ડો. પી.જે. મહેતા: હિન્દ સ્વરાજથી આઝાદ હિન્દ ફોજ!

(ઘટના દર્પણ)

- પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા Tuesday 14th July 2026 10:08 EDT
 
 

આશ્રમ માર્ગ પર એક ઐતિહાસિક શિક્ષણ સંસ્થાન છે ગૂજરાત વિદ્યાપીઠ. તેના લીલાછમ પરિસરમાં એક સ્થાનનું નામ છે ડો. પ્રાણજીવનદાસ મહેતા ભવન. અહીં સભાઓ થાય છે, કાર્યક્રમો યોજાય છે, રોજ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ચરખો કાંતે છે, ગાંધીજીને પ્રિય ભજનો અને પ્રાર્થનાના સ્વર ગુંજે છે.

કોણ છે આ પ્રાણજીવન મહેતા?
1925માં ગૂજરાત વિદ્યાપીઠની આ ઇમારત બની. ઇરાદો રાષ્ટ્રીય શિક્ષણ આપવાનો હતો. કોલકાતા, લાહોર સહિત અન્યત્ર આવી રાષ્ટ્રીય શિક્ષણની શરૂઆત કરવામાં આવી. લાહોરમાં તેના વિદ્યાર્થીઓ હતા સરદાર ભગતસિંહ, ભગવતીચરણ વોહરા, સુખદેવ. અહી અમદાવાદમાં ગાંધીજીએ પાલડીમાં ડાહ્યાભાઇ ઈજ્જતરામ વકીલના બંગલામાં ગૂજરાત વિદ્યાપીઠનો પ્રારંભ કર્યો હતો. 15 નવેમ્બર, 1920. પાંચ વર્ષ પછી આશ્રમ માર્ગ પરનું હાલનું મકાન થયું. વિદ્યાપીઠના પ્રથમ વિદ્યાર્થીઓમાં રંગ અવધૂત, બળવંતરાય મહેતા, મગનભાઇ દેસાઇ વગેરે હતા. પછી 1930 દરમિયાન, ભાવનગરના ઉમરાળાના તરુણ કૃષ્ણકાન્ત શ્રીધરાણીએ પ્રવેશ મેળવ્યો અને દાંડી યાત્રામાં સૌની સાથે દાંડી પણ ગયો. ત્યાં રચેલી ‘સપૂત’ કવિતા ગાંધીજીને બતાવી તો તેમણે પ્રતિભાવ આપ્યો કે આના કરતાં આટલો સમય રેંટિયા પર કાંતણકામ કરવું જોઈતું હતું! જોકે ગાંધીજી વિશેના ઉત્તમ કાવ્યોમાંના એક તરીકે તે કાવ્ય જાણીતું બન્યું હતું.

વિદ્યાપીઠની ઇમારત માટે સૌથી મોટું દાન ડો. પ્રાણજીવન મહેતાએ 2,50,000 રૂપિયા આપ્યું. સરદારે કાળજીપૂર્વક તેનો બાંધકામમાં ઉપયોગ કર્યો. આ પરિસરમાં એક ડો. પ્રાણજીવન મહેતા સભાખંડ છે, બીજું મહાદેવ દેસાઇ સમાજસેવા મહાવિદ્યાલય છે. કાકાસાહેબ કાલેલકર, આચાર્ય કૃપલાણી, ધર્માનન્દ કોસંબી, પંડિત સુખલાલજી, મુનિ જિનવિજયજી, રસિકલાલ છો. પરીખ, પંડિત બેચરદાસ, કિશોરલાલ મશરૂવાળા જેવા ‘વિદ્વાન શિક્ષકો’ હતા. તો ગાંધીજી, સરદાર, રાજેન્દ્રપ્રસાદ, ડો. રાધાકૃષ્ણન્, મોરારજીભાઈ દેસાઇ, ઇલાબહેન ભટ્ટ વગેરેના દીક્ષાંત પ્રવચનો પણ થયાં. તેની કડીમાં આર્યસમાજ અને ગુરુકુળ સાથે સંકળાયેલા વર્તમાન રાજ્યપાલ દેવવ્રત આચાર્યનો ઉમેરો થયો છે.
પણ, આજે વાત તો કરવી છે ડો. પ્રાણજીવન મહેતાની. આછીપાતળી માહિતી મળે છે તેમાં તેમને ગાંધીજીથી પ્રભાવિત હોવાનું જણાવાય છે, પણ આ અદ્દભુત વ્યક્તિના જીવનનું બીજું પાસું એટલે મ્યાંમાર (બર્મા)માં નેતાજી સુભાષચંદ્ર બોઝની આરઝી હકૂમત સરકાર અને આઝાદ હિન્દ ફોજમાં સંપૂર્ણ સક્રિય રહ્યા તે છે. એટલું જ નહીં, મહેતા પરિવાર આખો નેતાજીના આઝાદી-અધ્યાયમાં જોડાયો હતો.
રંગુનમાં તેમની હીરાના વ્યાપારની કંપની હતી. બર્મીઝ રાષ્ટ્રવાદીઓ, હિન્દુ સોશિયલ ક્લબ વગેરે ઉપરાંત મદનજિતના અખબાર ‘યુનાઈટેડ બર્મા’ને પણ આગળ ચલાવ્યું. 1929માં ગાંધીજી બર્માની મુલાકાતે ગયા ત્યારે તેમના નિવાસસ્થાને રહ્યા હતા. સ્વેડાગોન પેગોડા પાસેનું મહેતાજીનું ઘર પછીથી રાસબિહારી બોઝ, સુભાષચંદ્ર બોઝ, દેવનાથ દાસ, ફોજના અફસરો, કેપ્ટન લક્ષ્મી વગેરેનું કાર્યાલય જ બની ગયું હતું જાણે! એવી માહિતી મળે છે કે ગાંધીજીને લખેલા પત્રોને નષ્ટ કરવાનું ડો. મહેતાએ કહ્યું હતું, એટલે સંપૂર્ણ દસ્તાવેજ મળતા નથી.

જે વિગતો મળે છે તે પ્રમાણે લંડન ટેમ્પલમાં અભ્યાસ કરતા પ્રાણજીવન સાથે ગાંધીજીની મુલાકાત 1886માં થઈ હતી. મહેતા પછીથી ઈન્ડિયા હાઉસના ક્રાંતિકારો સાવરકર, શ્યામજી કૃષ્ણવર્મા, બેરિસ્ટર રાણા, મેડમ કામા અને મદનલાલ ધિંગરાની સાથે પરિચયમાં આવ્યા અને તે ક્રાંતિ-પ્રવૃત્તિમાં સામેલ રહ્યા. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી લંડન ગોળમેજી પરિષદમાં ગયા ત્યારે તેમણે પણ ‘ઈન્ડિયા હાઉસ’ની મુલાકાત લીધી હતી. મદનલાલ ધિંગરાએ કર્ઝન વાયલીને જાહેરમાં ગોળીથી ઠાર કર્યો અને તેને માટે ફાંસી મળી તેનાથી ગાંધીજી વ્યથિત હતાં. હિંસાનો માર્ગ તેમને ગમ્યો નહિ એટલે પ્રતિક્રિયા સ્વરૂપે પુસ્તક ‘હિન્દ સ્વરાજ’ લખ્યું, તેમાં જે પ્રશ્નકર્તાઓ નોંધ્યા તેમાં ડો. મહેતા હતાં!

‘હિન્દ સ્વરાજ’થી આઝાદ હિન્દ ફોજ... ડો. મહેતાની જીવનયાત્રાના આ બે મોટા પડાવ. 1899માં પ્રાણજીવન મહેતા રંગુનની મગનલાલ પ્રાણજીવન કંપનીમાં જોડાય છે. એ પૂર્વે મુંબઈ હતાં ત્યારે તેમનું મકાન હતું તે પછીથી 1920થી ગાંધીપ્રવૃત્તિનું ‘મણિભુવન’ બની ગયું તે હજુ જાણીતું છે. તેના પરિવારમાં છગનલાલ મહેતા, નીલમ મહેતા, રમા મહેતા. આ નીલમ અને રમા તો આઝાદ હિન્દ ફોજની ઝાંસી રાણી રેજિમેન્ટની બહાદુર સૈનિકાઓ બની. મણિલાલ નૌતમલાલ મહેતાના પુત્ર નિરંજન મહેતાએ પ્રાણજીવન મહેતા વિષે બને તેટલી વિગતો મેળવવા પ્રયાસ કર્યો અને બ્લોગમાં તેની વિગતો આપી છે. મુંબઈ-નિવાસી નિરંજનભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન ચાલે છે, જેથી બર્માની તેમની અવાચક રહેલી કહાણી મળે.

ગુજરાતનું આ એક મોટું તેજ-નક્ષત્ર હતાં, તેનું વિસ્મરણ થવું જોઈએ નહીં. કેવી રીતે તેઓ નેતાજીને મળ્યા, નૌતમલાલ મહેતાનું 3200 એકરનું ફાર્મ કઈ રીતે સ્વતંત્રતાનું પ્રવૃત્તિ કેન્દ્ર બની રહ્યું, નૌતમલાલ મહેતાના પુત્ર મણિલાલને ત્યાં નેતાજી એક આખું સપ્તાહ આઝાદ હિન્દ ફોજની આર્થિક સહાય માટે રહ્યા હતાં, મ્યાંમારમાં એક વજુકાકા મહેતાએ કેવી મહત્વની ભૂમિકા ભજવી, ધોરાજીના મેમણ શ્રીમંત અબ્દુલ હબીબ યુસુફ મરફાનીએ એક કરોડ રૂપિયા અર્પિત કર્યા, દ્વારિકાના રંગુનનિવાસી હેમરાજ બેટાઈ અને હીરાબહેન બેટાઈએ મંગલસૂત્ર સહિતની તમામ મિલકત અર્પિત કરી દીધી. આઝાદ હિન્દ ફોજના 60,000 સૈનિકોનાં બલિદાની કષ્ટની કેવી મહાન કથા છે. તેની વિગતો ભારતીય જંગના ટોકિયોથી ઇમ્ફાલ સુધીના સમર્થ પુરુષાર્થનો મહા-અધ્યાય છે, તેમાં જે ગુજરાતી પરિવારોએ ભૂમિકા ભજવી તે અસામાન્ય છે.
રમાબહેન મહેતા તો બે વર્ષ પૂર્વે સુધી મુંબઇમાં રહેતા હતાં. તેમને મળવાનું સંભવ બન્યું હોત તો ઘણી વિગતો પ્રાપ્ત થઈ શકી હોત. નિરંજન મહેતાના પુત્રી અંજલિ મહેતાએ આવો પ્રયાસ કરીને બર્માનો પ્રવાસ કર્યો હતો તેમ નિરંજનભાઈની નોંધમાં છે. 2009માં તેમણે ઘણા દસ્તાવેજો મેળવ્યા હતા તેનું દસ્તાવેજી પુસ્તક ગૂજરાત વિદ્યાપીઠે કરવું જોઈએ. હાલના કુલપતિ હર્ષદ પટેલ આ પ્રકાશન માટે સક્રિય થાય તો વિદ્યાપીઠના સ્થાપક દાનવીરને યોગ્ય અંજલિ આપી ગણાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter