જોજો, ક્યાંક આ તેજસ્વી સુરતને ભૂલી ના જવાય...

ઘટના દર્પણ (ગુજરાત દિન વિશેષ)

- પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા Tuesday 21st April 2026 12:26 EDT
 
 

પહેલી મેના રોજ સુરતમાં ગુજરાત રાજ્યનો સ્થાપના ઉજવાશે. ભાષણો, સન્માનો, જય જય ગરવી ગુજરાત...નું ગીત અને સૂત્ર, રાતે બજારોમાં રોશની, પૂર્વરાત્રીએ સરકારી ખાતાએ પસંદ કરેલો, આવડ્યો હોય તેવો સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસ, ગરબા, નૃત્ય વગેરે પણ થશે...

... પણ, આ બધાંની વચ્ચે સુરતની પોતાની અસ્મિતાના વાચાહીન સ્થાનો, અને ઘટનાઓ યાદ કરાશે? ભાષણો અને બીજાં કાર્યક્રમોમાં તેવા ઇતિહાસબોધના સંકેતો મળશે? નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક ચોક્કસ દ્રષ્ટિકોણ હતો કે આ 26 જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિવસ, 15 ઓગસ્ટનો સ્વાતંત્ર્ય દિવસ, અને પહેલી મેનો રાજ્ય સ્થાપના દિવસ ગુજરાતમાં કોઈ એક સ્થાનને કેન્દ્રમાં રાખીને ઉજવાય અને ત્યાં સ્થાનિક પ્રજાને પોતાના સ્થાનિક ઇતિહાસનું સ્મરણ અને પ્રેરણા રહે એવા ઇતિહાસ બોધને વ્યક્ત કરવો. 35 જેટલા સ્થાનોનો તો સાક્ષી છું કે એવી પોતાના ઇતિહાસની અનુભૂતિ થતાં સાંસ્કૃતિક કાર્યક્રમને મોટી સંખ્યામાં આબાલવૃદ્ધ માણતા. સરકારી તંત્ર - ખાસ કરીને યુવા સંસ્કૃતિ, રમતગમત વિભાગ ઉત્સાહપૂર્વક સક્રિય રહેતો. છેલ્લા પાંચેક વર્ષથી તેવું દેખાતું નથી, તેનાં ઘણા કારણો હશે.
... સુરતનું સ્મરણ તો એક મહાગાથા છે, પણ આપણે તેમાંની કેટલીક એવી ઘટનાઓનું સ્મરણ કરીએ જેની નોંધ ઓછી લેવામાં આવી છે.
1857નું સુરત. એ વિપ્લવ વર્ષનું ઝાંસી અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના અદ્દભુત શૌર્ય વિષે તો સુભદ્રા કુમારી ચૌહાણે લખ્યું હતું, ‘બુંદેલે હર બોલો કે મુખ હમને સૂની કહાની થી, ખૂબ લડી મરદાની વો તો ઝાંસીવાલી રાની થી...’
પણ, મગદલ્લાની બહાદુર કોળી માછીમાર મહિલાએ બ્રિટિશ સોલ્જરને આરપાર વીંધી નાખ્યો હતો, તેની કવિતા લખીને સુરતના હરિલાલ રાણાએ જેલ ભોગવી હતી, તેમાં લલકાર્યું હતું:
 અમર શહાદત યાદ કરું,
 આંખોમાં આવે પાણી,
 શિયળ કાજે, શહીદ થઈ,
 મગદલ્લાની મરદાની!
આ કવિએ બે દીર્ઘ કવિતાઓ 1857ના સુરત વિષે લખી હતી. જમના, ખલાસીની યુવાન પુત્રી, બ્રિટિશ સોલ્જરો તેના પર તૂટી પડ્યા. ભીમપોર ડુમ્મસથી આવેલી આ ટુકડીને સૂચના હતી કે એવો કાળો કેર વરતાવો કે પ્રજા ફિતૂર (વિપ્લવને બ્રિટીશરોએ ‘ફિતૂર’ નામ આપ્યું હતું.) કરતી બંધ થઈ જાય. જમના ભેખડ પરથી તાપી નદીમાં ભૂસકો મારવા જાય તે પહેલાં એક હવસખોર સિપાહીએ તેને પકડી લીધી. જમનાને ઢસડીને તે બીજા વરુ સિપાહીઓ પાસે લઈ જવા માગતો હતો. પણ આ માછીમાર સ્ત્રી એમ થવા દે તેમ નહોતું. તેણે તો સોલ્જરની સાથે જ તાપીમાં ભૂસકો માર્યો. માંડ તેણે કિનારા તરફ પહોંચવા પ્રયાસ કર્યો. જોકે જમનાનો ઇરાદો લંડનમાં બેઠેલા બાપદાદાઓ પણ યાદ કરે તેવો બોધપાઠ આપવા માંગતી હતી. સોલ્જરના ગળે જમનાએ પોતાના નખથી હુમલો કર્યો. જાણે શિવાજી મહારાજના વાઘ-નખ! પેલાની જીભ બહાર નીકળી ગઈ, સોલ્જરના શ્વાસ અટકી ગયા. લોહીલુહાણ મૃતદેહ તાપીના જળ પર વહેવા લાગ્યો. કિનારે ઉભેલા બ્રિટિશ સૈનિકોએ ગોળીબાર શરૂ કર્યો, જમનાએ બંદૂકની ગોળીઓ ઝીલી. પણ ક્યાં સુધી તે લડી શકે? કિનારે પહોંચે તે પહેલાં તેણે તાપીના જળમાં મોતની સમાધિ લીધી.
‘અંગ્રેજોના અત્યાચારની લાવણી’ અને ‘1857ના સામેનું સુરત’ આ બે કાવ્યો કવિ હરિલાલના. સુરતનિવાસી મિત્રો, વીર નર્મદની જેમ હરિલાલને અને ‘મગદલ્લાની મરદાની’ જમનાને યાદ રાખવાં જોઈએ કે નહિ? તેમનું કોઈ સ્મારક ખરું? પોરબંદરના આવા એક કાર્યક્રમ વખતે તેના મુખ્ય મહેમાન ભૂપેન્દ્રભાઈ પટેલ પોરબંદરના, રંગૂનમાં ફાંસી પર ચડેલા ક્રાંતિકારી પત્રકાર વિષે વિગતો એક કોલમમાં યાદ કરી હતી, એટલે તેમણે તે નામનો ઉલ્લેખ કર્યો હતો.
સુરતમાં રાજ્ય સ્થાપના દિવસે યાદ કરવા જેવુ ઘણું છે. ‘સ્વરાજ’ શબ્દ સૌથી પહેલાં સુરતે આપ્યો. 1844માં - ગાંધીજીની લડતની પૂર્વે - મીઠાના કાનૂનની સામે હડતાળ પડી, 80 હજાર નાગરિકો અને વેપારીઓ મેદાને પડ્યા. 1848માં નવાં તોલ માપ સામે ગુસ્સો સામૂહિક બન્યો. 1860માં આવકવેરાનો વિરોધ થયો. 1878માં લાઇસન્સ ટેક્સમાં હુલ્લડ થયું. કેટલાકને કાળા પાણીની સજા થઈ. બે પત્રકાર તંત્રી સહિતના છ આગેવાનોને સુરત હુલ્લડ કેસમાં જેલવાસી કરાયા. છેવટે તમામ નિર્દોષ છૂટયા.
 1857માં સૈયદ સાદત અલીને નાનાસાહેબ પેશ્વાના સાગરીત તરીકે અને શાયર તરીકે 1871ની આઠમી એપ્રિલે ફાંસી પર ચઢાવી દેવામાં આવ્યો. સુરતના આર્યસમાજી શિક્ષક હરિશંકર ત્રવાડી અને સદાશિવ ત્રવાડી તો ઝાંસી રાણીની સેનામાં સામેલ થયા હતા. તાત્યા ટોપે છેક સોનગઢ સુધી ભીલ સેન બનાવીને 1857નું અંતિમ યુદ્ધ લડવા આવ્યો હતો.
સોનગઢથી બાગલાણ સુધી ભીલોએ બ્રિટિશ સેના સામે યુદ્ધ કર્યા હતા. તાત્યા સરભણ સુધી પહોંચ્યા પણ અનાવિલ સમાજે મદદ ના કરી. કવિ નર્મદનો સંબંધ બાવા કિસનદાસ સાથે હતો. કિસનદાસ પંજાબી હતા, અને સુરતમાં 1857માં ભાગ લીધો. નર્મદે ઓખા-દ્વારિકાના વીર વાઘેરો વિષે કાવ્ય પણ લખ્યું.
સુરતનો સંબંધ ‘વંદે માતરમ્’ અને ‘ભારત માતા કી જય’ બંને પ્રાણવાન સૂત્રોની સાથે છે. 1907માં સુરતમાં કોંગ્રેસનું અધિવેશન ભરાયું તેમાં પહેલીવાર ભાગલા પડ્યા. એક વર્ગ 1885થી, કોંગ્રેસના જન્મવર્ષથી જ અંગ્રેજો અને સરકારની સાથે સંબંધ રાખીને, આવેદન પત્રો આપીને વિનીત વલણ રાખવા માંગતા હતા. પણ લોકમાન્ય તિલક, અરવિંદ ઘોષ, ભગતસિંહના કાકા સરદાર અજીતસિંહ વગેરે ખુલ્લી રીતે સ્વાતંત્ર્ય સંગ્રામના હિમાયતી હતા.
અરવિંદ ઘોષે ‘ભવાની મંદિર’ પુસ્તિકામાં સમર્પિત દેશભક્તિની સંકલ્પ કથા લખી, ભગિની નિવેદિતાએ ‘કાલી - ધ મધર’ લખ્યું, ને 1905ની બંગભંગ લડત સમયે વંદે માતરમ્ અને ભારત માતાની વંદનાએ પ્રેરણા આપી.
1907 માં અરવિંદ અને તિલક સુરત આવ્યા હતા. ફ્રેંચ ગાર્ડન, ઘી કાંટા વાડી, દશા લાડ વણિક વાડી, શેઠ તૈયાબજીનો બંગલો, બાલાજીનો ટેકરો, હરીપુરા, એન્ડ્રુઝ લાઇબ્રેરી... આ બધાં સ્થાનોએ સ્વાધીનતાનો નાદ ગાજ્યો હતો. ભાજપની રાજ્ય સરકારને અને નેતાઓને એ જાણીને આનંદ થશે કે ભારતીય જનસંઘના પ્રાદેશિક પ્રથમ પ્રમુખ મોહનનાથ કેદારનાથ દિક્ષિત આ ક્રાંતિકારી નેતાઓની સાથે હતા, પછીથી બારડોલીમાં સરદાર વલ્લભભાઈની સાથે ઝુકાવ્યું હતું.
સુરતથી સાવ નજીક હરિપુરા છે, બારડોલી છે. હરિપુરામાં સુભાષચંદ્ર બોઝ અધિવેશનના અધ્યક્ષ બન્યા હતા. તે વર્ષ હતું 1938નું. જયંતીભાઈ પટેલે અહીં સુભાષ-સ્મૃતિ માટે ઘણી સક્રિયતા દાખવી હતી. નરેન્દ્ર મોદી અહીંથી ગુજરાતમાં ઇ-ગ્રામની ઘોષણા કરી હતી. એક પ્રતિમા આ નગરમાં સ્થાપિત થયેલી છે. કેટલાંક મકાનો હજુ ત્યાં ગાંધીજી, સરદાર, સુભાષનો નિવાસ હતો તેના સાક્ષી છે, વાંસદાના મહારાજા ઇંદ્રવિજય સિંહજીએ સુભાષબાબુ માટેનો રથ તૈયાર કરાવીને આપ્યો હતો. તેના સારથિ છીતાભાઈએ તો બારડોલી સત્યાગ્રહમાં જ બધું સમર્પિત કરી નાખ્યું હતું. આવું જ પ્રેરણા સ્થાન બરડોલીનો સ્વરાજ આશ્રમ છે. નિરંજના બહેન કલાર્થી તેના સૂત્રધાર છે.
ઇતિહાસ માત્ર પાઠ્યપુસ્તકના પાનાં પૂરતો સીમિત રહેવો જોઈએ નહિ. પ્રદેશ સ્થાપન પૂર્વેનું વ્યાપક જનઆંદોલન હતું મહા ગુજરાત આંદોલન. ગુજરાતની પ્રજાએ તે સમયે દેશવ્યાપી લોકપ્રિય ‘નેહરુ ચાચા’ની સમકક્ષ પોતાના ‘ચાચા’ ઊભા કર્યા તે ઇન્દુલાલ યાજ્ઞિક. નૈનપૂરમાં તેમની આશ્રમ ભૂમિમાં અત્યારે તો ઝાડીઝાંખરા ઊગ્યા છે.
વિસ્મૃતિના અભિશાપમાંથી મુક્ત થવું એ જ ઇતિહાસબોધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter