જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે ભારત આવી તો એક નક્સલ નેતાની સાથે મુલાકાત થઈ હતી) બે વર્ષ સુધી હઝારીબાગ જેલમાં કેદી હતી. 1975 માં તેને કોઈ કારણસર છોડી મૂકવામાં આવી. લંડનમાં એ સમયે ભારતમાં કટોકટી અને લોકતંત્રનો છેદ કરવાના પ્રયાસો સામે લડનારાઓને તેણે સમર્થન આપ્યું અને દેખાવોમાં જોડાઈ હતી. મેરી ટેલરનું એક પુસ્તક છે ‘ટૂ યર્સ ઇન ઇંડિયન જેલ’.
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જેલ અને જેલસાહિત્ય ઘણું લખાયું. જવાહરલાલ નેહરુએ પોતાની નજરે ભારતની ખોજ કરી. સરદાર વલ્લભભાઈએ સાબરમતી જેલમાં ડાયરી લખી. રામપ્રસાદ બિસ્મિલે ફાંસીના બે કલાક પહેલાં સુધી પોતાની આત્મકથા લખી, લોકમાન્ય ટિળકનું ગીતા પરનું પુસ્તક માન્ડલે જેલમાં લખાયું હતું. એ જ જેલમાંથી સુભાષ ચંદ્ર બોઝે પત્રો લખ્યા તેનું પુસ્તક થયું. સરદાર ભગતસિંહે લાહોર જેલમાં પુષ્કળ લખ્યું. સાવરકર તો જેલ-સાહિત્યમાં અભૂતપૂર્વ લેખક રહ્યા. આંદામાનની કાળકોટડીમાં લેખનસામગ્રી તો કોણ આપે? દીવાલો પર લખીને તેમણે સાહિત્ય આપ્યું. ‘માઝી જનમઠેપ’માં આનો અદ્દભુત અંદાજ મળે છે. શ્રી અરવિંદના જીવનનો વળાંક જ અલીપુર જેલમાં કેદી હતા ત્યારે આવ્યો. શચિન્દ્રનાથ સાન્યાલનું બંદી જીવન તો ક્રાંતિકથાની રોશની છે.
સ્વતંત્રતા પછી પણ જેલવાસનું સાતત્ય રહ્યું. ડોક્ટર રામમનોહર લોહિયાનું ઘણુંખરું ચિંતન-સાહિત્ય જેલવાસની નીપજ છે. કટોકટી દરમિયાન કારાવાસી નેતાઓએ કેટલુંય લખ્યું. અટલ બિહારી વાજપેયીએ ‘કૈદી કવિરાય કી કુંડલીયા’ લખી. ચંદ્રશેખરની દળદાર આત્મકથા આવી. મોરારજીભાઇનું આત્મવૃતાંત જેલમાં લખાયું. જેપીની જેલડાયરી આવી. એલ કે. અડવાણીએ મિડનાઇટ નોક, નજરબંદ લોકતંત્ર, બે કટોકટીની કહાણી વગેરે આપ્યા. કે. સુંદરરાજનનું પુસ્તક જ્યોર્જ ફર્નાન્ડીઝ અને સાથીદારોની તિહાડ જેલને વ્યક્ત કરે છે. બીજા ઘણાના આવાં ઉદાહરણો મળી આવે.
એટલે રસપ્રદ સવાલ થાય કે આ જેલો તો મોટેભાગે ગુનેગારોને ‘સજા’ માટેનું સ્થાન ગણાય. અસંખ્ય ગુનેગારો, દાણચોરો, બળાત્કારીઓ, જુગારીઓ, ત્રાસવાદીઓ, નકસલીઓ (આમાંની એક કેરળની નક્સલી અજીથા કુનિકરનની માતા તો ભાવનગરની ગુજરાતી શિક્ષિકા હતાં. તેલ્લીચેરી લૂંટમાં તે પકડાઈ અને જેલવાસી બની. ફાંસી નક્કી હતી પણ ન્યાયતંત્રે એવું ના કર્યું. અજિથાનું નક્સલવાદ વિશેનું ભ્રમનિરસન જેલમાં જ થયું. ક્રાંતિની ભ્રાંતિનો ભંગ થયો. તેણે મલયાલી ભાષામાં જેલની આપવીતી લખી છે. જેલમાંથી મુક્ત થયા પછી સામાજિક સેવાના કામને પસંદ કર્યું.) પાકિસ્તાની દરિયાઈ ઘૂસણખોરો, ખૂનીઓ, દંગાખોરો જેલોમાં જાય તેવી વ્યવસ્થા વર્ષોથી છે.
આંદામાન જેવી કાળા પાણીની ખતરનાક સજાની શરૂઆત બ્રિટિશરો દ્વારા શરૂ થઈ. 1857નો વિપ્લવ, ગદર પાર્ટીની ક્રાંતિ, નવજવાન ભારત સભા, ચટગાંવ મુક્તિનો મહાપ્રયાસ, લાહોર કાવતરા કેસ, કાકોરી ધાડ પ્રકરણ વગેરેમાં અસંખ્ય સ્વાતંત્ર્ય વીરોને આ જેલમાં ધકેલવામાં આવ્યા અને તેમાંના ઘણા ત્યાં જ મૃત્યુ પામ્યા. કેટલાક આત્મહત્યા તરફ વળ્યા, કેટલાક પાગલ બની ગયા. સાવરકર જેવા વિરલ ક્રાંતિકારો બહાર નીકળ્યા તો ત્યાં પણ લેખિની ચાલુ રહી. રત્નાગિરી જેલમાં તેમણે ચિંતન અને ભાષ્ય આપ્યા.
કેવી હતી અને કેવી રહી છે આ જેલો? કટોકટીના 50 વર્ષોની સ્મૃતિમાં દેશભરમાં કાર્યક્રમો થયા. સ્વાભાવિક રીતે તે સમયે જેલોમાં અટકાયતી તરીકે રહેલા (જેની સંખ્યા 1 લાખ 10 હજાર હતી)ને આ રીતે યાદ કરવામાં આવી રહ્યાં છે. ઘટનાને 50 વર્ષ થઈ ગયા એટલે તે સમયે 30-60 વર્ષના હતા તેમના ઘણાખરા દિવંગત થઈ ગયા છે, અને જે જીવે છે તેઓ સ્મૃતિશેષ અવસ્થામાં જ છે. તે બધાં તે સમયે જેલોમાં રહ્યા હતા, તેમાંના 103 તો સાચી સારવારના અભાવે જેલોમાં મૃત્યુ પામ્યા તેની યાદી હવે કેટલાંક પુસ્તકોમાં દસ્તાવેજ સ્વરૂપે મળે છે.
મિસાવાસીઓના પરિવારો તે સમયે તો પોતાના ઘરના આર્થિક મોભી જેલમાં રહેતા ભારે સંકટોમાં પસાર થયાં હતા, નવી સરકારો આવ્યા પછી મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ વગેરે પ્રદેશોમાં મિસાવાસી પરિવારોને સન્માનનિધિ નિયમિત દરેક મહિને આપવામાં આવે છે. ગુજરાતમાં 500થી વધુ અટકાયતીઓ નહોતા, તેમના વિશે ગુજરાત સરકારે કશું વિચાર્યું હોય તેવું લાગતું નથી. આ 500માંથી 450 જેટલા મિસાવાસી પણ દિવંગત થઈ ગયા છે.
ગુજરાતની જે જેલોમાં 13 માર્ચ 1976 થી મિસા અને ડી.આઈ.આર. હેઠળ જેલોમાં રાખવામાં આવ્યા હતા તે જેલો સાબરમતી, ભાવનગર, વડોદરા, લાજપોર, રાજકોટ, ભુજ, પાલનપુર, મહેસાણા, હિંમતનગર, મોડાસા, વિરમગામ વગેરે હતી. ગુજરાતમાં મુખ્ય કેન્દ્રીય જેલો ઉપરાંત 7 જિલ્લા જેલ, 11 સબ જેલ, 1 મહિલા જેલ, 2 ખુલ્લી જેલ, 2 ખાસ જેલ વગેરે છે. બીજી કેટલીક લોક-અપ પૂરતી છે.
ભુજની જૂની જેલ ભૂકંપ દરમિયાન તૂટી પડી તે મુખ્યત્વે ખતરનાક કેદીઓ માટે હતી. 1976માં જ્યારે કટોકટીવિરોધીઓને પકડવામાં આવ્યા ત્યારે સૌથી યુવા, વિદ્યાર્થી પરિષદના આગેવાન વિજય રૂપાણીને અને પ્રા. એન.યુ. રાજ્યગુરુને આ જેલમાં રાખવામાં આવ્યા! કેશુભાઈ પટેલ, ઇંદુભાઈ પટેલ, વસંત પરીખ, ડો. એ.કે. પટેલ, રિખવદાસ શાહ, અરવિંદ મણિયાર, ડો. પી.વી. દોશી, વજુભાઈ વાળા વગેરે સાબરમતી જેલમાં હતા. આ જેલમાં તિલક કક્ષ, ગાંધી કક્ષ, સરદાર કક્ષ વગેરે છે, પણ છે તો કેદીની બેરેક જ! છેક 1857 થી 1945 સુધીના રાજકીય અટકાયતીઓ આ જેલમાં રહેલા. તેમાં ગાંધીજી, કસ્તુરબા, લોકમાન્ય, વલ્લભભાઈ, ઇન્દુલાલ યાજ્ઞિક, જયંતી દલાલ અને બીજાનો સમાવેશ થાય છે. એકવાર સામ્યવાદી કેદીઓએ પ્રતિરોધ પણ કર્યો હતો, મહાગુજરાત આંદોલનના નેતા-કાર્યકર્તા અહીં રાખવામાં આવ્યા હતા.
આ જેલો એટલે, ઝવેરચંદ મેઘાણીએ લખ્યું તેમ ‘જેલ ઓફિસની બારી’, મુલાકાતી ખંડ, છોટા ચક્કર, બડા ચક્કર, ફાંસીઘર, બેરેક, વોર્ડ, વીસી, ગિનતી, વોર્ડન, સેવક, ટ્રાયલ્સની એક દુનિયા! તેને વાચા મળે તો ના જાણે કેટલી કથા-ઉપકથાઓ મળે! પણ તેને માટે અસામાજિક કે રાજકીય કેદી તરીકે જવું પડે!


