનો કેવો સંકેત છે?

(ઘટના દર્પણ)

- પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા Wednesday 05th August 2026 07:27 EDT
 
 

આજકાલ જેન-ઝીની ચારેતરફ ચર્ચા છે. બૌદ્ધિક જગત તો એટલું પ્રભાવિત થઈ ગયું છે કે તેમાં ભારત સહિત દુનિયા આખીના પરિવર્તનની આગાહી કરવા માંડ્યુ છે. આમેય આપણાં બૌદ્ધિકો, રાજકારણીઓ, સાહિત્યકારોની નજર પશ્ચિમ તરફ રહી છે. આલોચકો કહે છે કે સંવિધાન પણ 1937માં બ્રિટિશ ભેજાંઓએ ભારતમાં સત્તા કાયમ રાખવાના ખેલ તરીકે, લટકતાં ગાજર જેવી પ્રાતિનિધિક વ્યવસ્થા ઊભી કરી તેનું અનુસરણનો નમૂનો છે. એ ઠીક છે કે નવી નવી આઝાદીના માહોલને લીધે મૂળભૂત સ્વતંત્રતા અને બિન-સંપ્રદાયિક્તા જેવા ઉત્તમ આદર્શો ઉમેરવામાં આવ્યા. ‘અમે ભારતના લોકો’નો મંત્ર ઉચ્ચારીને તૈયાર થયેલા સંવિધાનનો કેવો અને કેટલો ઉપયોગ-દુરુપયોગ થયો તે ઇતિહાસ જાણીતો છે. વ્યક્તિ અને વ્યવસ્થા બંનેમાં ગુણાત્મક પરિવર્તનનો વૈદિક પરંપરાનો આદર્શ જ ભૂલાઈ ગયો, તેનાં માઠાં પરિણામો 1975-76માં જોઈ લીધા છે.

યુવા જગતના છેલ્લા આંદોલનમાં જંતરમંતરના દેખાવોના આયોજકો તો કોક્રોચ નામની મનોરંજક પાર્ટીના અમેરિકા અને બીજે સુખી જીવન જીવતા યુવકોની શોધ હતા. પણ તેને કેટલાક ઉત્સાહી રાજકીય પંડિતોએ ‘જેન-ઝી’ નામ આપી દીધું. થોડીવાર તો આ કોઈ ઉત્પાદન કંપનીનું નામ હોય એવું લાગ્યું. પછી માહિતી ખોતરવામાં આવી તો કોથળામાંથી બિલાડું નીકળ્યું. વંદા-બહાદુરોને તો એટલી જ ખબર હતી કે ‘નીટ’ પરીક્ષાની ઘાલમેલ સામેનું આંદોલન છે. પછી તેમાં ઉપવાસી વાંગચૂક ભળ્યા.
એક જમાનામાં લોકપાલ નિયુક્તિના આગ્રહ સાથે અણ્ણા સાહેબ હઝારેએ ઉપવાસ-આંદોલન કર્યું તો તેમનો મંચ હકડેઠઠ ભરાઈ ગયો. અરવિંદ કેજરીવાલથી બાબા રામદેવ અને કિરણ બેદી સુધીના સમર્થનમાં ઉમેરાયા. છેવટે માટીના ગણપતિ બનાવવાનો આદર્શ હતો, પણ બની ગયો ગર્દભ. રાજકીય રીતે તેનો સૌથી અધિક લાભ અરવિંદ કેજરીવાલે લીધો, રાજકીય પક્ષ બનાવ્યો, કેટલાક તેમાં રહ્યા, બીજા નીકળી ગયા. કેટલાકને માટે નીકળી જવાના સંજોગો ઊભા થયા. દિલ્હી પ્રદેશની સત્તા તો મળી પણ અનેક કારણોથી વધુ સમય ભોગવી શક્યા નહિ.

હવે કોક્રોચના નિમિત્તે, રાજકીય પક્ષોને એવું લાગે છે કે આ યુવા પેઢી જો સતાધીશોની વિરુદ્ધ જાય તો સત્તા-પરિવર્તન થઈ જશે. તે થાય કઈ રીતે? 1975માં શ્રીમતી ઇન્દિરા ગાંધીની સરકાર અને પક્ષની સામે કટોકટીનો મુદ્દો હતો, પણ જયપ્રકાશ જોઈ શક્યા કે કોઈ એક પક્ષ તેને હરાવી નહિ શકે એટલે કોંગ્રેસ-વિરોધી પક્ષોએ એક થઈને, ચૂંટણી લડવી જોઈએ. શરૂઆતમાં એવી તૈયારી નહોતી. છેવટે સૌ એક થયા, નવો જનતા પક્ષ રચવામાં આવ્યો, ઐતિહાસિક જીત મેળવી, પણ જલ્દીથી સરકાર તૂટી પડી તે વળી બીજી ઐતિહાસિક રાજકીય ઘટના હતી!

આજની હાલતને કોઈ રીતે 1977માં સત્તાના પરિવર્તનની સાથે સરખાવી શકાય તેમ નથી. કોંગ્રેસની પાસે ઇન્દિરાજી જેવા દૃઢ ઇચ્છાશક્તિ ધરાવતા નેતા હતા, જનતા પક્ષની પાસે જે.પી. અને મોરારજીભાઈ, અટલ બિહારી વાજપેયી જેવા સમર્થ નેતાઓ. આજની કોંગ્રેસ પાસે તેના પાંચ ટકા સામર્થ્ય ધરાવતી નેતાગીરી પણ નથી. રામ ભલે ભાજપનો આદર્શ હોય, કોંગ્રેસ અત્યારે રામ ભરોસે - એટલે કે પરિસ્થિતિ મુજબ ટકી રહેવું - ગાડી ચલાવે છે. સમાજવાદીની સ્થિતિ બહુ સારી નથી, રાષ્ટ્રીય જનતા દળ લાલુપ્રસાદની જેમ ખખડી ગયું છે. તો પણ આ પ્રાદેશિક પક્ષો પોતાના રાજ્યમાં થોડુંઘણું અને વધારે બળ બતાવી શકે. મૂળ સવાલ ભાજપ ઘણા વર્ષોથી સ્થાપિત થઈ ચૂક્યો છે અને તેમની પાસે નેતૃત્વ પણ છે, તેની સામે પ્રભાવી લડાઈ આપવાનો છે.
 
પ્રશાંત કિશોર પોતાના સાવ નવા પક્ષ - જેને અગાઉ હાર મળી હતી - અને વ્યક્તિગત પરિશ્રમથી (બિહારમાં બાંકીપુર બેઠક) પેટા-ચૂંટણીમાં જીત્યા છે, જે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખનો કાયમ દબદબો હતો 30 વર્ષથી, તેને 30 દિવસમાં પરાજિત કરવા એ એક રાજકીય રીતે મોટી ઘટના તો છે જ. ટીવી સમીક્ષક રૂબિકાએ સાચું કહ્યું કે એકલા ભાજપને નહિ, સપા જેવા બીજા પક્ષોને માટે પણ આત્મમંથનનો સમય છે. પ્રશાંતનો પક્ષ તો સાવ નજીવો છે, નવો છે, દરિયામાં ખસખસ જેવો, છતાં જીતી ગયો!

આમાં ભારતની નવી પેઢીનો અસંતોષ કામ લાગે ખરો, તે વિરોધ પક્ષોનો મુખ્ય એજન્ડા છે. એટલે કોક્રોચને ટેકો આપ્યો. જે છોકરા-છોકરીઓને માતાપિતા, શિક્ષણ, સમાજ, રાજકારણ કશું આપી શક્યા નથી એવું મગજમાં ભરેલું છે, તે પોતાના દોસ્તોની વચ્ચે ગાલીપ્રદાન કરે છે તેવું સામૂહિક રીતે કરવાનો મોકો મળી ગયો અને મોદી તેનું મુખ્ય નિશાન બન્યા. બિચારા સૌજન્યશીલ ઉપવાસી વાંગચૂકને થયું કે અરે, આ તો મારા ખભે બંદૂક રાખીને લડવા માગે છે, એટલે સન્માનપૂર્વક ખસી ગયા. જેટલું વિદ્યાર્થીઓએ સ્વયંભૂ કર્યું તે પ્રભાવી હતું, તેમાં તેના ‘નેતાઓ’નું કોઈ પ્રદાન નથી, તેનું ઉદાહરણ ઝારખંડના દેખાવોમાં મળી ગયું છે. આ વિદ્યાર્થીઓએ પોતાની રીતે આંદોલન કર્યું.

એક બીજી વાત છે કે કોક્રોચ એ જેન-ઝી નથી. જોકે બંનેના માઈ-બાપ ઈંટરનેટ છે. ડિજિટલના હથિયારથી લડવા માગતા કેટલાક લોકો જ છે, સમગ્ર પેઢી તેમાં સામેલ નથી, ઘણો મોટો વર્ગ સમજદાર છે, ગાલીબાજ તોફાની નથી. તેમાંના કેટલાંક તો ભજન, પ્રાર્થનાનું માધ્યમ પ્રયોજે છે. એટલે જેમની પાસે સૌથી અધિક યુવાશક્તિ છે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ જેન-ઝીના યુવકોને મળવાનું, બેઠકો કરવાનું નક્કી કર્યું છે. ભારતીય જેન-ઝી જો એવા હકારાત્મક રસ્તે વળે તો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે.

આ જેન-ઝીનો ઇતિહાસ તપાસવા જેવો છે. તેની વ્યાખ્યા... અને પરિભાષાનું કેન્દ્ર અમેરિકા છે. આન્દ્રે દઆ, બો ફિનેનમેન, એરિકા હચિન્સ, જેની કોર્ડના, કોના એનોર્મોટો જેવા તેના સંશોધકો છે. કેટલાક તો કાયમ છ કલાક ફોન પર રહીને સંપર્ક સંશોધન કરે છે.
જેન-ઝી એક જ નથી. સમય મુજબ બદલાય છે. સમાજશાસ્ત્રીઓએ તેનો ક્રમ દર્શાવ્યો છે, જેમ કે - 1980થી 1990 મિલેનિયલ્સ, 1900-1924 જી-આઈ, 1925-1947 સાઈલન્ટ ઝી, 1997-2012 જનરલ-ઝી, 1980-1990 મિલેનિયમ ઝી, 1965-1980 એક્સ ઝી, 1946-1964 બેબી બૂમર્સ ઝી, 1928-1945 સાઇલંટ ઝી, 1911-1921 ગ્રેટેસ્ટ ઝી... સૌથી પહેલી લોસ્ટ જનરેશન ઝી 1883-1900ની રહી. ક્યાંક વળી નામ બદલીને ‘આલ્ફા’ કહેવામાં આવ્યું. અમેરિકામાં વંશીય (નિગ્રો)નો 50 ટકા વર્ગ આ આંદોલનોમાં અને માન્યતાઓમાં જોડાયેલો હોવાનો અમેરિકી વિદ્વાનોનો દાવો છે.

અમેરિકા અને પછી બીજા પશ્ચિમી દેશોની યુવા પેઢી ઘણી બધી રીતે સ્વાધીન રહેવા માગે છે. અમેરિકામાં તો મોટો યુવા વર્ગ બંદૂક રાખે છે, નશો કરે છે, એક મોટો વર્ગ તેનાથી દૂર રહીને વૈચારિક પરિવર્તનમાં સક્રિય છે. જેન-ઝી વિષે પુસ્તકો પણ લખાયા છે, આપણે ત્યાં જેન-ઝી અને હિંદુત્વ પુસ્તક હમણાં જોવા મળ્યું.
ભારતીય પરંપરામાં ઝી જેવી ઓળખ નથી પણ છેક નાની વયના ‘પ્રશ્નો કરનાર અને તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતા’ જેન-ઝીના ઘણા ઉદાહરણો છે. પિતા શ્રી રામને પડકારનારા બે બાળકો - લવ અને કુશ - જેન-ઝી જ હતાને? શ્રી કૃષ્ણે ગેડી-દડાની રમત દરમિયાન પ્રચંડ વાસુકિને પડકાર્યો હતો. નચિકેતાએ જીવન અને અધ્યાત્મના પ્રશ્નો પૂછ્યા હતા, આદિ શંકર યુવા પેઢીના પ્રતિનિધિ હતા. ખુદીરામ બોઝ સહિતના ક્રાંતિકારોની વય 15 વર્ષની હતી. વિઘ્નહર્તા શ્રી ગણેશની આયુ ક્યાં વધારે હતી? આ બધા ભારતીય સંસ્કૃતિએ આપેલા જેન-ઝી હતા.

અત્યારે દુર્ભાગ્યે જેન-ઝી અને કોક્રોચનું ગંદુ રાજકીયકરણ થઈ ગયું છે. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું તે માત્ર આંદોલનનું પરિણામ નથી, બીજાં ઘણા કારણો છે. દરેક રાજકીય પક્ષો આવા આંદોલનોનો લાભ ઉઠાવે તેમાં કશું નવું નથી. મૂળ સવાલ તમે કેવા અને કેટલા, પરિવર્તનને માટે લડી રહ્યા છો તેનો છે. કોક્રોચ તેને સમજી શકે તેવા તેના નેતાઓ જ ક્યાં છે?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter