તમારી ફિંગરપ્રિન્ટ્સ એટલે કુદરતની કમાલ!
અપરાધીને પકડવાના હોય કે કોઈ દસ્તાવેજની સત્યતા ચકાસવાની હોય ત્યારે ફિંગરપ્રિન્ટની સહાય લેવામાં આવે છે. વિશ્વમાં કોઈ પણ બે વ્યક્તિની ફિંગરપ્રિન્ટ્સ અથવા તો આંગળાના નિશાન એકસરખાં હોતાં નથી, જે જિનેટિક્સ અને ગર્ભાવસ્થા દરમિયાન થતી પ્રક્રિયા થતી કુદરતની કમાલ દર્શાવે છે. ફિંગરપ્રિન્ટ્સની મૂળભૂત ડિઝાઇન જન્મથી લઈને મૃત્યુ સુધી એકસરખી જ રહે છે અને તેમાં કોઈ કુદરતી ફેરફાર થતો નથી. તે તમારું કાયમી ઓળખચિહ્ન છે. ફિંગરપ્રિન્ટ્સની પેટર્ન્સ અથવા બ્લુપ્રિન્ટ્સ વારસામાં મળેલા માતાપિતાના જનીનો થકી નક્કી થાય છે. એક જ પરિવારના સભ્યોના ફિંગરપ્રિન્ટની પેટર્નમાં ક્યારેક સમાનતા જોવા મળી શકે છે. જોકે, એ દેખાવમાં એકસરખી લાગવા છતાં, હકીકતમાં એકસરખી હોતી નથી! ફિંગરપ્રિન્ટની યુનિક ડિટેઇલ કે લાક્ષણિકતા ગર્ભાવસ્થામાં તૈયાર થાય છે. માતાના ગર્ભમાં બાળકનો વિકાસ થતો હોય ત્યારે આંગળીના ટેરવાં પર ત્વચાના સ્તરો બનવાના શરૂ થાય છે. ત્વચાના આ સ્તરો પર અનેક પરિબળોની અસર થાય છે. જોડિયા ભાઈબહેન કે ટ્વીન્સના DNA એક જ માતાપિતામાંથી ઉતરવા છતાં, તેઓ લગભગ બધી રીતે એકસરખા દેખાતા હોવા છતાં તેમની ફિંગરપ્રિન્ટ્સ અલગ-અલગ હોય છે કારણકે ગર્ભાશયમાં તેમનો વિકાસ બે અલગ વ્યક્તિ તરીકે થાય છે. તેમની આંગળીઓના ટેરવાં પર લાગતું દબાણ અને વિકાસના અન્ય પરિબળો અલગ હોય છે, જે તેમની ફિંગરપ્રિન્ટને એકબીજાથી અલગ બનાવે છે. ઉંમર વધવા સાથે ત્વચાની સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી ફિંગરપ્રિન્ટની રેખાઓ (ridges) થોડી પાતળી અને ઓછી ઊંડી થઈ શકે છે. આનાથી પ્રિન્ટની સ્પષ્ટતા ઘટી શકે છે, પરંતુ તેની મૂળભૂત પેટર્ન બદલાતી નથી.
•••
બ્રહ્માંડની વિશાળતા કે કદને સમજવું અતિ દુષ્કર છે
આપણા યુનિવર્સ અથવા બ્રહ્માંડની વિશાળતા કે કદને સમજવું દુષ્કર છે કારણકે આપણું જ્ઞાન મર્યાદિત છે અને બ્રહ્માંડો પણ અગણિત છે. આપણે જેટલા ટેલિસ્કોપ અને મિશન લોન્ચ કરીએ છીએ તે આપણા સૌરમંડળથી બહાર શું છે તેનો થોડો હિસ્સો જ સમજાવી શકે છે. આપણી પૃથ્વી જ આપણી મિલ્કી વે- આકાશગંગા (ગેલેક્સી)માં આશરે 3.2 ટ્રિલિયન (એક ટ્રિલિયન એટલે 1000,000,000,000ની સંખ્યા) પ્લેનેટ્સમાંથી એક જ છે. મગજ કામ નહિ કરે, પરંતુ આપણો સૂર્ય પણ આ જ ગેલેક્સીના કેન્દ્રમાં પ્રદક્ષિણા કરી રહેલા આશરે 200 બિલિયન તારામાંથી એક છે. આનાથી પણ આગળ વિચારીએ તો જે બ્રહ્માંડ આપણી વિજ્ઞાનની નજરે નિહાળી શકાય તેમાં આશરે 2 ટ્રિલિયન ગેલેક્સીઓમાંથી એક આપણી દૂધગંગા કે મિલ્કી વે ગેલેક્સી છે. બિલિયન્સ તારાઓ, ટ્રિલિયન્સ ગ્રહો તેમજ એકબીજાથી બિલિયન્સ પ્રકાશવર્ષના અંતર સુધી વિસ્તરેલી ગેલેક્સીઓ, આંકડા વાંચીને કે વિચારીને પણ ચક્કર આવી જાય. આ તમામ બાબતોને વિચારીએ ત્યારે આપણો પૃથ્વી ગ્રહ કેટલો નાનો અને નાજૂક છે તે સમજી શકાય. મિલ્કી વે ગેલેક્સીમાં દરેક સ્ટાર પોતાની ગ્રહમાળા સિસ્ટમ ધરાવતા હશે અને પોતાની રીતે અનોખાં પણ હશે. આમ છતાં, જીવન શક્ય છે તેવો એકમાત્ર ગ્રહ પૃથ્વી હોવાનું આપણે જાણીએ છીએ.


