હિન્દી ફિલ્મ ‘વિકી ડોનર’ તેના અનોખા વિષયવસ્તુને લઇને દર્શકોમાં બહુ ચર્ચાસ્પદ બની હતી. કથાવસ્તુના કેન્દ્રમાં હતો વિકી નામનો એક યુવાન. ફર્ટિલિટી ક્લિનિકના માલિક ડોક્ટર ચઢ્ઢા (અન્નુ કપૂર) સ્પર્મ ડોનેશન (વીર્ય દાન) માટે વિકી અરોરા(આયુષ્યમાન ખુરાના)ને ખાસ પસંદ કરે છે. વિકીના શુક્રાણુ ફળદ્રુપ હોવાથી તેનાં સ્પર્મની માંગ વધતી જાય છે અને તેની જિંદગી બદલાઈ જાય છે. સ્પર્મ ડોનેશન જેવા ગંભીર વિષય પર બનેલી આ હળવી કોમેડી ફિલ્મમાં સંબંધો, વાંઝિયાપણું અને પિતૃત્વની જટિલતાઓને દર્શાવાઇ હતી. જોકે વિકી પોતે પિતા નથી બની શકતો. અંતમાં ડોક્ટર ચઢ્ઢા વિકીને એ કાર્યક્રમમાં લઈ જાય છે જ્યાં તેનાં શુક્રાણુથી જન્મેલા 53 બાળકો ઉપસ્થિત હોય છે. ભાવનાત્મક સંવાદો સાથે ફિલ્મ પૂર્ણ થાય છે. વાસ્તવિક જીવનમાં આવા ઘણાં વિકી ડોનર છે, પણ પોતાના શુક્રાણુ દ્વારા વિકી ડોનરથી પણ બમણા એટલે કે 106 જૈવિક બાળકોને જન્મ આપનાર પાવેલ દુરોવ આજકાલ ચર્ચામાં છે.
મેસેજિંગ એપ ટેલિગ્રામના માલિક એવા પાવેલ દુરોવ મૂળે રશિયન નાગરિક છે, પણ હાલ દુબઈમાં વસે છે. પાવેલે જાહેરાત કરી છે કે તેમનાં વીર્યદાનથી આઇવીએફ ટ્રીટમેન્ટ કરાવનાર મહિલાઓનો ખર્ચ તેઓ ઉઠાવશે અને તેમનાં વીર્ય દાન થકી અત્યાર સુધી જન્મેલા તમામ બાળકોને તેમની 17 બિલિયન ડોલરની સંપત્તિમાંથી હિસ્સો મળશે. જોકે એટલી શરત ખરી કે એ બાળકોનાં ડીએનએ તેમનાં ડીએનએ સાથે મેચ થવા જોઈએ.
12 દેશોમાં બાયોલોજિકલ બાળકો
41 વર્ષનાં પાવેલે 2024માં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તેમણે સ્પર્મ ડોનેશન થકી 12 દેશોમાં 100થી વધુ બાયાલોજિકલ બાળકોનો જન્મ થયો છે. પાવેલે 2010માં વીર્ય દાન શરૂ કર્યું હતું. એક મિત્રને સંતાન ન થતું હોવાથી પ્રથમવાર વીર્ય દાન કર્યું. ત્યારબાદ તેમણે મોસ્કોનાં અલ્ટ્રાવિટા ફર્ટિલિટી ક્લિનિકમાં વીર્યદાન શરૂ કર્યું.
અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલનાં અહેવાલ અનુસાર કિલનિકમાં પાવેલના સ્પર્મની માંગ વધવા માંડી. જોકે તેઓ સીધું વીર્ય દાન નથી કરતા પણ જૂના સેમ્પલ સ્ટોર થયેલા છે અને માત્ર 37 વર્ષ સુધીની અપરિણીત મહિલાઓને જ વીર્યદાન કરે છે, જેથી કોઈ કાનૂની સમસ્યા ન નડે.
2024માં ક્લિનિકે માર્કેટિંગ કેમ્પેઇન શરૂ કર્યું, જેમાં પાવેલ દુરોવનાં સ્પર્મને હાઈ જિનેટિક કમ્પેટિબિલિટી ધરાવતા હોવાનું જણાવ્યું. ક્લિનિકની વેબસાઈટ પર પોવેલનાં ફોટો સાથે ટેલિગ્રામનો લોગોવાળું બેનર લગાવેલું હતું. જે બહુ ડિમાન્ડ ધરાવતા સ્પર્મને પ્રમોટ કરતું હતું.
ઓક્ટોબર 2024માં પાવેલે એક પોડકાસ્ટમાં જાહેર કર્યું હતું કે જે બાળકોનાં ડીએનએ મારાં ડીએનએ સાથે મેચ થશે તેમને આજથી 30 વર્ષ બાદ, મારા અવસાન પછી મારી સંપત્તિમાં ભાગ મેળવવાનો અધિકાર હશે. પોવેલની આ જાહેરાત બાદ અનેક માતાઓએ મેસેજ કરીને દાવો કર્યો હતો કે તેમનું સંતાન પાવેલનાં શુક્રાણુથી જન્મ્યું છે.
પાવેલનાં કહેવા પ્રમાણે, વિશ્વભરમાં પુરુષોનું વાંઝિયાપણું અને ઘટતા જતા સ્પર્મ કાઉન્ટની સમસ્યાને ઉકેલવા તેમણે વીર્યદાન શરૂ કર્યું છે. 2024માં ટેલિગ્રામ પર તેમણે લખેલું કે પ્લાસ્ટીક પ્રદૂષણ જેવા પર્યાવરણીય કારણોસર વિશ્વભરમાં તંદુરસ્ત શુક્રાણુની અછત ગંભીર સમસ્યા બની રહી છે. મને ગર્વ છે કે મેં આ કામમાં મારું યોગદાન આપ્યું છે.
કુલ નેટવર્થ 17 બિલિયન ડોલર
ફોર્બ્સ મેગેઝીન પ્રમાણે પાવેલની નેટવર્થ 17 બિલિયન ડોલર છે જેમાં મોટા ભાગનો હિસ્સો ટેલિગ્રામનો છે. તેઓ પોતાની સંપત્તિ માટે નોન-પ્રોફ્ટિ ફાઉન્ડેશન બનાવવાની યોજના ધરાવે છે. તેમની પાસે 2013માં ખરીદેલા બિટકોઈન પણ છે. અનેક ઈન્ટરવ્યુ અને પબ્લિક પોડકાસ્ટમાં તેઓ વીર્ય દાનને સામાજિક જવાબદારી ગણાવી ચૂક્યા છે. પાવેલ પોતે ત્રણ પાર્ટનરથી છ સંતાનોનાં પિતા બન્યા છે.પાવેલ રશિયા છોડીને દુબઈમાં સ્થાયી થયા તેની પાછળ પણ એક કહાની છે. તેઓ વાણી સ્વાતંત્ર્યનાં મુદ્દે સરકાર સામે પડયા હતા. તેઓ રશિયામાં હતા ત્યારે ફેસબુકનાં રશિયન વર્ઝન સમાન પ્લેટફોર્મ વીકોન્ટાકે પર વિરોધ પક્ષનાં નેતા એલેકસેઈ નવાલની સહિતનાં અનેક એક્ટિવિસ્ટ્સને પ્રમોટ કરતા હતા જે રશિયન સરકારને ન ગમ્યું.
2011માં સલામતી દળોએ યુઝર ડેટા આપવા અથવા તો વીકોન્ટાકે પરનો અંકુશ જતો કરવાનો વિકલ્પ આપ્યો. તેમણે બીજો વિકલ્પ સ્વીકાર્યો. સરકારનાં દબાણને પગલે 2014માં તેમણે પોતાનો હિસ્સો ક્રેમલીન સાથે સંકળાયેલી પ્રાઈવેટ ઇક્વિટી ફર્મને પોતાનો વેચી દીધો અને દુબઈ શિફ્ટ થઈ ગયા અને ટેલિગ્રામ મેસેજિંગ એપ શરૂ કરી. ટેલિગ્રામ ચેનલ પણ ઘણી વિવાદમાં આવી. ટેલિગ્રામ પર ડ્રગ ટ્રાફિકિંગ, બાળકો પર જાતીય દુર્વ્યવહાર કન્ટેન્ટ અને ફોડ સહિતની એક્ટિવિટીનો આક્ષેપ લાગ્યા હતા. એક વાર પોતાનાં પ્રાઇવેટ જેટમાં ફ્રાન્સ પહોંચેલા પાવેલની ફ્રેન્ચ પોલીસે ધરપકડ કરી હતી. જોકે થોડાં સમય બાદ તેમને છોડી મૂકવામાં આવ્યા.
ટેક વિઝનરી, ક્રેમલિનનાં બળવાખોર, એફએસબી એજન્ટ અને હેલ્થ ગુરૂ જેવા ઉપનામોથી ઓળખાતા પાવેલ પર રશિયન લેખક નિકોલાય કોન્નોવ બાયોગ્રાફી લખવાના છે.


