ટેકનિકલ જ્ઞાન અને સૂઝનો સુમેળઃ હીરેન તુરખિયા

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Wednesday 10th January 2018 08:30 EST
 
 

ભારતની HCL કંપની. એના નામ અને કામનો આઇટી ક્ષેત્રે ડંકો. કંપની વિશ્વના ૩૧ દેશોમાં ઓફિસ અને ૯૫ હજાર કર્મચારીઓ ધરાવે છે. એના કર્મચારીઓ વિશ્વના ૧૦૨ જેટલા દેશોમાંથી આવે છે. કંપનીની વાર્ષિક આવક ૬૫૦ કરોડ ડોલર. કંપની આઇટી ક્ષેત્રે ભાતભાતની સલાહ અને સોફ્ટવેર પૂરાં પાડે છે. મોટી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કોમ્પ્યુટર ક્ષેત્રે દૂરથી સંચાલન, જરૂરિયાતો, વિકાસનું આયોજન, સંશોધન, જરૂર પડ્યે ટેકનિકલ માણસો આ બધું એ પૂરું પાડે છે. હાર્ડવેર અને સોફ્ટવેર બન્ને ક્ષેત્રે સર્વિસ અને સોલ્યુશન પૂરાં પાડે છે. એની ગ્રાહક કંપનીઓ બેન્કિંગ, કેપિટલ માર્કેટ, ફાર્માસ્યુટિકલ, મીડિયા, પબ્લિશિંગ, ટેલિકોમ્યુનિકેશન, ઇન્સ્યોરન્સ, હેલ્થકેર, મનોરંજન વગેરે ક્ષેત્રે કામ કરે છે.
બધા ખંડોમાં કામકાજનો પથારો ધરાવતી આ કંપનીના યુરોપના વાઇસ પ્રેસિડન્ટ ધીરેન તુરખિયા હવે કંપનીમાં વૈશ્વિક ઉદ્યોગ અને ઉત્પાદન વિભાગના વડા છે. યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને પ્રશાંત મહાસાગર તટના દેશોમાં ધંધાકીય પ્રવૃત્તિના ભાગરૂપે હીરેનને સતત દોડધામ કરવી પડે છે. જર્મનીમાં પોતાની માલિકીના આલિશાન મકાનમાં વસતા તેઓ વ્યવસાયિક દોડધામ અને પરિવાર વચ્ચે સમતુલા રાખીને જીવે છે. શનિ-રવિ પરિવાર સાથે જ શાંતિથી જીવી શકાય તેવું તેમનું આયોજન ક્યારેક જ બદલે છે.
હીરેનભાઈના દાદા છબીલદાસ સુરેન્દ્રનગરમાં કાપડની દુકાન ધરાવતા. વર્ષો પહેલાં ભાવનગર જિલ્લાના બોટાદ નજીકના તુરખા ગામના આ પરિવારે બોટાદ બંદર પૂરાતું જતાં, વહાણો આવતાં બંધ થતાં, ધંધા-રોજગારમાં મંદી આવતાં વતન છોડ્યું. પણ વતનની યાદ સાચવવા તુરખા પરથી તુરખિયા અટક રાખી. મનુભાઈ દોશી મુંબઈના માટુંગામાં ડોક્ટર તે છબીલદાસના સાળા. તેમણે પોતાની બહેન પ્રત્યેના પ્રેમથી તેમના દીકરા પ્રવીણભાઈને પોતાની સાથે રાખીને ભણાવ્યા. પ્રવીણભાઈ મુંબઈ યુનિવર્સિટીમાંથી કોમર્સ ગ્રેજ્યુએટ થયા. આ પછી ફોર્ટ વિસ્તારમાં સ્ટેશનરીની દુકાન કરી. પ્રવીણભાઈ અને રંજનબેનનો નાનો પુત્ર તે હીરેન.
હાઇસ્કૂલમાં હીરેન તેજસ્વી વિદ્યાર્થી. શિક્ષકોનો એ લાડકો. નાનપણથી હીરેનમાં સૂઝ, ચબરાકી અને નેતાગીરીના ગુણ. શાળામાં મનોરંજન કાર્યક્રમ હોય કે ઉત્સવોની ઉજવણી. હીરેન એમાં મોખરે રહે. નિબંધ સ્પર્ધા હોય કે વકૃત્વ સ્પર્ધા, હીરેન એમાં નેતાગીરી સંભાળે. વિદ્યાર્થી પ્રતિનિધિની કોઈ પણ કાર્યક્રમ યોજવાના આયોજનની મીટિંગ હોય ત્યારે હીરેન એમાં નવા નવા વિચાર મુકે. એનો અમલ થતાં કાર્યક્રમ શોભી ઊઠે. શાળાજીવનમાંથી હીરેનમાં નેતાગીરીના ગુણ વિકસ્યા. વારંવારની સફળતાથી વિકસેલી આત્મશ્રદ્ધાએ જીવનમાં ઉત્સાહ પ્રેર્યો અને કંઈક કરી બતાવવાનો ઉમંગ વિકસ્યો.
હીરેન બારમા ધોરણમાં ડિસ્ટીંકશન માર્કસ લાવ્યો અને ભારતીય વિદ્યાપીઠની કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં જોડાયો. તેજસ્વિતાને લીધે કોલેજમાં બધાં વર્ષ માટે સંપૂર્ણ ફી માફી મળી. અહીં કોલેજની હોસ્ટેલમાં એકલા રહેવાનું થયું. જિંદગીમાં પ્રથમ વાર એકલા રહેવાનું થયું. આથી પ્રગતિનો દરવાજો ખૂલી ગયો.
એકલા રહેવાની ટેવ પડી. સ્વતંત્ર રીતે મૈત્રી કે સંબંધો રાખવાની, પ્રવૃત્તિ કરવાની તક મળી. પોતાના પ્રશ્નો પોતે ઉકેલવાની અને જવાબદારીભેર દરેક કામ કરવાની ટેવ પડી. ૨૧ વર્ષની વયે બીઈ-ઇલેક્ટ્રોનિક્સ થયા. સ્વીડીશ કંપનીની બેંગલૂરુ શાખામાં નોકરી મળી. ત્રણ વર્ષ પછી કંપનીએ છ માસ માટે વધુ તાલીમ માટે સ્વીડન મોકલ્યા. અહીં સ્ટીલ, સુગર, સિમેન્ટ, પેપર વગેરેના પ્લાન્ટમાં ડ્રાઇવ સિસ્ટમ ઇન્સ્ટોલેશન કરવાની અને એ બરાબર કામ કરે ત્યાં સુધીની જવાબદારી સોંપી. આથી મોટાં કામ જવાબદારીભેર પાડવાની આવડત આવી.
૧૯૯૪માં જર્મન કંપની સીમેન્સમાં નોકરી મળતાં ભારતમાં રુરકેલાના પોલાદના પ્લાન્ટમાં અવારનવાર જવાનું થયું. ૧૯૯૭માં કંપનીએ જર્મનીમાં બદલી કરતાં જર્મની રહેવાનું થયું. આથી જર્મન ભાષા આવડી. જર્મન લોકો સાથે કામ કરવાનું ફાવ્યું. જર્મનીમાં હતા ત્યારે જ ડોલી સાથે લગ્ન થયું. આ પછી બે વર્ષે કંપનીએ મુંબઈની ઓફિસમાં બદલી કરી. જર્મનીમાં ફાવી ગયું હતું, પણ બદલી થતાં નાછૂટકે ભારત આવ્યા. સીમેન્સના કામે રુરકેલા જતા એમાંથી ટાટા સ્ટીલ કંપનીના અધિકારીઓ સાથે સંબંધો વિકસ્યા હતા.
ટાટા પરિવારની બીજી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) પોતાનું કાર્યક્ષેત્ર યુરોપમાં ફેલાવવા જર્મનીમાં ઓફિસ કરવા માગતી હતી. એમને અનુભવી અને શૈક્ષણિક યોગ્યતા ધરાવતી વ્યક્તિની જરૂર હતી. હીરેનને જર્મની અને સ્વીડનના કામનો અનુભવ હતો. ઝળહળતી શૈક્ષણિક કારકિર્દી હતી તેથી પસંદગી થઈ. ૨૦૦૦થી ૨૦૦૬ સુધીના કામના મૂલ્યાંકન પછી કંપનીએ સમગ્ર યુરોપમાં હીરેનને કામ કરવા છૂટ આપી. હીરેનની નિષ્ઠા અને ધગશથી કામ શોભ્યું.
ટાટા કંપનીના કામથી અનેક જર્મન કંપનીઓ સાથે સંબંધો વિકસ્યા અને સીએસસી નામની જર્મન કંપનીમાં તેઓ ૨૦૦૮માં જોડાયા. ત્રણ વર્ષ પછી ૨૦૧૧માં તેઓ એચસીએલ કંપનીમાં નિમણૂંક પામ્યા. સમગ્ર યુરોપમાં તેમણે કંપનીના કામને ફેલાવ્યું. સતત પુરુષાર્થ કર્યો. કંપનીએ તેમને હવે તેની વૈશ્વિક જવાબદારી સોંપી છે.
મ્યુનિકમાંના ભારતીય દૂતાવાસના સહકારથી તેમણે જર્મનીમાં ઇન્ડિયન બિઝનેસ ફોરમ સ્થાપ્યું છે. હીરેન તુરખિયા તેના વાઇસ પ્રેસિડેન્ટ છે. આ સંગઠન નોન-પ્રોફિટ સંગઠન છે.
વ્યવસાય, સ્વભાવ અને સૂઝને લીધે હીરેનને નાની વયે યુરોપના વિવિધ વ્યવસાયીઓ સાથે સંબંધો સ્થપાયા છે. એચસીએલમાં વૈશ્વિક ઉદ્યોગ અને ઉત્પાદનના વડા છે. તેમના અનુભવ અને આવડતને કારણે તેમને દુનિયાની અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે સંપર્કો ઊભા થયા છે. અડધી સદીના આયુષ્યધારી હીરેન તુરખિયાએ જીવનના અઢી દસકામાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવીને ગુજરાતી... યુવાઓ માટે એક નમૂનો પૂરો પાડ્યો છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter