ટોરન્ટો સ્વામીનારાયણ મંદિરઃ પ્રમુખસ્વામી મહારાજનું સાકાર સ્વપ્ન

મિતુલ પનીકર Wednesday 26th June 2019 03:20 EDT
 
 

પ્રિય વાચકમિત્રો

અહીંનું વાતાવરણ એક સ્વપ્નની માફક જ મને દુવિધામાં મૂકતું રહ્યું છે પરંતુ, મને તેની પ્રત્યેક ક્ષણ ગમતી જાય છે. તાજેતરમાં મેં મારાં પતિ સાથે ટોરન્ટોના BAPS સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી અને અમારાં માટે તે અદ્ભૂત અનુભવ બની રહ્યો. એ કહેવાની જરૂર લાગતી જ નથી કે ગ્રેટર ટોરન્ટો એરિયા (GTA)માં ગુજરાતી સમુદાયની હાજરી ઘણી મજબૂત છે. ઈટાલિયન આરસ અને પથ્થરની મનોરમ્ય કોતરણી સાથે સુસજ્જ સ્વામીનારાયણ મંદિરની ભવ્યતાનો જોટો જડે તેમ નથી. અમે મંદિરમાં જઈ દર્શન કર્યા અને આશીર્વાદ મેળવી સભાખંડમાં ગયા અને સાથી ભક્તજનો સાથે અરસપરસ નવી ઓળખાણ પણ કરી. રસપ્રદ બાબત એ હતી કે કેટલાક ભાવિકો ધર્મે ખ્રિસ્તી હતા. મંદિરનાં વાતાવરણમાં અપાર દિવ્યતા હતી, જે મને અને મારા પતિને પરમ શાંતિનો અનુભવ કરાવી ગઈ.

જેઓ મંદિરના ઈતિહાસથી અજાણ હોય તેમને કહેવાનું કે ૨૨ જુલાઈ, ૨૦૦૭ના શુભ દિને આયોજિત સમારંભમાં આ મંદિરને પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે કેનેડાના લોકોને સમર્પિત કરાયું હતું. આ સમારંભમાં કેનેડાના વડા પ્રધાન સ્ટીફન હાર્પર, ઓન્ટારિયોના તત્કાલીન પ્રીમિયર ડાલ્ટન મેકગ્યુન્ટી, ભારતના તત્કાલીન હાઈ કમિશનર રાજામાન્જિનારાયણ તેમજ ટોરન્ટોના તત્કાલીન મેયર ડેવિડ મિલર પણ ઉપસ્થિત હતા. મંદિર સંપ્રદાય સાથે સીધા સંકળાયેલા હોય તેવાં માત્ર ૫૦૦ પરિવાર હતા પરંતુ, રોજ મંદિર આવતા ભક્તોની સંખ્યા વિશાળ હતી અને તેમાં તમામ ધર્મ અને પશ્ચાદભૂના લોકોનો સમાવેશ થતો હતો.

આ મંદિર વિશે વિચાર તો છેક ૧૯૭૩માં ઉદભવ્યો હતો જ્યારે, પૂજ્ય યોગીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરીને બે સદ્ગૃસ્થો, ભગવાનજીભાઈ માંડવિયા અને ઘનશ્યામભાઈ એમ. પટેલ અલગ અલગ રીતે કેનેડા આવ્યા હતા. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પત્રોમાંથી પ્રેરણા મેળવીને તેઓએ નિયમિતપણે રવિવારીય સત્સંગ સભાઓ યોજવાનો આરં કર્યો હતો. પૂજ્ય પ્રમુખ સ્વામી ૧૯૭૪માં કેનેડાની પ્રથમ મુલાકાતે આવ્યા ત્યારે નાયગ્રા ફોલ્સ નજીક યુનાઈટેડ મેથોડિસ્ટ ચર્ચમાં નાની સત્સંગસભા યોજવામાં આવી હતી. તેના બીજા વર્ષ સુધીમાં તો ૧૫ પરિવારો સત્સંગમાં સામેલ થયા. ચર્ચમાં દીવાળી અને અન્નકૂટની ઉજવણી કરાઈ હતી. પ્રમુખ સ્વામી ૧૯૭૭માં બીજી વખત કેનેડાની મુલાકાતે આવ્યા ત્યારે કેનેડાના તત્કાલીન સોલિસીટર-જનરલ બોબ કાપ્લાન સાથે મુલાકાત કરી હતી અને સંસ્તાની સત્તાવાર નોંધણી કરાવી હતી. ભગવાનજી માંડવિયાને પ્રમુખ અને ઘનશ્યામ એમ. પટેલને સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા હતા.

ભગવાન સ્વામીનારાયણ દ્વિશતાબ્દી ઉજમણી નિમિત્તે જાગૃતિ વધારવા સ્વામીશ્રીએ ૧૯૮૦માં ત્રીજી વખત કેનેડાની મુલાકાત લીધી હતી. આ પછી, ૧૯૮૪માં તેમની કેનેડાની ચોથી મુલાકાત વેળાએ મંદિરની સ્થાપનાનો નિર્ણય લેવાયો હતો. ૧૯૮૮માં તેમની પાંચમી મુલાકાત સમયે કેનેડાની પાર્લામેન્ટે પ્રમુખ સ્વામીના સમાજને યોગદાનને સન્માનિત કર્યું હતું. સ્વામીશ્રીએ ૧૯૯૦માં કેનેડાની છઠ્ઠી મુલાકાત દરમિયાન ટોરન્ટોમાં હરિમંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરાવી હતી. તેમણે ૧૯૯૧માં સાતમી મુલાકાત દરમિયાન ટોરન્ટોમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની આરસની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી. મંદિરની સ્થાપનામાં સતત સંકળાયેલા રહીને સ્વામીશ્રીએ ૧૯૯૪માં ફરી કેનેડાની મુલાકાત લીધી અને ૧૯૯૬માં તેમની હાજરીમાં જ શિખરબદ્ધ મંદિરના નિર્માર્ણ માટે એટોબિકોકમાં હાઈવે ૪૨૭થી દૂર ૧૮ એકર જમીન ખરીદવામાં આવી હતી. વર્ષ ૨૦૦૦માં તેમણે નવા BAPS મંદિર માટે શિલાન્યાસવિધિ પણ કરી હતી. વર્ષ ૨૦૦૪માં સ્વામીશ્રીની ૧૧મી મુલાકાત દરમિયાન પરંપરાગત હવેલીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

મંદિરને કેનેડાના ઈતિહાસનો હિસ્સો બનાવવામાં સ્વામીશ્રીના સતત ખંત અને ચીવટની મોટી ભૂમિકા રહી છે. જોકે, ૨૦૦૫થી ૨૦૦૭ના સમયગાળામાં મંદિરનિર્માણમાં સેંકડો કલાકોની સેવા આપનારા અનેક સ્વયંસેવકો પણ સ્વામીશ્રીની મદદમાં રહ્યા હતા. તેઓએ આ પ્રોજેક્ટ સંપૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરવા જેવી સાદગીપૂર્ણ તપસ્યાઓ પણ આદરી હતી. ભક્તો દરરોજ નિર્જળા ઉપવાસ કરતા હતા. આમ, ભક્તજનો દ્વારા વિવિધ, શ્રેણીબદ્ધ ઉપવાસ યોજવામાં આવતા હતા. થોડાં સમય પહેલા જ દેશમાં આવનારા ઘણાં લોકોએ તેમની તમામ બચત મંદિરના નિર્માણ માટે દાનમાં આપી દીધી હતી.

બાળકો અને તરુણો મંદિરને સ્વચ્છ અને સલામત રાખવામાં મદદ કરે છે. દર મહિનાના પ્રથમ રવિવારે મહિલાઓ અહીં એકત્ર થઈ ‘માલાથોન’ની રચના કરે છે, જેમાં મંદિર માટે પ્રાર્થના કરવા તેઓ મોટી માળાના સ્વરુપમાં ગોઠવાય છે.

આ મંદિરનો પ્રત્યેક પથ્થર અને પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સ્વપ્નને સાકાર કરવામાં સહભાગી બનેલા તમામ લોકોના પરિશ્રમનું સંયોજન અનુપમ ઈતિહાસની રચના કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter